Get The App

દિવાળીમાં ચહેરાની માવજત .

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
દિવાળીમાં ચહેરાની માવજત                                         . 1 - image


દિવાળી આપણા સૌનું માનીતું પર્વ છે. વર્ષે વર્ષે બદલાતી ફેશન, બદલાતા લોકો વચ્ચે પણ કુદરતનો મિજાજ અને તહેવારો એના એ જ રહે છે. આજે માણસ બદલાઈ રહ્યો છે. તેના જીવનનાં મૂલ્યો પણ બદલાઈ રહ્યા છે. તહેવારો એના એ જ રહ્યા છે, પરંતુ તેને ઊજવવાની રીત બદલાઈ ગઈ છે. દિવાળીમાં હવે મનની પવિત્રતા કરતાં તનની સુંદરતાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. જોકે મનની પવિત્રતા સાથે તનની સ્વચ્છતા જરૂરી છે.

દિવાળી આવતાની સાથે જ સ્ત્રી નવા કપડાં, નવા રાચરચીલાની ખરીદી, ઘરની સજાવટ કરવા લાગે છે. નવી નવી વાનગીઓથી રસોડું મહેંકી ઊઠે છે. મોટાં ઘરોમાં સોના-ચાંદીનાં ઘરેણાંની ખરીદી થાય છે. બ્યૂટિપાર્લરમાં મહિલાઓની ભીડ જમા થાય છે. આ દિવસોમાં સ્ત્રીએ ગૃહસજાવટની સાથે પોતાના સૌંદર્યને પણ નિખારવું જોઈએ. સ્ત્રીએ પોતાના વાળ તથા ચહેરાની ખાસ માવજત લેવી જોઈએ. દિવાળી પહેલાનું વાતાવરણ ગરમ તથા ભેજવાળું હોય છે. આથી આ દિવસોમાં ત્વચા વધારે પડતી તૈલી બને છે. આવા વાતાવરણમાં ફેશિયલ કરાવવું હિતાવહ છે.

જોકે ફેશિયલ ઘરમાં પણ કરી શકાય છે. ઘરમાં ફેશિયલ કરવાની રીત જણાવતા સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે, ''ફેશિયલમાં સૌથી વધુ મહત્ત્વની પ્રક્રિયા મસાજ છે. આપણા ચહેરાને બીજાં બધાં અંગો જેટલી કસરત મળતી નથી. આથી મસાજ કરવાથી ચહેરા પર લોહીનું પરિભ્રમણ થાય છે. તે વધુ તાજગીભર્યો લાગે છે. ચહેરા પરની ત્વચાના મૃતકોષો નાબૂદ થાય છે અને ત્વચા સુંદર બને છે.'' ફેશિયલ કરતી વખતે નીચેની વસ્તુઓની જરૂર પડે છે: હેરબેન્ડ, એસ્ટ્રિન્જન્ટ, હોલ્ડિંગ પિન, સ્પંજ, રૂ,  એપ્રન, ક્લિન્સિંગ મિલ્ક, સ્ટીમ મશીન, વાઈબ્રેટર, ટોવેલ, બરફ. મસાજ ક્રીમ, કુંવારપાઠું ગુલાબજળ, કાકડીનો રસ, મધ, પપૈયાં અથવા સફરજનનો માવો, સંતરાનો રસ.

ફેશિયલ કરતી વખતે પહેરેલું એપ્રન  આગળપાછળથી ખુલ્લા ગળાનું હોવું જોઈએ, જેથી મસાજ વધુ સારી રીતે કરી શકાય.

જાતે ફેશિયલ કરતી વખતે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ:

* સૌ પ્રથમ ચહેરાને ક્લિન્સિંગ મિલ્ક વડે સાફ કરી હેરબેન્ડ લગાવો જેથી મસાજ કરતી વખતે વાળ વચ્ચે ન આવે.

* ઉપર દર્શાવેલી મસાજ માટેની તમામ સામગ્રી થોડી થોડી હાથમાં લઈ ચહેરા પર બરફ સાથે મસાજ કરવાનું શરૂ કરો.

* મસાજ કરતી વખતે ધ્યાનમાં રાખો કે દરેક સ્ટેપ ઉપરની તરફ હોવું જોઈએ.

* બરફ અને ક્રીમ હાથમાં લઈ ગળાની ઉપરની બાજુએ મસાજ કરવું.

* હાથના અંગૂઠા વડે દાઢી પર મસાજ કરો. સાથે સાથે આંગળીનાં ટેરવા વડે હોઠની ઉપર તથા નાકની નીચે બહુ જ હળવા હાથે મસાજ કરો.

* ગાલ ઉપર સૌપ્રથમ સીધા હાથ વડે, ત્યારબાદ મુઠ્ઠી વાળી તથા આંગળીઓનાં ટેરવા વડે થપથપાવીને મસાજ કરો. હાથને ચહેરા પર ખોબા આકારે મૂકી વાઈબ્રેશન આપો, ત્યારબાદ આંગળીઓ વડે ગોળ ફરતે મસાજ કરો.

* બે આંગળીઓ વડે નાકનાં ટેરવે મસાજ કરો.

* આંખ ઉપર તથા આંખ ફરતે ખૂબ જ હળવા હાથે ગોળ ગોળ મસાજ કરો. (આવું દરરોજ પાંચ  મિનિટ કરવાથી આંખ નીચેનાં કાળાં કુંડાળાં ઓછા થઈ શકે છે.)

* કપાળ પર સીઝર સ્ટાઈલથી મસાજ કરો.

* આખા ચહેરા ઉપર બંને હાથમાં મસાજ ક્રીમ લઈ ફીશ સ્ટાઈલથી મસાજ કરવું.

મસાજ પૂરું થતાં બધું જ ક્રીમ ચહેરાની ત્વચામાં ઊતરી જવું જોઈએ. આથી જ કેમિકલયુક્ત ક્રીમ ન વાપરતાં કુદરતી ઔષધયુક્ત ક્રીમ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી ત્વચાનાં છિદ્રો વાટે અંદર ગયેલું ક્રીમ ત્વચાને નુકસાન પહોંચાડવાને બદલે ગુણકારી બની રહે.

જો તમે ફેશિયલ બ્યૂટિપાર્લરમાં કરાવતા હશો તો બ્યૂટિશયન ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરશે, પરંતુ જો જાતે ઘેર જ ફેશિયલ કરતાં હશો તો સ્વાભાવિક રીતે જ તમારી પાસે સ્ટીમ મશીન અને વાઈબ્રેટર ન હોય એવું પણ બને. આ સ્થિતિમાં તપેલીમાં પાણી ગરમ મૂકી ચહેરા પર વરાળ લેવી જેથી ચહેરા પરની ત્વચાનાં છિદ્રો ખૂલી જશે અને ત્વચા સાફ થઈ જશે.

ત્યારબાદ ખુલ્લા થયેલાં છિદ્રોને બંધ કરવા એસ્ટ્રિન્જન્ટ વોટરનો ઉપયોગ કરવો. આટલું કર્યા પછી ત્વચાને અનુકૂળ ફેઈસપેક લગાવી થોડીવાર રહેવા દઈ ધોઈ નાખ્યા પછી બરફ વડે મસાજ કરો. ફેઈસ પેક: ફેઈસ પેક અનેક પ્રકારના હોઈ શકે છે. ત્વચાને અનુકૂળ ઘેર જ પેક બનાવી શકાય છે. જેમાં મુલતાની માટી, ફળોનો રસ, ફળનો માવો વગેરેનો ઉપયોગ કરી શકાય છે જે ત્વચાને ઠંડક  આપે છે. ચારોળી સુખડનો પેક ત્વચાને પોષણ પૂરું પાડે છે. સાથે ચહેરા પરના ડાઘ ઓછા કરે છે. શુષ્ક ત્વચા હોય તો પેકને દૂધમાં  પલાળવો અને તૈલી ત્વચા હોય તો પાણીમાં પલાળી પેક લગાવવો.

- નયના


Google NewsGoogle News