'સ્પા'માં જાઓ, ફ્રેશ થઈ જાઓ .
- તન-મનને નવી તાજગી બક્ષી સ્વાસ્થ્ય જ તનમાં સહાયક બનતું 'સ્પા'-કલ્ચર ભારતમાં પણ એક પ્રિય શોખ બનતું જાય છે
ઓફિસમાં મગજમારી કરીને કંટાળી ગયા છો? ઘર ગૃહસ્થીની દૈનિક પ્રવૃત્તિથી અકળાઇ ગયા છો? ચિંતા કરશો નહિં. ચાલો સ્પા(જીઓમછ)માં જઇને થાક ઉતારીએ. ઢળતી ઉંમરે કામનો બોજો હળવો કરવા હવે તમારે હિમાલયમાં કે હીલ સ્ટેશને જવાની જરૂર નથી. એકાદ સ્પા તમારા ઘરની આસપાસમાં જ ક્યાંક હશે.
બેલ્જિયમમાં આવેલા એક નાનકડા ગામના નામ ઉપરથી સ્પા શબ્દ આવ્યો છે, જેનો મૂળ અર્થ છે ખનીજ યુક્ત ગરમ પાણીના ઝરણા. એનો પારંપારિક ઉપયોગ છે સ્વાસ્થવર્ધક વાતાવરણમાં ગરમ પાણીના ઝરણાથી થતી કુદરતી જળચિકત્સા. આપણા મુંબઇમાં વસઇ નજીક વજ્રેશ્વરીમાં આવા ગરમ પાણીના કુંડ છે જે ખનીજ યુક્ત હોવાથી ચર્મરોગ મટાડે છે.
આજે સ્પાનો જમાનો છે. હવે તમારે જીમમાં કે અરોબિક્સમાં જઇને થાકી જવાય એવી કસરત કરવાની જરૂર નથી. પ્રાચીન કાળમાં શરીરને મસાજ કરતા એવી રીતે સ્પામાં સુગંધી તેલથી માલીસ કરવામાં આવે છે, તો ક્યાંક નહાવાના ટબમાં ગુલાબની પાંદડીઓથી શરીરને ઠંડક પહોંચાડવામાં આવે છે. શ્રીમંતોના આ નવા શોખને પોષવા હેલ્થ ક્લબો અને હોટેલો એકબીજા સાથે સ્પર્ધામાં ઉતરી છે. એક જમાનામાં ધનવાન અને વૈભવી જીવશૈલીવાળા લોકો જ સ્પામાં જાય એવું મનાતું. પણ આજે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો પણ સ્પામાં જવા લાગ્યા છે. ભારતમાં બેંગલોર ''સ્પા સિટી'' કહેવાય છે. કારણ કે ત્યાં સ્પાના દસ સેંટર છે. આપણા દેશમાં સ્પાની શરૂઆત બેંગલોરથી જ થઇ છે.
ઇંડિયન હોટેલ્સ અને હેલ્થ રિસોર્ટના અશોક ખન્નાએ જ્યારે ૨૦૦૧માં સ્પાના વ્યવસાય સાથે આયુર્વેદિક ચિકિત્સા, પંચતારક હોટેલના એશો આરામ અને આલ્હાદક વાતાવરણમાં હિમાલયમાં ''આનંદ''ની સ્થાપના કરી ત્યારે સ્પાના વ્યવસાયમાં નવો વળાંક આવ્યો. બેંગલોરનું સૌક્ય નામનું સ્પા સૌથી વધુ લોકપ્રિય ગણાય છે. હિલ્ટન ગોલ્ડન પામ્સ અને લીલા સ્પા પણ ઘણા જ જાણીતા છે. હવે તો સ્પા અનેક જગ્યાએ છે, જેમ કે ગોવાનું અગુઆડા બિચ સ્પા, તેમ જ હિલ સ્ટેશનો પર અને મોટા શહેરોમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. દિલ્હીમાં ચાર નવા સ્પા ખૂલ્યા છે. ખાસ ઉલ્લેખનીય છે હોટેલ અશોકમાં ૪૫,૦૦૦ સ્કે.ફૂટની વિશાળ જગ્યામાં આવેલું આપણા દેશનું સૌથી મોટું સ્પા જેનું નામ છે ''અમાત્ર''. એની વિશિષ્ટતા એ છે કે તેની મેમ્બરશીપ ફક્ત આમંત્રિત મહાનુભાવોને જ મળે છે. આથી તેના મેંબર થવા લોકો, પોતે પણ કંઇક વિશિષ્ટ છે એવું બતાવવા, પડાપડી કરે છે. એક શ્રીમંત મહાપુરુષ કહે છે. ''અમે તો પરદેશ જઇએ છીએ ત્યારે જ સ્પામાં જઇએ છીએ. અહિં આપણે ત્યાં પણ સ્પા છે એ ગર્વ લેવા જેવી વાત છે.''
જેમ જેમ નવા શોખને હોટેલવાળાઓ અને ક્લબો પૈસા બનાવવાનું સાધન બનાવી રહ્યા છે, તેમ તેમ સ્પાનો મૂળ અર્થ વિસરાતો જાય છે. આજના નવા યુગમાં સ્પા શબ્દ ખર્ચાળ સ્વાસ્થવર્ધક પર્યટન સ્થળની સાથે સાથે કેટલીક જગ્યાએ સાધારણ પાર્લરને પણ સ્પાનું નામ અપાય છે, જ્યાં મસાજ અને સાઉના પણ આપવામાં આવે છે.
બેંગલોરની સૌક્યનો માલિક ઇસાક મથાઇ સ્પાની સસ્તી નકલ જોઇને ખૂબ જ ગુસ્સે થાય છે. તેના કહેવા પ્રમાણે, ''સૌક્ય એ જ ખરી સ્પા છે. એ નિવાસીય આરોગ્યવર્ધક સેંટર પણ છે.'' મથાઇના ગ્રાહકોમાં આર્યબિશપ ડેસમંડ ટુટુ, ડચેસ ઓફ યોર્ક, અને એક્ટર રજનીકાંત છે. તેઓ પોતાને પસંદ હોય એવી ચિકિત્સા કરાવે છે, જેવી કે આયુર્વેદ, ટીબેટન દવાઓ, મડ થેરાપી કે મ્યુઝિક થેરાપી. આ બધી ચિકિત્સા પધ્ધતિઓ સસ્તી નથી. એક દિવસના દસ હજાર રૂપિયા આપવા પડે છે. આ દરમ્યાન ટીવી જોવાની છુટ મળતી નથી. પણ ગ્રહકોને તેનો અફસોસ નથી. મથાઇના ગ્રાહકોમાં પચાસ ટકા પરદેશીઓ હોય છે. બાકીના ભારતીય.
''આનંદ''માં પણ આ જ પ્રણાલી છે. ત્યાંના ૭૫ રૂમોમાં દર વર્ષે ૨૧,૦૦૦ પ્રવાસીઓ આવે છે. છેલ્લા એક વર્ષમાં એમાં પંચોતેર ટકાનો વધારો થયો છે. આનંદનો જનરલ મેનેજર એન્ડ્રુ સાલડાનાના કહેવા પ્રમાણે ''ભારતીઓ હવે સ્પામાં વધારે રસ લેવા માંડયા છે.''
મોટા ભાગના ભારતીયો શની-રવિની રજામાં જવાનું પસંદ કરે છે. જ્યારે પરદેશીઓ એક-બે અઠવાડિયા રહે છે કારણ તેમને વજન ઘટાડવું હોય, માનસિક તનાવ ઓછો કરવો હોય અથવા ધૂમ્રપાનના નશામાંથી મુક્ત થવું હોય, એવા બીજા અનેક કારણો હોય છે. સિમલા પાસે આવેલા ઓબેરોય રિસોર્ટના વાઇલ્ડ ફલાવર હોલનો મેનેજર ગોપાળ કુમાર પણ એમ જ કહે છે, ''અમારા ગ્રાહકોમાં ૮૦ ટકા ભારતીઓ છે.''
શહેરમાં આવેલા સ્પામાં પણ હવે ઘણો વધારો થયો છે. ઓબેરોયની હોટેલો થાઇ થેરાપીસ્ટને બોલાવે છે, તો બેંગલોરની ગોલ્ડન પામ્સ હોટલમાં ''કિલઓપેટ્રા મિલ્ક બાથ' નો લાભ મળે છે. ૨૦૦૧ની સાલથી ઓબેરોય ગુ્રપની સ્પાનો વહીવટ થાઇ સ્પાની ''બનિયન ટ્રી'' સ્પા સંભાળે છે જે દુનિયાની સારામાં સારી સ્પા ગણાય છે.
કેટલાક પ્રવાસીઓ દિવસની સ્પા જેવી કે દિલ્હીની કામાયિની કંવરની ''એસિયન રુટ્સ'' પસંદ કરે છે, તેવી જ રીતે મુંબઇની ફ્રેંક પ્રોવોસ્ટ સ્પા સાંસારિક જંજાળમાંથી તાત્કાલિક છુટકારો અપાવે છે. ખારમાં આવેલી ચી-કાબામાં ભૂતપૂર્વ મોડેલ કોલીન ખાન મસાજ સાથે શારીરિક સૌંદર્ય વધારવાની ટ્રીટમેંટ આપે છે. ઉપરાંત, કોસ્મેટોલોજીસ્ટ અને આહારવિદ્દના સલાહ સૂચનોથી આ સ્પા નોખી ભાત પાડે છે.
આપણા દેશી અખાડાઓ અને કસરતશાળાઓની સરખામણીમાં સ્પા અદ્યતન અને પરિણામજનક હોવાથી ખૂબ જ લોકપ્રિય બની છે. બેંગલોરની સોફ્ટવેર એંજિનિયર પ્રમિલા નેગી કહે છે તેમ ''સ્પાના ભાવ ખૂબ જ ઊંચા છે તો પણ હું મહિને એકવાર ત્યાં જાઉં છું અને તરોતાજા થઇને પાછી આવું છું.''