Get The App

શીત ઋતુમાં સુકાઈ ગયેલી ચામડી નોંતરે ત્વચા રોગો

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
શીત ઋતુમાં સુકાઈ ગયેલી ચામડી નોંતરે ત્વચા રોગો 1 - image


- અઘરું નથી ખરજવા, સોરાયસિસ, એક્ઝિમા ખાળવાનું

શિયાળાએ દસ્તક દઈ દીધી છે. આ ઋતુમાં ત્વચા શુષ્ક થઈ જવી સહજ છે. અને સુકાઈ ગયેલી ચામડી પર ઠંડીની અસર પણ બહુ ઝડપથી થાય છે. આ કારણે જ શિયાળામાં ખરજવું, સોરાયસિસ, એક્ઝિમા રોસેસિયા જેવા ત્વચા રોગો થવાની ભીતિ વધી જાય છે. ત્વચા નિષ્ણાતો કહે છે કે ટાઢની ઋતુમાં ત્વચાને ઝાઝી હાનિ ન પહોંચે અને તેની ભીનાશ જળવાઈ રહે તે જરૂરી છે. તેને માટે ત્વચાને લગતાં ઉત્પાદનોનો ઉપયોગ કરવો જેટલો જરૂરી છે તેનાથી પણ વધુ મહત્વનો છે આપણો રોજિંદો આહાર. આપણા રોજબરોજના ખોરાકમાં ચોક્કસ વસ્તુઓ સામેલ કરવાથી ત્વચાને પૂરતું પોષણ મળી રહે છે. અને સ્વસ્થ ત્વચા પર તેને લગતી વ્યાધિઓનું આક્રમણ આપોઆપ અટકી જાય છે.

ત્વચા નિષ્ણાતો ચામડીને લગતી સમસ્યાઓને સ્કીન અસ્થમા તરીકે ઓળખે છે. તેઓ કહે છે કે સ્કીન અસ્થમામાં એક્ઝિમા, સોરાયસિસ ઉપરાંત ત્વચા લાલ થઈ જવી, સતત ખંજવાળ આવવી, ડાઘ-ધાબા પડવા ઇત્યાદિનો સમાવેશ થાય છે. અલબત્ત, ઈશ્વરે આપણા શરીરની રચના એવી રીતે કરી છે કે ત્વચાને લગતી તેમ જ અન્ય નાની-મોટી સમસ્યાઓ આપોઆપ ઠીક થઈ જઈ શકે છે. પરંતુ એક્ઝિમા અને સોરાયસિસ જેવી વ્યાધિઓ માટે સમયસરની તબીબી સારવાર જરૂરી બની જાય છે. સોરાયસીસમાં ત્વચા રાતી થઈ જાય છે. સ્કાલ્પ (માથાના વાળ નીચેની ત્વચા), હાથ-પગ અથવા હથેળીઓ, પગના તળિયાં, કોણી, ઢીંચણ અને વાંસા પર તેની અસર વધુ દેખાય છે. આ રોગ વારસાગત પણ હોઈ શકે. સૌથી મોટી વિડંબણા એ છે કે આ રોગ એક વખત મટી જાય તોય વારંવાર થવાની ભીતિ રહે છે. એક સર્વેક્ષણ મુજબ વિશ્વભરમાં લગભગ એક ટકા જેટલા લોકો વિવિધ પ્રકારના ત્વચા રોગોથી પીડાતા હોય છે. એવું નથી કે સોરાયસીસ જેવા રોગનો ઈલાજ નથી. પરંતુ સમયસર સારવાર કરવામાં ન આવે તો તે ઝડપથી ફેલાય છે. આ વ્યાધિમાં ત્વચા નબળી પડી જતાં ચામડી પર લાલ ચકામા ઉપસી આવે છે અને રક્તના ટીપાં દેખાવા લાગે છે. શિયાળામાં શુષ્ક બની ગયેલી ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવવામાં બેદરકારી રાખવામાં આવે ત્યારે ચામડીની ભીનાશ પરત નથી ફરતી જે છેવટે સોરાયસિસ નોંતરે છે. તેના સિવાય ત્વચાની કાળજી ન લેવી, આકરા તડકામાં બહાર જવું, કુણો તડક ન લેવો પણ સોરાયસિસ થવાના કારણો બની શકે.

એક્ઝિમા જેવા ત્વચા રોગને શી રીતે ઓળખવો તેની જાણકારી આપતાં તેઓ કહે છે કે ત્વચા પર બળતરા થવી, દુઃખાવો થવો, ખંજવાળ આવવી તેના સામાન્ય લક્ષણો છે. આ વ્યાધિ શરીરના કોઈપણ અંગ પર થઈ શકે છે. પરંતુ સામાન્ય રીતે તે ગરદન, હાથ-પગ, પગની આંગળીઓ તેમ જ પગના તળિયામાં વધુ જોવા મળે છે. 

આ સમસ્યા લોહીમાં બગાડ થવાથી પણ સર્જાય છે. અને જો તેનો ઉપચાર સમયસર કરાવવામાં ન આવે તો તે ઝડપથી પ્રસરે છે. બહેતર છે કે તેનો ઉપચાર સમયસર હાથ ધરવામાં આવે. સાથે સાથે તમારી પાચન ક્રિયા પણ સુચારુ રીતે ચાલે તે જોવું જ રહ્યું. વાસ્તવમાં લાંબા સમય સુધી કબજિયાત રહે ત્યારે રક્ત દૂષિત થાય છે જે આ બીમારી થવાનું મહત્વનું કારણ બને છે.

ત્વચાની વ્યાધિઓ ખાળવા માટે રોજિંદા આહારમાં શું શું લેવું તેની જાણકારી આપતાં નિષ્ણાતો કહે છે..,

કડવા-મીઠા પદાર્થોનું સેવન કરો : ત્વચાને લગતાં રોગોથી બચવા પાલક, મેથી, અજમો, સીતાફળ, મીઠો લીમડો, મોરિંગા, સ્પિરુલીના, કારેલાં, બીટ, ગાજર પૂરતા પ્રમાણમાં લો. તેના સિવાય બ્રોકલી, ફણગાવેલા કઠોળ, કોબી, ફ્લાવર, કાકડી, બીન્સ, પાંદડાવાળા શાકભાજી, મશરૂમ, ભીંડા, રતાળુ અને તુરિયા જેવા શાક પણ ત્વચા રોગોમાં લાભકારક બની રહે છે.

ગાજર-બીટનું જ્યુસ : ત્વચાને લગતાં રોગોથી બચવામાં ગાજર, બીટ, કાકડી અને દ્રાક્ષનું જ્યુસ સહાયક બને છે. તેનાથી પાચનક્રિયા પણ સારી રહે છે.

ફળોની કામગીરી : સફરજન, જાંબુ, ચેરી, સ્ટ્રૉબેરી, દાડમ જેવા ફળોનું નિયમિત રીતે સેવન કરવાથી ત્વચા કસાય છે, તેની લવચિકતા જળવાઈ રહે છે. સ્વાભાવિક રીતે જ આ ફળો ત્વચાને લગતાં રોગો દૂર કરવામાં મદદગાર બને છે.

- વૈશાલી ઠક્કર


Google NewsGoogle News