Get The App

આંખોની સારવાર અને તર્પણ ચિકિત્સા .

Updated: Aug 21st, 2023


Google NewsGoogle News
આંખોની સારવાર અને તર્પણ ચિકિત્સા                         . 1 - image


- આરોગ્ય સંજીવની- જ્હાન્વીબેન ભટ્ટ

આંખ એ શરીરનું અમુલ્ય રત્ન ગણાય છે. આંખ વગરનાં જીવનની કલ્પના પણ કંપારી કરાવી દે છે. પરમાત્માએ આપેલી આ અમુલ્ય ભેટનું રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે અને તેમાં પણ જ્યારે બાળક નાનું હોય અને ભણતુ હોય તે સમયે જો તેને કોઇ આંખની કોઇ સમસ્યા થાય તો તે ઘણી મુશ્કેલીમાં આવી શકે છે. આથી જ બાળક જ્યારે ગર્ભમાં હોય તે સમયથી જ જો ગર્ભવતી માતાઓ થોડીક કાળજી રાખે તો આંખોની સમસ્યામાંથી અવશ્ય પોતાનાં બાળકને બચાવી શકે છે.

બાળકને આંખની તકલીફમાંથી બચાવવા ગર્ભવતી માતાએ કરવાનાં ઉપાયો.

(૧) સવારે ૧ ગ્લાસ લીલા શાકભાજી જેવા કે પાલક, કોથમીર, બીટ, ટામેટાનો રસ લેવો.

(૨) લીલાં આમળાંની સીઝન હોય તો સવારે ચારથી પાંચ આમળાનો રસ પીવો અથવા ચાવીને ખાવા.

(૩) ત્રિફળાચૂર્ણ ૧/૪ થી ૧ ચમચી પેટને અનુકૂળ પડે તેટલા પ્રમાણમાં અને ૧ ચમચી જેઠીમધનું ચૂર્ણ મીક્ષ કરી તેમાં ગાયનું ઘી અને મધ વધઘટ પ્રમાણે મેળવી રાત્રે સૂતી વખતે લેવું.

(૪) ખોરાકમાં શક્ય હોય તો ગાયનાં ઘી-દૂધ વાપરવા.

(૫) આંખોથી ગ્રીનરી નીહાળવી.

(૬) આંખોને ઠંડા પાણીએ ધોવી-પગ પણ ઠંડા પાણીએ ધોવા.

બાળકોની આંખોનું જતન કેમ કરશો ?

(૧) જન્મથી બાળક ૫ વર્ષનું થાય ત્યાં સૂધી તેનાં પગનાં તળીયામાં ગાયનાં ઘીની માલીશ કરવી.

(૨) આંખ લાલ થઇ હોય કે દુખવા આવી હોય તો ચપટી ત્રિફળા ચૂર્ણ ૧ ચમચી પાણીમાં ગરમ કરી, ચોખા કપડાંથી ગાળી ઠંડુ થાય એટલે તેના બે ટીપા બાળકની આંખમાં સવાર-સાંજ મુકવા. બે દિવસમાં જ આંખની ગરમી, લાલાશ અને પીડા મટી જશે.

(૩) જમતા બાળકોને લીલા ધાણાની ચટણી ખવડાવવી તથા મહિને ૧ વાર શુદ્ધ મધનું અંજન કરવું.

(૪) ટમેટાનો તાજો રસ, ગાજરનો રસ વગેરે પણ આંખની તેજ વધારે છે.

આંખની નાની-મોટી તકલીફોનાં ઉપાયો

(૧) ધાણાં, સાકર અને વરિયાળીનું સમભાગ ચૂર્ણ સવાર સાંજ ઘી કે માખણ સાથે અથવા પાણી સાથે લેવાથી આંખોની લાલાશ, બળતરા પાણી જરવું વગેરે સમસ્યાઓ મટે છે અને આંખોનું તેજ વધે છે.

(૨) વરીયાળી અને ત્રિફળાનું સમભાગ ચૂર્ણ ૧-૧ ચમચી પાણી સાથે અથવા મધ સાથે લેવાથી આંખોનું તેજ વધે છે.

(૩) અધેડાનાં મૂળનું ચૂર્ણ દૂધ સાથે પીવાથી રાત્રી સમયે જોવાની તકલીફમાં ઘણો ફાયદો થાય છે. આ સિવાય આયુર્વેદમાં આંખની સુરક્ષા તેમજ આંખની તકલીફો માટે 'તર્પણ ચિકિત્સા' શ્રેષ્ઠ બતાવવામાં આવેલી છે. જે નિષ્ણાંત વૈદ્યની સલાહ મુજબ તેની દેખરેખ હેઠળ કરવામાં આવે તો આંખોની દરેક સમસ્યાથી પણ છૂટકારો મળી શકે છે. તથા આંખોનું તેજ પણ વધે છે. આંખમાં અલ્પદોષમાં એક દિવસ, મધ્યમ દોષમાં ત્રણ દિવસ તથા પ્રબળ દોષમાં પાંચ દિવસ સુધી તર્પણ કરવું જોઇએ.

નેત્રનું તર્પણ યોગ્ય વિધીથી થાય તો નેત્રમાં લઘુતા અને નિર્મળતા પેદા થાય છે. તથા રોગીને સૂખપૂર્વક નિંદ્રા આવે છે, તેમજ વ્યાધિ શાંત થાય છે.

નેત્ર તર્પણ વાદળાવાળા હવામાનમાં તેમજ અતિશય ઠંડી કે અતિશય ગરમીવાળું વાતાવરણ હોય તે સમય દરમ્યાન કરવું ઉચીત નથી. તર્પણ વિધિ બાદ  જે ધુત વધે, તેને દર્દીએ કાંસાની વાટકીથી પગનાં તળીયે ઘસવું જોઇએ. 

પગનાં તળીયામાં બે મોટી સિરાઓ આવેલી છે જે ઉપર મસ્તક સૂધી પહોંચે છે અને નેત્રમાં જઇ અનેક શાખા-પ્રશાખાઓમાં વહેંચાઈ જાય છે. એટલા માટે પગમાં ઘસવામાં આવતાં આ ધૃતનો પ્રભાવ સીધો નેત્ર સુધી પહોંચે છે.

આ સીવાય નેત્રરોગનાં દર્દીઓ એ આહારમાં પણ સાવધ રહેવું જોઇએ. ત્રિફલા, મધ, સાકર, ગાયનું દૂધ, ગાયનું ઘી, ઘઉં, ચોખા, મગ, સિંધવ, દ્રાક્ષ, જાયફળ વગેરે દ્રવ્યો નેત્રરોગોમાં હિતકર બતાવ્યા છે.

સાવધાની અને સમજપૂર્વક ઔષધોપચાર કરવામાં આવે તો આંખ જેવા શરીરનાં અમૂલ્ય રત્નનું સરળતાથી રક્ષણ કરી શકાય છે.


Google NewsGoogle News