વાચકની કલમ .
અંતિમ શ્વાસ
ધીરે ધીરે ચાલી રહ્યો છે
મારો અંતિમ શ્વાસ,
મલ્યો હતો જિંદગીભર
મને જેનો ઉષ્માભર્યો સાથ.
તને આપું છું સલામી,
અને કરું છું હું તને વંદન,
ન જાને ક્યારે બંધ થઈ જશે
મારા દિલની ધડકન.
ધન-વૈભવના
મોહમાં મગ્ન રહી,
કર્યો હતો મેં તારો અનાદર,
વિસરાઈ ગયું સત્ય કે દુનિયામાં
નથી કોઈનું અસ્તિત્ત્વ સનાતન.
ક્ષણ-ભર કર વિલંબ,
નિરખવા દે મને
સૃષ્ટિના સૌંદર્યને,
ઉષાના ગુલાબી રંગ,
અને પક્ષીઓના કલરવને.
વાદળોની ગડગડાહત,
વીજળીની ચમક,
વર્ષાના બિંદુ, અને
માટીની મહેકને.
અંતિમ શ્વાસે કર્યું મંદ સ્મિત,
મૃત્યુ સામે માનવી કેટલો છે વિવશ.
અલ-વિદા તમે
મારા અંતિમ- શ્વાસ,
નથી કોઈ ઈચ્છા હવે જોવાની
આવતી-કાલ.
- ફિઝ્ઝા.એમ. આરસીવાલા : (મુંબઈ)
જિંદગી પૂરી થઈ જાય પણ.....
સૂરજ ડૂબી જાય છે
અંધારું થઈ જાય છે
પંખી ઊડી જાય છે
શાંતિ છવાઈ જાય છે
ફૂલ કરમાઈ જાય છે
રંગ ઊડી જાય છે
સમય વીતી જાય છે
થોડું યાદ રહી જાય છે
ને....
જિંદગી પૂરી થઈ જાય છે
મરવાવાળા તો એક દિ
કહ્યા વગર જ મરી જાય છે
પણ.....
રોજ તો એ મરે છે
જે પોતાના કરતાં
બીજાને વધારે પ્રેમ કરે છે.
- 'મીત' : (સુરત)
આયના ડંસતા રહ્યા
ભાઈ, હવે તો આયના ય,
ડંસતા થયા અતીતના.
પરવાના તો જલી ગયા,
મારી નજીકમાં રહેનારા.
જખ્મો સહેતાં શીખી ગયા,
પ્રેમની રમત રમતાં રમતાં
ફૂલની સાથે રમત કરતાં,
કાંટા ચૂભી ગયા સંગતમાં.
પાનખર નજરે પડી ત્યાં,
વસંતના અરમાનો ખરી ગયા
દુઆ મરણની કરતા ગયા
ખુદા એને સુખનું સામ્રાજ્ય દે.
હવે માત્ર તસવીર રહી,
જે અમારા જીવનસાથી રહ્યા.
'સુમન'! એને અસીમ કલ્પનામાં,
સર્વસ્વ ભૂલી ચાહતો રહ્યો.
- સુમન ઓઝા : (ખેરાલુ)
તું
સાજન, તું હોય જો પાસે
તો ઘર લાગે ભર્યું ભર્યું
ઝૂલતો હિચકો તું હોય
સાથે ઘર લાગે કલરવ કરતું.
રાત અમાસની તારા વગર ડરાવતી
ઓઢી રજાઈ આંખો મારી બંધ કરતી.
મીઠાં મધુરા શમણાં તારા વગર ના આવે
ફેરવતી જાઉં પડખાં યાદ સતાવે તારી.
સાજન, તું હોય જો પાસે તો
ઘર લાગેભર્યું ભર્યું....
સરવરની પાળ તારા વગર સુની સુની
ચાંદની રાત લાગે છે તારા વગર ઉદાસી
જોયા કરું આભલે ટમટમતા તારલાઓ
તોયે મારી આંખોની
છાબડી લાગે ખાલી ખાલી
સાજન, તું હોય જો પાસે તો
ઘર લાગે ભર્યું ભર્યું.....
- પ્રફુલ્લ શાહ : (મુંબઈ)
સરિતા
ધનસંપત્તિ મેળવીને
સ્વાર્થ વેરઝેર રાખીને
ક્રોધી અભિમાની થઈને
ગરીબોને હેરાન કરીને શું કરશો?
ખાલી હાથે આવ્યા છો
ખાલી હાથે જ જશો
શરીર તમારું માટીમાં ભળશે
શું કરશો? લોભ લાલચ કરીને
મેળવો આશિર્વાદ સૌનાં પ્રેમાળ થઈને
કૃપા-પ્રભુની મેળવો-
ભજન સત્સંગ કરીને
ખુશ રહો - ખુશ સૌને રાખીને
સંતોષ રાખો- સદ્ભાવનાં રાખીને
સાર્થક કરો માનવજીવન હળી મળીને
- સતીશ ભુરાની : (અમદાવાદ)
રાધાને પત્ર
હે રાધા... હૈયાને
કોરી ખાતી તારી
મેરૂ સરખી પ્રીત
મને યાદ આવે છે
ગોકુળની ગલિયોમાં,
ગોપીઓનાં હૈયામાં
ગોપાળાની સંગ મારું મન રમે છે
વૃંદાવનની વાટ,
યમુનાજીનો ઘાટ
રાધાકાનનો રાસ મને યાદ આવે છે
કદમની ડાળે હિંચકા ખાતા
મટુકી ફોડી માખણ ખાતા
ગાયો હંકારતા ધૂમ મચાવતા
જશોદાનો માર યાદ આવે છે
ગોપીઓના ચીર ઝાડ પર ઝુલે છે
યમુનાના નીર આંખ ભીંજવે છે
હે રાધા.... બધું જ
યાદ આવે છે રાતદિન
પરંતુ હું વિવશ છું
આ કળિયુગી માનવીથી
કઠોર મનના માનવીએ
મૂર્તિરૂપે મને
ટાંકણા વડે પથ્થરમાં અંકિત કર્યો અને
પ્રાણ પ્રતિષ્ઠા કરી ફરજયુક્ત બનાવ્યો
હું આજીવન બંદિવાન ઉભો છું મંદિરમાં
હે રાધા....
તું જરૂર આવજે મંદિરમાં
મળીશું અનિમેષ નયને માત્ર નજરથી.
- ભગુભાઈ ભીમડા : (હલદર ભરુચ)
જીવન એવું જીવો
સદા હસતા રહો, સૌને હસતા રાખો
સદા ખુશ રહો, સૌને ખુશ રાખો
સદા રાજી રહો, સૌને રાજી રાખો
સદા આનંદમાં રહો,
સૌને આનંદમાં રાખો
સદા સુખમાં રહો, સૌને સુખી રાખો
સદા ચિંતાથી દૂર રહો,
સૌને ચિંતાથી દૂર રાખો.
સદા સૌના થઈને રહો,
સૌને પોતાના બનાવીને રાખો
સદા અવગુણથી દૂર રહો,
સૌને ગુણથી નજીક રાખો
સદા સમજણમાં રહો,
સૌને સમજણમાં રાખો
સદા તમે ભેલો દોડતા રહો,
સૌને તમે દોડતાં ન રાખો
સદા સહનશીલતામાં રહો,
સૌને પ્રેરણા આપી
સહનશીલતામાં રાખો
સદા અહમથી દૂર રહો, સૌને
સાચી સમજણ આપી
અહમથી દૂર રાખો
સદા સૌના પ્રેમાળ બનીને રહો,
સૌને પોતાના પ્રેમાળ બનાવીને રાખો.
- રમેશભાઈ કોઠારી
કુંભારજો
રોજ કાપીએ નાક એનું
રોજ ઊગી જાય છે
કરમે મળે આવા ભાયડા તો
જીવન આખું ઝેર છે
ઉઠી સવારે પિયારા ચાર પાંચ
ચાના પીએ છે
ધીમે પીવાની ટેવ નથી એ
તો સબડકા બોલાવે છે
કોગળા જ જ્યાં કરતો નથી
ત્યાં દાતણનું શું કામ છે... કરમે મળે
નહીં નહાવાનું નું એને
નીમ છે ને હાથ પગ ધોતો નથી
રોજ ગંધાતા લૂગડાંને
કાઢવાનું નામ નથી
બાલ વધાર્યા એટલે બસ
બાવાની જ તાણ છે.... કરમે મળે
બીડી વિના ચાલે નહીં ને પાન
પણ મૂકતો નથી
તંબાકુનો બંધાણીને ગાંજો
પણ મૂકતો નથી
પિચકારીઓને બળખાઓથી
ઘર આખું રંગાઈ છે.... કરમે મળે
નાક એનું ઝરતું છે ને
સેડા ચાલ્યા જાય છે
લુછવાનું એને નામ નહીં
એતો ગાલ પર લીપાઈ છે
મોઢે બણબણતી માખીઓને
ઉડાડવાની આણ છે.... કરમે મળે
ટોલાઓની તામ નથી લીખો
પારાવાર છે. લૂગડાંઓમાં પણ એના
માકડોનો નિવાસ છે.
જોતાં જ એમ લાગે છે કે
આળસુનો સરદાર છે... કરમે મળે
સમજે નહીં કોઈ વાતમાં ને
દોઢ ડાહ્યો થાય છે.
બોેલી નાખે એલફેલ ને ભાઠા
પછી ખાય છે
મણીલાલ કહે થોડી એનામાં
મીઠાની તાણ છે.... કરમે મળે
- મણીલાલ ડી. રૂધાણી : (રાણાવાવ)