Get The App

લસણ : સ્વાસ્થ્ય અને જીવનશક્તિ માટે કુદરતનો પાવરહાઉસ

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
લસણ : સ્વાસ્થ્ય અને જીવનશક્તિ માટે કુદરતનો પાવરહાઉસ 1 - image


- હજારો વર્ષથી લસણનો ઉપયોગ દવા તરીકે થતો આવ્યો છે. હાલ ચાલી રહેલા સંશોધાનોથી લસણના આ ગુણોની પુષ્ટી થઈ છે. મોટાભાગના લોકો માટે લસણનું સેવન સુરક્ષિત છે. જો કે લોહી પાતળું થવાની દવા લેતા લોકોએ લસણના સેવન અગાઉ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

- લસણની ચહામાં એન્ટીઓક્સિડન્ટ સાથે વિટામીન એ, સી, બી૧ અને બી૨ પણ હોય છે. આ પોષકતત્વો ચયાપચયની ક્રિયા, રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરવા ઉપરાંત તેનાથી તંદુરસ્ત કોષોને નવજીવન મળતું હોવાથી વય સંબંધિત તકલીફો પણ ઓછી થાય છે.

લસણ ખરા અર્થમાં એક સુપરફૂડ છે. મનુષ્યો હજારો વર્ષથી લસણનો ઉપયોગ કરતા આવ્યા છે અને પ્રાચીન ઈજિપ્તમાં તેનો ઉપયોગ રસોઈ તેમજ ઔષધિ માટે પ્રચલિત હતો. ભારત તેમજ ઈજિપ્તમાં પાંચ હજાર વર્ષ પહેલા પણ લસણનો ઉપયોગ થતો હોવાના પ્રમાણ છે. જો કે વિશિષ્ટ બીમારીઓ માટે લસણ કેવી રીતે ઉપયોગી બને તેના વિશે વધુ અભ્યાસ જરૂરી છે.

હજારો વર્ષથી લસણનો ઉપયોગ દવા તરીકે થતો આવ્યો છે. હાલ ચાલી રહેલા સંશોધાનોથી લસણના આ ગુણોની પુષ્ટી થઈ છે. મોટાભાગના લોકો માટે લસણનું સેવન સુરક્ષિત છે. જો કે લોહી પાતળું થવાની દવા લેતા લોકોએ લસણના સેવન અગાઉ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

જો કે લસણના સેવનમાં પ્રમાણભાન જાળવવું જરૂરી છે. ઉપરાંત ખાલી પેટ પર લસણના સેવન પહેલા ડોક્ટરની સલાહ પણ લેવી જરૂરી છે. અમુક પ્રકારની સ્વાસ્થ્ય તકલીફ ધરાવતા લોકો માટે ખાલી પેટ પર લસણનું સેવન કરવું પ્રતિબંધિત છે.

લસણના સેવનના અનેક લાભ છે.

હાડકાનું સ્વાસ્થ્ય

અભ્યાસોથી જણાયું છે કે લસણની હાડકાં પર સારી અસર પડે છે, ખાસ કરીને મેનોપોઝમાંથી પસાર થઈ રહેલી મહિલાઓ માટે તે ખાસ ઉપયોગી છે. કેટલાક અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઓસ્ટીયોપોરોસીસ સર્જતી ઓક્સિડેટીવ સ્ટ્રેસને પણ લસણ ઓછી કરે છે.

હૃદયરોગમાં લાભદાયી

અભ્યાસોમાંથી સાબિત થયું છે કે લસણ કોલેસ્ટરોલ ઓછું કરીને હૃદયરોગમાં લાભકારી બને છે. અનેક અભ્યાસોમાં જણાયું છે કે લસણમાં લોહીમાં થતા ગઠ્ઠા અટકાવવાની ક્ષમતા હોઈ શકે છે જેનાથી તે હૃદયરોગમાં લાભકારી બને છે.

ધાતુના અતિરેકનું નુકસાન ઘટાડે છે

લસણનું સેવન વધુ પ્રમાણમાં કરવાથી તેનાથી ધાતુના અતિરેકનું જોખમ ઘટી શકે છે. એનું કારણ છે લસણમાં સલ્ફરની હાજરી. લસણમાં રહેલા અન્ય ઘટક એલિસિનની જેમ સલ્ફર પણ મહત્વના અવયવો અને લોહીમાં રહેલા સીસાના સ્તરમાં ઘટાડો કરવામાં સહાય કરે છે તેમજ સીસાના અતિરેકની નિશાની ગણાતા બ્લડપ્રેશર અને માથાના દુ:ખાવો પણ ઓછો કરે છે.

સ્મરણશક્તિમાં સુધારો

લસણમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડેટીવ ક્ષતિ રોકે છે. આથી સ્મરણશક્તિ અને મગજની સમસ્યા ધરાવતા લોકો માટે લસણ સહાયક સાબિત થઈ શકે. જો કે આલ્ઝાઈમર્સ અને ડીમેન્શિયાના અનેક કારણો હોવાથી તેમજ તેની સંપૂર્ણ સારવાર અશક્ય હોવાથી તેના પર લસણના પ્રભાવ વિશે વધુ અભ્યાસની જરૂર છે.

 કેન્સર વિરોધી ગુણો

લસણના આ ગુણો વિશે વધુ અભ્યાસ થઈ રહ્યા છે, પણ કેટલાક પ્રયોગોથી સ્પષ્ટ થયું છે કે લસણમાં રહેલા સલ્ફરના ઘટકોમાં ગાંઠ બ્લોક કરવાની તેમજ કેન્સરજન્ય કોષોમાં અવરોધ સર્જવાની ક્ષમતા હોઈ શકે છે.

એન્ટીબાયોટિક ગુણો

લસણ જ્યારે કાપવામાં અથવા છુંદવામાં આવે ત્યારે તેમાં રહેલું એલિસિક ઘટક મુક્ત થાય છે અને તે એન્ટીબાયોટિક જેવું કામ કરે છે. અભ્યાસ મુજબ લસણનું સેવન બેક્ટેરિયાના ચેપ સામે રક્ષણ આપવામાં સહાયક સાબિત થઈ શકે છે. 

બ્લડ પ્રેશરમાં ઘટાડો 

દેશમાં અન્ય કોઈપણ બીમારી કરતા સૌથી વધુ મોત હૃદયરોગને કારણે થાય છે. હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર હૃદયરોગ માટે કારણભૂત હોય છે. કેટલાક અભ્યાસોમાં જણાયું છે કે લસણનો ઉપયોગ બ્લડ પ્રેશરની દવા જેટલા જ લાભ આપે છે ઉપરાંત તેની આડઅસર પણ ઓછી હોય છે.

આહારમાં સામેલ કરવું આસાન

લસણને સરળતાથી કોઈપણ વાનગીમાં ઉમેરી શકાય છે, ખાસ કરીને સૂપ અને સોસમાં લસણ તેના વિશિષ્ટ સ્વાદ સાથે લિજ્જતમાં ઉમેરો કરે છે. 

એન્ટીમાયક્રોબાયલ અને એન્ટફંગલ ગુણો

લસણનો ઉપયોગ ફુંગી, વાયરસ અને બેક્ટેરિયાથી થતા ચેપની સારવારમાં દવા તરીકે થતો આવ્યો છે. લસણને તેના બેક્ટેરિયા વિરોધી ગુણો માટે રશિયન પેનિસિલિન તરીકે પણ ઓળખાવાય છે. લસણના તેલ અથવા છુંદો કરેલા લસણનો ઉપયોગ ત્વચાની સમસ્યા તેમજ જંતુના ડંખની સારવાર માટે પણ કરી શકાય છે.

મૂત્રમાર્ગના ચેપ માટે ઉપયોગી

મૂત્રમાર્ગના ચેપમાં ઈ-કોલી બેક્ટેરિયા જવાબદાર હોય છે અને લસણ તેની વૃદ્ધિને અટકાવી શકે છે. લસણ કિડનીની બીમારીમાં પણ ઉપયોગી સાબિત થાય છે. જો કે લસણનો મહત્તમ લાભ તેને કાચુ ખાવામાં આવે ત્યારે મળે છે.

લસણની આડઅસર

લસણની કોઈ મુખ્ય આડઅસર નથી પણ પ્રત્યેક ચીજનું યોગ્ય પ્રમાણ જાળવવું જોઈએ. કેટલાક લોકોને કુદરતી રીતે લસણની એલર્જી હોય છે.  ઉપરાંત લસણમાં લોહીમાં ગઠ્ઠો થતો રોકવાના ગુણ હોવાથી જ્યારે કોઈ વ્યક્તિ લોહી પાતળું થવાની દવા લેતા હોય અથવા કોઈને લોહીના સ્રાવની વિકૃતિ હોય તો તેમણે લસણના સેવન પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

લસણનું સેવન કરવાની રીત

લસણનું સેવન કોઈપણ રીતે થઈ શકે છે. તેની કળીઓ, પેસ્ટ, પાવડર, તેલ અથવા કેપ્સ્યુલમાં ભરીને દવાની જેમ પણ સેવન કરી શકાય છે.

કાચુ લસણ ખાવાના અનેક લાભ છે. પણ લસણની ચહા વિશે સાંભળ્યું છે? લસણની ચહામાંથી એ તમામ લાભ મળે છે જે કાચા લસણમાં હોય છે. એનાથી સ્વાસ્થ્ય સુધરે છે.  લસણની ચહા ખાલી પેટ પર પણ પી શકાય છે. 

લસણની ચહા બનાવવાની રીત

એક ગ્લાસ ઉકળતા પાણીમાં લસણના બેથી ત્રણ ટુકડા નાખવા. થોડું આદુ ક્રશ કરીને તેમાં ઉમેરવું. આ મિશ્રણ પંદર મિનિટ સુધી ધીમા તાપે ઉકાળવું. સ્ટોવ પરથી ઉતારીને દસ મિનિટ સુધી ઠરવા દેવું. પછી તેમાં લીંબુનો રસ તેમજ મધ ઉમેરીને લસણની ચહા માણી શકાય.

લસણની ચહામાં લસણના તમામ ગુણ ઉપરાંત આદુ અને લીંબુના ગુણનો પણ ઉમેરો થાય છે. આ ચહાના સેવનથી ચરબીમાં ઘટાડો થાય છે અને ચયાપચયની ક્રિયા સુધરે છે.

લસણની ચહામાં એન્ટીઓક્સિડન્ટ સાથે વિટામીન એ, સી, બી૧ અને બી૨ પણ હોય છે. આ પોષકતત્વો ચયાપચયની ક્રિયા, રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરવા ઉપરાંત તેનાથી તંદુરસ્ત કોષોને નવજીવન મળતું હોવાથી વય સંબંધિત તકલીફો પણ ઓછી થાય છે.

- ઉમેશ ઠક્કર


Google NewsGoogle News