પહેલો પ્રેમ : વ્હાલપનો વસંતોત્સવ .
- જીવનમાં આવેલી એવી પહેલી વ્યક્તિ કે જે આપણા માટે મિત્ર નથી, પરિવારની સભ્ય નથી, સંબંધી નથી સાવ અજાણી છે છતાં પોતાની લાગે છે. આવો જ્યારે પ્રેમ થાય છે ત્યારે મનમાં, સંવેદનાઓમાં, લાગણીઓમાં નવી કુંપળો ફુટે છે. મનમાં મેઘધનુષ બનવા માંડે છે અને રંગીન લાગણીઓ ધરાવતી વ્હાલપનો વસંતોત્સવ શરૂ થાય છે.
થોડા દિવસ પહેલાં જ વસંત પંચમી ગઈ છે. ઋતુએ સ્વરૂપ બદલ્યું છે અને કુદરતના કલેવરમાં ફેરફાર આવ્યો છે. પ્રેમનો ઉત્સવ નજીક આવી રહ્યો છે. યુવા હૈયાઓમાં ઉમળકાના ઊભરાં આવી રહ્યા છે. ઉત્ક્રાંતિવાદ માત્ર મનુષ્યના શરીર જ નહીં તેની લાગણીઓને પણ લાગુ પડયો છે. આ લાગણીઓ સમયાંતરે વિકસી છે, આગળ વધી છે છતાં પોતાના મૂળ સાથે જોડાયેલી તો રહી જ છે. પહેલો પ્રેમ માનવીય સંવેદનાઓનું મૂળ છે. પહલો પ્રેમ તો વ્હાલપનો વસંતોત્સવ છે. કિશોરાવસ્થા કે યુવાવસ્થામાં પહોંચ્યા પછી થતી વિજાયતિય લાગણી માત્ર ઉત્ક્રાંતિ નથી. શારીરિક ફેરફારની સાથે સાથે થતા માનસિક વિકાસ અને લાગણીઓના ફેરફારનું પહેલું પગલું છે. મોટાભાગે આ ઉંમરે દરેક વ્યક્તિને વિજાતિય આકર્ષણ થતું જ હતું, થતું હોય છે અને આગામી સમયમાં પણ થતું જ રહેશે. ઘણી વખત એવું પણ બને છે કે, વ્યક્તિના લગ્ન થઈ ગયા પછી તેને ત્રીજી કોઈ વ્યક્તિ ગમી જાય અને મનોમન પ્રેમ થઈ જાય. આ પ્રેમ એકતરફી જ હોય છે છતાં પહેલો પ્રેમ કહી શકાય. પહેલો પ્રેમ એવી બાબત છે જે વ્યક્ત થયો હોય, ન થયો હોય, સફળ થયો હોય કે નિષ્ફળ ગયો હોય પણ વ્યક્તિના માનસપટલમાં કાયમી અંકિત થઈ ગયો હોય છે. કોઈપણ માણસ હોય સમયાંતરે આ વિશેની લાગણી તેના કોન્સિયસ માઈન્ડમાં ઉપસી આવતી જ હોય છે.
ધારો કે આપણે લગ્ન પછીની પ્રેમની વાતો જવા દઈએ તો પણ લગ્ન પહેલાની આ રોમેન્ટિક લાગણી, કોઈ વ્યક્તિને જોઈને કે તેના વિશે વાત કરીને શરમના શેરડાં ફુટવા, કોઈને જોઈને શરમાઈ જવું, એકાએક ઊભા રહી જવું, ચોક્કસ સમયે ચોક્કસ વ્યક્તિ પસાર થાય ત્યારે ત્યાં હાજર રહેવું, કોઈ વ્યક્તિના જવા દરમિયાન વાહન બગડવું, હાથમાંથી પુસ્તકો પડી જવા અથવા તો પોતે પડી જવું, કદાચ આ બધું જ પહેલા પ્રેમની લાગણીના પ્રકાર છે. આ એવી લાગણીઓ છે જે માણસના મનમાં રહેલી સુંવાળી સંવેદનાને વિકસવામાં અને વિસ્તરવામાં મદદ કરે છે. આ પહેલો પ્રેમ ખૂબ જ નાદાન, વિશુદ્ધ અને ખાસ હોય છે. વાસ્તવિક જીવનની વાત કરીએ તો મોટાભાગના કિસ્સાઓમાં પહેલા પ્રેમ લગ્ન સુધી પહોંચતા નથી અને ઘણા કિસ્સામાં લગ્ન સુધી પહોંચેલા સંબંધોમાં લાંબો સમય પ્રેમ રહેતો નથી તેવું પણ આપણે જોતા આવ્યા છીએ. તેમ છતાં પ્રેમ એવી લાગણી છે જે ક્યારેય માનવજાતથી અલગ થવાની નથી.
ઘણી વખત એવું થતું હોય છે કે, પતિ અને પત્ની ગઝલનો કાર્યક્રમ જોવા ગયા હોય અને ત્યાં જગજીતસાબની ગઝલ વાગે કે, તેરે બારે મેં જબ સોચા નહીં થા... મેં તનહા થા મગર ઈતના નહીં થા... અને ઘણાની આંખમાં આંસુ આવી જતા હોય છે. હવે વિચારો કે પતિ અને પત્ની સાથે જ બેઠા છે તો પછી કોને યાદ કરીને આંખમાં આંસુ આવી જતા હશે. કોના વિશે વિચારીને મનમાં ફરી એકલતા આવી ગઈ છે. આ એકલતા પહેલા પ્રેમની હોઈ શકે છે. ઘણી વખત પોતાના જ જીવનસાથી જોડે વિતાવેલો સુંદર સમય પણ મનોભાવને ઝંકૃત કરી જતો હોય છે. એક સમય હતો જ્યારે બંને ખૂબ જ મોજમજા કરતા હતા, એકબીજાને સમય આપતા હતા, એકબીજાની લાગણીઓ સમજતા હતા અને બીજા ઘણાં સ્પંદનો હતા. એકાએક સમય બદલાયો, ઘરની જવાબદારીઓ આવી કે પછી એવું તો શું થઈ ગયું કે, પોતાની લગોલગ રહેલું વ્યક્તિ પોતાનાથી અળગું થવા લાગ્યું કે અળગું હોય તેવું લાગવા માંડયું. આવા વિચારો પણ આંખોમાં આંસુ લાવી દેવા માટે પૂરતા હોય છે.
અલ્ટીમેટલી પહેલા પ્રેમની જ્યારે વાત આવે ત્યારે પુરુષ હંમેશા સ્ત્રીનો પહેલો પ્રેમ બનવા મથતો હોય છે અને સ્ત્રી કાયમ પુરુષનો છેલ્લો પ્રેમ થવા મથતી હોય છે. સ્ત્રી અને પુરુષની આ મથામણનું એક જ કારણ છે, પુરુષ એમ ઈચ્છે છે કે, પહેલા પ્રેમની જેમ સ્ત્રી તેને આજીવન પંપાળતી રહે અને સ્ત્રી જાણે છે કે, પુરુષનો છેલ્લો પ્રેમ તેની પત્ની હોય છે. પત્ની થયા પછી પુરુષ સામાન્ય રીતે સ્ત્રીને છોડતો નથી. તેના કારણે સ્ત્રી છેલ્લો પ્રેમ થવાનું વધારે પસંદ કરે છે.
આ પ્રેમ એવો છે જે વ્યક્તિ સાથે આજીવન સંકળાયેલો રહે છે. સ્કૂલનો પહેલો દિવસ, પહેલી સાઈકલ, પહેલું રમકડું, પહેલી વખત ફિલ્મ જોવા જવી વગેરે અનુભવોની સાથે પહેલી વખત એક અજાણી વ્યક્તિની મુલાકાત, તેને મનભરીને જોવી, મનમાં ઉતારી લેવી અને આજીવન તેને ચોક્કસ સ્થાન આપીને હૃદયના ખુણામાં સંઘરી રાખવી. આ પહેલો પ્રેમ છે. આપણા જીવનમાં ઘણી બાબતો આપણે અનેક વખત કરતા હોઈએ છીએ છતા પહેલી વખત કરેલું કામ આપણને કાયમ યાદ રહે છે. પહેલો પ્રેમ પણ તેવી જ બાબત છે. જીવનમાં આવેલી પહેલી વ્યક્તિ કે જે આપણા માટે મિત્ર નથી, પરિવારની સભ્ય નથી, સંબંધી નથી સાવ અજાણી છે છતાં પોતાની લાગે છે. આ એક એવી વ્યક્તિ છે જેની સાથે હોવું, જેની સાથે રહેવું, જેની સાથે વાત કરવી કે ઘણી વખત જેની સાથે માત્ર બેસી રહેવું અને મૌનને માણ્યા કરવું પણ ગમતું હોય છે. આવો જ્યારે પ્રેમ થાય છે ત્યારે મનમાં, સંવેદનાઓમાં, લાગણીઓમાં નવી કુંપળો ફુટે છે. મનમાં મેઘધનુષ બનવા માંડે છે અને રંગીન લાગણીઓ ધરાવતી વ્હાલપનો વસંતોત્સવ શરૂ થાય છે.
આ પ્રેમ વ્યક્તિને આજીવન યાદ રહે છે. તેના માટે પોતાનો પરિવાર, પત્ની, બાળકો બધું જ તેમના સ્થાને છે છતાં ક્યારેક, કોઈ પ્રસંગે કોઈ અનુભવ દ્વારા તે ઘટના, તે યાદો અને તે વ્યક્તિ જીવંત થઈ જતી હોય છે. આ પ્રેમ સફળ થયો હોય કે ન થયો હોય પણ વ્યક્તિને યાદ જરૂર રહે છે. આ પ્રેમ ટૂંકાગાળાનો પણ હોઈ શકે છે. ક્યારેક ગમતી વ્યક્તિ સ્કૂલ છોડીને જતી રહે, કોલેજ છોડીને જતી રહે અથવા તો પોતાના એરિયા કે સોસાયટીમાં રહેતી હોય અને ઘર બદલી નાખે કે પછી આપણે તેને છોડીને જવાનું આવે. આવા સંજોગોમાં આ પ્રેમ અલ્પજીવી સાબિત થાય છે. ઘણા કિસ્સામાં પ્રેમ હોય છે ખરો પણ તેનો એકરાર થયો નથી હોતો. બંને મનોમન સામેની વ્યક્તિને ઝંખતી હોય છે પણ કહેતું કોઈ જ નથી. આવો અકથ્ય પ્રેમ પણ ઘણા વર્ષો સુધી ચાલતો હોય છે અને જીવનના કોઈ વળાંકે તેને આકર્ષણનું નામ આપીને અટકાવી પણ દેવાય છે. ઘણી વખત ગમતી વ્યક્તિની સાથે લાગણીઓ વ્યક્ત થઈ જાય અને તે માની જાય તો બંને સાથે હરવું ફરવું, એકબીજાનો હાથ પહેલી વખત પકડીને બગીચામાં જવું, કોલેજના ખાલી રૂમમાં કે કેન્ટિનમાં એકબીજાને અડોઅડ બેસવું, કદાચ આ શારીરિક સ્પર્શ કે ચુંબન ત્યારે અજુગતા લાગે પણ પરિપક્વતાએ પહોંચ્યા પછી તેને યાદ કરીને થતો રોમાંચ અલગ જ હોય છે.
પહેલો પ્રેમ જીવનની તાજગીનો એક એવો અનુભવ છે જેને ભુલવા મથીએ તો પણ ભુલી શકાય તેમ નથી. જીવનમાં આવેલી એક નવી વ્યક્તિ જે સાવ અજાણી છે છતાં સતત પોતાની લાગ્યા કરે તેનો અનુભવ એટલે પહેલો પ્રેમ. વાસંતી વાયરા વાઈ રહ્યા છે અને ચારેકોર પ્રેમની ગુલાબી લાગણીઓ વહેતી થઈ છે ત્યારે ઉમાશંકર જોશીનું સર્જન યાદ કર્યા વગર ન રહી શકાય...
કોકિલ, પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડયાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો - કે પંચમી આવી વસંતની.