Get The App

ચટપટી ચટણી ચટાકેદાર અથાણાં

Updated: May 23rd, 2023


Google NewsGoogle News
ચટપટી ચટણી ચટાકેદાર અથાણાં 1 - image


દાવત

આખા લાલ મરચાંનું અથાણું 

સામગ્રી ઃ 

૫૦૦ ગ્રામ મોટાં લાલ મરચાં (અથાણાં માટેનાં), ૧૦૦ ગ્રામ આમચૂર, ૧૦૦ ગ્રામ આખા ધાણા, ૨૫ ગ્રામ સૂકી મેથી, ૨૫ વરિયાળી, ૧૦ ગ્રામ ક્લોંજી, ૧ ચમચો હળદર પાઉડર, ૫૦૦  મિલીલિટર તેલ તથા મીઠું સ્વાદ મુજબ.

રીત ઃ 

 મરચાંને લૂછીને તેનાં ડીટિયાં કાઢી નાખો. તેને થોડીવાર તડકામાં સૂકવો. આખા મસાલાને એક પેનમાં શેકીને તેને પીસીલો. પછી તેમાં મીઠું અને તેલ મિક્સ કરો. પછી જ્યાંથી મરચાંના ડીટિયા કાઢ્યાં હતા તે જગ્યાએથી મસાલો સરખી રીતે અંદર ભરી દો. એક અઠવાડિયા સુધી તડકે સૂકવો તથા વચ્ચે વચ્ચે હાથફેરો કરો. આખા મરચાનું આ અથાણું આખું વર્ષ ખરાબ નહીં થાય. પૂરી, પરોઠાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

ચટપટી ચટણી ચટાકેદાર અથાણાં 2 - image- સીંગદાણાની ચટણી

સામગ્રી ઃ ૧/૨ કપ શેકલા સીંગદાણા, ૧/૨ કપ દહીં, ૨ લીલા મરચાં, ૧ ચમચો છીણેલું નાળિયેર, ૧ મધ્યમ ડુંગળી, ર કળી લસણ, વઘાર માટે રાઈ, લીમડો, તેલ, મીઠું.

- રીત ઃ 

ચટણીની બધી સામગ્રી મિક્સરમાં પીસી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ  અને લીમડો નાખી તે વઘાર ચટણીમાં મિક્સ કરી દો. પૌષ્ટિક્તાથી ભરપૂર આ ચટણી પૂડલા, ઢોસા કે ઢોકળાં સાથે ખાઈને લિજ્જત માણો.

ફ્રૂટ તથા સૂકા મેવાની ચટણી

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ આંબોળિયાં, ૧૦૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ ગોળ, ૫૦ ગ્રામ કિસમિસ ૫૦ ગ્રામ ખારેક, ૧ કેળું, ૧ કપ લીલી દ્રાક્ષ, ૧/૨ કપ દાડમના દાણા, ૧ ચમચી ગરમ મસાલો, ૨ ચમચી સંચળ, ૨ ચમચી આદું ઝીણું સમારેલું , ૨ ચમચી ચાટ મસાલો, ૨ ચમચી લાલ મરચું, ૧ ચમચી મરી પાઉડર.

રીતઃ આંબોળિયાને ૨-૩ કલાક ગરમ પાણીમાં પલાળી રાખો. પછી તેને કૂકરમાં બાફીને મિક્સરમાં પીસીને ગાળી લો. ખારેક અને કિસમિસને પણ પાણીમાં પલાળો. તે ફૂલી જાય એટલે ખારેકના ઠળિયા કાઢીને તેને ગોળ સમારી લો. 

દ્રાક્ષને પણ બે ભાગમાં સમારી લો. હવે એક પેનમાં આંબોળિયાનો  માવો, ખાંડ અને ગોળ નાખીને ઉકાળો. ઘટ્ટ થાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લો. પછી તેમાં બધા મસાલા મિક્સ કરી સમારેલા ફ્રૂટ પણ નાખી દો. આ ચટણી ગરમ ગરમ કચોરી અથવા પૂરી સાથે પીરસો. જો આ ચટણી પાંચ-છ મહિના રાખવી હોય તો તેમાં કેળાં, દ્રાક્ષ તથા દાડમના દાણાનો ઉપયોગ ન કરવો.

ચટપટી ચટણી ચટાકેદાર અથાણાં 3 - imageલીંબુનું ખટમીઠું અથાણું

સામગ્રી ઃ

 ૫૦૦ ગ્રામ પાતળી છાલનાં લીંબુ, ૩૦૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ ગોળ, ૧ ચમચી ગરમ સમાલો, ૧ ચમચી સંચળ, ૧ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી શકેલેું જીરું, ૧ ચમચી  મરી પાઉડર તથા મીઠું સ્વાદ મુજબ.

રીત ઃ 

 લીંબુને ધોઈને લૂછી નાખો. પછી ઈચ્છાનુસાર તેના ૪ કે ૬ ટુકડા કરી લો. તેમાં મીઠું નાખીને ૫-૬ દિવસ તડકે રાખો. તે ગળી જાય એટલે તેમાં ખાંડ કે ગોળ નાખીને ફરી તડકે રાખો. જ્યારે રસ ઘટ્ટ થઈ જાય એટલે  ફરી બધા મસાલા મિક્સ કરીને બરણીમાં ભરી દો. વરસ સુધી ખરાબ ન થતું આ સ્વાદિષ્ટ અથાણું પુરી કે પરોઠાં સાથે પીરસો.

ટામેટાંની ખટમીઠી ચટણી

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ પાકાં ટામેટાં, ૧૦૦ ગ્રામ કિસમિસ, ૧૦૦ ગ્રામ ગોળ, ૨૦૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ ડુંગળી, ૧૦ કળી લસણ, ૧૦૦  મિલીલિટર સફેદ વિનેગાર, ૫૦ ગ્રામ લાલ મરચાં પાઉડર, ૧ ચમચો જીરું, મીઠું સ્વાદ મુજબ.

 રીતઃ ટામેટાંને ૫ મિનિટ ગરમ પાણીમાં ઉકાળો જેથી તેની છાલ  અલગ થઈ જાય. મરચું, જીરું, સમારેલી ડુંગળીને વિનેગાર સાથે પીસીને પેસ્ટ બનાવી લો. ટામેટાં ઝીણાં સમારી લો. હવે એક જાડા તળિયાવાળા પેનમાં બધી સામગ્રી મિક્સ કરીને ગેસ પર ચડવા મૂકી દો તે ઘટ્ટ થઈ જાય એટલે કિસમિસ નાખીને થોડીવાર ચઢવા દો. ઠંડુ પડે એટલે  બોટલમાં ભરીને ફ્રિજમાં મૂકી દો. પૂરી કે પરોઠાં સાથે આ ખટમીઠી ચટણીનો આનંદ માણો.

આંબળા પિકલ વિથ રેડ ચિલી

સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ આંબળા, ૨૫ ગ્રામ પીસેલી રાઈ, ૧ ચમચો લાલ મરચું, ૨ ચમચા પીસેલી વરિયાળી, ૧ ચમચી ગરમ મસાલો, ચપટી હિંગ, ૧૦-૧૫ સૂંકા લાલ મરચાં, ૧/૪ કપ તેલ,  મીઠું સ્વાદ મુજબ.

રીત ઃ આંબળાંને બે મિનિટ સ્ટીમ કરીને ચારણીમાં કાઢીને તડકામાં સૂકવો. હવે ચપ્પાથી આંબળાનાં ૪-૪ ટુકડા કરી લો. તેનો ઠળિયો કાઢી નાખો. હવે તેલમાં બધા મસાલા મિક્સ કરીને આંબળાંના ટુકડા તથા સૂકા લાલ મરચાં મિક્સ કરી દો. હવે આ અથાણાને ૫-૬ દિવસ સુધી તડકે રાખીને અવારનવાર હલાવતા રહો. આ સ્વાદિષ્ટ અથાણું પૂરી કે પરોઠાં સાથે પીરસો.

- હિમાની



Google NewsGoogle News