સહિયર સમીક્ષા .
- હું 19 વર્ષની છું. હું એક યુવકના પ્રેમમાં છું. મારે તેની સાથે લગ્ન કરવા છે. પરંતુ તે ભાવનગરનો છે. આથી મારી મમ્મી મને આટલે દૂર મોકલવા તૈયાર નથી.
બહાર ગયા હોઈએ ત્યારે વીશી-લોજ, રેસ્ટોરાં કે ધાબામાં નાસ્તો કરાય કે નહિ ?
''મારા પતિને બહાર હૉટલમાં નાસ્તો કરવાની બહુ ટેવ છે. તેમનો ધંધો એવા પ્રકારનો છે કે ખાવાનો વખત મળતો નથી અને શહેરમાં દૂરથી ઘરે જમવા આવવાને બદલે હૉટલના નાસ્તાથી ચલાવી લે છે.
અમને પણ રજાના દિવસે કે અનુકૂળતાએ બહાર સાંજના ફરવા લઈ જાય છે ત્યારે રાંધવામાં રજા રાખી અમે પણ બાળકો સાથે બહાર જ ખાઈ લઈએ છીએ. હૉટલ કે બહારના નાસ્તા પ્રત્યે ઘણા બધા નારાજગી વ્યક્ત કરે છે. હૉટલમાં નાસ્તો કરાય કે નહિ?''
એક મહિલા (અમદાવાદ)
* રોગચાળો ચાલતો હોય ત્યારે તો બહારનું ખાવાપીવાનું ટાળવું.
કદાચ હૉટલમાં નાસ્તો કરવો હોય તો સાફ-ચોખ્ખી-ઢાંકેલી તથા તાજી વાનગીઓ આપતી હૉટલ પસંદ કરવી ગરમ, તળેલું ખાવાથી જંતુનો નાશ થવાથી તે સારું. પણ પાચન શક્તિને અનુકૂળ આવવું જોઈએ.
હૉટલના નાસ્તામાં પોષક તત્વો પ્રમાણમાં ઘણા ઓછા હોય છે. નાસ્તો બનાવવામાં, જાળવી રાખવામાં, પીરસવામાં શુદ્ધ હોવું, સ્વસ્છ વાસણો હોવા, માખી, જંતુ સામે રક્ષણ આપવું વગેરેમાં ઘર જેટલી કાળજી હૉટલના ભાડુતી નોકરો ન જ રાખે તે સ્વાભાવિક છે.
આશા રાખું છું કે તમે પણ હરી-ફરીને હૉટલમાં નાસ્તો કરતા પહેલા તમારા હાથ મોં બરાબર ધોઈને જ નાસ્તો કરતા હશો તથા બાળકોને પણ તે જ પ્રમાણે અનુસરવા કહેતા હશો.
ગરમ સીંગ જેવો પૌષ્ટિક અને સસ્તો નાસ્તો પણ લઈ શકાય. તમારા પતિને વિકલ્પમાં સાથે નાસ્તા બોક્સ આપી શકાય. અથવા તમારા પતિ તાજો બ્રેડ લઈ ચા-દૂધ સાથે ઑફિસે પણ લઈ શકે.
સુંદર સ્વચ્છ આકર્ષક હૉટલમાં પણ કર્મચારીઓ ગંદા તેમજ કુટેવવાળા હોય તો પણ નાસ્તો દુષિત થવાનો સંભવ ઘટે.
શહેરમાં ડેરીનું દૂધ બંધ બાટલીમાં તથા ડેરીનો આઈસ્ક્રીમ તથા દૂધના શરબતો પણ મળે છે.
સાર્વજનિક સ્થાન હૉટલ, ભોજનાલય, પાણીની પરબ, સિનેમાગૃહ વગેરે જગ્યાએ પાણી માટે મોટા વાસણો કે ટાંકી હોય છે. આને રોજ-રોજ સાફ કરવામાં આવતા નથી તથા ઘણીવાર આમાં હાથ નાખીને પાણી લેવામાં આવે છે આ પાણી ચોખ્ખું રોજનું તાજે તાજું ઢાકેલું પણ ઘણીવાર નથી હોતું. આથી ઘણીવાર આ પાણી પણ તંદુરસ્તીને હાનિકારક સાબિત થઈ શકે છે. આથી મુખ્યત્વે રોગચાળા વખતે તો હોટલ કે સાર્વજનિક સ્થળોનું ખાવા-પીવાનું ટાળવું જોઈએ.
હું ૧૯ વર્ષની છું. હું એક યુવકના પ્રેમમાં છું. મારે તેની સાથે લગ્ન કરવા છે. પરંતુ તે ભાવનગરનો છે. આથી મારી મમ્મી મને આટલે દૂર મોકલવા તૈયાર નથી. આ ઉપરાંત હું મારા પપ્પા અને ઘરનાને આ વાત કહી શકતી નથી. તે યુવક મને કહે છે કે તુ તારા ઘરનાને વાત કરી દે પછી હું લડવા તૈયાર છું. અમારી જ્ઞાાતિ કરતા તેની જ્ઞાાતિ ઊંચી છે. આથી એના પરિવારજનો મને સ્વીકારશે કે નહીં એ એક પ્રશ્ન છે. હું તેને ભૂલી શકું તેમ નથી. મારા પપ્પા સમક્ષ આ પ્રસ્તાવ કેમ રજૂ કરવો એનું માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (વલસાડ)
* તમારી મમ્મીને સમજાવો કે આજે મા-બાપ તેમની પુત્રીને સાત સમંદર દૂર કે બીજા લાંબા સ્થળે મોકલે છે. તો વલસાડ અને ભાવનગર વચ્ચે તો કંઇ અંતર કહેવાય નહીં. આમ તમારા મમ્મીને સમજાવી એમને તમારા પપ્પાને સમજાવવાનું કહો. આ ઉપરાંત આજે નાત-જાતના બંધન રહ્યા નથી. આથી ઘર, પરિવાર સારા હોય તો જાત ગૌણ બની જાય છે. પરંતુ તમારા બંનેની ઉંમર નાની છે આથી સમજી-વિચારીને નિર્ણય લેજો. નાદાનીમાં લીધેલા નિર્ણયને કારણે ભવિષ્યમાં પસ્તાવો વારો આવે છે. તમારો પ્રેમી પગભર થયા પછી જ લગ્નનો વિચાર કરજો.
હું ૨૦ વર્ષની છું. આમ તો મારું માસિક સામાન્ય છે. પરંતુ પાંચ દિવસને બદલે ૮-૧૦ દિવસ સુધી રહે છે. આ કારણે મને અસુવિધાનો અનુભવ થાય છે. જો કે મને કોઇ તકલીફ થતી નથી. મારે જાણવું છે કે શું આ સામાન્ય છે? કારણ કે, મારી બધી બહેનપણીઓને આટલા બધા દિવસો સુધી માસિક દેખાતું નથી.
એક યુવતી (ભાવનગર)
* આ તકલીફ સામાન્ય છે. ઘણી મહિલાઓને આ ફરિયાદ હોય છે. આ કારણે તમને નબળાઇ, એનિમિયા જેવી તકલીફ થવાની શક્યતા છે.
આથી તમે તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. જેથી તમને આ પ્રકારની કોઇ તકલીફ હોય તો તેનો ઇલાજ થઇ શકે. પરંતુ ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
- નયના