આયુર્વેદની ઉત્તમ સારવાર : ''શિરોધારા''
- આરોગ્ય સંજીવની
'શિરોધારા' એ આયુર્વેદની એક વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ છે. 'શિરોધારા' એટલે શિર પર એકધારી પ્રક્રિયાથી પાડવામાં આવતી ઔષધસિદ્ધ તેલ, ધૃત કે તક્ર (છાશ)ની ધારા.
શિરોધારા એ અનેક રોગોની એક માત્ર સારવાર સાબિત થઈ શકે છે. આજ-કાલની દોડધામભરી અને ચિંતાગ્રસ્ત જીંદગીમાં તનાવમુક્તિ માટે પણ 'શિરોધારા' એ એક રામબાણ ઈલાજ છે. આ ઉપરાંત વાળની દરેક પ્રકારની સમસ્યાઓમાં પણ 'શિરોધારા' એક ઉત્તમ સારવાર છે. માનસિક રોગનાં દર્દીઓ, ડીપ્રેશનનાં દર્દીઓ, અનિંદ્રાનાં રોગીઓ, વાળની સમસ્યાનાં દર્દીઓ, તેમજ જેમને માથામાં ખૂબ જ ખોડો રહેતો હોય તે તમામ દર્દીઓ માટે 'શિરોધારા' એ એકમાત્ર વિકલ્પ છે. આ સિવાય પણ સ્મૃતિમાંદ્ય (યાદશક્તિ ઓછી હોવી), તેમજ જે લોકોને ગુસ્સો કે ચિંતા વધારે રહેતી હોય તેવા તમામ લોકો માટે પણ 'શિરોધારા'ની સારવાર શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. 'શિરોધારા' એ એક એવી સારવાર છે કે, જે માત્ર દર્દીઓ જ કરાવી શકે તેવું નથી. સ્વસ્થ સ્ત્રી કે પુરુષ પણ આ ચિકિત્સા પદ્ધતિનો લાભ ઉઠાવી શકે છે. આગળ કહ્યું તેમ કોઈ પણ તકલીફ ન હોય છતાં વાળનો જથ્થો વધારવા, તેમજ વાળની ગુણવત્તા, ચળકાટ, મોઈશ્વર વગેરે જાળવી રાખવા માટે પણ શિરોધારા એ આયુર્વેદમાં દર્શાવેલો ઉત્તમ ઉપાય છે. આજકાલ મોટા મોટા બ્યુટી સેન્ટરોમાં મસમોટી કિંમતો લઈ હેર-સ્પા, વાળ માટે પ્રોટીન થેરાપી વગેરે કરવામાં આવતી હોય છે, જેની અસર પણ લાંબા સમય સુધી રહેતી નથી અને તેની કિંમત પણ મધ્યમવર્ગનાં માનવીને પોસાય તેવી હોતી નથી. તેથી આયુર્વેદમાં દર્શાવેલ ''શિરોધારા'' આની અવેજીમાં શ્રેષ્ઠ સારવાર છે અને આ સારવાર પછી વાળનું મોઈશ્ચર પણ લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને વાળને કેમિકલયુક્ત હાનિકારક પદાર્થોથી સરળતાથી બચાવી શકાય છે. શિરોધારામાં જુદા જુદા તેલ, દ્યૃત કે ઔષધયુક્ત કવાથ વગેરેનું મિશ્રણ બનાવીને જુદા જુદા રોગોમાં આ ઔષધયુક્ત મિશ્રણથી આ શિરોધારા કરવામાં આવતી હોય છે. શિરોધારા એ એક એવી ચિકિત્સા પદ્ધતિ છે કે, જેનું પરિણામ પણ ખૂબ જ ઝડપથી દર્દી અનુભવી શકે છે. શિરોધારાની સમગ્ર પ્રક્રિયામાં ૧ થી ૧ ૧/૨ કલાક જેટલો સમય થાય છે.
શિરોધારાની સારવાર એ વાળનાં તમામ રોગો પર ખૂબ જ સારું રીઝલ્ટ આપે છે. વાળની અનેક સમસ્યાઓ જેવી કે, વાળ ખૂબ જ ખરવા, વાળમાં ખોડો હોવો, વાળમાં ઊંદરી હોવી કે વાળ ખૂબ જ બરછટ હોવા વગેરે તમામ સમસ્યાઓમાં શિરોધારા ખૂબ જ ઝડપી પરિણામ આપે છે. જે દર્દીઓને વાળ ખરવાની ખૂબ સમસ્યા હોય તેમણે વૈદ્યની સલાહ મુજબ અને પોતાની પ્રકૃતિ અનુસાર ર્ભૃંગરાજ તેલ, ચંદનબલાલાક્ષાદિ તેલ વગેરે જેવા તેલથી શિરોધારા કરવી જોઈએ.
જે દર્દીના વાળ અકાળે સફેદ થઈ ગયા હોય તેમનાં શરીરમાં પિત્ત વધી ગયેલ હોય છે તેથી આવા સમયે નિષ્ણાંતની સલાહ મુજબ પિત્તશામક ઔષધયુક્ત તેલ કે દ્યૃત દ્વારા શિરોધારા કરાવવાથી અકાળે સફેદ થતાં વાળને અટકાવી શકાય છે.
અનિંદ્રા, ડિપ્રેશન કે જે લોકોને ખૂબ જ તનાવ રહેતો હોય તે માટે બ્રાહ્મીતેલથી શિરોધારા કરાવવી જોઈએ. આવા રોગોમાં શિરોધારા ખૂબ જ અદ્ભૂત પરિણામો આપે છે. શિરોધારામાં સતત માથા પર ઔષધ સિદ્ધાંતોમાં કે દ્યૃતની ધારા સતત પડતી હોવાથી માથામાં લોહીનું પરિભ્રમણ સુચારુ રૂપે થાય છે અને મગજનાં કોષોને પણ પોષણ મળે છે. જેથી ચિંતા, ટેન્શન, ગુસ્સો વગેરે જેવા તનાવથી મગજ મુક્ત થાય છે. જે દર્દીઓ 'અનિંદ્રા'ના રોગથી વર્ષોથી પીડાતા હોય અને નિંદ્રા માટે ઉંઘની ગોળીઓ જેણે દરરોજ લેવી પડતી હોય તેવા દર્દીઓ ઉપર પણ 'શિરોધારા'ના અદ્ભૂત પરિણામો જોયેલ છે. મારા અનુભવ પ્રમાણે ઘણાં બધાં અનિંદ્રાનાં દર્દીઓને ચાલુ શિરોધારા એ શિરોધારા ટેબલ ઉપર જ ઘસઘસાટ નિંદ્રા લેતાં મેં જોયેલ છે.
શિરોધારામાં લગભગ નવથી દસ આંગળની ઊંચાઈથી શિરોધારા પાત્રમાંથી દ્યૃત કે તેલની ધારા મસ્તિષ્ક પર એકધારી પ્રક્રિયાથી પાડવામાં આવે છે, અને આ દ્યૃત કે તેલ ટેબલ નીચે રહેલાં પાત્રમાં એકત્ર થતું જાય છે, જેને ફરી સુખોષ્ણ કરી વપરાશમાં લેવાતું હોય છે.
શિરોધારા દરમિયાન નસ્ય ચિકિત્સા, ઠંડા પદાર્થોનું સેવન તેમજ માથાબોળ સ્નાન કરવાનો આયુર્વેદમાં નિષેધ બતાવેલો છે.
શિરઃશૂલ, હાઈબ્લડપ્રેશર, માનસિક રોગો તેમજ વાળનાં તમામ રોગોમાં અદ્ભુત અને ઝડપી પરિણામ આપતી શિરોધારાની સારવાર એ આયુર્વેદની એક ઉત્તમ ચિકિત્સા પદ્ધતિ છે.
- જહાનવીબેન ભટ્ટ