વિવિધ પ્રકારના યોગ : હવે એરિયલ યોગની બોલબાલા

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
વિવિધ પ્રકારના યોગ : હવે એરિયલ યોગની બોલબાલા 1 - image


- એરિયલ યોગમાં ગુરૂત્વાકર્ષણ બળની વિરૂદ્ધ જઇ રક્ત પરિભ્રમણ વધારવા પર ભાર

- રૂટિન કસરતથી કંટાળેલાં લોકો માટે નવતર એરિયલ યોગ રસપ્રદ નીવડી શકે

તમારા શરીરને સુડોળ રાખવા માટે બજારમાં વિવિધ પ્રકારના યોગાસનો ઉપલબ્ધ છે. પરંપરાગત યોગાસનો જેમને કંટાળાજનક લાગતાં હોય અને જે લોકો યોગમાં નવીનતા ઇચ્છતા હોય તેમની સેવામાં પાવર યોગ બાદ હવે એરિયલ યોગ હાજર છે.એરિયલ યોગમાં ઝૂલા પર કરવામાં આવતી કસરતો અને યોગનો સમન્વય કરવામાં આવ્યો છે. એરિયલ યોગનો પાયાનો સિદ્ધાંત એ છે કે તેમાં ઝૂલા પર લટકતાં હોય તેમ હવામાં ઝૂલતાં ઝૂલતાં તમામ કસરતો કરવાની હોય છે. જેમાં ગુરૂત્વાકર્ષણ બળ લાગતું હોઇ રક્તનું પરિભ્રમણ સુધરે છે. આમ, એક નવીન કસરત તરીકે અરિયલ યોગ એ કરવા જેવી કસરત છે. 

આ એરિયલ યોગમાં મુખ્ય ઉપકરણ ઝોળી જેવો હિંચકો હોય છે. આપણે ઉનાળામાં બીચ પર આ પ્રકારના હિંચકામાં ઝૂલતાં ઝૂલતાં પુસ્તકો વાંચવાની મોજ માણીએ છીએ. એરિયલ યોગમાં આ હિંચકો જ કસરત કરવાનું મુખ્ય સાધન બની રહે છે. તમારે આ પ્રકારના ઝૂલામાંથી લટકતા  રહીને કસરત કરવાની હોય છે. આમ, પરંપરાગત યોગ અને એરિયલ યોગ વચ્ચે ફરક ઝૂલાને કારણે પડે છે. 

ગુરૂત્વાકર્ષણ બળની વિરૂદ્ધ દિશામાં કસરત કરવાથી રક્તનો પ્રવાહ મગજમાં વધે છે. સામાન્ય રીતે શીર્ષાસન કરવામાં આવે ત્યારે આમ બને છે. આમાં ફરક એ હોય છે કે આ આસન ઝૂલામાં રહીને કરવાનું હોય છે. શરીરમાં રક્ત નું પરિભ્રમણ વધે તેનાથી શરીરમાં જોમ વધે છે અને મગજ તેજ બને છે. જ્યારે લોકો લાંબી માંદગીને કારણે પથારીવશ હોય ત્યારે તેમને હાથ જમીન પર રાખી ખુરશીમાં શરીરને ઉંચું કરવાની કસરત કરાવવામાં આવે છે. આ કસરતનો હેતુ પણ મગજમાં વધારે રક્ત પહોંચાડવાનો હોય છે. એરિયલ યોગમાં પણ આ જ લોજિક કામ કરે છે. આમાં નોંધપાત્ર બાબત એ છે કે આ એરિયલ યોગમાં તમને શરીરને વિવિધ રીતે વાળવાની તક મળે છે. જેના કારણે તમારા સ્નાયુઓની લવચીકતામાં સુધારો થાય છે. 

બીજો મહત્વનો ફાયદો આ એરિયલ યોગમાં એ થાય છે કે તેમાં તમારે પીઠ પર જોર આપવું  પડતું નથી. હવામાંથી તમે ઝૂલતાં હો ત્યારે તમારી પીઠ પર કોઇ દબાણ આવતું નથી. આજના  શહેરી જમાનામાં ઓફિસમાં સતત આઠ કલાક ડેસ્ક વર્ક કરવાને કારણે કમરના નીચલાં હિસ્સામાં પીડા થવી એ સામાન્ય સમસ્યા બની ચૂકી છે. આવા લોકો માટે એરિયલ યોગ છુપા આશિર્વાદ સમાન છે. 

જો કે, એરિયલ યોગમાં સાવધાની રાખવામાં ન આવે તો કાયમ માટે કરોડરજ્જુ તુટી જવાની પણ સંભાવના રહેલી છે. મૂળમાં તમારો ઝૂલો મજબૂત હોવો જોઇએ અને તેમાં તમારી પક્કડ પણ રહેવી જોઇએ. જો સરતચૂકથી પણ ઝૂલામાંથી કસરત કરતાં પડી જાવ તો તમારી કરોડરજ્જૂ તુટી જાય તો કાયમ માટે ખાટલો પકડવાનો પણ વારો આવી શકે છે. મોટાભાગના યોગની જેમ આ એરિયલ યોગ પણ કોઇ નિષ્ણાતની દેખરેખ નીચે જ કરવા હિતાવહ છે. 

જાતે આપમેળે આ એરિયલ યોગ કરવાનું જોખમ લેવા જેવું નથી. બીજું ઝૂલા પર ઝૂલવાની ટેવ ન હોય તેમણે વધારે સાવચેતી રાખવી પડે. કેમ કે ઝૂલો હાથમાંથી સરકી જાય અને તમે જમીન પર આવી જાવ તો તમને ગંભીર ઇજા થવાની શક્યતાઓ વધારે રહે છે. આમ, આ નવીનતા અપનાવવામાં સાવચેતી પણ ભારોભાર રાખવી જરૂરી છે.  

- વિનોદ પટેલ


Google NewsGoogle News