ઉત્તમ ખોરાક અને ઔષધરૂપ ફળ :- ''કેળા''

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
ઉત્તમ ખોરાક અને ઔષધરૂપ ફળ :- ''કેળા'' 1 - image


- આરોગ્ય સંજીવની

સસ્તુ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બાળક-વૃદ્ધ સૌ કોઈ સહેલાઈથી ખાઈ શકે તેવું ફળ એટલે ''કેળા''. વળી, તે સર્વત્ર થાય છે, પુષ્કળ પ્રમાણમાં થાય છે અને ગુણોથી ભરપૂર છે.

ફળોમાં જુદી જુદી જાતના ખનિજ તત્વો, ક્ષારો અને વિટામિન હોય છે. પણ તે સર્વ ફળો કરતા કેળામાં ખૂબ વધારે પ્રમાણમાં મળી આવે છે અને લગભગ બધાં જ તત્વો તેમાંથી મળે છે. કેળામાં સર્વ પ્રકારમાં વિટામિન ઉપરાંત કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, મેંગેનીઝ, સલ્ફર, લોહ વગેરે અનેક ખનિજ તત્વો પણ છે. વળી, તેમાં આંતરડા દ્વારા સહેલાઈથી થઈ શકે તેવો ગ્લુકોઝ પણ ૨૨ ટકા જેટલો હોય છે.

કેળા સુપાચ્ય છે. ઉપરાંત સ્વાદિષ્ટ અને પુષ્ટિ તુષ્ટિવર્ધક છે તેમજ ઉત્તમ ઔષધ પણ છે. ખાવા યોગ્ય કેળાની લૂમ હાથમાં પકડી હલાવવાથી જે કેળા પોતાની જાતે લૂમથી છૂટા પડી જાય તે કહેવાય. બંને બાજુના છેડેથી સહેજ પણ ખંડિત ન હોય તેવા પીળી-આછી કાળી છાંટ પડી હોય તેવા સારા પાકેલા કેળા પસંદ કરીને ખાવા જોઈએ. ખૂબ પાકી ગયેલા કે થોડા પણ કડક કેળા ખાવા નહીં. કેળના પાન, છાલ, ફૂલ, મૂળ અને ફળ બધાં જ અંગો ઔષધિય ગુણો ધરાવે છે.

કેળાનાં ઔષધીય ગુણો :- કેળા ગુણમાં મધુર, ઠંડા, પૌષ્ટિક, પિત્ત અને રક્તવિહાર નાશક, દાહ અને રક્તપિત્તને મટાડનાર છે. પાકેલા કેળા પ્રકૃતિની અનુકૂળતા પ્રમાણે એક કે બે ખાવાથી સવારે પેટ સાફ આવે છે.

શરીરમાં દાહ થતો હોય તેણે સવારે નરણેંકોઠે અને ભોજનમાં કેળા ખાવા જોઈએ.

દુર્બળ શરીરને પુષ્ટ કરવા માટે કેળાના પતીકા બનાવી તેમાં ઘી-સાકર અને એલચી નાખી સવારે રોટલી કે ભાખરી સાથે ખાવા અને ઉપર દૂધ પીવું. - જેના હાડકા પોચા હોય, વારંવાર મચકોડ આવી જતી હોય, હાથ કે પગનું ઉતરી જવું કે ફ્રેકચર થવું વગેરે ફરિયાદો હોય તેણે પણ નિયમિત કેળાનું સેવન કરવું જોઈએ જેથી તેમાં હાડકાં મજબૂત બને છે.

- જેના સાંધાઓમાં હાડકાનો ઘસારો થતો હોય તેના માટે પણ કેળાનો ઉપયોગ લાભદાયક છે.

- વૃદ્ધાવસ્થામાં હાડકાની ફરિયાદો ન થાય તે માટે પણ કેળાનો ઉપયોગ નાનપણથી કરવો.

- ભસ્મક રોગમાં દર બે-ત્રણ કલાકે એકદમ પાકા કેળા દૂધ સાથે ખવડાવવામાં આવે તો દર્દીનો ભસ્મક રોગ મટે છે. આ રોગમાં દર્દીને વારંવાર ભૂખ લાગે, જેટલું ખાય તેટલું બળી જાય, ગમે તેટલું ખાય તોયે શરીર કાળું પડતું જાય અને સૂકાતું જાય. તેવા આ ભસ્મક રોગમાં કોઈ દવા ઉપયોગી થાય કે ન થાય પણ લાંબા સમય સુધી કેળાનું દૂધ સાથે સેવન કરનારને આ રોગ અવશ્ય મટે છે અને તેનું શરીર પુષ્ટ થાય છે.

- યુવાન સ્ત્રી-પુરુષો કે જે, રજ-વીર્યની નબળાઈથી પીડાતા હોય તેમણે પંચામૃતમાં રોજ બે કેળા સમારી મેળવીને સવારે સેવન કરવું, તે જ રીતે સાંજના ચાર-પાંચ વાગે ખાવું. સવાર-સાંજ દરેક વખતે પંચામૃત ૨૦૦ થી ૨૫૦ ગ્રામ અને બે કેળા લેવા આ રીતે સેવન કરનાર દંપતીના બાળકો પુષ્ટ, સાત્વિક, તેજસ્વી અને ગૌરવર્ણવાળા થાય છે.

- દરરોજ ચાર કેળા, તેમાં એલચી અને ચપટી મરીનો પાઉડર નાખી દરરોજ ખાનાર કિશોરો વૃદ્ધાવસ્થાને દૂર ભગાડી શકે છે. જેને કેળા બરાબર માફક આવી ગયા હોય તે આ પ્રમાણે સવાર-સાંજ બે વખત પણ ખાઈ શકે. આ પ્રયોગથી વૃદ્ધાવસ્થામાં પણ શરીર પર કરચલીઓ જલદી પડતી નથી.

- બહેનો કે જેમને વારંવાર માસિક આવતું હોય, વધારે પડતું આવતું હોય, શ્વેતપ્રદર હોય તેથી કમ્મર દુ:ખતી હોય - શરીર કૃશ થઈ ગયું હોય, શરીરમાં ફીકાશ, સુસ્તી અને નબળાઈ આવી ગઈ હોય, ટુંકમાં શરીર ઘસાતું જતું હોય અને પરિણામે અનેક ફરિયાદો થતી હોય તો તેવા બહેનોએ બે-બે કેળા ઘી-સાંકર, એલાયચી સાથે સવાર-સાંજ ખાવા. ત્રણ-ચાર માસ કેળાનું સેવન કરવાથી બધી જ ફરિયાદો ચાલી જશે.

- ટીપે-ટીપે પેશાબ થતો હોય, પેશાબમાં બળતરા થતી હોય, અવાર-નવાર પેશાબ બંધ થઈ જતો હોય, પેશાબ ગરમ અને દાહ સાથે થતો હોય તો તે ફરિયાદોવાળી વ્યક્તિઓએ પાકા બે-બે કેળાં દૂધમાં સાકર અને એલચી મેળવી સવારે નરણે કોઠે ખાવા. તમામ પ્રકારની ફરિયાદો માટેનો આ સરળ અને સચોટ ઉપચાર છે. આવી ફરિયાદોમાં બે-ત્રણ દિવસમાં જ રાહત થઈ જાય છે પણ તકલીફ બિલકુલ મટી ગયા પછી પણ એક અઠવાડિયા સુધી આ પ્રમાણે કેળાનું સેવન ચાલુ રાખવાથી ફરીને આવી કોઈ ફરિયાદ થતી નથી.

- ખૂબ ગેસ, અપચો, અજીર્ણ રહેલ હોય, અવાર-નવાર મરડો થતો હોય તેમણે દહીંમાં કેળા સમારી જીરૃં, મીઠું અને થોડું મરીનું ચૂર્ણ ભભરાવી સવાર-સાંજ ખાવું, ખોરાકમાં મરચું, બહુ મસાલા, તળેલા, વાસી, પદાર્થો છોડી દેવા. જેથી કાયમી આ ફરિયાદ મટી જશે.

- કેળામાં ટામેટાનો રસ અને સાંકર મેળવી નાના બાળકોને ખવડાવવાથી નાના બાળકોની ભૂખ ખૂલે છે અને બાળકોનું વજન પણ વધે છે. વળી પાકા કેળા મધ સાથે આપવાથી કમળો પણ મટે છે.

- હીસ્ટેરિયા અને બીજા મગજની બીમારીવાળા માણસો માટે ચ્યવનપ્રાશ અને કેળાને મિક્સ કરી તેનું સેવન ખૂબ ઉપકારક નીવડે છે. આ પ્રયોગથી યાદશક્તિ પણ વધે છે.

ખાસ નોંધ :- ડાયાબિટીસ, શરદી, શ્વાસ, ઉધરસ કે કેળાંની એલર્જીવાળા દર્દીઓએ કેળાનો કોઇ પ્રયોગ કરવો નહીં.

ફળ પછી કેળનાં બીજા ઉપયોગ :-

કેળના પાનને બાળીને તેની ભસ્મ બનાવવી. બે ચપટી ભસ્મ મધ સાથે આપવાથી ઊંટાટિયું બે-ત્રણ દિવસમાં જ તરી જાય છે. આજ ભસ્મ મધ સાથે આપવાથી હેડકી પણ મટે છે.

મૂત્રાધાન એટલે કે પેશાબ બંધ થયો હોય તેની ઉપર કેળનું પાણી ૪ થી ૫ તોલા તેમાં પાતળું (ઉપરનું ઘી) બે તોલા મિક્સ કરી પિવડાવવું. આ ઘી કેળના પાણી સાથે જવાથી મુત્ર દ્વારથી ઝડપથી નીકળી જાય છે અને રોકાયેલો પેશાબ પણ છુટથી નીકળી જાય છે.

આમ કેળા એ ઉત્તમ ઔષધરૂપ 'અમૃત ફળ' છે. તેના જુદા જુદા પ્રયોગો અનેક રોગો ઉપર અદભુત પરિણામ આપે છે.

- જ્હાનવીબેન ભટ્ટ


Google NewsGoogle News