શોથ રોગ અને આયુર્વેદ .
- આરોગ્ય સંજીવની - જ્હાન્વીબેન ભટ્ટ
આજે જે રોગ વિશે વાત કરવા જઇ રહ્યાં છીએ તે રોગને ''શોથ'' નામે ઓળખવામાં આવે છે.
શોથ એટલે 'સોજો'. સોજાના કારણોની વિશેષતાથી નવ પ્રકાર છે. ત્રણેય દોષોથી એક-એક એમ ત્રણ, બે બે ભેગા દોષનાં ત્રણ, ત્રિદોષ જ, અભિઘાત જ અને વિષજ એમ નવ પ્રકાર છે. બીજી રીતે (૧) સર્વાંગ શોથ (૨) અર્ધાંગ શોથ (૩) એકાંગ શોથ. એવાં ત્રણ પ્રકારો બતાવેલાં છે. જેમાં સર્વાંગશોથથી હૃદય, યકૃત અને મૂત્રપિંડ જેવાં અવયવોની વિકૃતિનાં કારણે થતાં સોજાનું વર્ણન છે.
કારણ : સોજો થવાનાં કારણોમા ઉપવાસ, ક્ષાર, ખૂબ જ ખાટાં, ખારા તથા ઉષ્ણપદાર્થોનું સેવન, દહીં અપકવ અન્ન, માટી ખાવી, વિરુદ્ધ ભોજન, મર્મસ્થાનનો ભારે પદાર્થોનું અતિ સેવન વગેરે કારણોથી દોષો દૂષિત થઈને સોજાને ઉત્પન્ન કરે છે.
લક્ષણો : દોષોના જોર પ્રમાણે જુદા જુદા સોજાનાં જુદા જુદા લક્ષણો હોય છે. અંગોમાં જડપણું, બેચેની, બળતરા, રૂવાંટી ઉભા થવા, શિરાઓ બારીક થવી, શરીરનો વર્ણ બદલાઈ જવો, શરીરમાં ભારેપણું વગેરે સોજાનાં સામાન્ય લણો છે. વાયુનાં સોજાથી ચામડી પાતળી, સોજો પાતળો ખરસટ, લાલ તથા કાળો, સ્પર્શ જ્ઞાાન વિનાનો, જુદી જુદી વેદનાવાળો, કારણ વિના શાંત પડી જાય, દાબવાથી ઊંચો આવે તથા દિવસે વધે છે. પિત્તનો સોજો નરમ, પીળાશ પડતો અને સોજાની સાથે તાવ, ભ્રમ, તૃષા, પરસેવો વળવો વગેરે પણ ક્યારેક જોવા મળે છે. પિત્તના સોજાને સ્પર્શ કરવાથી પીડા થાય છે. આ ઉપરાંત ક્યારેક આંખોમાં બળતરા, આંખો લાલ થવી, અતિદાહ અને પાક થાય છે. કફનો સોજો કઠણ, સ્થિર તથા સફેદ હોય છે. તેનાથી અરુચિ, ઉબકાં, મોમાં પાણી, ઊંઘ તથા મંદાગ્નિ થાય છે. રાત્રે વધે છે. ત્રિદોષજમાં ત્રણેય લક્ષણો જોવા મળે છે. વાગવાથી થયેલા સોજામાં વિશેષ નરમ પિત્તશોથનાં લક્ષણો હોય છે. વિષનો સોજો નરમ, અસ્થિર અને જલદ હોય છે.
સારવાર : આ શોથ રોગની હવે, આપણે સારવારની વાત કરીએ તો, જે કારણથી સોજો આવ્યો હોય એ કારણને દૂર કરવું જોઇએ. આગંતુક કારણોથી એટલે કે વાગવાથી અથવા ઝેર ચડવાથી જે સોજા ચઢે છે તેનો ઉપચાર ભિન્ન હોય છે.
પાંડુરોગમાં, સંગ્રણીમાં તથા જીર્ણજ્વરમાં લોહીનાં રક્તકણો ઓછા થવાનાં કારણે મોં ઉપર તેમજ શરીરનાં બીજા ભાગો ઉપર સોજા-થોથર થઇ જાય છે. આ રોગમાં રક્તવર્ધક દવાઓ ફાયદાકારક નીવડે છે. જેમાં (૧) પુનર્નવા મંડુર ૨-૨ ગોળી ૨ વખત પાણી સાથે લેવી.
(૨) લોહાસવ, કુમારીઆસવ, ઘાત્રી લૌહ વગેરે હિમોગ્લોબીનની વૃધ્ધિ કરે એવા આયુર્વેદીક ઔષધો વૈદ્યકીય સલાહ મુજબ લેવાં.
શોથ : સોજાને દૂર કરવા માટે સ્વેદલ, શોથઘ્ન અને મૂત્રલ દવાઓનો ઉપયોગ ફાયદાકારક છે.
વિરેચન : સોજામાં વિરેચન પણ અકસીર ઇલાજ છે. વૈદ્યકીય સલાહ મુજબ વિરેચન કરાવવું જોઇએ. વિરેચન એવું હોવું જોઇએ કે, જે શરીરમાં સ્વેદલ તથા મૂત્રલ અસર કરીને ત્વચાનાં છિદ્રો, પેશાબ તથા ઝાડા વાટે દોષનો નિકાલ કરે.
દશમૂલ ક્વાથ, પુનર્નવાદિ ક્વાથ, પુનર્નવાષ્ટક, પથ્યાદિ ક્વાથ વગેરેનું વૈદ્યકીય સલાહ મુજબ સેવન કરવાથી સોજામાં ફાયદો થાય છે.
સોજાની સારવારમાં હરડે, સાટોડી પુનર્નવા વધારે અસરકારક છે. આરોગ્યવર્ધીની, ચન્દ્રપ્રભાવટી, ગોક્ષુરાદિ ક્વાથ, ગોક્ષુરાદિ ગુગળ, પટોલાદિ ક્વાથ, પુર્નનવા ચૂર્ણ વગેરે દેશી દવાઓ આ રોગ ઉપર અકસીર કામ કરે છે. આ ઉપરાંત દશાંગલેપ, લેપગુદી વગેરે પણ લગાવી શકાય છે.
પથ્યા-પથ્ય : આ રોગમાં દર્દીએ નમક, મીઠુ, દહીં, દારૂ, ગોળ, ખટાશ, માંસાહાર વગેરે બંધ કરવું જોઇએ. વધારે પડતો શ્રમ ન કરવો. પગ લટકાવીને ન બેસવું. અતિશય ખારૂં, ખાટું તથા તીખું ન ખાવું. ઉજાગરા ન કરવા. સોજાનાં દરદીઓ પેશાબ સાફ આવે એ માટેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
યોગ્ય આહાર વિહાર અને પથ્યા-પથ્ય આ રોગમાં જરૂરથી ઘણો બધો ફાયદો કરાવે છે જેમાં શંકાને સ્થાન નથી.