Get The App

કસરત કરવાથી વજન ઘટે કે વધે?

Updated: May 30th, 2022

GS TEAM


Google News
Google News
કસરત કરવાથી વજન ઘટે કે વધે? 1 - image


- વ્યાયામ અંગેની વર્ષોથી પ્રવર્તતી ભ્રમણાઓ દૂર કરો

ઘણા લોકો ચરબી ઉતારવા માટે જાત જાતના વ્યાયામ તો કરે છે પણ વ્યાયામ સાથે સંકળાયેલી કેટલીક બાબત અંગે તેઓના મનમાં અનેક પ્રકારની ભ્રમણા પ્રવર્તે છે. અહીં એવી જ કેટલીક ભ્રમણાઓ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

વ્યાયામ કરતા સમયે પાણી પીવું જોઈએ?

કેટલાક નિષ્ણાતોનો દાવો છે કે વ્યાયામ કરતા પહેલાં, દરમિયાન કે પછી પાણી બિલકુલ પીવું ન જોઈએ. પરંતુ આ વાત સત્યથી વેગળી છે. સાચી વાત એ છે કે કસરત કરતા સમયે થતો પસીનો શરીરમાં સંઘરાયેલું પાણી બહાર ફેંકી દે છે. આથી પાણીની કામચલાઉ અછત સર્જાય છે. આ કમી જો તાબડતોબ પૂરી ન કરવામાં આવે તો ડિહાઈડ્રેશનનો ખતરો રહેલો છે. વળી, આકરા વ્યાયામ કરતા સમયે શરીરમાં ખાસ્સો એવો ગરમાટો વ્યાપી જાય છે. આ ગરમાટો એક હદથી આગળ વધી જાય તો શરીર તેને ખમી શકતું નથી અને હિટ સ્ટ્રોક લાગ્યા વિના રહેતો નથી. આ બંને કારણોને લઈને જ એ જરૂરી બની જાય છે કે વ્યાયામ કરતા પહેલાં, પછી અને દરમિયાન પાણી અવશ્ય પીવું. અલબત્ત, ખૂબ જ ઓછી માત્રામાં અને ટુકડે ટુકડે.

વધુ પરસેવો નીકળે તો એમ સમજવું કે વધુ ચરબી બળી છે?

ના, આ વાત સાચી નથી. અગાઉ જણાવ્યું તેમ વ્યાયામ દરમિયાન શરીરનો ગરમાટો વધી જાય અને હિટ સ્ટ્રોક લાગવાની ભીતિ હોય તો શરીરની રક્ષા પ્રણાલી વધુ માત્રામાં પાણી પસીનારૂપે બહાર ફેંકે છે. આથી વધારાની ગરમીથી છુટકારો મળે છે. પરંતુ એનો મતલબ એ નથી કે વધુ ચરબી બળી રહી છે. આ બાબત સમજવા માટે મોટરકારની આંતરિક રચનાનો દાખલો બસ થઈ પડશે. મોટરકારમાં બળતણ સાચવવાની ટાંકી પણ હોય છે. અને પાણીનાં સંગ્રહસ્થાનસમું રેડિએટર પણ હોય છે. કાર ખૂબ જ ગરમ થઈ જાય તો રેડિએટરમાંનું પાણી બળી જઈને વધારાની ગરમી પોતાની સાથે બહાર ખેંચી જાય છે પરંતુ એ સમય બળતણ બળતું નથી. એવી જ રીતે પસીનો શરીરની વધારાની ગરમી બહાર ફગાવે છે. પણ એ વખતે ચરબીનું દહન થતું નથી.

વધુ સમય અને વધુ આકરી કસરત કરવાથી વધુ ચરબીનું દહન થાય છે?

માફ કરો, આવું કશું થતું નથી. ચરબી ઘટાડવી હોય તો એકલા આકરા વ્યાયામ કરવાથી કશો અર્થ સરતો નથી. નિયમિત રૂપે મધ્યમ કક્ષાના વ્યાયામ ૨૫ થી ૩૦ મિનિટ સુધી કરવાથી ફાયદો થઈ શકે છે. વ્યાયામના પ્રમાણ  અને સમય મર્યાદામાં વ્યક્તિની વય, સ્ટેમીના અને શારીરિક બાંધાને અનુરૂપ વધઘટ કરવી જોઈએ. કશીક બીમારી કે શારીરિક સમસ્યા હોય તો વ્યાયામ કરતા અગાઉ દાક્તરની સલાહ અચૂક લેવી.

શું વ્યાયામ કરવાથી વજન અચૂક ઘટે છે?

જરૂરી નથી, સામાન્ય નિયમ એવો છે કે શ્વાચ્છોશ્વાસની ગતિ વધારી દે એવી કાર્ડિઓ વસ્ક્યુલર એક્સરસાઈઝની સાથે સાથે સ્નાયુઓને યોગ્ય ઘાટ (મસલ ટોનિંગ) આપતી કસરત કરવાથી ચરબીનું દહન થાય છે. જ્યારે મસલ ટોનિંગ એક્સરસાઈઝથી સ્નાયુઓની દ્રવ્ય રાશિ વધે છે. આનો અર્થ એ થયો કે વજનમાં પણ થોડો ઘણો વધારો થાય છે. વજન ખરેખર ઘટાડવું જ હોય અથવા તો ચોક્કસ આંકડા પર સ્થિર રાખવું હોય તો બંને પ્રકારના વ્યાયામ વચ્ચે અનુકૂળ સંતુલન સાધવું જ રહ્યું. આ સંતુલન સાધવા માટે કોઈની સલાહ લેવા કરતા જાત અખતરા કરવા જ યોગ્ય છે. મસલ ટોનિંગ એક્સરસાઈઝને કસરત કરવાથી વજન ઘટે કે વધે  

સાવ ત્યજી દેવી પણ યોગ્ય નથી, કારણ કે એમ કરવાથી સ્નાયુઓ ઢીલાં ઢફ અને ઘાટ વિનાના લાગશે.

વજન ઉપાડવાની કસરત કરવાથી મહિલાઓનો બાંધો પુરુષ જેવો બની જાય છે?

અમુક હદ સુધી. વાસ્તવમાં યોગ્ય રીતે વેઈટ ટ્રેઈનિંગ લેવામાં આવે તો સ્ત્રીના બાંધાની નજાકત વધ છે. સ્ત્રીઓમાં ટેસ્ટોસ્ટેરોન નામના પુરુષ હોર્મોનનો અભાવ હોય છે એટલે જ વજન ઉપાડવાની કસરતથી તેમનો બાંધો કદરૂપો બનતો નથી. હા, વેઈટ ટ્રેઈનિંગની સાથે સ્ટેરોઈડ જેવા ડ્રગ્સ લેવામાં આવે તો સ્ત્રીનો નાજુક બાંધો કોઈ બાવડબાજને છાજે એવો જરૂર બને છે. 

એરોબિક્સ વ્યાયામનો કાર્યક્રમ પડતો મૂક્યા બાદ વજન વધવા માંડે છે?

ના જી, ફક્ત શરીરના બાંધામાં થોડો ફેરફાર થાય છે. મતલબ કે ચરબી અને સ્નાયુના દ્રવ્ય રાશિના ગુણોત્તરમાં બદલાવ આવે છે. વ્યાયામ બંધ કર્યા બાદ ઘણા ખરાં કિસ્સાઓમાં ચરબીના દહનની પ્રક્રિયા અટકી જતી જોવા મળે છે. વજન અને કમર ફરતેના ઘેરાવામાં ખાસ ફરક પડતો નથી. પરંતુ સ્નાયુઓ ઢીલા બને છે. આ સમયગાળામાં ખાવાપીવામાં પૂરતું ધ્યાન  ન રાખવામાં આવે તો વજન અચૂક વધે છે.

જાતીય શક્તિ વધારવા માટે નિયમિત વ્યાયામ જરૂરી છે?

હા, પણ આ વ્યાયામ અતિશય આકરા હોવા જોઈએ નહીં. જે લોકો સપ્તાહના છ દિવસ, રોજના બે કલાક વ્યાયામ પાછળ ગાળે છે. એ લોકોમાં ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન્સમાં કામચલાઉ ઘટાડો નોંધાય છે. આનો અર્થ એ થયો કે જાતીય વૃત્તિ માણવાની ઈચ્છા પણ ઓછી થતી જાય છે. અઠવાડિયામાં ત્રણ વખત ૪૫ મિનિટ સુધીના વ્યાયામ કરવામાં આવે તો પૂરતા છે. આમ કરવાથી થાક પણ નહીં લાગે અને સેક્સની ઈચ્છા પણ નહીં મરી પરવારે.

વ્યાયામ કર્યા બાદ તરત જ સમાગમ કરવો યોગ્ય છે?

મધ્યમ કક્ષાના વ્યાયામ કર્યાબાદ સેક્સ હોર્મોન્સનું પ્રમાણ વધેલું હોય છે. આને કારણે જો વ્યાયામ બાદ તુરંત જ સમાગમ કરવામાં આવે તો સ્ખલન ઝડપથી થાય છે. આમ થવાનું બીજું કારણ સાઈકોલોજીકલ છે. વ્યાયામથી શારીરિક તાકાત તો વધે જ છે, પણ સાથે સાથે આત્મવિશ્વાસ અને અહમ્ પણ વધે છે. આ વધારો સમાગમ માણવાની ઈચ્છા બળવત્તર બનાવે છે.

વ્યાયામનાં અન્ય ફાયદા કર્યાં છે?

કેલિફોર્નિયા યુનિવર્સિટીના નિષ્ણાત ડૉ.જેમ્સ વ્હાઈટનું કહેવું છે કે વ્યાયામ કરવાથી હૃદયની કામગીરી સુધરે છે. તથા સ્નાયુઓ મજબૂત બને છે. નિયમિત કસરત કરવાથી આખો દિવસ તાજગી લાગે છે અને કામ કરવાનો મૂડ ભાગ્યે જ ઓફ થાય છે.

- અમલા

Tags :