વાચકની કલમ .
અટારી
મારી અટારી એ આજ કોણ આવ્યું
મેં જોયું તો દૂરથી સાંવરિયો દેખાયો
પગરવ કર્યા વિના ગઈ પાસે
મને જોઈ રાજી થયો સાવરિયો
સાવરિયો મારો અતિ રૂપાળો
ચાંદની રાત હતી સરસ મજાની
મંદ મંદ સમીર લહેરાઈ મજાનો
રાતરાણી મહેકે મદહોશ સી
જુગનું ચમકે રહી રહીને હું તો થાઉં દીવાની
ચાંદની સી રાતમાં થયો એકરાર પ્રેમનો
હું તો થાવ ઘેલી ઘેલી
અખિલ જગતમાં ના એના જેવું કોઈ
એને પામી હું તો થઈ ધન્ય ધન્ય
સરખી સાહેલી ચીડવે મને
હું તો જાવ શરમાઈ
સાહેલીને કોણ સમજાવે
નેહ અમારો અનોખો
સાંવરિયા સામે જાઉં સજી ધજી થાવ રાજી
સાંવરિયાએ ભરી બાહોમાં
થઈ શરમથી લાલ
આમને આમ થઈ રાત પસાર
જિંદગી પણ આમ જ થાય પસાર
અલકા મોદી (મુંબઈ)
છતાં છે રૂપાળી
ભલે તું છે કાળી, છતાં છે રૂપાળી
કોયલ છે કાળી, વાણીથી રૂપાળી
પૂનમની રાત્રે, ચાંદની રૂપાળી
કહેવાય રાત્રી, લાગે અજવાળી
રાધા ગોરી ગોરી, દિલ હરનારી
કાનો ભલે કાળો, છતાં વનમાળી
જીવન સંગીની, ભલે હોય કાળી
જીવન સંગીની, ભલે હોય કાળી
જીવનમાં મારા, સુખ આપનારી
ભલે લાગે એને, જિંદગી કાંટાળી
છતાં સૌના માટે, દુઆ માંગનારી
ઘરને સંભાળે, જુઓ મોંઘવારી
કદી ના કંટાળે, ભલી ઘરવાળી
દિલમાં દયા છે, તનમાં ખુમારી
પરિવાર માટે, જીવન દેનારી
કુટુંબના દુ:ખે, એ દુ:ખી થનારી
મળે સુખ સૌને, એવું માનનારી
ભગુભાઈ ભીમડા (હલદર-ભરૂચ)
સંગિની
ભૂલવા કહે છે તું મને પણ કેમ કરી તને ભૂલું,
પ્રીયે તું તો દિલે વસી ગઈ છે તો કેમ કરી તને ભૂલું.
યાદ કર જરા તેં તો મને પ્રેમે ભીજાવ્યો છે,
બની ગયો છું તારો મજનું તો કેમ કરી તને ભૂલું.
લાગે છે મને હવે જીવનમાં સતરંજ ચોકઠા ઊંધા થયા,
મુજ જીવનની તું તો છે સંગિની કેમકરી તેને ભૂલું.
મળ્યા 'તા આપણે પરસ્પર નયનોના ઈશારે,
છીએ આપણે સુખ દુ:ખના સાથી તો કેમ કરી તને ભૂલું.
છું દિલદાર ભલો ભોળો તારા પ્રેમે જરા સમજ તું
તારો 'રાહી' તો છે પુરાવો તો તને કેમ કરી ભુલું.
બિપિન વાઘેલા 'રાહી' (અંકલેશ્વર)
યાદ અતીતની
જોઈ રહી છું હું ઘરની દરો દિવાલને હસરતભરી નજરથી
સજાવી હતી તેઓને મેં ઘણી લગન અને પ્યારથી
યદિ હોતે તેઓમાં દ્રષ્ટિ અને ચેતન, દુ:ખી થતે તેઓ જોઈ મારા આંસૂને
કંપી ઉઠતે તેઓનું પાષાણ દિલ જોઈને મારી મજબૂરીને
આ ઘરએ જોયો હતો મારો શણગાર દુલ્હનનો
કઠિન હતો એ સમય વડીલો માટે મારા વિયોગનો
દિલથી આપી હતી તેઓએ મને દુઆ મારા સુખી સંસારની
મારી આંખોમાં હતા સોનેરી સપના કરી હતી શરૂઆત મેં મારી નવી જિંદગીની
આ ઘરમાં જ વિતાવ્યા હતા મેં બચપણ અને જવાનીના સુખમય દિવસો
પણ સમયની આંધીએ મારા ભાગ્યમાં લખ્યા વિપરીત સંજોગો
છોડી મને ચાલ્યા ગયા એક પછી એક મારા સ્નેહીજનો
ઘરમાં રહી છે માત્ર તેઓની યાદ
કરતી હશે ઘરની ઇંટો અને પથ્થર પણ મૂક કલ્પાત
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
પાયાનો પથ્થર
પુલકિત હૃદયે વાંચ્યા પત્રના
અમારા શબ્દો
પણ ચુંબન ભાવ ભીનું જુઓ
ખતને મળે છે
અમીભરી દ્રષ્ટિથી ગાયબ
થઈ જાય છે દરદ
નાહક જશ બધો અહો તબિયતને મળે છે
ભલે સફરમાં હમસફર
અમારી સાથે ચાલતા હોય
શાબાશી ખરી તો દોસ્તો
પહોંચાડે જે મંઝીલે એને મળે છે
ગુમાવે છે અસ્તિત્વ ઓગળીને બધુ મીણ
પણ ઉજાસની આભા બધી
જ્યોતને મળે છે
પથ્થર પાયાનો અહીં રહે છે ધરબાયેલો
ને શોહરત બધી અહીં ઇમારતને મળે છે
મણીલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
સદ્ગુણનો સથવારો
અદા આકર્ષક
મધુર મુસ્કરાહટ
નશીલા નયનો
લાજવાબ ખૂબસૂરતી
ચાલ મસ્તાની
મીઠી મીઠી વાતો તારી સૌને ગમે
નથી નિહાળવી મારે સુંદરતા તારી
કેવી છે તું? કોઈને ખબર નથી
ક્રોધી અભિમાની છે તું મને ખબર છે
શું કરું તારું રૂપ પામીને?
પ્રેમાળ-સ્નેહાળ જીવનસંગીની
મળશે મને
વિશ્વાસ છે સદ્ગુણી પત્ની મળશે મને
સતીશ ભુરાની
ગુમાન
બનશો ના કદી કોઈ અભિમાની
ટકે ના ધન સત્તા કે યુવાની
યુવાનીમાં ચડે નશો અનોખો
માનવ ડોલે થઈને મહત્તાની
લક્ષ્મી ટકે ના સદા કોઈ પાસે
લાત મારીને એ ચાલી જવાની
માનવ પામે જો પદ કે સત્તા
સત્તાનો નશો બનાવે શેતાની
'લઘુગોવિંદ' નારી મળે રૂપાળી
માનવ નાચે થઈને ગુમાની
ધનજી કાનજી છેડા 'લઘુગોવિંદ'
(કલ્યાણ)
દૂર થઈ ગઈ તું..?
મારી તો કોઈ માંગણી ન હતી
કોઈ દિ તો લાગણી કેમ સુકાઈ
મારી તો માપણી ન હતી કોઈ દિ
તો અખંડ સંબંધ કેમ સુકાયો
મારા પ્રેમની તો અનહદ વાવણી હતી
તોય તારો પ્રેમ કેમ દૂર થયો
મારી કોઈ જ જીદ ન હતી કોઈ દિ
તોય કેમ કાયમ માટે દૂર થઈ ગઈ તું
તને યાદ કરીને ધરાતો નહીં કોઈ દિ
તોય આટલી ક્રૂર કેમ થઈ ગઈ તું
ફોનનાં રેકોર્ડમાં છે સચ્ચાઈ હવે
જેનો તમે સંપર્ક કરવા માંગો એ દૂર છે
તું આટલી બધા તો સમજુ હતી
તો કયા કારણે દૂર થઈ ગઈ તું..?
'મીત' (સુરત)