Get The App

બટકણાં નખને મજબૂતી બક્ષે લસણ-લીંબુનું મિશ્રણ .

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
બટકણાં નખને મજબૂતી બક્ષે લસણ-લીંબુનું મિશ્રણ                  . 1 - image


આપણી રોજિંદી રસોઈમાં લસણ અને લીંબુ છૂટથી ઉપયોગમાં લેવાય છે. આપણે આ બંને વસ્તુના સ્વાસ્થ્ય વિષયક લાભોથી સુપેરે વાકેફ છીએ. પરંતુ શું તમે જાણો છો કે લસણ અને લીંબુ આપણા નખ માટે પણ જાદુઈ પુરવાર થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે આ બંને વસ્તુમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ખનિજ તત્વો હોય છે જે આપણા નખને મજબૂતી બક્ષીને બટકતાં અટકાવવામાં મદદ કરે છે. વાસ્તવમાં આપણે દિવસ-રાત આપણા હાથ પાસેથી કામ લેતાં રહીએ છીએ. ખાસ કરીને મહિલાઓના નખને ગૃહકાર્ય કરતી વખતે સૌથી વધુ નુકસાન પહોંચે છે. આવી સ્થિતિમાં તેમના નખ વારંવાર બટકતાં રહે છે. બહેતર છે કે તદ્દન સરળ-સોંઘા  ઘરેલૂ ઉપાય વડે તેને મજબૂત બનાવવામાં આવે. તજજ્ઞાો તેના વિશે જાણકારી આપતાં કહે છે..,

તમે ચાહો તો નખને મજબૂતી બક્ષતું બામ ઘરમાં જ બનાવી શકો. તેને માટે આટલું કરો.

* બેથી ત્રણ કળી લસણ, બે ટેબલસ્પૂન લીંબુનો રસ, વિટામીન 'ઈ'ની એક કેપ્સુલ અને એક બોટલ ક્લીઅર નેલ પોલીશ લો.

* હવે લસણથી કળીને છૂંદી લો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ નાખો. ત્યાર પછી વિટામીન 'ઈ'ની કેપ્સુલ ઉપરથી સહેજ કાપીને તેમાં રહેલું તેલ લસણ-લીંબુ સાથે ભેળવો. આ મિશ્રણ ૨૦ મિનિટ સુધી રહેવા દીધા પછી તેમાં ક્લીઅર નેલ પોલીશ નાખીને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને એક બોટલ અથવા ડબ્બામાં ઠાલવી દો.

આ મિશ્રણ શી રીતે લગાવવું તેની સમજ આપતાં નિષ્ણાતો કહે છે કે જો તમારા નખ પર અગાઉથી જ નેલ પોલીશ લગાવેલી હોય તો તે કાઢી નાખીને નખ સાબુ વડે ધોઈ લો. ત્યાર પછી નખને સારી રીતે લૂછીને કોરા કરી બે-પાંચ મિનિટ રહેવા દો. હવે આ મિશ્રણ નેલ પોલીશની જેમ નખ પર વ્યવસ્થિત રીતે લગાવો. ત્રણ દિવસ સુધી આ હાર્ડનર નખ પર રહેવા દીધા પછી તે કાઢી નાખો. ત્યાર પછી એક દિવસ નખને જેમના તેમ રહેવા દો અને બીજે દિવસે ફરીથી આ મિશ્રણ નખ પર લગાવો. નિયમિત રીતે તેનો ઉપયોગ કરવાથી તમારા નખ મજબૂત બની બટકતાં અટકશે.

 નિષ્ણાતો લસણ, લીંબુ અને વિટામીન 'ઈ'ના ફાયદા ગણાવતાં કહે છે કે લસણમાં પ્રચૂર પ્રમાણમાં સેલેનિયમ નામનું ખનિજ, સલ્ફર હોય છે. સેલેનિયમ નખને મજબૂતી બક્ષે છે. તેવી જ રીતે સલ્ફર નખને મજબૂત બનાવવા સાથે ચમકદાર પણ બનાવે છે. સાથે સાથે કોઈપણ પ્રકારના ચેપ અને ફંગસથી બચાવે છે તે છોગામાં.

એ વાત સર્વવિદિત છે કે ખાટા લીંબુમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી હોય છે. આ વિટામીનને તમે પ્રાકૃતિક બ્લીચ પણ કહી શકો. આમ લીંબુમાં રહેલું વિટામીન સી નખને મજબૂત બનાવવા ઉપરાંત તેની પીળાશ દૂર કરવામાં પણ સહાયક બને છે. સાથે સથે લીંબુ નખમાં કૉલેજનનું સ્તર પણ જાળવી રાખે છે જે છેવટે નખને મજબૂતી બક્ષવાનું કામ કરે છે.

જ્યારે વિટામીન 'ઈ' કુદરતી રીતે નખને મોઈશ્ચર કરે છે જેને પગલે નખ શુષ્ક થઈને વારંવાર તૂટતાં નથી. વળી તેમાં રહેલું એન્ટિઑક્સિડન્ટ નખનું સુરક્ષા કવચ બને છે. તમે ચાહો તો બજારમાંથી તૈયાર વિટામીન 'ઈ' ઓઈલ લઈ આવી શકો. અથવા વિટામીન 'ઈ'ની કેપ્સુલ કાપીને તેમાં રહેલા તેલનો ઉપયોગ નખ પર લગાવવા કરી શકો.

- વૈશાલી ઠક્કર

નખને મજબૂત બનાવવા આટલી ટેવો કેળવો

* ઘણાં લોકોને નખ ચાવવાની ટેવ હોય છે. જો તમને પણ આવી આદત હોય તો તેના પર અંકુશ મૂકો.

* કેટલીક વખત વધારે પડતી નેલ પોલીશ લગાવવાથી, નેલ પોલીશના રંગો વારંવાર બદલવાથી નખ પીળા અને નબળાં પડી જાય છે. બહેતર છે કે વચ્ચે વચ્ચે એકાદ-બે દિવસ નેલ પોલીશ લગાવવામાંથી બ્રેક લો. આમ કરવાથી નખને શ્વસવાની તક મળશે.

* નખ હાઈડ્રેટ અને મૉઇશ્ચર રાખવા નખ પર નિયમિત રીતે ક્રીમ લગાવવા ઉપરાંત દરરોજ છથી આઠ ગ્લાસ પાણી અચૂક પીઓ.

* નખ હમેશાં ચોક્ખાચણાંક રાખવાથી પણ નખ મજબૂત રહે છે.


Google NewsGoogle News