Get The App

આયુર્વેદની દ્રષ્ટિએ 'એક્ઝિમા' .

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
આયુર્વેદની દ્રષ્ટિએ 'એક્ઝિમા'                                         . 1 - image


- આરોગ્ય સંજીવની-  જ્હાન્વીબેન ભટ્ટ

આજના લેખમાં એક ત્વયાગત રોગ વિશે ચર્ચા કરીશું, જે રોગને સામાન્ય ભાષામાં આપણે ''એક્ઝિમા'' તરીકે ઓળખીએ છીએ. મોર્ડન સાયન્સમાં આ રોગને 'ડર્મેટાઈટિસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આયુર્વેદમાં જે ૧૮ પ્રકારનાં કૃષ્ઠરોગોનું વર્ણન કરવામાં આવેલું છે. તેમાં 'વિચર્ચિકા' કે 'એકકુષ્ઠ' જેવાં લક્ષણો 'એક્ઝિમા' માં જોવા મળતા હોય છે. એટલે કે, જે ભાગ પર આ રોગ થયેલ હોય તે ત્વચાનાં ભાગની ત્વચા લાલાશયુક્ત, ઉભારયુક્ત તથા નાની-નાની ફોડલીઓવાળી થઈ જાય છે, અને જેમ-જેમ આ રોગ જૂનો થતો જાય છે તેમ-તેમ જે-તે સ્થાનની ત્વચા ખરબચડી અને રૂક્ષ થઈ જાય છે. આ રોગમાં પણ ત્વચા માછલીની ચામડીમાં ભીંગડા જેવી ખરબચડી અને રુક્ષ થઈ જાય છે. જેથી આયુર્વેદમાં આ રોગ સાથે એક્ઝિમાનાં લક્ષણો મળતા આવે છે, તેમ કહી શકાય.

આયુર્વેદ મુજબ વાત-પિત્ત-કફ એટલે કે, ત્રણેય દોષોને પ્રકુપિત કરે તેવાં આહાર-વિહાર, દિનચર્યા અને વિશેષ કરીને પિત્ત અને કફપ્રકોપ કારણોથી આ રોગ ઉત્પન્ન થાય છે.

હવે, આ રોગ ઉત્પન્ન થવાનાં કારણો વિશે વિસ્તૃત ચર્ચા કરીએ તો તેમાં,

(૧) વિરુધ્ધ ખોરાકનું સેવન આ રોગ થવા માટેનું કારણ માનવામાં આવેલું છે.જેમ કે, દૂધ સાથે ગોળનું સેવન કે દૂધ સાથે ખાટા પદાર્થોનું સેવન, ફ્રુટ સલાડ વગેરેનાં કારણે આ રોગ થવાની શક્યતા વધી જાય છે.

(ર) રાત્રિનાં દહીનું સેવન પણ આ રોગની ઉત્પત્તિનું એક કારણ છે.

(૩) મળ-મૂત્ર વગેરે જેવા અધારણીય વેગોને લાંબા સમય સુધી ધારણ કરી શકાય છે.

(૪) ફૂડ પેકેટ, નુડલ્સ, કેક, બિસ્કિટ, બ્રેડ, જંકફૂડ, કોલ્ડડ્રીંક, ચાઈનીઝ, વગેરેનું સતત સેવન.

(૫) ભોજનબાદ તુરંત તડકામાં જવાથી કે વ્યાયામ કરવાથી પણ આ રોગ થઈ શકે છે.

(૬) ગર્ભાવસ્થામાં માતા જો અત્યંત તીખા અને મસાલાવાળા ખોરાકનું સેવન કરે તો, તેનાં બાળકમાં આ રોગ આવવાની શક્યતા રહે છે.

(૭) ઘણીવાર સાબુ અથવા એસિડ કે ક્ષારનો ત્વચા સાથે સંપર્ક થવાથી પણ એક્ઝિમા થઈ શકે છે.

(૮) સૌંદર્ય પ્રસાધનો, પરફયુમ, આર્ટિફીશયલ જવેલરી વગેરે પણ આ રોગને ઉત્પન્ન કરવામાં ભાગ ભજવી શકે છે.

આ રોગનાં લક્ષણો વિશે વાત કરીએ તો આગળ જણાવ્યું તેમ, પ્રભાવિત ભાગની ત્વચા લાલાશયુક્ત, ખરબચડી અને સૂજનયુક્ત તથા રુક્ષ લાગવા લાગે છે. ઘણીવાર તેમાંથી સ્ત્રાવ પણ થાય છે, અને આસ-પાસ નાની-નાની મોટી ફોડલીઓ ઉત્પત્ત થાય છે, જે મોટી થતી જાય છે. અંતે પછી ફૂટીને પાણી જેવો સ્ત્રાવ તેમાંથી બહાર આવે છે તથા જે-તે પ્રભાવી ભાગની ત્વચા નિસ્તેજ થઈ જાય છે. કેટલીકવાર તેમાં ખૂબ જ પ્રમાણમાં ખંજવાળ પણ આવે છે. 

સારવાર :- આ રોગ માટે કેટલાંક ઘરગથ્થુ અને આર્યુવેદીક ઔષધોપચાર સૂચવું છું, જેમાં,

(૧) જમ્યા પછી આંબળાના ચૂર્ણમાં સાકર મેળવી ૧-૧ ચમચી સવાર-સાંજ લેવું

(૨) સવારે ભૂખ્યા પેટે ૨ નંગ આમળાનો રસ કાઢી તેમાં ૧૦ થી ૨૦ મિલિ જેટલો એલોવેરાનો જ્યુસ મેળવી પીવાથી ખૂબ જ ઝડપથી ફાયદો જણાવશે.

(૩) ૬ થી ૭ નંગ મુનકકા દ્રાક્ષ અને બદામ પાણીમાં પલાળી ૨ કલાક બાદ તેનું સેવન કરવું.

(૪) ગાયનાં દૂધમાં ૨ થી ૩ ગ્રામ હળદર મેળવી તેનું સવાર-સાંજ સેવન કરવું.

(૫) ગરમીની ઋતુ હોય તો આંબળાનો મુરબ્બો, ગાજરનો મુરબ્બો કે સફરજનનો મુરબ્બો ખાવો પણ ખૂબ હિતકર રહે છે.

ઉપરોક્ત જણાવેલાં ઘરગથ્થુ ઔષધ-પ્રયોગો પૈકી એકસાથે ૧ થી ૨ ઉપચારો કરી શકાય છે.

ઔષધ સારવાર :- આ રોગમાં પિત્ત અને રક્તની દુષ્ટિ થયેલ હોવાથી પંચકર્મ આ રોગમાં ખૂબ જ અદ્ભુત પરિણામ આપી શકે છે. તેમાં પણ 'વિરેયન' અને 'રક્તમોક્ષણ' દ્વારા આ રોગનો વૈધની સલાહમાં રહીને ઉપચાર કરવામાં આવે તો, ખૂબ જ ઝડપથી પરિણામ મેળવી શકાય છે. પંચકર્મ ઉપરાંત નીચેના ઔષધ-પ્રયોગો પણ કરી શકાય છે.

(૧) દરરોજ રાત્રે સૂતી વખતે ૫ થી ૬ ગ્રામ ત્રિફલા ચૂર્ણ લેવું એ આ રોગમાં ખૂબ જ ફાયદાકારક છે.

(૨) મહામંજીષ્ઠાદિ કવાથ ૨-૨ ચમચી સવાર-સાંજ ભૂખ્યા પેટે લેવો તેમજ આરોગ્યવર્ધીની વટી ૨-૨ ગોળી સવાર-સાંજ પાણી સાથે લેવી.

(૩) આ રોગમાં રોગીને ત્રિફલા, નાગરમોથ, ઘરુહળદર કરંજપત્ર વગેરે ઔષધો નાખીને ઉકાળેલા જળથી સ્નાન કરાવવું અત્યંત હિતકર સાબિત થાય છે.

એક્ઝિમાનાં દર્દીએ આહાર-વિહારમાં સાવધાની રાખવી જરૂરી છે. જેમાં ૧ વર્ષ જૂના ઘઉં, જવ, તથા ચોખાનો ઉપયોગ ફાયદાકારક છે. શાકભાજીમાં કારેલા, કંકોડા, દૂધી, પરવળ, ગલકા, કાચા કેળા, લીલા પાંદડાવાળા શાકભાજી, શકકરિયા વગેરે લાભપ્રદ છે.

આર્યુવેદોક્ત જીવનશૈલી અને આહાર-વિહારની સાવધાની એ આ રોગમાં પ્રભાવી પરિણામ આપે છે.


Google NewsGoogle News