સહિયર સમીક્ષા .
- મારા લગ્ન થયા એ પૂર્વે મારી સાથે સર્વિસ કરતા એક ભાઈ સાથે મારે શારીરિક સંબંધ હતો. પરંતુ એ ભાઈ પરણેલા તેમ જ બે સંતાનના પિતા હોવા છતાં તેમણે મારી લાગણીનો દુરુપયોગ કરી સંબંધો ચાલુ રાખ્યા.
હું ૧૮ વરસનો ધોરણ બારમામાં ભણતો વિદ્યાર્થી છું. મારી સમસ્યા એ છે કે મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી હું તેને વિશે જ વિચાર્યા કરું છું. આથી મારું ભણવામાં ધ્યાન રહેતું નથી. આ કારણે હું એક વાર નાપાસ પણ થઈ ચૂક્યો છું. આ કારણે સહન કરવા પડતા સૌના મ્હેણા-ટોણાથી કંટાળી ગયો છું. હું હોશિયાર છું પરંતુ ડિપ્રેશનને કારણે ભણવામાં ધ્યાન રહેતું નથી. સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો છે. મારા વડીલોની મારા પર ઘણી આશા છે તેના પર હું પાણી ફેરવવા માગતો નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- એક યુવક (બિલીમોરા)
* એક વાત હમેશા યાદ રાખો કે તમારાથી પૈસાદાર લોકો તરફ નજર દોડાવવાને બદલે તમારા કરતા જે લોકો વધુ નબળા છે એનો વિચાર કરો. પછી તમને તમારી પરિસ્થિતિ વધુ સારી લાગશે. ડિપ્રેશનને કારણ અભ્યાસ પ્રત્યે બેધ્યાન બની તમે વધુ નુકસાન કરી રહ્યા છો કારણ કે, અભ્યાસ કરી સારી નોકરી મેળવશો નહીં તો તમારી આર્થિક પરિસ્થિતિ સુધરશે કેવી રીતે? તમારા પરિવારને ઊંચો લાવવાનું કામ તમારા જ હાથમાં છે. મન મક્કમ કરો. પ્રેરણા આપે એવું સાહિત્ય વાચો, યોગાસન અને પ્રાણાયમનો આશરો લો. તમારા મનને મજબૂત કરવાનું કામ તમારા સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી. એ વાત સ્પષ્ટ શબ્દોમાં સમજી જાવ. શક્ય હોય તો કોઈ મનોચિકિત્સકની સલાહ લો.
મારા લગ્ન થયા એ પૂર્વે મારી સાથે સર્વિસ કરતા એક ભાઈ સાથે મારે શારીરિક સંબંધ હતો. પરંતુ એ ભાઈ પરણેલા તેમ જ બે સંતાનના પિતા હોવા છતાં તેમણે મારી લાગણીનો દુરુપયોગ કરી સંબંધો ચાલુ રાખ્યા. મારા લગ્ન પછી મારા પતિને હું આ વાત જણાવી શકતી નથી. ફોન પર અમારી વાતચીત ચાલુ હતું. મારા પતિને આ વાતની ખબર પડતા તેઓ હવે છૂટાછેડાની વાત કરે છે સામે પક્ષે મારા પ્રેમીને છોકરીઓની જિંદગી સાથે રમવાની આદત હોવાની મને તેની પત્ની મારફતે જ ખબર પડી હતી.
મારે એ જાણવું છે કે એ વ્યક્તિને સજા કરી શકાય? મારા પતિને કેવી રીતે મનાવી શકાય? યોેગ્ય માર્ગદર્શન આપશો.
- એક યુવતી (અમદાવાદ)
* મૂળ વાત તો એ છે કે તમે રાજી ન હો ત્યાં સુધી કોઈ તમારો ગેરલાભ લઈ શકે તેમ નથી. એ ભાઈ પરણેલા હોવાનું જાણ્યા પછી તમે એમની સાથે સંબંધ ચાલુ રાખ્યા. એટલું જ નહીં પરંતુ લગ્ન પછી પણ તમે એમની સાથે સંપર્ક ચાલુ રાખ્યો. એ તમારી મોટામાં મોટી ભૂલ છે. હવે ઢોળાયેલા દૂથ પર આંસુ સારી કોઈ ફાયદો નથી. એ પુરુષને સજા કરવાને બદલે તમે તમારી જાતને સુધારવામાં તમારી તાકાત વાપરો. ભવિષ્યમાં આમ થશે નહીં. એમ કહી તમારા પતિની માફી માગો. તેમનો વિશ્વાસ સંપાદન કરો. તેમને પરિવારના વડીલો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરો. પસ્તાવો વિપુલ ઝરણું છે જેમાં ડૂબકી મારીને પાપી પણ પુણ્યશાળી બને છે. આપણે તોે પામર જીવ છીએ. આથી માફી ંમાગી પસ્તાવો કરી તમારા પતિને મનાવો. તેઓ ઉદાર દિલના હશે તો તમને જરૂર માફ કરશે.
હું ૩૬ વર્ષની છું મારા લગ્નને ૧૬ વર્ષ થયા છે. અમારે સંતાન નથી. માતૃત્વ ધારણ કરવાની મને ઘણી ઈચ્છા છે. અમારી આર્થિક પરિસ્થિતિ પણ સારી છે. અમારા નજીકના એક સંબંધી સાથેના શારીરિક સંબંધોેને કારણે મને ત્રણ માસનો ગર્ભ રહ્યો છે. અમારા પરિવારમાં આ વાત જાહેર થઈ જવાનો મને ડર છે. આ બાળક કોનું છે એ કેવી રીતે જાણી શકાય?
- એક મહિલા (સુરત)
* બાળક કોનું છે એ જાણવા માટે ડીએનએ ટેસ્ટ થઈ શકે છે. પરંતુ આ ટેસ્ટ કરાવતા પૂર્વે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવી જરૂરી છે. આમ પણ તમે એક જોખમ ખેડયું છે અને હવે તેના પરિણામ ભોગવવા તૈયાર રહો. આશા રાખો કે આ ગર્ભ તમને તમારા પતિથી જ રહ્યો હોય અને આમ પણ આ બાળક કોનંું છે એ જાણીને શું હેતુ સરવાનો છે? હવે તમારી સામે બે જ વિકલ્પ છે એક બાળકને જન્મ આપી તેનું પરિણામ ભોગવવાનો અથવા તો ગર્ભપાત કરાવવાનો જેની સલાહ હું આપતી નથી. એ પણ શક્ય છે કે બાળકનો ચહેરોમહોરો તમને મળતો આવે અને કોઈને કશી પણ ગંધ આવે નહીં.
- નયના