સહિયર સમીક્ષા .
- મારી કોલેજમાં એક યુવતીને હું પ્રેમ કરું છું. તે પણ મને પ્રેમ કરે છે તેના ઘરે અમારા પ્રેમ સંબંધ વિશે ખબર પડતા તેના પપ્પાએ મારી હોસ્ટેલમાં આવી મને ધમકાવ્યો હતો અને પોલીસ કેસ કરવાની ધમકી આપે છે
હું ૨૩ વર્ષનો છું. મારા નાના ભાઈની કોલેજમાં ભણતી એક છોકરી મને ગમે છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તે પણ અમારે ઘરે આવ જા કરે છે. તે ૨૧ વર્ષની છે. અને મને મોટાભાઈ કહીને બોલાવે છે એ મને ગમતું નથી. હું તેની સમક્ષ લગન્નનો પ્રસ્તાવ મૂકવા માગું છું. તો મારે મારા મનની વાત તેને શી રીતે જણાવવી તે અંગે માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવક (નડિયાદ)
* આ યુવતી તમને મોટાભાઈ કહે છે એટલે એનો અર્થ એ થાય છે કે એ તમને પ્રેમ કરતી નથી. આથી તેને ભૂલી જવામાં જ તમારી ભલાઈ છે. એ તમારા નાનાભાઈ સાથે ભણતી હોવાથી શું એ તેના પ્રેમમાં છે? આમ હોય તો તમારે એના વિચાર છોડી જ દેવા જોઈએ. અને આમ પણ લગ્ન માટે તમારી ઉંમર નાની છે. આ વાત તમારા વડીલો પર છોડી દો. તમારા બંનેના ઘર વચ્ચે અવર-જવરનો સંબંધ છે. આથી તેમને યોગ્ય લાગશે તો તેઓ તમારા બંનેના લગ્ન કરવાનો વિચાર જરૂર કરશે. તમારી ઉંમરે વિજાતિય આકર્ષણ સામાન્ય છે. સમયને સમયનું કામ કરવા દો. ચિંતા છોડીને તમે ભણવામાં કે તમારી કારકિર્દી વિકસાવવાના પ્રયત્નમાં મંડી પડો. દરેક વસ્તુ માટે એક સમય હોય છે અને એ સમયની રાહ જુઓ.
હું ૨૩ વર્ષનો બ્રાહ્મણ યુવક છું. અમારી જ્ઞાાતિની એક યુવતીને હું છેલ્લા પાંચ વર્ષથી ઓળખું છું. એક મહિના પૂર્વે તેની સાથે મારી સગાઈ થઈ છે. તે ઓછું ભણેલી છે. એ હું જાણતો હતો. પરંતુ મારા મિત્ર મંડળ સાથે અનુકૂળ થઈ શકતી નથી. આથી મને સગાઈ તોડવાના વિચાર આવે છે. મારા મમ્મી પપ્પા આ છોકરીથી ખુશ છે. અને સગાઈ તોડયા પછી મને યોગ્ય પાત્ર નહીં મળે એવી ચિંતા પણ સતાવે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવક (મુંબઈ)
* તમારી વાગ્દત્તા તમારા મિત્ર મંડળ સાથે અનુકુળ થઈ શકતી નથી એ કારણે તમે સગાઈ તોડવા તૈયાર થયા છો એ વાત તમારી નાદાનિયત દર્શાવે છે. હજુ એ યુવતીને તમારા મિત્રોનો પરિચય નથી. તે શરમાતી પણ હશે. તેને થોડો સમય આપો. તેને તેમારા મિત્રમંડળ સાથે અનુકુળ બનાવવાનું કામ તમારું છે. તમારા મિત્રોનો પરિચય થતા જ તેની શરમ આપોઆપ તૂટી જશે. અને જીવનમાં મિત્રો જ સર્વસ્વ નથી. સુખી લગ્ન જીવન માટે આ ઉપરાંત તમારી સાથે તે અનુકૂળ થઈ શકતી હોય અને તમારા માતા-પિતાને આ છોકરી પસંદ હોય તો ચિંતા છોડી દો. આપોઆપ બધું ઠીક થઈ જશે. સગાઈ તોડવી છે આમ પોષાય નહીં, બે નાવમાં પગ રાખીને ચાલવાનું કામ જોખમી છે. ખેર, આ યુવતીને તમારો પરિવાર અને મિત્રમંડળના આવરણમાં ફીટ થવા માટે સમય આપો.
હું એસ વાય બી કોમમાં ભણું છું. લીંબડીમાં હોસ્ટેલમાં રહું છું. મારી કોલેજમાં એફવાયબીકોમ કરતી એક યુવતીને હું પ્રેમ કરું છું. તે પણ મને પ્રેમ કરે છે તેના ઘરે અમારા પ્રેમ સંબંધ વિશે ખબર પડતા તેને તેના મમ્મી પપ્પાએ ઘણું માર્યું હતું. અને મારી હોસ્ટેલમાં આવી મને ધમકાવ્યો હતો અને તેની સાથે વાત કરું તો તેઓ પોલીસ કેસ કરવાની ધમકી આપે છે અમે એકબીજાને ભૂલી શકતાં નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવક (લીંબડી)
* આ ઉંમર ભણવાની છે. પ્રેમ કરવાની નથી. ભણી-ગણીને આર્થિક રીતે પગભર થયા પછી જ લગ્નનો વિચાર કરો. હમણા આ યુવતી સાથે સંબંધ તોડી નાખો. તમારે કારણે તેને મુશ્કેલીમાં મૂકો નહીં. સાચો પ્રેમ સમર્પણ અને બલિદાન માગે છે. હમણાં પ્રેમ છોડીને ભણવામાં ધ્યાન આપો. ફિલ્મી બનાવનું છોડી દો અને નક્કર ધરતી પર પગ રાખી વાસ્તવિક્તાનો વિચાર કરો. તમને કે તમારા પરિવારને તેના મમ્મી-પપ્પા ઓળખતા નથી. તમારા બેક ગ્રાઉન્ડ વિશે તેઓ જાણતા નથી. આ પરિસ્થિતિમાં તેઓ તમારા સંબંધનો વિરોધ કરે એ સ્વાભાવિક છે. તમે બંને લગભગ એક જ જ્ઞાાતિના છો એટલે ભવિષ્યમાં તમે આર્થિક રીતે સદ્ધર બનો અને તમારા પરિવારને મનની ઈચ્છા જણાવો તો કદાચ તમારા લગ્ન શક્ય બને ખરા. પરંતુ હાલ તો આ યુવતીને ભૂલી જ જવામાં તમારી ભલાઈ છે. સમયને સમયનું કામ કરવા દો અને હમણા આ પ્રકરણ પર પૂર્ણ વિરામ મૂકી દો.
હું ૩૪ વર્ષની છું. મારા લગ્નને ૧૭ વર્ષ થયા છે. મારું વજન ૭૬ કિલો છે. ૧૬ વર્ષ થયા મને પેશાબમાં તકલીફ છે. ખૂબ જ બળે છે. ડોક્ટરોને દેખાડયું પણ કોઈ ફાયદો નથી. ડોક્ટરે જણાવેલા રિપોર્ટ પણ કઢાવ્યા પણ બધા જ રિપોર્ટ નોર્મલ છે. હોમિયોપોથી દવા પણ કરી પરંતુ ફાયદો નથી. દેશી દવા પણ કારગત નીવડી નથી. ઘણીવાર કપડામાં જ પેશાબ થઈ જાય છે. સુસ્તી પણ લાગે છે અને ભૂખ પણ બહુ લાગે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક મહિલા (દહાણુ)
* તમારે કોઈ નિષ્ણાત યુરોલોજીસ્ટને દેખાડવાની જરૂર છે. તમારી સમસ્યાનું નિરાકરણ તેમની પાસેથી જ મળી શકશે. આ બાબતમાં અમે તમને મદદરૂપ થઈ શકીએ તેમ નથી. તબીબી સમસ્યાનો ઉકેલ કોઈ નિષ્ણાત પાસે જ લેવો હિતાવહ છે.
- નયના