Get The App

ગોરી-સાંવરી સૌને ગ્લેમરસ લુક આપતા 'ગાઉન'

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
ગોરી-સાંવરી સૌને ગ્લેમરસ લુક આપતા 'ગાઉન' 1 - image


- સનદી મહિલા અધિકારીથી લઈને નવોઢા સુધીની યુવતીઓ ગાઉન પહેરતી થઈ છે

છેલ્લા થોડા વર્ષથી બોલીવૂડની અભિનેત્રીઓમાં ગાઉન પહેરવાનું ચલણ વધ્યું છે અને હવે તેમનું જોઈને પાર્ટી તથા શુભ પ્રસંગોમાં ગાઉન પહેરવાની ફેશન જોર પકડી રહી છે. આજથી ચાર વર્ષ પૂર્વે 'બિગ બ્રધર' શોમાં વિજેતા બનેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટી આઈફા એવોર્ડ સમારંભમાં એમરલ્ડ ગ્રીન રંગનું ગાઉન પહેરીને સહુના આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાન્સ ફિલ્મોત્સવમાં જતી ઐશ્વર્યા રાયના ગાઉન હંમેશા આંતરરાષ્ટ્રીય ફેશન વર્તુળમાં ચર્ચાનો મુદ્દો બને છે.

અત્યંત સુરુચિપૂર્ણ અને સરસ દેખાતાં ગાઉન મહિલાઓની સર્વાંગ સુંદર દેખાવાની ઇચ્છાની પૂરી કરે છે. લેટેસ્ટ ડિઝાઈનનંુ ગાઉન પહેરી માનુની પોતે 'સ્પેશિયલ' હોવાની પ્રતીતિ કરે છે. આ જ કારણે આજે સેલિબ્રિટીથી લઈને સામાન્ય યુવતી સુધીની માનુનીઓ સાડીને બદલે આ પાશ્ચાત્ય પોશાકને પસંદ કરે છે. ફેશન ડિઝાઈનરોના મતે ગાઉન પહેરવાથી મહિલા ગ્લેમરસ દેખાય છે અને આ કારણે તેનો આત્મવિશ્વાસ વધે છે. વળી ગાઉન પહેરવામાં ઝાઝી ઝંઝટ હોતી નથી કે સાડીની જેમ તેને વારંવાર સંભાળવું પડતું નથી. 

આજથી પાંચ વર્ષ અગાઉ એક ફેશન શો દરમિયાન જ્યારે ડિઝાઈનર ગાઉનના કલેકશનને રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે આવા ગાઉન કોણ પહેરેશે? એવો વિચાર ત્યાં ઉપસ્થિતોને આવ્યો હતો. પરંતુ આજે સનદી મહિલા અધિકારીથી લઈને નવોઢા સુધીની બધી જ માનુનીઓ ગાઉન પહેરવા આતુર હોય છે. ભારતીય આધુનિકાઓ પોતાના ફિગર પ્રત્યે સજાગ હોય છે અને આંતરરાષ્ટ્રીય ફેશન ટ્રેન્ડથી અવગત હોય છે. તે નીતનવી સ્ટાઈલના પ્રયોગો કરવા તત્પર હોવાથી જ ફેશન ડિઝાઈનરો વધુ ઉત્સાહિત જોવા મળે છે. આ જ કારણે કોકટેલ પાર્ટી, કોર્પોરેટ મિટિંગ, ફિલ્મ પ્રિમિયર કે એવોર્ડ ફંકશન જેવા પ્રસંગે પહેરાતાં પરિધાનમાં ગાઉનને ગ્લેમરસ વિકલ્પ તરીકે અપનાવવામાં આવે છે. 

આજે ભારતમાં ગાઉન પહેરવાની ફેશન પ્રચલિત થઈ રહી છે ત્યારે તેની કિંમત વધી રહી છે. આંતરરાષ્ટ્રીયસ્તરે જાણીતી બ્રાન્ડ દ્વારા બનાવવામાં આવતાં ગાઉનની કિંમત લાખોમાં હોય છે જ્યારે ભારતીય ડિઝાઈનરો રૃા. ૧૦થી ૭૦ હજારની કિંમતમાં સુંદર ગાઉન તૈયાર કરી આપે છે. આપણા કેટલાક ડિઝાઈનરોએ બોલીવૂડની અભિનેત્રીઓના રેડકાર્પેટ વૉક માટે ગાઉન તૈયાર કર્યા છે. આ તારિકાઓ ગાઉનમાં ઢીંગલી જેવી સુંદર દેખાઈ હોવાથી હવે આંતરરાષ્ટ્રીય ડિઝાઈનરો પણ હિન્દી ફિલ્મોદ્યોગની ટોચની અભિનેત્રીઓને ધ્યાનમાં રાખી ગાઉન ડિઝાઈન કરતાં થયા છે. સોનમ કપૂરે આ રીતે જ એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સાથે કરાર કર્યો છે. 

જોકે હિન્દી ફિલ્મના ઇતિહાસ પર નજર નાંખીશું તો જાણ થશે કે ભારતમાં ગાઉનની ફેશન લાંબા સમયથી પ્રવર્તે છે. વિતેલા જમાનાની ફિલ્મોના ગીતમાં અભિનેત્રીઓ પિઆનોની આસપાસ ઘેરદાર ગાઉન પહેરીને ઘુમતી જોવા મળતી હતી. 'નસીબ' ફિલ્મમાં હેમા માલિનીએ બ્લેક નેટ ધરાવતું લાલ રંગનું ગાઉન પહેર્યું હતું. તે જ પ્રમાણે પરવીન બાબી, ઝિન્નત અમાન જેવી અભિનેત્રીઓ પણ ગાઉનમાં અત્યંત આકર્ષક દેખાતી હતી.

ફેશન ડિઝાઈનરોના મતે આજે લગ્ન પ્રસંગે ગાઉન પહેરવાની ફેશન જોર પકડી રહી છે. આજકાલ લગ્ન અગાઉ એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે. અને તેમાં કોકટેલ પાર્ટીમાં સાડીને બદલે ગાઉન પહેરવાનું ચલણ વધી રહ્યું છે. આ જ કારણે ડિઝાઈનર સાડી જેટલું જ ડિઝાઈનર ગાઉનનું વેચાણ પણ વધ્યું છે.

ગાઉન એટલે અલંકૃત, સુરુચિપૂર્ણ, ફરસને અડતી હોય તેટલી લંબાઈ ધરાવતો ડ્રેસ. ઘેર વગરના વિકટોરીઅન ગાઉનની આધુનિક આવૃત્તિ એટલે વેસ્ટર્ન લોંગ ડ્રેસ. અને આ ડ્રેસમાં સાધારણ ફેરફાર કરવાથી ગાઉન તૈયાર થાય છે. ભારતીય માનુનીની પસંદ અનુસાર ગાઉનમાં થોડો ફેરફાર કરવામાં આવે છે. એમ્બ્રોઈડરી કરેલા કે જરી અથવા આભલાં મૂકેલા ગાઉન એકદમ સુંદર દેખાય છે. ગાઉનમાં ક્રિસ્ટલ એમબેલીશમેન્ટનું મહત્ત્વ વધારે હોય છે. આ ઉપરાંત સિલ્વર, ગોલ્ડ અને સ્ટોન એમ્બેલીશમેન્ટથી પણ ગાઉનની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. જ્યોર્જટ, શિફોન, સિલ્ક, મેટાલિક, ક્રેપ તથા કોટન અને કોટા જેવા ફેબ્રિકમાંથી ગાઉન બનાવવામાં આવે છે. અને બ્લેક, બેઝ, ન્યુડ, રેડ, ગ્રીન જેવા રંગમાં ગાઉન સુંદર દેખાય છે. હાલમાં ગાઉનમાં ફ્રેંચલેસ મુકવાની ફેશન શરૂ થઈ છે.

આમ તો ગાઉન એકદમ સાદા દેખાય છે પણ તેને તૈયાર કરવાનું કામ અટપટુ છે. તેનું ફિટિંગ ખાસ કરીને ગળાનો ભાગ સરખો બેસાડવા કારીગરે ખૂબ જ જહેમત કરવી પડે છે. એક ગાઉનને તૈયાર થતાં ત્રણથી પાંચ દિવસ લાગે છે. કરીના કપૂર, દીપિકા પદુકોણ, સોનમ કપૂર જેવી અભિનેત્રીઓને ગાઉન પહેરેલી જોઈને સામાન્ય યુવતીઓને ગાઉન પહેરવાની ઇચ્છા થાય છે. બિઝનેસ કોકટેલ અને ડિનરપાર્ટીમાં પણ ગાઉન દ્વારા વ્યક્તિત્વને આગવું લુક આપી શકાય છે તેની પ્રતીતિ કોર્પોરેટ કંપનીઓની મહિલા અધિકારીઓને થાય છે. વળી ગાઉનની માગ મેટ્રો શહેરો પૂરતી જ મર્યાદિત રહી નથી. નાગપુર અને ઇંદોરમાં રહેતાં શ્રીમંતોની પત્નીઓ પણ ગાઉન પહેરતી થઈ છે. હૈદરાબાદ, ચેન્નઈ, પુણે અને ચંદીગઢમાં પણ ગાઉનની માગ વધી છે.

જોકે આકર્ષક ફિગર અને પ્રમાણસરની ઊંચાઈ ધરાવતી માનુની પર જ ગાઉન શોભે છે. ગાઉન માટે સાઈઝ ૧૨-૧૪ને આદર્શ માનવામાં આવે છે. પાર્ટી કે પ્રસંગમાં ગાઉન પહેરતાં પૂર્વે તેનું ટ્રાયલ લઈ તે શોભે છે કે નહિ તે બાબત ચકાસી જોવી. જો લોંગ ગાઉન ન શોભે તો કફતાન ગાઉન અથવા સાડી ડ્રેપ ગાઉનમાંથી એકની પસંદગી કરવી. એમ્બેલીશ્ડ ગાઉન સાથે વધુ પડતી એસેસરીઝ પહેરવી નહિ. ગાઉન સાથે મેચ થતાં શુઝ, બેગ, એરીંગ્સ અને હળવી જ્વેલરી પહેરવી. ગાઉન ફરસને અડતું હોય એટલું લાંબુ હોવું જોઈએ. જો નિતંબનો ભાગ પુષ્ટ હોય તો જ્યોર્જટ અથવા શિફોનના સ્લીમ કટ ગાઉન પસંદ કરવા. જ્યારે પાતળી માનુનીએ ઓરગન્ઝા કે ટાફેટાના ગાઉન લેવા. બસ, થોડી સૂઝ દાખવી યોગ્ય ગાઉન પસંદ કરશો તો તમે પણ અવશ્ય ગોર્જિયસ દેખાશો. 

- નયના


Google NewsGoogle News