સ્વાસ્થ્ય માટે ઉપયોગી વિટામીન 'સી'નો અતિરેક હાનિકારક

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
સ્વાસ્થ્ય માટે ઉપયોગી વિટામીન 'સી'નો અતિરેક હાનિકારક 1 - image


વિટામીન સી આપણા શરીરના એકંદર સ્વાસ્થ્ય માટે મહત્વનુ ઘટક છે. અનેક ફળો અને શાકભાજીમાં મળી આવતું આ પોષક તત્વ આપણા શરીરના કોષોને સ્વસ્થ રાખવા તેમજ પેશીઓના વિકાસ અને રિપેર માટે પણ જરૂરી છે. તબીબી ભાષામાં એસોર્બિક એસિડ તરીકે ઓળખાતું આ વિટામીન પાણીમાં દ્રાવ્ય પોષક તત્વ છે અને માનવ શરીરના વિવિધ કાર્યો માટે જરૂરી છે. આપણા શરીરને કાર્યરત રાખતા પ્રોટીનના મેટાબોલીઝમ અને કોલેજેનના સીન્થેસીસ માટે તે મહત્વનું છે. 

સંતરા અને લીંબુ જેવા ફળ વિટામીન સીનો સૌથી મહત્વનો સ્રોત છે. આપણું શરીર પોતે વિટામીન સી નથી બનાવતું અને તે મહત્વનો હિસ્સો હોવાથી આપણે આહાર અથવા ગોળીઓ દ્વારા તેની આપૂર્તિ કરવાની રહે છે.

 જો કે ગોળીઓ દ્વારા વિટામીન સીની આપૂર્તિ કરતા હોય તેમણે એ પણ જાણી લેવું જરૂરી છે કે વિટામીન સીનો અતિરેક હાનિકારક પણ નીવડે છે.

નોંધ લેવી જોઈએ કે વિટામીન સીનો અતિરેકનો સંબંધ માત્ર ગોળીઓ દ્વારા વિટામીનની આપૂર્તિ થતી હોય તેની સાથે જ છે. કુદરતી રીતે આહાર દ્વારા વિટામીન સીનો અતિરેક નથી થતો.

વિટામીન સીના અતિરેક અગાઉ આપણી દૈનિક જરૂરીયાત માટે કેટલા પ્રમાણમાં વિટામીન સી જરૂરી છે તે જાણી લેવું જોઈએ. પુખ્તો (પુરુષ) માટે પ્રતિ દિન ૬૫થી ૯૦ મિલિગ્રામ વિટામીન સીની ભલામણ કરાઈ છે જ્યારે તેની ઉપલી મર્યાદા બે હજાર મિલિગ્રામ પ્રતિ દિવસની છે. મહિલાઓ માટે આ પ્રમાણ દૈનિક ૬૫થી ૭૫ મિલિગ્રામ છે.

સગર્ભા મહિલાએ રોજના લગભગ ૮૫ મિલિગ્રામ વિટામીન સી મેળવવું જોઈએ. બાળકને સ્તનપાન કરાવતી મહિલાઓએ દૈનિક ૧૨૦ મિલિગ્રામ મેળવવું જોઈએ. શિશુઓ માટે દૈનિક ૨૦ મિલિગ્રામ અને બાળકો માટે ૪૫ મિલિગ્રામ વિટામીન સીની ભલામણ કરાઈ છે.

ધૂમ્રપાન કરતી વ્યક્તિઓએને  વધારાના ૩૫ મિલિગ્રામ વિટામીન સીની જરૂર પડે છે.

વિટામીન સી અનેક કારણસર જરૂરી હોવા છતાં તેના ઓવરડોઝની જોખમી આડઅસર થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાંતોના મતે વિટામીન સીના અતિરેકથી નીચે મુજબની સમસ્યા થઈ શકે છે. 

વિટામીન સીના અતિરેકની આડઅસરો

-આયર્નનો ઓવરડોઝ

શરીરમાં લોહ તત્વ, આયર્નનું શોષણ વિટામીન સી દ્વારા થાય છે. આયર્નની ખામી હોય તો એનેમિયા થાય છે જેમાં લાલ રક્તકણો જરૂર કરતા ઓછા હોય છે. શરીરમાં રહેલું વિટામીન સી આહારમાંથી મળતા આયર્નને શોષી લે છે. પણ જેમના શરીરમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે તેઓ જ્યારે વિટામીન સીનો અતિરેક આયર્નના શોષણને વધારે ત્યારે સમસ્યા સર્જાય છે. ઉપરાંત હેમોક્રોમેટોસીસ જેવી વારસાગત બીમારીથી પીડાતી વ્યક્તિ વધારાનું વિટામીન સી લાંબો સમય મેળવે ત્યારે તેની પેશીઓને ક્ષતિ પહોંચે છે.

-ગેસ્ટ્રોની સમસ્યા

વિટામીન સીનો અતિરેક પેટમાં ચૂંક, ઉબકા અને ઝાડા-અતિસાર જેવી સમસ્યા સર્જી શકે. આવું ત્યારે થાય છે જ્યારે વિટામીન સી ઓવરડોઝને કારણે તે ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સીસ્ટમ દ્વારા યોગ્ય પ્રમાણમાં શોષાતું નથી.

-કિડની સ્ટોન- પથરી

વિટામીન સીના ચયાપચય ત્યારે ઓક્સેલેટ તરીકે ઓળખાતા સંયોજનો ઉત્પન્ન થાય છે જે મૂત્રમાં વિસર્જિત થાય છે. જો કે જ્યારે લોહીના પ્રવાહમાં કેલ્શિયમ સાથે ઓક્સેલેટનું વધુ પ્રમાણ કિડનીમાં પથરી સર્જે છે. આથી પથરી જેવી કિડનીની સમસ્યા હોય તેમને વિટામીન સીના વધુ પ્રમાણની ગોળીઓથી તેમજ વિટામીન સી ભરપૂર હોય તેવા ફળોથી દૂર રહેવાની ભલામણ કરવામાં આવે છે.

-હૃદયરોગની બીમારી

વિટામીન સીમાં એન્ટીઓક્સીડન્ટ ગુણો હોય છે જે શરીરને અનેક બીમારી સામે રક્ષણ આપે છે. પણ એક અભ્યાસમાં એવી જાણ થઈ છે કે વધુ ડોઝની વિટામીનની ગોળીઓ હાઈ બ્લડ પ્રેશર સહિત હૃદયરોગનું જોખમ વધારી શકે છે. પહેલેથી આવી સમસ્યા હોય તેવી વ્યક્તિઓનેમાં આ જોખમ વધુ રહે છે.

-જેનેટિક ક્ષતિનું જોખમ

કેટલાક અભ્યાસોમાં વિટામીન સીનો ઓક્સીડેટીવ સ્ટ્રેસ કરવાનો ગુણ, ખાસ કરીને તેનું પ્રમાણ વધુ હોય ત્યારે, સામે આવ્યો છે. એક અભ્યાસમાં સ્વસ્થ વ્યક્તિઓને લગભગ છ અઠવાડિયા સુધી પ્રતિ દિવસ ૫૦૦ મિલિગ્રામ વિટામીન સી આપવામાં આવ્યું. તેમનામાં ઓક્સીડેટીવ ક્ષતિ ઓળખી કાઢવામાં આવી હતી.

 એના આધારે સંશોધકો એવા તારણ પર આવ્યા છે કે વિટામીન સી ડીએનએને ક્ષતિ પહોંચાડવા ઉપરાંત તેમાં ફેરફાર પણ કરી શકે છે જેના કારણે આખરે કેન્સર જેવી જીવલેણ બીમારી પણ થઈ શકે છે.

-લોહી પાતળું કરતી દવાઓ સાથે વિસંગતિ

વિટામીન સી અમુક દવાઓ સામે વિપરીત પ્રતિક્રિયા આપતું જણાયું છે. એક નિરીક્ષણ મુજબ વધુ પ્રમાણમાં વિટામીન સી લોહી પાતળું કરતી દવાઓની અસરને રોકે છે. પરિણામે પૂરતી અસર મેળવવા આવી દવાનું પ્રમાણ વધારવું પડે છે.

-પેશાબમાં લોહી પડવું

 વિટામીન સીના અતિરેકની સૌથી સામાન્ય અસર છે પેશાબમાં લોહી પડવું. એની સાથે પેટમાં પીડા પણ થાય છે. કેટલાક કિસ્સામાં જો કે પીડા નથી થતી.

આથી જ આરોગ્ય નિષ્ણાંતો વિટામીન સી સેવનમાં નિર્ધારીત મર્યાદાને વળગી રહેવાની ભલામણ કરે છે. કોઈપણ આહાર અથવા વિટામીનનો અતિરેક તેના શોષણની પ્રક્રિયાને વિપરીત અસર કરે છે. તેનાથી શરીર પર માત્ર નકારાત્મક પરિણામ જ થઈ શકે છે.

- ઉમેશ ઠક્કર 


Google NewsGoogle News