Get The App

શિયાળામાં પણ હોઠને આપો મખમલી સ્પર્શ

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
શિયાળામાં પણ હોઠને આપો મખમલી સ્પર્શ 1 - image


- હાડોહાડ ટાઢમાં હોઠને હૂંફાળા રાખતા 'લિપ બામ'

શિયાળાએ દરવાજે દસ્તક દઈ દીધી છે. તેથી આપણી ત્વચા પર પણ તેની અસર અચૂક પડવાની. ખાસ કરીને ચહેરાના આકર્ષણના કેન્દ્ર સમા અધર પર.

ઠંડી શરૂ થતાંવેંત આપણા નાજુક-નરમ-મુલાયમ હોઠ સૌથી પહેલા ફાટે છે. ફાટેલા હોઠ ખેંચાય, તેમાંથી લોહીની ટશરો ફૂટે અને સમગ્ર ચહેરાનો દેખાવ એવો લાગે જાણે આપણે એકદમ ઉદાસ હોઈએ. પરંતુ આવું કાંઈ ન બને એટલા માટે ઓષ્ટની કાળજી કરવાનું શરૂ કરી દો. તેને સતત મોઈશ્ચરાઈઝ કરતાં રહો, અધરને મોઈશ્ચરાઈઝ કરવામાં લિપ બામ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને તમે ચાહો તો લિપ બામ ઘરમાં જ બનાવી શકો છો. ઘરમાં લિપ બામ બનાવવામાં સૌથી જરૂરી વસ્તુ છે બી વેક્સ, એટલે કે મધુ મીણ, આ મીણ બજારમાં આસાનીથી મળી રહે છે. વિવિધ પ્રકારના લિપ બામ બનાવવાની જાણકારી આપતાં નિષ્ણાતો કહે છે...,

જોજોબા લિપ બામ

એક બાઉલમાં બે ટીસ્પૂન બી વેક્સ અને સવા બે ટીસ્પૂન જોજોબા ઓઈલ ભેળવીને ત્રણથી ચાર મિનિટ સુધી ગરમ કરો. હવે તેને આંચ પરથી ઉતારીને તેમાં  એક ટીસ્પૂન ગ્રેપફ્રુટ એસેન્શિયલ ઓઈલ નાખો. આ મિશ્રણને એક નાના કંટેનરમાં નાખીને લગભગ અડધા કલાક સુધી ઠંડુ થવા દો. આ બામ હોઠ પર લગાવીને શિયાળામાં પણ તમારા અધરને નરમ મુલાયમ બનાવી રાખો.

પિપરમિન્ટ લિપ બામ

એક બાઉલમાં બે ટીસ્પૂન વેક્સ અને સાત ટીસ્પૂન બદામનું તેલ નાખીને ઓગાળી લો.  આંચ પરથી ઉતાર્યા પછી તેમાં એક ટીસ્પૂન મધ ભેળવો. આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાં એક ટીસ્પૂન પિપરમિન્ટ એસેન્શિયલ ઓઈલ નાખીને તેને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને એક કન્ટેનરમાં નાખી દો અને તેનો નિયમિત ઉપયોગ કરો.

લેમન લિપ બામ

બાઉલમાં એક ટીસ્પૂન બી વેક્સ ઓગાળી લો. તેમાં દોઢ ટીસ્પૂન લીંબુનો રસ અને અડધું ટીસ્પૂન પેટ્રોલિયમ જેલી ભેળવો. તેને સારી રીતે મિક્સ કરીને કંટેનરમાં નાખીને મૂકી રાખો અને જરૂર પડયે તેનો ઉપયોગ કરો.

કોકોનટ લિપ બામ

કોકોનટ લિપ બામ બનાવવા માટે બે ટીસ્પૂન બી વેક્સ અને બે ટીસ્પૂન જોજોબા ઓઈલ મિક્સ કરીને ઓગાળી લો. આંચ પરથી ઉતાર્યા પછી તેમાં એક ટીસ્પૂન કોપરેલ તેલ ભેળવો. આ ગરમ મિશ્રણને જ એક કંટેનરમાં નાખી દો. ઠંડુ પડયા પછી ઉપયોગમાં લો.

હની લિપ બામ

આ લિપ બામ બનાવવા એક બાઉલમાં અડધું ટીસ્પૂન બી વેક્સ પીગળાવો. આંચ પરથી ઉતારીને તેમાં અડધું ટીસ્પૂન મધ અને ત્રણથી ચાર ટીપાં ઓરેન્જ એસેન્શિયલ ઓઈલ નાખીને મિક્સ કરો. તેમાં વિટામીન 'ઈ'ની એક કેપ્સુલ ફોડીને ભેળવી દો. આ મિશ્રણ કંટેનરમાં નાખી દો.  નિયમિત રીતે તેને હોઠ પર લગાવતા રહો.


Google NewsGoogle News