Get The App

કાનના રોગો અને આયુર્વેદ .

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
કાનના રોગો અને આયુર્વેદ                          . 1 - image


- આરોગ્ય સંજીવની

આજના લેખમાં કાનમાં થતા રોગો અને તેની સારવાર વિશે વાત કરીશું. કર્ણ એ મનુષ્ય શરીરનું એક મહત્વનું અંગ છે. આયુર્વેદમાં આચાર્ય સુશ્રુને ૨૮ પ્રકારનાં કર્ણ રોગોનું વર્ણન કરેલું છે. જેમાંથી આજે વારંવાર થતા કર્ણરોગો અને તેની સારવાર વિશે ચર્ચા કરીશું.

આયુર્વેદ મુજબ પાણીમાં અતિજલક્રિયા કરવાથી, કાનને ખોતરવાથી કે કાન પર આપાત થવાથી કે વાગવાથી જુદા-જુદા કર્ણરોગો ઉત્પન્ન થાય છે. જેમાં.., 

(૧) કાનનો દુ:ખાવો : કાનમાં થતા દુ:ખાવાને 'કર્ણશૂલા' કહે છે. જે ક્યારેક ૧ કાનમાં પાણી ભરાઇ જવાથી, કાનનો મેલ ફૂલી જવાથી કે ઘણીવાર કાનમાં મેલના અધિક દબાણને લીધે ઉત્પન્ન થાય છે. કોઈકવાર મેલના અધિક દબાણથી કાનનો પડદો ફાટી જવાની પણ સંભાવના રહે છે. જેથી બેહરાશ પણ ઉત્પન્ન થઈ શકે છે.

કર્ણશૂલ માટે નીચેનો ઉપાય સૂચવું છું. સમુદ્રફીણનું કાપડછાણ કરેલું ચૂર્ણ લઈ તેના ઉપર લીંબુના રસના બે-ત્રણ ટીપાં નાખી, કાનમાં દુ:ખાવો થતો હોય તે જગ્યા પર કે કાનમાં દુ:ખાવો કે કાનમાં ચાંદુ પડયું હોય તો તે જગ્યા પર લગાવવું, તેનાથી દુ:ખાવામાં રાહત જણાશે અને કાનમાં જો પરૂ આવતું હશે તો તેમાં પણ ફાયદો થશે.

(૨) કર્ણનાદ : આ રોગમાં વાયુ શબ્દવહ નાડીઓમાં ગમન કરીને કાનમાં વિવિધ પ્રકારના અવાજો ઉત્પન્ન કરે છે. મોર્ડન સાયન્સમાં આ રોગને હૌજ કહે છે. આ રોગમાં દર્દીને ભમરાનાં ગુંજન જેવો સિતાર કે શરણાઈ જેવો, નદીના ધોધ જેવો કે સર્પના ફુફાડાસમાન જુદા જુદા અવાજો સંભળાય છે. કર્ણનાદ રોગમાં કાનમાંથી આવતા અવાજો બંધ કરવા માટે નીચેમાંથી કોઈપણ એક ઉપાય વૈદ્યની સલાહ મુજબ અજમાવી શકાય છે.

કળથીને માટીનાં કલાડામાં શેકવી. તે ગરમગરમ કળથી ચોખ્ખા મધમાં નાખવી. પછી ગાળીને તે મધના ટીપા કાનમાંથી આવતા વિવિધ અવાજો બંધ થાય છે.

૧૦-૧૦ ગ્રામ ગાયનું ઘી, તેલનું તેલ અને ૧૨ ગ્રામ મધ લેવું, તેમાં કપૂર ૫ ગ્રામ અને ત્રિફળા ચૂર્ણ ૧૫ ગ્રામ મેળવી મલમ જેવું બનાવી લેવુંં. પછી તેને ધીમા તાપે ગરમ કરવું. જરૂર પડે તો તેમાં થોડું બીજું તેલ મેળવી લેવું. આલેખના ટીપાં કાનમાં રોજ મુકવા. આ ઉપાયથી ધીમે ધીમે સર્વ પ્રકારનો કર્ણનાદ મટે છે.

બિલાનો ગર્ભ લઈ ગોમૂત્રમાં વાટવો. તેમાં થોડું પાણી અને ગાયનું દૂધ નાખી ધીમાં ધીમાં તાપે પકવવું. પકવતી વખતે તેમાં તલનું તેલ પણ મેળવી. તેલસિદ્ધ થાય ત્યારે ઠંડુ કરી ગાળી ભરી લેવું. આ તેલના બે-બે ટીપાં રોજ રાત્રે કાનમાં મુકવાં. થોડા જ સમયમાં કાનમાંથી આવતા અવાજો દુર થઈ જશે.

કર્ણનાદ રોગમાં સારી વાદિ વટી બે-બે ગોળી સવાર-સાંજ દૂધ સાથે લેવી તેમજ સાથે પૌષ્ટિક આહાર લેવો.

(૩) બહેરાશ (બાધિર્ય) : અનેક કારણોથી કાનમાં બહેરાશ આવે છે. ઉંમરના કારણે જો બહેરાશ આવેલ હોય તો, બિલ્વાદી તેલ આ પ્રકારની બહેરાશમાં ખુબ ફાયદાકારક છે. સાથે સાથે બ્રાહ્મીવટી બે-બે ગોળી અને સારીવટી બે બે ગોળી દૂધ સાથે લેવાથી જલદી ફાયદો થાય છે.

આ સિવાય નગોડનાં રસના પાંચ-પાંચ ટીપાં કાનમાં નિયમિત મુકવાથી જૂની બહેરાશમાં પણ ઘણો જ ફાયદો થાય છે. આ પ્રયોગ ચાલીસ દિવસ સુધી તો અવશ્ય કરવો જ.

ઉપરાંત અપામાર્ગમાં ક્ષારોદકમાં અપામાર્ગનો કલ્ક મેળવી તલનું તેલ પકાવી કર્ણચૂરણ કરવાથી કર્ણપાક અને બાધિર્ય બંનેમાં લાભ થાય છે.

આ સિવાય કાનમાંથી રસી, નીકળતી હોય તેમાં દુગંધ આવતી હોય, કાનમાં સોજો આવતો હોય માથાનો દુ:ખાવો થતો હોય તો કાનમાં ટપેન્ટાઈનનાં તેલનાં બે-બે ટીપાં સવાર-સાંજ મૂકવાથી બહુ જલ્દી આરામ થઈ જાય છે.

નાના અને બોલી ન શકતા બાળકોમાં થતી કર્ણવેદના જાણવા માટે આયુર્વેદમાં કહ્યું છે કે કાનમાં વેદના થતી હોય તો બાળક હાથથી વારંવાર કાનને સ્પર્શ કર્યા કરે છે. વારંવાર માથું હલાવે છે. 

બેચેન થઈ જાય છે. ઊંઘતું નથી તથા ધાવતું પણ નથી. આ લક્ષણો પરથી તેને કાનમાં વેદના છે. તેવું અનુમાન કરી તેને સારવાર કરી શકાય છે.

કર્ણરોગના દર્દીઓ માટે ઘઉં, ચોખા, મગ, જવ, જૂનું ઘી, પરવળ, રીંગણ, કારેલાં વગેરે હિતકારક છે. જ્યારે વ્યાયામ, શિર: સ્નાન, વધારે બોલવું તથા કફકારક અને ગુરૂ પદાર્થોનું સેવન અહિતકર બતાવેલ છે.

- જ્હાનવીબેન ભટ્ટ

Tags :