વાચકની કલમ .

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


સાતલ્લી નદીના ઘુઘવતા પાણી

તારી પાસે કુદરતે કદીયે

કરી નથી ઉઘરાણી

ભાઈ ખોબલો ભરીને

પીતો જાને સાતલ્લી નદીના પાણી

શીતળ છે શેત્રુંજી નદી જેવી

નિર્મળ છે ભાદર નદી જેવી

કવિની કલ્પનામાં એની

કવિતા કેમ કોઈની કલમે

નથી લખાણી?

ચોમાસુ આવે છે ને ઘુઘવતી જાય છે

ઉનાળો આવે છે ને સુકાય જાય છે

મોરલાના ટહૂકામાં એના

હૃદયની વાતુ કોઈના કાને

કેમ નથી અથડાણી?

બગસરા એનો પડયો બોલ જીલી લે છે

કાઠિયાવાડની કોડીલ ધરતી પર

બગસરાની ખરી ઓળખાણ છે

સાતલ્લી નદીના પવિત્ર પાણી

નવિનચંદ્ર રતિલાલ કાચલિયા (નવસારી)

મા... મને મળજે...!

મા, મને મળજે...

મા, મત મરજે...!

માણસાઈની મીઠી મિઠાસમાં મળજે

મમતાના મોંઘા મુકુટમાં મળજે...!

મા, મને મળજે...

મા, મત મરજે...!

મંગલ મંદિરની મૂર્તિમાં મળજે

મીઠી મધુરી મોરલીમાં મળજે...!

મા, મને મળજે...

મા, મત મરજે...!

મરક મરક મરકતી મને મળજે

મોંઘા મૂલની માવડી મને મળજે...!

મા, મને મળજે...

મા, મત મરજે...!

માયાની મઝધારમાં મને મળજે

મોતને મારીને મને મળજે...!

મા, મને મળજે...

મા, મત મરજે...!

ડૉ. લલીત ચાવડા (બોટાદ)

૦ ૦ ૦

વાચકની કલમ                                                   . 2 - image

દીવાનગી

દિલે દીવાનગી ન્યારી કરી છે

તુટયું તોયે વફાદારી કરી છે

કદી એણે કર્યો 'તો પ્રેમ અમને

ખબર નો'તી અદાકારી કરી છે

અમારી મૂફલિસી પર વ્યંગ કરતા

અમીરોની તરફદારી કરી છે

કર્યો બરબાદ એણે લાગણીથી

કરમ-નામે સિતમગારી કરી છે

અરે ઓ દિલ તું જેના પર ફિદા છે

કલેજે શું? મીનાકારી કરી છે

ભૂલ્યો 'તો હું પતંગાની હકીકત

'શમા'એ ક્યા કદી યારી કરી છે

સહીને પીઠ પાછળ 'ઘા' હંમેશા

છતાં અય દિલ તે દિલદારી કરી છે

કરી 'તી દુશ્મનોએ દુશ્મની, પણ

મિત્રોએ હર કસર પૂરી કરી છે

ભલું 'અંજાન' થાશે બેવફાનું

દગામાં ક્યાં સમજાદારી કરી છે

અ. ગફૂર 'અંજાન' (પંચમહાલ)

૦ ૦ ૦

જિંદગીનો વિરોધાભાસ

આપણી પાસે મકાનો ઊંચા છે, પણ

વિચારો નીચા છે

વાહનો માટે રસ્તા તો પહોળા છે, પણ

મનની ગલીઓ સાંકડી છે

ઘર તો વિશાળ થઈ ગયા છે, પણ

કુટુંબ નાના થઈ ગયા છે

ભણતર તો ખૂબ જ વધ્યું છે, પણ

ગણતર વધુ ઘટયું છે

ખર્ચ તો ઘૂમ કરીએ છીએ, પણ

જરૂરિયાતની મદદ માટે પૈસા નથી

સુખ સગવડો તો વધી છે, પણ એ માણવા

માટેનો સમય ઘટી ગયો છે

આપણે આપણી આસપાસની 

વસ્તુઓ તો ખૂબ જ વધારી છે, પણ

કહે 'ધરમ' કે આપણે જ

આપણી કિંમત ઘટાડી છે

ધરમ એમ. પ્રજાપતિ (લાલજીનગર)

૦ ૦ ૦

સનમ!

તારી મારી દોસ્તી છે કેવી?

ચાની ચુસ્કી જેવી

મિલનનો સંબંધ છે કેવો?

શરાબના ઘૂંટ જેવો

મોજ મસ્તી આપણી છે કેવી?

રોકડા રૂપિયા જેવી

આપણો પ્રેમ સંબંધ છે કેવો?

આગ્રાના તાજમહાલ જેવો

આપણી બેની દ્રષ્ટિ છે કેવી?

દિલ્હીના કુતુબમિનાર જેવી

'સુમન' આપણી જિંદગી છે કેવી?

આકાશે ઊડતી મિસાઇલ જેવી

સુમન ઓઝા (ખેરાલુ)

૦ ૦ ૦

આધાર

ઇશ્કમાં ક્યાંય લાગણીની વાત ન આવી

અહીં તો દરદ-એ ગમ 

સિતમની કતાર લાગે છે

પ્રેમ પંથે જોવા ન મળ્યા પાથરેલ પુષ્પો

કદમ કદમ પર અહીં હુઝુમે-ખાર 

લાગે છે

અમી નજર અહીં મળવી દુશવાર છે

બંધ સદા અહીં પલકોના દ્વાર લાગે છે

નાહક રાખી બેઠા છે પીગળે 

એવી તમન્ના

કોમલ નહીં પથ્થર જિગર

 દિલદાર લાગે છે

ખુદાનું નામ લઈ કરી લઈએ બંદગી

અમને બસ એનો એક આધાર લાગે છે

મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

આંખ

તું હસે ને હું રડું ના રે ના,

હું હસું ને   તું રડે ના રે ના.

આંખ મીંચોલી રમીને સાજન,

દૂર જઈને તું વસે ના  રે ના.

છે સહજ સંજોગ જુદાઈ આ,

તું નજર ચોરી ખસે ના રે ના.

હૂંફ ના આપી શક્યો છો ને,

મારી સાથે તું લડે ના રે ના.

આ હૃદય  જીવી ગયું યાદોમાં,

મન વગર  અમથા મળે ના રે ના.

લોક લાજે આજ ફંટાયા રસ્તા,

તું વચન આપી ફરે ના રે ના.

- દર્શિતા  બાબુભાઈ શાહ   ''સખી''ઃ (અમદાવાદ)

ઘણું છે

નથી જીવાતું આ રીતે હવે તો 

તુ ભુલાઈ તો ઘણું છે,

લખવું છે જાજુ પણ હવે 

તો કલમ સુકાઈ તો ઘણું છે.

તારા બોલેલ દરેક શબ્દો હવે 

ભૂલાઈ તો ઘણું છે,

મારા મરયા પછી મારા 

પ્રેમને તું સમજે તો ઘણું છે.

મારા દિલ પર મલમ 

લગાવનાર નથી જોઈતુ મને,

હવે જખ્મ ઉપર નમક 

લગાવનાર ના મળે તો ઘણું છે.

એમીશ  એમ. મેંદપરા (જુનાગઢ)

૦ ૦ ૦

તારા વગરની દુનિયામાં

તારા વગરની સવાર એટલે

સૂરજ વગરની સવાર

યાદો થૈ પ્રકાશે છે તું

તારા વગરની રાત એટલે

ચંદ્રને તારા વગરની રાત

મારી જિંદગી તો અમાસ છે હવે

પણ તારી યાદ પ્રકાશ છે

તું હવે તો ખૂબ દૂર છે

તકલીફ ક્યાં ઓછી છે

તારા વગરની દુનિયામાં

જ્યારે મારું માણસ જ દૂર થાય

મારું જ નજરઅંદાજ કરે

ત્યાર પાર વિનાની તકલીફ

રોજ સવાર સાંજ થાય છે

'મીત' (સુરત)

૦ ૦ ૦



Google NewsGoogle News