દાવત : વેસ્ટર્ન સ્ટાઇલની વાનગીઓ
મિની પિઝા
સામગ્રી :
૬ મિની પિઝાના બેસ, ૬ ચમચા ટોમેટો સોસ, ૧ મોટી ડુંગળી ઝીણી સમારેલી, ૧ ચમચી લસણની પેસ્ટ, ૬ ચમચા છાણેલું પિઝા ચીઝ, ૨ બાફીને મસળેલાં બટાકાં, ૨ છીણેલાં ગાજર, ૧ કેપ્સિકમ ઝીણું સમારેલું. (તમારા પોતાના મનપસંદ શાકભાજીથી ટોેપિંગ કરી શકાય છે.)
રીત :
પિઝા બેઝ પર ટોમેટો સોસ લગાવો. હવે એક પેનમાં એક ચમચો ઘી ગરમ કરી તેમાં લસણ, ડુંગળી સાંતળી લો. પછી તેમાં મસળેલાં બટાકાં, મીઠું, મરી, ગાજર તથા કેપ્સિકમ મિક્સ કરો. હવે આ મિશ્રણ પિઝા બેસ પર પાથરી ઉપર છીણેલું ચીઝ પાથરો. પહેલેથી ગરમ ઓવનમાં ચીઝ ઓગળી જાય ત્યાં સુધી બેક કરો.
મેકરોની સોયા વિથ પીસ
સામગ્રી :
૨૨૫ ગ્રામ મેકરોની, ૧૦૦ ગ્રામ સોયા ખીમા, ૧૦૦ ગ્રામ બાફેલા વટાણા, ૩૦ ગ્રામ માખણ અથવા ઓઇલ, ૧ મોટી ડુંગળી ઝીણી સમારેલી, ૧ ચમચો લસણની પેસ્ટ, ૧ ચમચો ટોમેટો પ્યૂરી, ૫૫ ગ્રામ ચીઝ, મીઠું તથા મરી પાઉડર સ્વાદ મુજબ. ૧ ચમચો સમારેલી કોથમીર.
એક મોટી તપેલીમાં પાણી ઊકાળો. તેમાં એક ચમચો તેલ અને એક ચમચી મીઠું નાખીને મેકરોની બાફી લો. પછી તેને ગાળીને એક બાજુ મૂકી દો.
હવે એક કડાઇમાં માખણ ગરમ કરી તેમાં લસણ અને ડુંગળી સાંતળી લો. પછી તેમાં સોયા ખીમા (૧૦-૧૫ મિનિટ પાણી અને દૂધના મિશ્રણમાં પહેલેથી પલાળી રાખેલા) નાખો. પાણી શોષાઇ જાય એટલે વટાણા, ટોમેટો, પ્યૂરી, મીઠું તથા મરી મિક્સ કરો. બે મિનિટ ગેસ પર રાખો પછી મેકરોની અને કોથમીર નાખો. ઉપરથી છીણેલું ચીઝ ભભરાવી એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરીને લંચ બોક્સમાં ભરો.
ક્રિસ્પી ભીંડા અને પરોંઠા
સામગ્રી :
૧ કિલો મધ્યમ આકારના ભીંડા, ૧૫૦ ગ્રામ લાંબી સમારેલી ડુંગળી, ૫૦ ગ્રામ કોર્નફ્લેક્સ, ૫૦ ગ્રામ લીલાં મરચાં, ૧૦ ગ્રામ ચાટ મસાલો, ૧૦૦ ગ્રામ જીરું, મીઠું સ્વાદ મુજબ.
રીત :
ભીંડાને વચ્ચેથી કાપીને કરકરી તળી બહાર કાઢી લો. હવે થોડું તેલ ગરમ કરી તેમાં ડુંગળી લાલ રંગે સાંતળી લો. સાથે લાંબા સમારેલાં લીલાં મરચાં પણ નાખો તેમાં જીરું તથા મીઠું નાખો અને ભીંડા નાખી ધીમે ધીમે હલાવો.
કોર્નફ્લેક્સ તેલમાં તળી તેમનો ભૂકો કરીને ભીંડા ઉપર નાખો. છેલ્લે ચાટ મસાલો ભભરાવો. આ ક્રિસ્પી ભીંડા ગરમ ગરમ પરોંઠા સાથે લંચબોક્સમાં પેક કરો.
નૂડલ્સ કટલેટ
સામગ્રી : ૧૦૦ ગ્રામ બાફેલા નૂડલ્સ, ૫૦૦ ગ્રામ બાફેલાં બટાકાં, ૨ છીણેલાં ગાજર, ૧ ઝીણું સમારેલું કેપ્સિકમ, ૧ ચમચો કોર્નફ્લોર, ૨ લીલી ડુંગળી ઝીણી સમારેલી, ૧/૨ ચમચી સોયાસોસ, મીઠું સ્વાદ મુજબ તથા તળવા માટે તેલ.
રીત : બટાકાંને મસળી તેમાં છીણેલાં ગાજર, કેપ્સિકમ, મીઠું સોયા સોસ, ખાંડ, મરી, સમારેલી ડુંગળી અને કોર્નફ્લોર મિક્સ કરો. હવે તેમાંથી ચપટી ટિક્કીવાળી ઉપરથી બાફેલાં નૂડલ્સ લગાવો અને ગરમ તેલમાં તળી લો. ચિલીસોસ અથવા મનપસંદ ચટણી સાથે લંચ બોક્સમાં પેક કરો.
મશરૂમ ક્રેપ્સ
સામગ્રી :
૩/૪ કપ મેંદો, ૧૧/૨ કપ દૂધ, ૧ ચમચો માખણ, મીઠું સ્વાદ મુજબ.
ક્રેપ્સમાં ભરવા માટેની સામગ્રી : ૨૫૦ ગ્રામ સમારેલાં મશરૂમ, ૮-૧૦ લીલી ડુંગળી ઝીણી સમારેલી, ૫૦ ગ્રામ બાફેલા વટાણા, ૪ ચમચા માખણ, ૧ ચમચો સોયા સોસ, ૧/૨ ચમચી ખાંડ, મીઠું અને મરી પાઉડર સ્વાદ મુજબ.
રીત :
મેંદામાં મીઠું નાખી ચાળી લો. હવે તેમાં ઇંડુ અને દૂધ મિક્સ કરી ફીણી લો. ક્રેપ્સ માટેનું ખીરું તૈયાર છે. એક નોનસ્ટિક પેનમાં અડધો ચમચો તેલ ગરમ કરી એક ચમચો ખીરૃં પાથરો. આમ, પાતળા પાતળા પૂડલા બનાવી લો. હવે એક કડાઇમાં માખણ ગરમ કરી ડુંગળી નાખો અને એક મિનિટ પછી વટાણા નાખી હલાવો. તેમાં પૂરણની બધી સામગ્રી નાખી ચડવા દો. પાણી શોષાઇ જાય એટલે ગેસ પરથી ઊતારી લો. હવે પૂડલામાં એક ચમચો પૂરણ ભરી તેનો રોલ વાળી દો. બંને કિનારી પહેલાં વાળો પછી રોલ કરો. જો ઇચ્છો તો આને તળી પણ શકો છો.પૂરણ ભરવા માટે તમે ઇચ્છા મુજબ મનપસંદ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.
સ્વીટ મફિસ
સામગ્રી : ૧ કપ રવો, ૧ ગ્લાસ દહીંની છાશ, ૧ ઇંડું, ૩/૪ કપ બ્રાઉન શુગર, ૧/૨ કપ ઓગાળેલું માખણ, ૧ કપ મેંદો, ૧ ચમચી બેકિંગ પાઉડર.
રીત : રવાને છાશમાં એક કલાક પલાળી રાખો. ત્યાર પછી તેમાં બધી સામગ્રી મિક્સ કરી ફીણો. ચીકણી કરેલી મફિસ ટ્રેમાં આ મિશ્રણ પાથરી દો. પહેલા ગરમ ઓવનમાં ૧૮૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ૧૫ મિનિટ સુધી બેક કરો. મફિસ ઠંડા પડે એટલે બહાર કાઢી લંચ બોક્સમાં પેક કરો.
બટર વેજિટેબલ
સામગ્રી : ૧૦૦ ગ્રામ પનીરના ચોરસ ટુકડા, એક બાફેલા બટાકાના ચોરસ ટુકડા, ૧૦૦ ગ્રામ મિક્સ શાકભાજી (ગાજર, બીન્સ, ફ્લાવર) મીઠું સ્વાદ મુજબ, ૧ ચમચી જીરું, ૨-૩ આખાં લાલ મરચાં, થોડાં મીઠા લીમડાના પાન, થોડી કસૂરી મેથી ૧/૨ ચમચી કલોજી, ૨ ચમચા ટોમેટો પ્યૂરી, ૪ ચમચા ક્રીમ, કોથમિર ઝીણી સમારેલી, થોડા કાજુ, થોડી કિસમિસ, ૧/૨ ચમચો લસણની પેસ્ટ.
રીત : તેલ ગરમ કરી તેમાં સૂકાં લાલ મરચાં, જીરું, કલોંજી અને લીમડાનાં પાન તતડાવી લસણ અને અડધા બાફેલા શાકભાજી નાખો (શાકભાજીને પહેલાં હળદરના પાણીમાં અધકચરાં બાફી લો.) હવે તેમાં ટોમેટો પ્યૂરી, બાફેલા બટાકાં, પનીર અને મીઠું મિક્સ કરી દો. બે મિનિટમાં શાક તૈયાર થઇ જશે. પછી તેમાં ક્રીમ કસૂરી મેથી અને કોથમીર નાખો. ઇચ્છો તો કાજુ અને દ્રાક્ષ પણ નાખી શકો છો. ગરમાગરમ બટર વેજિટેબલ બ્રેડ અથવા રોટલી સાથે પેક કરો.
શાહી ટુકડા
સામગ્રી : ૪ સ્લાઈસ બ્રેડ, તેલ, ૧ વાટકી ખાંડ, ૧/૪ વાટકી પાણી, ૧ ચમચો ક્રીમ, ૧૦-૧૨ પિસ્તા અને ૪ એલચી પાવડર.
રીત : બ્રેડને સામસામા ખૂણા સુધીના કાપ મૂકી કુલ ૧૬ ત્રિકોણ ટુકડા કરો. કડાઈમાં તેલ મૂકી તેમાં બ્રેડના ટુકડા આછા બદામી રંગના તળીને તૈયાર કરો.બીજા વાસણમાં ખાંડની પાતળી ચાસણી બનાવી તેમાં એલચીનો ભૂકો નાખો. ગરમ ગરમ ચાસણીમાં બ્રેડના ટુકડા બોળીને ઝડપથી બહાર કાઢી લો. પીરસતી વખતે ક્રીમ રેડીને ઉપર પીસ્તાથી સજાવો.
બનાના આઈસ્ક્રીમ સન્ડે
સામગ્રી : ૪ કેળાં, ૮-૧૦ રાસબરી, ૨ ચમચા માખણ, ૨ ચમચા ખાંડ, થોડો ફૂદીનો, મનપસંદ આઈસ્ક્રીમ.
રીત : રાસબરીનો રસ કાઢી ઠંડો કરો. દરેક કેળાને બે ભાગમાં લાંબા કાપો. ટૂથપિકની મદદથી કાપેલા કેળાના બંને ભાગને જોડીને ગોળરોલ કરો. જાડા તળિયાવાળા વાસણમાં માખણ ગરમ કરો. તેમાં ખાંડ નાખી કેરેમલ બનાવો. હવે તેમાં કેળાં નાખી હળવા હાથે હલાવો. જેથી બધું કેરેમલ કેળા પર ચોંટી જાય. હવે ફ્રિજમાં ઠંડુ થવા મૂકો. સર્વિંગ ડિશમા કેળા મૂકો. તેની ઉપર આઈસ્ક્રીમ મૂકો. રાસબરીનો ઠંડો રસ ઉપર ફૂદીનાના પાનથી સજાવો.
- હિમાની