Get The App

દાવત : જુદાં-જુદાં ફળોની ચટપટી ચટણીઓ

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
દાવત : જુદાં-જુદાં ફળોની ચટપટી ચટણીઓ 1 - image


કેરી નારિયેળની ચટણી

સામગ્રી : 

૨ કાચી કેરી, ૧ કપ તાજા નારિયેળનું છીણ, ૨ ચમચી તેલ, ૧ ચમચી અડદની દાળ, ૧/૨ ચમચી રાઈ, ૧/૨ ચમચી મેથી, ૧/૨ અડધી ચમચી હળદર, ૩ લાલ મરચાં, ૨ લીલા મરચાં, ચપટી હિંગ, સ્વાદ મુજબ મીઠું.

કેરી છોલીને છીણી નાખો. તેલ ગરમ કરી તેમાં રાઇ, હિંગ, હળદર વગેરેનો વઘાર કરી બધી જ વસ્તુઓ નાખી નીચે ઉતારીને નારિયેળ અને કેરીની છીણ સાથે પીસી લો. તૈયાર ચટણી ઉપર કોથમીર સમારીને ભભરાવી શકાય છે.

ખજૂરનાં ભલ્લાં

સામગ્રી : 

૨૫૦ ગ્રામ ખારેક, ૧ કપ ક્રીમ, ૧૫૦ ગ્રામ માવો, ૨-૩ એલચી, ૧૦૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ તાજુ નારિયેળ, ૧/૨ કપ સફેદ તલ, ૧/૨ કપ સૂકામેવા (મનગમતા). દૂધ.

ખારેકને પ્રમાણસર દૂધમાં આખી રાત રાખી મૂકો. સવારે બે કલાક પાણીમાં રાખો. પછી તેને મિક્સરમાં ક્રશ કરો તથા ધીમા તાપે ગેસ ઉપર મૂકો. ખારેક એકરસ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવું એ પછી તેમાં ક્રીમ, માવો, એલચી, નારિયેળનું છીણ અને ખાંડ નાખી પ્રવાહી શોષાઈને તે સૂકું ન થાય ત્યાં સુધી ધીમા તાપે તેને રાંધો.

ગેસ પરથી નીચે ઉતાર્યા પછી તેમાં સૂકા મેવા સમારી મિક્સ કરો, અને તેના ગોળ આકારના લૂઆ કરો. તલમાં આ લૂઓને રગદોળી વાનગી ઠંડી થાય પછી પીરસો. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભલ્લાં તૈયાર છે.

આદુની ચટણી

સામગ્રી : 

૨૫૦ ગ્રામ આદુ, ૨૫૦ ગ્રામ લાલ મરચાં (આખા), ૨૫૦ ગ્રામ આંબોળિયા, ૨૦૦ ગ્રામ લસણ, ૧ ચમચી રાઈ, ૧ ચમચી અડદની દાળ, ૧૦૦ ગ્રામ તેલ, સ્વાદ પ્રમાણે મીઠું.

આદુને ધોઈ સાફ કરી તેના નાના નાના ટુકડા કરો. ચમચી તેલમાં આદુના ટુકડા અનેલાલ મરચાં જુદા-જુદા ફ્રાઈ કરો.ફ્રાઇ કરેલા આદુ અને મરચાં મિક્સરમાં પીસો. અધકચરા થાય કે તેમાં મીઠું, આંબોળિયા અને લસણ નાખી ફરીથી પીસો. પીસતી વખતે જરૂર પ્રમાણે સહેજ ગરમ પાણી નાખવું. બાકી બચેલા તેલમાં રાઈનો વઘાર કરી અડદની દાળ શેકોપછી તેમાં ચટણી મિક્સ કરો. આ ચટણી તમે ઢોંસા કે ઇડલી સાથે ખાઈ શકો છો.

સ્વીટ ફ્રૂટ ચટણી

સામગ્રી : 

૧૦૦ ગ્રામ આંબોળિયા, ૪ કપ પાણી, ૧૫૦ ગ્રામ ખાંડ, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી સંચળ, ૧ ચમચી સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠુ, ૨ ચમચી લાલ મરચાંનો પાઉડર, ૧ ચમચી સૂંઠ, ૫૦ ગ્રામ આદું, ૪ નંગ કેળા, ૫૦ ગ્રામ સૂકી દ્રાક્ષ.

રીત : આંબોળિયાને રાતે પલાળી રાખો. સવારે તે જ પાણીમાં ઉકાળો, જ્યાં સુધી તે નરમ ન પડે. ઠંડું થઈ ગયા પછી તેને ચારણીમાં રાખો, આદુને સાફ કરી ઝીણું વાટી લો. થોડાક પાણીમાં મીઠું, મરચાં, તલ, આદુ, આંબોળિયા અને કેળાનાં નાના ટુકડા તથા દ્રાક્ષ વગેરે મિક્સ કરો. ચમચી વડે ખૂબ હલાવો. એને નાસ્તામાં અથવા તો ખાવાની સાથે પીરસી શકાય.

સફરજનની ચટણી

સામગ્રી : 

૨ કિલો ખાંડ, ખાટાં સફરજન ૧૦૦ ગ્રામ, સૂકી દ્રાક્ષ ૫-૬ દાણા, ૪ નંગ મધ્યમ કદના કાંદા, ૪-૫ લીલા મરચાં, ૧ મોટી ચમચી રાઈ, ૩ ચમચી લીંબુનો રસ, ૨ ચમચી આદું, ૨ કપ વિનેગાર, ૫ કપ બ્રાઉન ખાંડ.

રીત : 

સફરજન છોલી તેના ટુકડા કરો. ટુકડા બાફી તેના અંદરનો કઠણ ભાગ કાઢી મસળી તેનો માવો બનાવો,ડુંગળી ઝીણી સમારો મરચાના સરખા ટુકડા કરો.

એક મોટી તપેલીમાં સફરજનનો માવો, ડુંગળી, દ્રાક્ષ અને મરચાં નાખો. તેમાં લીંબુનો રસ, રાઈ અને આદુ મિક્સ કરો. (આદુ વાટી લેવું) ૨૧/૨ કપ વિનેગાર નાખી તેને ગેસ પર મૂકો. જ્યારે  તે ઉકળવા ત્યારે ગેસ  ધીમો કરી થોડીક વાર સીઝવા દેવું. મિશ્રણ બરોબર રંધાઈ જાય અને નરમ પડે ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી લેવું.

નાના પેનમાં બાકી રહેલ વિનેગારમાં ખાંડ ધોળી તેને ધીમીં આંચે ગેસ પર રાખો. ખાંડ વિનેગરમાં ઓગળી જાય એટલે તેને સફરજનના મિશ્રણ ઉપર રેડી મિશ્રણ ધીમા તાપે ગેસ પર મૂકો. તળિયે ચોંટી ન જાય માટે તેને સતત હલાવતા રહેવું.

મિશ્રણ ખદબદે અને ઘટ્ટ થવા માંડે કે તેને ગેસ પરથી નીચે ઉતારો ઠંડું થાય કે તેને સ્વચ્છ અને સૂકી બરણીમાં પેક કરી સીધો તડકો ન પડે એવા સ્થાને મૂકી શકાય.

લીંબુના છોડાની ચટણી

સામગ્રી :

 ૧ કિલો લીંબું, ૧૨ ચમચી મીઠું, ૪ કપ ખાંડ, ૧ ચમચી મોટી એલચી, બે-ત્રણ તજ-લવિંગ, ૧/૨ ચમચી જીરૂ. 

બધા જ લીંબુનો રસ કાઢી લો. છરીના આગલા ભાગથી લીંબુના છોતરા પરથી બધા જ રેષા કાઢી નાખો. હવે છોડાના લાંબા પાતળા ટુકડા કરો.લીંબુના રસમાં મીઠું મિક્સ કરો. છોડાના ટુકડાને આ મીઠા વાળા લીંબુના રસમાં ડૂબાડી બે-પાંચ મિનિટ તેમાં રાખી, બહાર કાઢીને સ્વચ્છ જૂના કપડા ઉપર તડકામાં ત્રણ-ચાર દિવસ રાખો. હવે બધી જ વસ્તુઓ અને ખાંડ પરસ્પર મિક્સ કરી બરણીમાં ભરો એક અઠવાડિયા સુધી તેને તડકામાં રાખો. તે દરમ્યાન બરણીને એક-બે વખત હલાવતા રહેવું. એ પછી લગભગ ૧-૨ મહિના સુધી અંદર રાખો. ચટણી તૈયાર.આ ચટણી તમે એક અથવા બે વરસ સુધી વાપરી શકો છો.

- હિમાની


Google NewsGoogle News