વાચકની કલમ .
શું ખબર...!
ફૂલોને શું ખબર.. કે
મારી સુગંધને કારણે જ
લોકો મને તોડે છે?!
પ્રેમિકાને શું ખબર કે
તેને સુગંધી પુષ્પ આપનાર જ
તેને સાચો પ્રેમ કરે છે?!
પતંગિયાને શું ખબર..
મારી મોહકતા જ
મને ભારી પડે છે ને
લોકો પકડે છે?
ફળોને શું ખબર કે
તેનો સ્વાદ જ તેને ઉતારે છે?
પંખીને શું ખબર કે
આકાશમાં ગમે ત્યાં ન ઊડી શકાય?!
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
ભડવીર
ભારતના ભડવીર 'બાબા' તમને પ્રણામ,
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇશાઇના તમને સલામ.
દલિત-અછુતોના બની સારથી રહ્યા તારણહાર,
વાવી જાગૃતિના બીજ આણી ક્રાંતિ ઓજસના ભારથી.
શકપાલ, ભીમાભાઈની કુખે દિવ્યતાએ અવતર્યા,
ઘડી પ્રથમ બંધારણ માનવતાએ સૌને સાથ જોડિયા.
રોટી નહીં ઇજ્જત, દયા નહિ, હક્કના રહ્યા આગ્રહી,
છો બહાદુર સૈનિકના સપૂત મોતને લીધું ચકાહી.
વેઠી કુંણા શૈશવે, કષ્ટો વિપત્તિઓમાંના બંધ કાપ્યા,
ને અમ અનુગામીઓ માટે સુખશાંતિ સ્થાપ્યા.
હશે વસુંધરાએ અનેક મોટા, પણ તમારો ન મળે જોટો,
શાનથી કહે 'રાહી' જગમાં નથી અમારા મસિહાથી મોટો.
બિપિન વાઘેલા 'રાહી' (અંકલેશ્વર)
પનિહારી
પર્વત પરથી
પડતાં ધોધને જોતી રહી ગઈ
કુદરતનો
નજરો જોવામાં તલ્લીન થઈ ગઈ
પાસે વહેતા
ઝરણાંમાંથી ભૂલી ગઈ નીર ભરવાનું
અહીં ખાલી
માટલે આવી હતી ને ખાલી
માટલે ઘરે ગઈ
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
કમ ના આવું
તમો સાદ કરોને
ના આવું બને ખરું
તમો નયનોથી
ઈશારા
કરો ના આવું બને ખરું
તમો માવઠા
થકી કમોસમે
વરસ્યા તોયે ભીંજાયો
તમો છૂપકે છૂપકે આવો
હું ના મળું
બને ખરું
તમો રોજ સપનામાં
આવો હું ના ઓળખું
તમો વાટલડી
જોઈ થાક્યા
હું ના મળું બને ખરું
તમો છબછબિયા કરો
હું ના ભીંજાવું બને ખરું
વસંત આઈ. સોની 'આનંદ'
(અમદાવાદ)
પ્રેમનું પાનેતર
વાટ જોવાની પ્રથા પૂરાણી બની,
તડ-ફડની પ્રથા અમલી બની.
રાહ જોઈ સમય શીદ બગાડીએ,
તારી હામાં મારી હાનો રસ્તો રહે.
શુભ સંકલ્પની બંદગી કરી ચાલ,
પ્રેમના શ્રી ગણેશ કરીએ.
લોક ભલે ટીકા કરતા રહે,
કામ જ તેમનું ટીકાનું હોય છે.
સકળ જગત જો પ્રેમથી ભીંજાતું હોય,
તો આપણે શીદ્ તેથી ગભરાઈએ.
રાહ જોવી પાલવશે નહિ,
ચાલ પ્રેમનું પાનેતર ઓઢી,
હવે પ્રેમ પંથે પોઢીયે!
સી. જી. રાણા (ગોધરા)
નારી તું નારાયણી
પ્રભુનું અદ્ભુત મૂલ્યવાન સર્જન
કોમળ સંવેદન શીલતા ઋજુ ને નાજુક
કળીમાંથી ફૂલ બનીને મહેકતી તું
તારી સોળે કળાની દેતી ઓલક નિરંતર
એવી નારી તું નારાયણી......
કૂદે, ઊછળે - ગંગા-યમુનાનું ઝરણું
શૈશવ જાણે ધનુષ સંગ સીતાનું શૈશવ
માવતર તુલસી કયારો વ્હાલનો દરિયો
પ્રભુતામાં પગલાં પાડતી પતિ સંગ
એવી નારી તું નારાયણી......
બન્ને કુટુંબને ઉજાળે સમજુ એવી
સ્વયંસિધ્ધા બની કર્મ કરે હરખતી
'મા' બનીને પ્રભુનો ભાર હળવો કરી
રામ-કૃષ્ણ-મહાવીરની જન્મદાત્રી
એવી નારી તું નારાયણી......
રૂપ તારા અનેક શૌર્ય-ભક્તિ પ્રેમના
પી. ટી. ઉષા, સાનિયા ને
સુનિતા ચાવલા
અંતરિક્ષને આંબે સુનિતા વિલિયમ્સ
મરદાની બની ઝાંસીની રાણી
એવી નારી તું નારાયણી......
ધરા જેવી સહનશીલ માતા બનીને
અન્યાય સામે રણચંડી દુર્ગા બનીને
સૃષ્ટિ તુજ વિન ઝાંઝવાના નીર જેવી
જગના જીવનનો સ્તંભ જગતજનની
એવી નારી તું નારાયણી......
જયા રાણા (સુરત)
એક બીજાને ગમતા રહીએ
સર્જનહારની
લીલા વચ્ચે
પ્રકૃતિના ખોળા વચ્ચે
માનવીઓના સ્વાર્થ વચ્ચે
એક બીજાને ગમતા રહીએ....
એક બીજાને ગમતા રહીએ....
સમજણશક્તિના
નિભાવ વચ્ચે
સહનશક્તિના અભાવ વચ્ચે
સંસારચક્રના સંકલન વચ્ચે
એક બીજાને ગમતા રહીએ....
એક બીજાને....
ઢોંગી ધુતારાઓ વચ્ચે
સમાજના સુધારકો વચ્ચે
રાજકારણના રસિકો વચ્ચે
એક બીજાને ગમતા રહીએ....
એક બીજાને....
યુવા પેઢીના વર્તાવ વચ્ચે
આધુનિકતાના ઓપ વચ્ચે
રૂઢિચુસ્તા'ની જમાત વચ્ચે
એક બીજાને ગમતા રહીએ....
એક બીજાને....
સુખદુ:ખના સાનિધ્ય વચ્ચે
સ્વભાવના બદલાવ વચ્ચે
ઉંમરના ઓસાયા વચ્ચે
એક બીજાને ગમતા રહીએ....
એક બીજાને ગમતા રહીએ....
પ્રજાપતિ રમેશભાઈ ઈશ્વરભાઈ
(કોચવા-કંચનપુર)
દીકરી વહાલ સાગર
દીકરી વહાલનો સાગર કહેવાય
એના આગમને જીવને વસંત લ્હેરાય
પતંગિયા સમ ઉડાઉડ કરતી
દેખીને સૌ દિલે આનંદ છવાય
સમય સથવારે યુવાનીમાં આપ
લગ્ન લેવાના દીકરી થાય વિદાય
વિનય સેવાને સંસ્કાર સુમને
બન્ને ઘરે સુવાસ ફેલાવી દેવાય
'લઘુગોવિંદ' ગુણિયલ દીકરી
હૃદય પરિવારને ઉછાળતી થાય
ધનજી કાનજી છેડા 'લઘુ ગોવિંદ' (કલ્યાણ)