વિશિષ્ટ ડિઝાઈનની ગોલ્ડ જ્વેલરી .
- ઓફિસ-બૉર્ડરૂમમાં વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવે
એ સમય વિતી ગયો જ્યારે મોટાભાગના લોકો એમ માનતા હતાં કે સોનાના અલંકારો પ્રશંગોપાત પહેરાય. કે પછી ગૃહિણીઓ જ ઘરમાં સ્વર્ણાલંકાર પહેરી શકે. ઓફિસમાં તો પીળી ધાતુના દાગીનાનો ઠઠારો ન જ જરાય. આજની તારીખમાં આવી માન્યતાએ યુ ટર્ન લીધો હોય એવો સિનારિયો જોવા મળી રહ્યો છે. હવે સોનાના અલંકારો બોર્ડરૂમ માટે સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે. અલબત્ત, લગ્ન પ્રસંગે કે અન્ય ઇવેન્ટમાં પહેરવામાં આવે એવી ડિઝાઈનના સુવર્ણમાંથી ઘડેલા દાગીના બોર્ડરૂમમાં પહેરવામાં નથી આવતાં. પરંતુ હળવી ચેન, વિશિષ્ટ ડિઝાઈનની વીંટી, બ્રેસલેટ, સ્ટેટમેન્ટ વૉચ ઇત્યાદિ વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવવાના પર્યાય બની ગયા છે. જ્વેલરી ડિઝાઈનરો કહે છે કે ચોક્કસ પ્રકારના અલંકારો જે તે વ્યક્તિમાં આત્મવિશ્વાસનો સંચાર કરે છે. શરત માત્ર એટલી કે ઑફિસમાં-બૉર્ડરૂમમાં દાગીનાનો ઠઠારો ન કરવો જોઈએ. પરંતુ તે તમારા પોશાકને અનુરૂપ તેમ જ વ્યક્તિત્વને પ્રભાવશાળી દર્શાવવામાં મદદ કરે એવા હોવા જોઈએ. ઑફિસમાં કેવા દાગીના પહેરવા જોઈએ તેની સમજ આપતાં તેઓ કહે છે..,
* ઝીણી ચેન સાથે ડેલિકેટ પેન્ડન્ટ પહેરો. ચેનની લંબાઈ એટલી જ હોવી જોઈએ કે પેન્ડન્ટ ગરદન પાસે સ્પષ્ટ દેખાય.
* એક અથવા ત્રણ લાઈનવાળી ડિઝાઈનર વીંટી અને બ્રેસલેટ તમારા હાથને ધ્યાનાકર્ષક બનાવશે. તમે ચાહો તો તમારા ઘડિયાળ સાથે મેળ ખાતી ડિઝાઈનનું બ્રેસલેટ અને વીંટી પણ પહેરી શકો.
* જો તમે માત્ર એક જ એકસેસરીથી વટ પાડવા માગતા હો તો બે-ચાર નાના નાના દાગીના ખરીદવાને બદલે સુંદર ડિઝાઈનનું સોનાનું ઘડિયાળ ખરીદો. આ એક જ પીસ તમારા વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવી દેશે.
* સોનાના ઘરેણાંની ખાસિયત એ છે કે તે સફેદ, ક્રીમ, બીજ, ગ્રે જેવા રંગોના પોશાક સાથે ખૂબ જચે છે. આવા કલરના બિઝનેસ સુટ કે સાડી સાથે પીળી ધાતુના દાગીના પ્રોફેશનલ લુક પેદા કરે છે.
જ્વેલરી ડિઝાઈનરો લેટેસ્ટ ટ્રેન્ડ વિશે કહે છે કે હમણાં ચપટાં અને પહેલી નજરે મન મોહી લે એવા કાંડા ઘડિયાળ ટ્રનેડમાં છે. ખાસ કરીને ઑફિસમાં મોટાભાગના લોકો સ્માર્ટ વૉચ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ તમે ચાહો તો તેના પટ્ટામાં ગોલ્ડ ચાર્મ્સ લગાવી શકો. જ્યારે કાનમાં સ્ટડ્સ અને નાના હૂપ્સ ફેશનમાં છે. કાંડાની અન્ય એક્સેસરીની વાત કરીએ તો નાનું છતાં આકર્ષક બ્રેસલેટ અને તેની સાથે મેચ થતી વીંટી ખૂબ પસંદ કરવામાં આવે છે. જ્યારે સાડી અને પેન્ટ-સુટ સાથે નાકમાં સોનાની ઝીણી વાળી ધ્યાનાકર્ષક બની રહે છે.
જોકે ઑફિસમાં જ્વેલરી પહેરવા બાબતે શું કરવું અને શું ન કરવું તેની સમજ આપતાં જ્વેલરી ડિઝાઈનરો કહે છે..,
* ક્લાસી લુક માટે સિંગલ સ્ટેટમેન્ટ પીસ પૂરતું થઈ પડશે. ચાહે તે કાંડા ઘડિયાળ હોય કે નેકલેસ.
* ગોલ્ડ જ્વેલરી હળવા રંગના પોશાક સાથે પહેરો.
* ઑફિસમાં પહેરવાના સ્વર્ણાલંકારોમાં ભૌમિતિક ડિઝાઈલ ધરાવતાં પેન્ડન્ટ, ટેક્સર્ડ કફ ઇત્યાદિ પર પસંદગી ઉતારો.
* બૉર્ડરૂમમાં વધારે પડતાં દાગીના ન પહેરો.
* સોનાના દાગીના સાથે ચાંદી કે અન્ય ધાતુના ઘરેણાં ન પહેરો. હા, તમે ચાહો તો હીરાજડિત વીંટી પહેરી શકો છો.
* માત્ર એટલા જ આભૂષણો પહેરો જેનાથી તમારું વ્યક્તિત્વ ચાર્મિંગ લાગે.
બૉર્ડરૂમના અન્ય સભ્યોનું ધ્યાન તમારા બિઝનેસની વાતોની સ્થાને તમારા અલંકારો તરફ ફંટાઈ જાય એટલા અને એવા દાગીના ન પહેરો.
- વૈશાલી ઠક્કર