Get The App

આંખોને એવો લુક આપો કે લોકો જોયા જ કરે .

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
આંખોને એવો લુક આપો કે લોકો જોયા જ કરે                      . 1 - image


'તારી આંખનો અફીણી,' 'નજરના જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે...' 'તારી આંખનાં કામણે મને ઘેલો રે કર્યો...'

જેવાં ગીત કંઈ અમસ્તાં જ નથી લખાયાં, આંખો પર તો જગતની સેંકડો નઝમ, ગઝલ અને શાયરીઓ કુરબાન થઈ છે. હકીકતમાં, આ જાલિમ આંખોની અદા જ એટલી પ્યારી હોય છે કે સનમ તો શું કોઈ પણ એનો ગુલામ થઈ જાય. મેકઅપનો ઉપયોગ થયા પછી આંખોનો જાદુ માથે ચડીને બોલે છે.

અગાઉ લગ્નો, પાર્ટીઓમાં કેટલીક ખાસ સ્ત્રીઓ જેમ કે નવવધૂ કે જેને માટે પાર્ટી આપવામાં આવી હોય, એ જ ભીડથી જુદી દેખાવા માટે આંખોનો વિશેષ મેકઅપ કરતી હતી, પણ હવે લગ્નમાં નવવધુની સાહેલીઓ, આંટીઓ, પાર્ટીમાં ભાગ લઈ રહેલી છોકરીઓ, રોજ ઓફિસ કે કોલેજ જતી મહિલાઓ, સૌની આંખો પર પણ પ્રસંગને અનુરૂપ મેકઅપ શોભવા લાગ્યો છે. એક તો આંખો છે હૈયાની ભાષા, ઉપરથી આંખો પર થનારો ટ્રેન્ડી મેકઅપ, કોઈ પણ પ્રસંગે ગજબનો જાદુ પાથરે છે. ચહેરાના ભિન્નભિન્ન પ્રકારના મેકઅપ જેવો જ, કોઈ પણ પ્રસંગે કરવામાં આવતો આંખોનો મેકઅપ પણ જુદો જ અને સુંદર હોય છે.

આટસ્ટિક આઈલાઈનર

આજે કાજળથી વધુ ઉપયોગ ટ્રેન્ડી આઈલાઈનરનો થાય છે. ઓફિસ જતી સ્ત્રીઓ શાલીનતાનો પરિચય આપતી હોય એમ એક સિમ્પલ, ક્લાસિક આઈલાઈનરનો ટચ આપતી નજરે ચડે છે, તો પાર્ટી માણવા જઈ રહેલી સ્ત્રીને પસંદ આવે છે વાઈલ્ડ આઈલાઈનર. આ ઉપરાંત કોઈ ગ્લેમરસ પ્રસંગે ભાગ લેવા જઈ રહેલી સ્ત્રીને ગમે છે સેક્સ-અપીલ આપનાર સ્મોકી, પ્રિન્ટેડ કે ડિઝાઈનવાળું આઈલાઈનર.

ડે પાર્ટી આઈ મેકઅપ

દિવસની પાર્ટીઓમાં નાચતી નજરે પડતી ગર્લ્સ અને લેડિઝની પહેલી પસંદ હોય ગોથિક આઈ મેકઅપ. આંખના આ પ્રકારના મેકઅપથી એક ડલ, ધૂંધળું એવું રૂપ ઊપસી આવે છે. શિમરિંગ પર્પલ, ડાર્ક બ્લૂ, ગ્રીન, વ્હાઈટ, ડાર્ક ગ્રે, બ્રાઉન આઈશેડોની સાથે બ્લેક, બ્રાઉન કે પછી કોઈ પણ ડાર્ક રંગના લિક્વિડ આઈલાઈનરથી ચામગ ગર્લ્સની શોભા વધી જાય છે.

ઈનિંગ પાર્ટી આઈ મેકઅપ

મોડલના ચહેરા પર નજરે પડતા આઈ મેકઅપમાં આંખો સ્મોકી દેખાય છે, સામાન્ય પ્રસંગો કરતાં વિશેષ દેખાવાની ઈચ્છામાં છોકરીઓ કે સ્ત્રીઓને સાંજની પાર્ટીમાં ડ્રામેટિક આઈ મેકઅપના સંપૂર્ણ ગેટઅપમાં જોઈ શકાય છે.

મિત્રોની સાથે સાંજના આઉટિંગ કે ડાન્સિંગ ક્લબ માટે આ પરફેક્ટ સ્ટાઈલ છે. ડાર્ક અને ડીપ આઈલાઈનર સાથે ઘેરા રંગની આઈ પેન્સિલ અને પર્પલ, બ્લૂ કે કાળા રંગના મસકારા આંખોને બહાર લાવે છે. એની સાથે કોઈ પણ લાઈટ કે ડાર્ક રંગના આઈશેડો અને કાળા રંગના લિક્વિડ આઈલાઈનર સ્મોકી લુકને એના પૂરેપૂરા રૂપમાં રજૂ કરે છે. જો કે આ લુક લગ્નમાં કે દિવસની પાર્ટીમાં અનુકૂળ રહેતો નથી, પણ શહેરમાં સાંજની પાર્ટીઓમાં ઝૂમતી બાળાઓ ડ્રામેટિક આઈ મેકઅપથી છોકરાઓને ખૂબ લલચાવતી જોવા મળે છે.

ન્યૂટ્રલ શેડો આઈ મેકઅપ

રોજથી અલગ દેખાવાની ઈચ્છામાં કે એક પ્યારભરી ડેટ પર જવા માટે છોકરીઓમાં અથવા બીચ કે કિટી પાર્ટીમાં ભાગ લેવા માટે સ્ત્રીઓમાં ન્યૂટ્રલ શેડો આઈ મેકઅપ લોકપ્રિય બની રહ્યો છે. બાઉન, રિચ કોપર, બ્રિક રંગના આઈલાઈનરની જાડી રેખા આંખો પર આઈલિડ પર લગાવીને સ્ટનિંગ લુક આપવો અને એને પૂરક એવો હળવો આઈ શેડો આંખોની નીચે અને ઉપર પોપચાં પર ફેલાવી એ ખાસ પ્રસંગને વધુ ખાસ બનાવાય છે.

પ્રિટી ગ્રીન આઈ મેકઅપ

નાઈટક્લબ પાર્ટીઓમાં, થીમ પાર્ટી કે મિત્રો સાથે માણવાની પાર્ટીઓમાં છોકરીઓમાં ખાસ દેખાવા માટે આ વર્ષે પ્રિટી ગ્રીન આઈ મેકઅપ ખૂબ શોભી ઊઠે છે. ભલે ડ્રેસ ગમે તે રંગનો કેમ ન હોય, જ્યારે ગ્રીન શેડના લાઈનરની પાતળી રેખા આંખોની ઉપરની અને નીચેની આઉટલાઈનને કવર કરતી બહાર તરફ ખૂણા સુધી નીકળે છે, ત્યારે તો કયામત જ સર્જાય છે.

એ સાથે જ કોપર, પર્પલ, બ્રોન્ઝ કે કોઈ પણ મેટલિક રંગના મસકારા અને પાંપણ પર ભરેલા હળવા કે ડ્રેસ સાથે મેચ કરતા રંગ કે પ્રિન્ટના આઈશેડો લગાવીને કુંવારી કન્યાઓ પાર્ટીઓમાં આંખોનાં અનેક કામણ પાથરે છે.

ક્લિયોપેટ્રા આઈ મેકઅપ

એકાંત ઓરડામાં એમની વાટ જોતાં એકલાં બેઠાં હો ત્યારે મોટેભાગે એમના આવતાં જ આંખો આંખોમાં વાત થાય છે. વાટ જોવાની આતુરતાની આ જ ક્ષણોને કન્યાઓએ પોતાની આંખોના મેકઅપથી વિશેષ બનાવી દીધી. આંખોને બોલ્ડ, મોહક અને સેક્સી લુક આપતા ક્લિયોપેટ્રા મેકઅપે આવા જ પ્રસંગોને સોનામાં સુગંધ જેવા બનાવ્યા છે.

અત્યંત સુંદર દેખાતી આઈલિડથી આંખોના ખૂણાની બંને તરફ ઉપર અને નીચે ૪૦ ડિગ્રી ઊપસી આવેલી જાડી, ડાર્ક, શિમર લાઈનરની પટ્ટી અને ઘેરા જેવા કાળા કે નેવી બ્લૂ રંગનો આઈશેડો પરફેક્ટ લુક આપે છે. આ મેકઅપ સ્ટાઈલ આ પ્રસંગો ઉપરાંત કોઈ પણ કપલ પાર્ટીમાં આવનારી મહિલાઓની આંખો પર પણ વધારે જોવા મળે છે.

ઈમો આઈ મેકઅપ

નિત્ય ડ્રેસની સાથે મેચ કરતા આઈશેડો સાથે કોલેજ-ગોઈંગ ગર્લ્સ કે પાયજામા પાર્ટી સ્ટાર્ટર્સ માટે રેગ્યુલર રીતે કરવામાં આવતો આંખોનો મેકઅપ એમને હોટ બનાવે છે. કિશોરી-કન્યાઓમાં આ અત્યંત લોકપ્રિય છે. એમાં કોસ્મેટિકના ઉપયોગમાં બાળપણની સરળતાની સાથે કિશોરાવસ્થાની અલ્લડતાનો પ્રભાવ પણ સામેલ થાય છે.

ઈમો આઈ મેકઅપમાં શરમાળ, સંવેદનશીલ અને હૈયાને સ્પર્શી જનારી વયનો ઈમોશનલ મેસેજ હોય છે. આંખોને ઘેરી બનાવીને ગોળાકાર બ્લેક શાઈની આઈલાઈનરની સાથે આખી આંખો પર ભરેલા ગુલાબી કે નીલા જેવા હળવા રંગોનો આઈશેડો ખૂબ જામે છે.


Google NewsGoogle News