Get The App

ઉત્તમ સ્ત્રીનાં પાંચ લક્ષણો .

Updated: Sep 4th, 2023


Google NewsGoogle News
ઉત્તમ સ્ત્રીનાં પાંચ લક્ષણો                               . 1 - image


સ્ત્રી એક શક્તિ છે... આ શક્તિ રચનાત્મક પણ હોઈ શકે અને ખંડનાત્મક પણ નીવડી શકે. પતિ-પત્નીના સંબંધની વાત કરીએ તો 'સમજુ નાર'નું મૂલ્ય ઘણું ઊંચું છે. પતિદેવોની મોટે ભાગે પત્ની અંગે ફરિયાદ રહ્યા જ કરતી હોય છે કે, આનામાં આ નથી ને તે નથી.

તો, પતિને પ્રસન્ન રાખે એવું પત્નીમાં શું હોવું જોઈએ. કોઈકમાં રૂપ છે, કોઈકમાં બુદ્ધિપ્રતિભા છે, કોઈકમાં વાક્પટુતા છે તો કોઈકમાં ચપળતા છે તો વળી, કોઈકમાં કરકસરનો ગુણ છે અને કોઈકમાં હૃદયની વિશાળતા છે.

મોટે ભાગે, દરેક પત્નીમાં આ બધા જ ગુણ એક સાથે જોવા નથી મળતા. પણ, દરેક પતિ માટે, માની લઈએ કે રૂપની વ્યાખ્યા પતિએ પતિએ જુદી હોય તો પણ, ઉપર કહ્યા તે અન્ય ગુણો તો એક આદર્શ પત્ની માટે જરૂરી છે બલકે, અનિવાર્ય છે. એટલે કે, આ સર્વ ગુણોનો સમન્વય જે સ્ત્રીમાં હોય તેને માટે કહી શકાય કે, તે સ્ત્રી એક આદર્શ પત્ની બનવા માટેનાં સર્વ લક્ષણો ધરાવે છે. અને, આવા સદ્ગુણો ધરાવતી સ્ત્રી જે પરિવારમાં પત્ની કે વહુ બનીને જાય છે, તે પરિવાર સ્વર્ગ જેવું સુંદર-સુખમય બની રહે છે.

તો, ચાલો એવાં લક્ષણોને સહેજ ઝીણવટથી સમજીએ કે, જે સ્ત્રીને 'ઉત્તમ'નો દરજ્જો અપાવે છે. 

ઉત્તમ સ્ત્રીનાં પાંચ લક્ષણોની યાદી તૈયાર કરવી હોય તો તેમાં સૌથી પ્રથમ સહૃદયતાનું લક્ષણ મૂકવું પડે. લાગણી અને સ્નેહથી જેનું હૈયું સભર હોય છે તેવી સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવી દે છે. સંવેદનશીલ સ્ત્રી પોતાના પરિવાર પ્રત્યે સમર્પિત રહે છે. સ્વજનોના દોષને માફ કરવામાં તે ઉદારતા દાખવે છે. 

બીજું લક્ષણ છે હસમુખો સ્વભાવ. જે સ્ત્રી રોતલ, કજિયાખોર કે પારકી પંચાત કરનારી હોય છે તે સ્ત્રી પરિવારને દુ:ખી કરી મૂકે છે. તે પતિની સમક્ષ નાની-મોટી ફરિયાદો અને અપેક્ષાઓ અને ટીકાઓ જ કર્યા કરે છે, હસમુખી સ્ત્રી સંસારની અનેક વિટંબણાઓને ભુલાવી દે છે. બાળકોને અને પતિને પ્રસન્ન રાખે છે.

ઉદ્યમી સ્વભાવ એ ઉત્તમ સ્ત્રીનું ત્રીજું લક્ષણ છે. આળસુ સ્ત્રી ઘરમાં નરક ઊભું કરે છે ભલે નાનું હોય, એમાં સગવડોનો ભલે ગમે તેટલો અભાવ હોય પરંતુ ઉદ્યમી સ્ત્રી પરિવારને ભરપૂર સુખ પૂરું પાડે છે. ઘરકામ, ઘરની સજાવટ વગેરે બાબતો સ્ત્રીના ઉદ્યમી સ્વભાવ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. 

ચોથું લક્ષણ છે કરકસર અને ચોકસાઈનું જે સ્ત્રી કોઈ પણ કામમાં કરકસર કરી જાણે છે તે ઘરને સમૃદ્ધ બનાવે છે. રોજિંદા કામકાજમાં નાનો-મોટો ઘણો બગાડ થતો હોય છે. 

કરકસરનો ગુણ ધરાવતી સ્ત્રી એ બગાડ અટકાવીને ઘણી બચત કરી શકે છે. કરકસરની સગી  બહેન ચોકસાઈ છે. દરેક ચીજ યોગ્ય સ્થળે જ મૂકવી. દરેક કામકાજ ચીવટપૂર્વક કરવું અને તમામ વ્યવહારિક સંબંધો વ્યવહારોમાં ચોકસાઈ રાખવી એ ઉત્તમ સ્ત્રીનું એક વિશિષ્ટ લક્ષણ છે.

પાચમું લક્ષણ બુદ્ધિ છે જીવનની જટિલતાઓને ઉકેલવામાં બુદ્ધિ સહાયક બને છે.  તટસ્થ અને સ્વસ્થ સમજણથી ઘરના અને બહારના અનેક પ્રશ્નો ઉકેલી શકાય છે. ઉપર જે ચાર લક્ષણો બતાવ્યાં છે તે દરેકની સાથે ઊંડી સમજણ હોવી અનિવાર્ય છે જ. છતાં અહીં બુદ્ધિને પાંચમાં સ્થાને સહેતુક મૂકીએ છીએ. કારણ કે બુદ્ધિનો જો દુરુપયોગ થાય તો સૌથી વધુ ખતરનાક નિવડી શકે છે. વાતવાતમાં દલીલો કરતી,

 પતિનું અપમાન કરતી, પરિવારમાં ઝઘડા કરાવતી બુદ્ધિશાળી સ્ત્રીઓનાં ઉદાહરણોનો તોટો નથી. એટલે બુદ્ધિનું લક્ષણ બે ધારી તલવ ાર જેવું છે. તે રક્ષણ પણ આપી શકે અને સર્વનાશ પણ કરી શકે છે. જે પુરુષને ઉપરનાં પાંચ લક્ષણો ધરાવતી પત્ની મળી હોય તેમણે મોક્ષ કે સ્વર્ગમાં જવાની લાલસા રાખવાની જરૂર નથી. તેનું ઘર સૌથી શ્રેષ્ઠ સ્વર્ગ હશે અને તેની પત્ની સાક્ષાત દેવી હશે.  તમારી પત્ની આ પાંચ લક્ષણો ધરાવે છે કે નહિ તે જાણવા માટે નીચેના પ્રશ્નો વિશે વિચારો જો દરેક પ્રશ્નનો જવાબ 'હા' મળે તો તમે સૌથી સુખી છો.

તમારી પત્ની પરિવારનાં સૌ કોઈને 'સ્વજન' સમજે છે?

તમારી પત્ની નાની-મોટી વાતમાં ઝઘડા કે ટીકાઓ કરવાનું ટાળીને ઉષ્માપૂર્ણ વ્યવહાર કરે છે?

તમે ઘેર જાઓ ત્યારે તમારી પત્ની તમારી પ્રતિક્ષા કરતી હોય.. તમારું ઉષ્માભર્યું સ્વાગત કરતી હોય તેવું અવારનવાર પણ બને છે ખરું?

તમારી પત્ની બાળકોમાં ઉત્તમ સંસ્કાર સિંચન કરે છે?

તમારી પત્ની ઘરની સ્વચ્છતા અને વ્યવસ્થિતતા માટે ઉદ્યમી રહે છે?

કરકસર કરીને તમારી પત્ની ખોટો બગાડ અટકાવી જાણે છે?

રૂડા આતિથ્ય સત્કાર દ્વારા તમારી પત્ની તમારી પ્રતિષ્ઠા વધારે છે?

ક્યારે મન દુ:ખ કે નાનકડો ઝઘડો થયો હોય, તો રિસાયા હોય ત્યારે તમારી પત્ની પ્રેમથી તમને મનાવી લેવાનું સૌજન્ય બતાવે છે?

તમારી પત્ની ઘરના અન્ય સભ્યો વિશે ખોટી ચઢવાણી કરવાને બદલે પરસ્પરની ઉષ્મા વધે તેવા પ્રયત્નો કરે છેને?

તમારી પત્ની સારા-માઠા મહત્ત્વના પ્રસંગે સહયોગી વલણ રાખે છે?

- ઈશિતા


Google NewsGoogle News