ફકીરી ઓઢેલો કવિ શૂન્ય પાલનપુરી
- અંતર : રક્ષા શુક્લ
વિધાયક છે જે ફૂલોના,
એ પથ્થરના પૂજારી છે.
પ્રભુ, તુજ નામની પણ
કેટલી ખોટી ખુમારી છે.
અતિથી કાયમી યજમાન
માની લે છે પોતાને,
મધુર-ભાષી જગતની
અલ્પ સેવા પણ ઠગારી છે.
મરણની બાદ પણ માયા તણું
બંધન નહિ છૂટે,
કફનના વેશમાં દુનિયા જ સાથે
આવનારી છે.
નજરની એક ચૂકે હાથ ઘસતી
રહી જશે દુનિયા,
અમારા કાફલાની ધૂળના ગોટે
સવારી છે.
નથી માનવની કીકીથી
વધુ સૃષ્ટિની મર્યાદા,
પછી કેવા ભરમમાં ઈશ્વરે
લીલા વધારી છે.
સતત જાગી અમે ને તારલાએ
સાર એ દીઠો,
અવિરત રૃપ-ઝંખનમાં નયન કેરી
ખુવારી છે.
અમે કોદ એકના થઈને સકલ
ત્રીલોક લઇ બેઠા,
તમે પણ 'શૂન્ય' થઇ જાઓ તો
આ સૃષ્ટિ તમારી છે.
-શૂન્ય પાલનપુરી
ગુજરાતી ગઝલમાં શૂન્ય પાલનપુરીનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. કાળને નાથીને આઠે પ્રહર ખુશાલીમાં રાચનાર, દિવાળી મનાવનાર આ કવિ જાણે ફકીરી ઓઢી જન્મ્યા છે. સરળ ભાષામાં ચિંતનશીલ ગઝલો આપનાર શૂન્ય પાલનપુરી જ્ઞાાન વધતા જ અજ્ઞાાન કેટલું અગાધ છે તે જાણી ગયા છે. એટલે જ એમની પાસેથી 'શૂન્યનાં સર્જન' પછી 'શૂન્યનું વિસર્જન' સંગ્રહ આપણને મળે છે. શરૃઆતનું જગત પ્રત્યેનું વિસ્મય પછી ફિલસુફી તરફ વળે છે. Wonder gives rise to philosiphy. આમ તેમની ગઝલો ભાવકને દર્શન તરફ તાણી જાય છે.
કવિ જાણે છે કે જે ફૂલોનો સંહાર કરે છે એ જ પથ્થરનો પૂજારી હોય છે. જે કોમળ સંવેદનાઓને કચડે છે એને જ મંદિર-મસ્જિદ ભટકવું પડે છે. માંહ્યલો ક્યા કોઈને બક્ષે છે ! એ ડંખ્યા કરે છે. અપરાધભાવ આપે છે. પછી સુખશાંતિ ક્યાં ! પણ ખોટી ખુમારી રાખી એ દંભ સાથે જીવ્યા કરે છે. સાચો આસ્તિક એ જ છે એવું માને છે. કવિને પથ્થરની ઓથ લેવી સહેજ પણ માન્ય નથી. સામે પક્ષે ફૂલનું ક્ષણિક જીવન પણ એને જીવવા જેવું લાગે છે.
'ઓથ લેવી પડે પથ્થરની
મને માન્ય નથી,
'શૂન્ય' છું, ઠીક છું,
ઈચ્છા નથી ઈશ્વર બનું.
આ જગતમાં દરેક જીવ અનેક જન્મોના ફેરા વચ્ચે અતિથીરૃપે ધરતી પણ આવે છે. જે આવે છે તેનું જવું પણ જન્મ સાથે જ નિશ્ચિત થઈ જાય છે. માણસના મૃત્યુનું એક જ કારણ છે. તે છે જન્મ. પરંતુ તે શ્વાસના આ પડાવને કાયમી માની પૃથ્વી પર ડેરા નાખે છે. પોતાની આસપાસ ભૌતિક સાધનોનું જંગલ ઊભું કરી આભાસી સુખમાં રાચે છે. એ ખાલી હાથે આવ્યો હતો ને ખાલી હાથે જ જવાનો છે. ઈ.એમ.ફોસ્ટર સરસ વાત કહે છે કે 'માણસ પોતાના ખમીસમાં પણ નગ્ન જ છે'. એણે એ જ અવસ્થામાં જગત છોડવાનું છે. એણે સમજી લેવું પડે કે દરેક સુખ, મોહ કે માયા ક્ષણભંગુર છે. કોઈ ક્ષણ અનંત નથી. એનો લય પ્રલંબ નથી. માણસે સમેટાઈને રહેવું જોઈએ. જગતના વિરોધાભાસ જુઓ. મીઠું બોલનારની અંદર ભારોભાર કડવાશ ભરી હોય શકે.
કોઈ કવીએ લખ્યું છે,
'આપી રહ્યા છે માન તને હદથી વધારે,
ઘડતા હો તારો ઘાટ કદી એમ પણ બને.'
મિત્ર મીઠું બોલનાર હોય તો પણ એ ઈચ્છવાયોગ્ય નથી.એના ઉપકારમાં ય કોઈ સ્વાર્થ હશે. છેતરપીંડી હશે. અનેક વિપરીતો વચ્ચે જીવતા માણસને અંતે સત્ય લાદવું જોઈએ કે જાત સાથેની ગોઠડી સૌથી આનંદપ્રદ છે. ડેવિડ ઇગ્નાતોએ કહેલી વાત ગાંઠે બાંધવા જેવી ખરી. તેઓ કહે છે,
'એ અહીં છે.
માણતો પોતાનું જ સાનિધ્ય -
કેટલા ઝગડાઓ અને
જુદાઈઓ પછી મળેલું.
હવે એનામાં સમજણ ઊગી છે કે
શાંતિભર્યા મનથી
પલાંઠી વાળી બેસવું તો પોતાની જ સાથે.
મૈત્રીમાં
અથવા તો
વાતચીત માટે.'
કવિ કહે છે કે મરણ પછી મોહ માયાના બંધનમાંથી ન છૂટી શકનાર માનવી પોતાને જિંદગી આખી છેતર્યા કરે છે કે એ નિર્મોહી છે પરંતુ એવું હોય છે ખરું ? નાના નાના મોહ આપણી આદત બની ગયા હોય છે. આદત ધીમે ધીમે મનનું અંગ બની જાય છે. પછી વડવાઈની જેમ એ લટકે છે અને વડ માટે ટેકો બની જાય છે. ઈચ્છારૃપી ડાકણ માલીપા ધૂણ્યાં જ કરે છે. 'દીકરો મોટો થશે.. કમાશે.. દીકરીને સારું ઘર મળે તો સારું.. પોત્રને રમાડી લઉં, બસ..હજુ થોડું મોટું, વધુમોટું ઘર હોય તો'..થી માંડી એના મરણ પછી ઘરનાએ એની પાછળ શું શું કરવું.. કરાવવુંની યાદી પણ તૈયાર હોય છે. કંઈક ઓરતાઓ ફૂંફાડા મારતા ઊભા હોય છે. આશારુપી સાંકળમાં બંધાયેલો માનવી સતત દોડે છે. શરીર થાક્યા પછી પણ દોડે છે. મૃત્યુ પછી પણ દુનિયા કફન રૃપે એની સાથે રહે છે. એનું ચાલે તો એ મૃત્યુ પછી પણ ડ્રોનની જેમ ઉપર ચકરાવા લઈને નાધ લે કે એના જવાથી કોને વધુ દુઃખ થયું કે કોણ ઓછું રડયું. કાજી મામદશાનું ભજન યાદ આવી જાય 'મમતા મરે નહીં એનું મારે શું કરવું...' પણ કોઈ ઉપાય એને ખપતો નથી. વાણીવિલાસની વીલામાં વાસ કરવાનું એને ફાવે છે.
જીવનનું અસ્તિત્વ છે એટલે મૃત્યુની વેદના છે. પણ એ વેદના નથી. મૃત્યુમાં ઊંઘ જેટલી જ મીઠાશ છે. જીવન પોતાનો કબજો ે છોડવા માગતું નથી. પણ મૃત્યુ પાસે ધીરજ છે. એ તમને મનમાન્યું બધુંજ કરવા દે છે. પછી માણસ જ્યારે થાકે છે, હારે છે, પોતાના બધા આગ્રહો છોડે છે ત્યારે પાંખો ફેલાવી માણસને ધીરેથી પોતાની આગોશમાં લે છે. નરસિંહરાવ દિવેટિયા જેમ કહે છે કે 'મંગલ મંદિર ખોલો, દયામય..' તેમ મૃત્યુના દ્વાર એક આરત સાથે ખખડાવવા જોઈએ. શ્રીમદ રાજચંદ્ર કહે છે કે,
'કોઈ ક્રિયાજડ થઇ રહ્યા,
શુષ્ક જ્ઞાાનમાં કોઈ,
માને મારગ મોક્ષનો,
કરુણા ઉપજે જોઈ.'
માણસ બાહ્ય ક્રિયામાં રાચ્યા કરે છે પણ મોક્ષ ક્યાં એમ સરળ છે ! મોક્ષ માટે રાગ થવો એ અલગ બાબત છે અને એ માટે ત્યાગવૃત્તિ ઉપજવી એ બીજી બાબત છે. લોકો મોટાભાગે ક્રિયાકાંડ અને શુષ્ક જ્ઞાાનમાં જ મોક્ષમાર્ગ હોવાનું માને છે. તો કોઈ વળી સાધુસંતના શરણને. પરંતુ એ સઘળું મિથ્યા છે. શુદ્ધ આત્માને ઓળખ્યા વિના જીવ મોક્ષને યોગ્ય થતો નથી. એ માટે રાગ નહીં, વૈરાગ્ય મુખ્ય છે. વૈરાગ્ય પામ્યા પછી ભાનની પાથવ સરહદો પણ રહેવા પામતી નથી.
કવિની યાત્રા અવિરત છે. સતત ચાલતી આ યાત્રા મધ્યે જ કવિ આ ફાની દુનિયા છોડી જવા માટે મક્કમ છે. તેમની સવારી સતત હોવાથી જીવનયાત્રા પણ ધૂળના ગોટા પર જ જાણે ચાલ્યા કરે છે. એ ધૂળ શમતી નથી. શાંત થતી નથી. કવિ પગ વાળીને બેસે તો આ ધૂળ પણ ધરતી પર બેસે. પણ કવિના પગને પોરો નથી તેથી ધૂળ પણ જંપીને બેસતી નથી. ઉમાશંકર જોશીએ કહ્યું છે 'માઈલોના માઈલ મારી અંદર, ચાલતી ગાડીએ હું સ્થિર, અચલ.'.. સતત ચાલતી આ અર્જુનયાત્રા ધીરે ધીરે કૃષ્ણયાત્રા બનતી જાય એ જ સાધના. 'જીવન ચલનેકા નામ' સુત્રને અપનાવવું જોઈએ. જીવનમાં સ્થિરતા સારી પણ સ્થિર જીવન ઇચ્છવા યોગ્ય નથી. એ ખળખળ વહેતું સારું. તો જ એમાંથી ઉત્તમ ને મીઠું સંગીત નિષ્પન્ન થાય. કવિ આ સતતની વચ્ચે જ શ્વાસની યાત્રા અટકે એવું ઈચ્છે છે. દુનિયાની નજર ચૂકાવીને કવિ શ્વાસ સંકેલી લેવા માગે છે.
આટલી વિશાળ સૃષ્ટિનું સર્જન કરીને ઈશ્વરે અનેક જીવો અને અુત પ્રકૃતિ રચી. એનું સૌદર્ય અતુલ્ય છે જે પિતા માણસ કદી ન થાકે. પરંતુ એની આંખની તાકાત કે પહોંચ કેટલી ? એની દ્રષ્ટિમર્યાદા અત્યંત સીમિત હોય છે. આંખ અમુક અંતર સુધી જ નિહાળી શકે છે. નીદા ફાઝલી તો કહે છે કે,
'છોટા કરકે દેખિયે,
જીવન કા વિસ્તાર.
આંખોભર આકાશ હૈ,
બાંહોભર સંસાર.'
માણસને જોઈએ શું ? કેટલું ? એ જિંદગી આખી દોડે છે. એને તરસ છે સુખની.. પૈસાની.. સૌદર્યની..'રવ નથી. સંતોષ તો ક્યાંથી હોય ! અંતે એને મળે છે શું ? કારણ કે શરીરના દરેક અંગોની એક મર્યાદા હોય છે. આ મર્યાદા સાથે એ જે કંઈપણ મેળવે છે કે જાણે છે એને પૂરું સમજી પણ શકતો નથી 'ને જીવન પૂર્ણ થઈ જાય છે.
કોઈ વાનરના હાથમાં મોતી આપો તો શું થાય ? સુન્દરમ કહે છે કે 'દેખી દેખીને તું દેખે શું કેટલું ! દેખ્યું તે સમજે શું કૈં ?' કોઈ સત્સંગથી સમજણની દ્રષ્ટીમર્યાદાને ઉવેખી શકાય પણ એ તો અમુક અંશે જ.. જે દેખાય છે તે ઘણીવાર સત્ય પણ નથી હોતું. એ દ્રષ્ટિભ્રમ પણ હોય શકે. ક્યારેક આપણી દ્રષ્ટિ ઘુવડની પણ હોય. શૂન્ય પાલનપુરી વિચારો અને લાગણીઓને ગૂંથવા પ્રતીકો, કલ્પનો, પુરાકલ્પનો કે લોક્વાર્તાઓનો પણ ઉપયોગ કરે છે. સૃષ્ટિની વિરાટતા દર્શાવવા કહે છે કે,
'માત્ર ત્રણ ડગલાં છે સૃષ્ટિની વિસાત,
અવનીમાં વામનથી મોટું કદ નથી.'
ચંદ્રને સૌદર્ય સાથે સીધેે સંબંધ છે. એના રૃપને સાહિત્યની બધી જ વિધઓમાં પોંખવામાં આવ્યું છે. પ્રણય ઘેલા પ્રેમી પાસે જ્યારે શબ્દોની તૂટ પડે છે ત્યારે એ ચંદ્રના આશરે જઈને પ્રેમિકાના મુખને ચંદ્ર સરીખું ગણાવે છે અને પ્રેમ આસમાનને આંબે છે. પ્રેમિકા અગાસી પર સૂતેલી હોય તો કવિ મુકેશ જોશી તો ચાંદ પર પથારીની લક્ઝરી માગે છે. તારલાઓની સાથે સતત જાગીને કવિ પણ ચન્દ્રના સૌદર્યને આંખોમાં ભરે છે. આકંઠ પીવે છે. પરંતુ અંતે લાગે છે કે આ તો આંખોની ખુવારી છે. દૂર રહેલો ચંદ્ર કદી હાથ આવતો નથી. એની ઝંખના કરવાથી શું ? હા, આંખોનું નૂર ખૂટે એવું બને. ઈતિહાસ સાક્ષી છે કે પદ્માવતીથી માંડી કેટકેટલી કથાઓ રૃપ માટે ખેલાતા યુદ્ધની વાત કહે છે. જેમાં અંતે તો તબાહી જ છે.
માણસ જ્યારે સંપૂર્ણપણે કોઈ એકનું બને છે ત્યારે ત્રણ લોક જીત્યાની લાગણી અનુભવે છે. કવિ પ્રિય પાત્રના પ્રેમમાં કે પ્રભુપ્રેમમાં શૂન્ય થઇ સકળ સૃષ્ટિ પર રાજ કરવાનું કહે છે. દુનિયા અંતે તો શૂન્યમાં જ સમાય છે. માણસે પણ શૂન્યમાં જ વિસ્તરવાનું હોય છે. પ્રથમ દ્રષ્ટીએ ઈશ્કે મિજાજી લાગતો આ શેર ખરેખર તો ઈશ્કે હકીકીનો છે.
સ્નેહરશ્મિ કહે છે કે 'પતંગિયું ત્યાં થયું અલોપ, શૂન્ય ગયું રંગાઈ'. મંદિર, યજ્ઞાો, ધામક વિધિવિધનો એ બાહ્યાચાર છે. એ છોડીને માણસે શૂન્યમાં વિસ્તરવું જોઈએ. શૂન્યમાં જ વિલીન થતા કવિનો રૃઆબ એટલે જ સિકંદર જેવો છે.
ઈશ્વરના એકના થઈને રહો પછી બધું તુચ્છ છે. એટલે જ નરસિંહ કહે છે કે 'ભાંગી ભાંગી ભાંગી મારા ભવની ભાવટ ભાંગી રે' વિશ્વ આખું પોતાનું લાગે છે. આંતરચેતના જાગી ઉઠે છે.યથા પિળ્ડે તથા બ્રમ્હ્માળ્ડે કહિયે તો પણ એ માયાનું આવરણ જ ઊભું કરી ભેદ ઊભો કરે છે. આથી આ આવરણ પણ હટવું જોઈએ. પુરુષ અને પ્રકૃતિ એકત્વ સાધે ત્યારે ખુદ 'અહં બ્રહ્માસ્મિ' હોઈએ છીએ.
'શૂન્ય' નામ માત્ર કવિની ઓળખ નથી. તેમની સંખ્યાબંધગઝલોમાં શૂન્યનો અનેક સંદભ્યોમાં ઉલ્લેખ કરી કવિ આધ્યાત્મની સર્વોેચ્ચ અવસ્થા 'શૂન્ય શિખરે' બિરાજમાન છે. મંદિર-મસ્જિદમાં ખુદા જેને ઓળખે છે એ 'શૂન્ય'નું વ્યક્તિત્વ ખરેખર દમદાર અને ખુમારીભર્યું છે. કોઇથી છાનું ન રહે તેવું ઝળહળતું છે.