વાચકની કલમ .
એ બહુ જરૂરી છે....
શબ્દો સમજાય ને ન વાગે!
સબંધ સચવાય ને મન ન કચવાય!
સત્યની શોધમા, ગમે તેટલુ આગળ
નીકળી જાવ હું સમય
રહેતા પાછુ વળવુ
દુઃખના દિવસો જલદીથી
સુખના દિવસો ધીરે-ધીરે જાય
એ બહુ જરૂરી છે..
દીપક બુઝાય એ પહેલા
ઝળહળી જવાય,
અંતે ભળી જવુ રાખમાં..
એ છે ખબર પરંતુ દોડે જાવ છું!
ઊંડાઈ વિસરાઈ ન જાય
લંબાઈ અને પહોળાઈ માપવામાં!
આંખો ચમકી જાય,
એક મેકને જોઈને!
સંવાદ સર્જાય કે નહિ
એ અગત્યનું નથી
એ બહુ જરૂરી છે..
વ્યક્તિએ ઝઝુમતા રહેવુ
અસ્તિત્વથી અંત સુધી
એ બહુ જરૂરી છે..
સબંધ સચવાય
અને મન ન કચવાય
એ બહુ જરૂરી છે..
મુકેશ ટી. ચંદારાણા
(મીઠાપુર)
હસી તો જુઓ
આંખોમાં છુપાયેલા લાખો સપના
ક્યારેક ખુલી આંખે માણી તો જુઓ
એટલી પણ મંઝિલ દૂર નથી
ક્યારેક એક કદમ ચાલી તો જુઓ
રસ્તા પર મળતું નથી એમ જ કંઈ
બે ડગલા આગળ વધી તો જુઓ
સપના પણ પૂરા થઈ શકે છે
થોડી હિંમતથી કામ કરી તો જુઓ
લોકો કહે છે ભગવાન આપતા નથી
અરે! તમે પણ મહેનત કરી તો જુઓ
મળી છે જ્યારે આ અનમોલ જિંદગી
બધા દુખો ભૂલી, હસી તો જુઓ
- રૂપલ ધર્મેશ ગંગાજળિયા (નિકાવા)
ગુપ્તતા દાને રખાય
દાનમાં એ જીવ ખરચે કમાણી
જેના હૈયામાં ઉદારતા સમાણી
દુઃખી જન દેખીને દિલ દુભાય
સહાય કરવા હાથ લંબાવાય
સમજે ધન મળ્યું દાન કરાય
મનથી સદાચ વિશાળ થવાય
સ્વાર્થની સાંકળ જો ના બંધાય
પરમાર્થ કરવા જાગૃત એ થાય
'લઘુગોવિંદ' દાન જે કરાય
પૂરી ગુપ્તતા એ દાને રખાય
ધનજી કાનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)
તમે જ
રમુઝને થીંગડાં મારવા તે
અઘરામાં અઘરું કામ છે
નવું કાપડ સીવવું અતિ સરળ છે
પણ,
હેતના ઢેબા તો તમે જ મારી શકો
રસ્તાએ પડેલા પાણા
પહેલા ઉઠાવ્યા તમે
રમુઝરૂપી સંદેશો આપી,
આંગળી ચિંધી તમે
અંતરના હિલોળાને
માર્ગ તમે જ બતાવ્યો
સાગરના નીરને સમાવ્યા
તમે જ એક લોટામાં
જીવનની ઘટતી ઘટનાઓને
સરળતાથી સમજાવી
શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)
સત્કાર્યની સરિતા
સરવાળા સત્કર્મોનાં કર્યા
બાદબાકી બુરાઈની કરી
ગુણકાર સદ્ગુણોનાં કર્યા
ભાગાકાર અભિમાનનાં કર્યા
સૌના પ્રત્યે પ્રેમ સ્નેહ રાખ્યા
અનાથ અપંગનાં આંસુ લુછ્યા
છતાં સૌએ મને ઘેલો કહ્યો
સત્ય કહું છું- સૌની
સેવામાં આનંદ મળ્યો
હું નથી મનનો મેલો
જગત ગમે તે કહે
મેં તો સફળતા શાંતિનાં સ્વાદ ચાખ્યા
ગરીબોમાં મને દર્શન પ્રભુનાં થયા
સતીશ ભુરાની
કોમળ ફૂલ
ફૂલને ફૂલ ના આપશો
પ્રેમથી શૂળ ના આપશો
દૂર તો જઈ રહ્યાં છે સખી
પાછળથી બૂમ ના આપશો
આપવું હોય તો આપો દિલ
આંસુનું પૂર ના આપશો
લાગણીની સુરા પીધી છે
જામના સૂર ના આપશો
અંદર જે સ્પર્શીને બાઝે એ
યાદોની ધૂળના આપશો
દર્શિતા બાબુભાઈ શાહ (અમદાવાદ)
પહેલી પ્રીત
તમે હળવેથી પોપણો ઉઠાવી
નજર ભરીને જોઈ લો મને
મારા રૂદયામો વળશે ટાઢક
કે જતાં ફરી જોઈ લો મને
હું બેસીશ પંથના ચોબારે
તમે વળતા દર્શન દઈ દેજો
હું તો જોઈશ તમારી રાહ
પ્રિયે જાજું મોડું ન કરશો
આ પ્રિત છે પહેલી મારી
તમે દલડાના દાન કરી દેજો
જો વળતાં જુવે કોઈ જુવાન
તો ઘુંઘટનો છેડો તાણી લેજો
નિત્ય અહીં છે મારો મુકામ
તમે સથવારો કરતા રહેજો
ભવ ભવનાં ભાંગી દો મ્હેણાં
મારા તનમાં પ્રાણ બની રહેશો
મને એક તમારી છે આશા
ભવસાગર પાર કરી દયો
હવે જાજું શું બોલવું તમને
તમે થોડામાં સમજી લેજો
રામજી ગોવિંદ કુંઢડિયા (મુંબઈ)
આકર્ષણ
આકર્ષણ મને અંધારાનું
જેમ મરજીવાને છીપમાં મોતીનું
અંધારામાં મને દિસે અજવાળુ
આ છે મારી હકારમાં
જીવવાની ખોજ
હકારમાં જીવવાથી મળે મોજ
કદીય ના થાય નિરાશા
એવું છે આ આત્મચિંતન
આકર્ષણ મને અંધારાનું
અંધારામાં ગોથાં લગાવી
શોધુ હું તો મોતી
પળ પળ સાથ દેતું મને આ અંધારું
કોઈને લાગે આ અજબ,
પણ આ છે મારી રીત
આ તો છે સુખિયા થવાની રીત
કદીય દુઃખી ન થાય જે અપનાવે આ રીત
અંધારામાં તો જોવ હું અજવાળું
નિષદીન હું તો
નિહાળું સપના અંધારામાં
આકર્ષણ મને અંધારાનું
અંધારામાં મને સુરજ ઉગતો દેખાય
જે કદી ડૂબતો નથી એવો સુરજ
આવા અંધારાથી કોઈ
ભાગે કેવી રીતે
એકવાર અંધારાને દોસ્ત બનાવી તો જો
જગત તારી સામે ઝુકી જશે
અંધારું તો નિશદિન પગલાં
પાડતું મારાં જીવનમાં
એને પુજુ હું જેમ કોઈ દેવને
આકર્ષણ મને અંધારાનું
અલકા મોદી (મુંબઈ)