દાવત : ક્રિસ્પી કચોરીની ટેસ્ટી વેરાયટી
બટાકાની એવરગ્રીન કચોરી
સામગ્રી :
૨ કપ ઘઉંનો લોટ, ૧ ચમચો ચણાનો લોટ, ૧ ચમચો તેલ મોણ માટે, તેલ તળવા માટે, મીઠું સ્વાદાનુસાર.
ભરવાની સામગ્રી : ર૦૦ ગ્રામ બાફેલાં પટાકાં, ૧ ચમચી ધાણાજીરું, ૧ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી આમચૂર પાઉડર, ચપટી સાંતળેલો ચણાનો લોટ અને ખાવાનો સોડા.
રીત :
લોટમાં મીઠું, ચણાનો લોટ અને મોણનું તેલ નાખીને રોટલીના લોટ જેવો ઢીલો અને કૂણો બાંધો. લોટને લાંબા સમય સુધી ગૂંદો જેથી તેમાં કુમાશ આવી જાય. આ કુમાશ જેટલી વધારે આવશે તેટલી કચોરી સારી બનશે. લોટને ૧૦ મિનિટ ઢાંકીને રાખો.
બટાકાને છીણી લો. બધા મસાલા અને ચણાનો લોટ મિક્સ કરો. ચણાનો લોટ મિક્સ કરવાથી કચોરી ફાટી જવાનો ભય રહેતો નથી અને સોડા નાખવાથી કચોરી જરૂર ફૂલે છે. બાંધેલા લોટમાંથી નાના લૂઆ બનાવો. તેને થોડી વણો. તે પછી પૂરણ ભરીને બંધ કરો. થોડી વણીને ગરમ તેલમાં તળો. લીલી ચટણી સાથે પીરસો.
લિટલ કોકટેલ કચોરી
સામગ્રી :
૧ ૧/૨ કપ ઘઉંનો લોટ, ૨ ચમચા તેલ મોણ માટે, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે.
ભરવાની સામગ્રી : ૧ કપ ફોતરાં વિનાની મગદાળ, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી જીરું, ૧/૨ ચમચી રાઈ, ૧/૨ ચમચી થોડા મોટા અધકચરા વાટેલા ધાણા, ૧/૨ ચમચી થોડી મોટી અધકચરી વાટેલી વરિયાળી, ચપટી હિંગ, ૧ ચમચો તેલ.
લોટમાં મોણ નાખી ઢીલો બાંધી લો અને ૨૦ મિનિટ ઢાંકી રાખો. મગની દાળને ધોઈને પાંચ મિનિટ પાણીમાં બાફો. પેનમાં તેલ ગરમ કરો. જીરું, રાઈને તતડાવો. હિંગનો વઘાર કરો. બીજા બધા મસાલા નાખીને સાંતળો. તે પછી બાફેલી દાળ નાખી સાંતળો. પૂરણ અને લોટના એકસમાન લૂઆ બનાવો. દરેક લૂઆમાં થોડું પૂરણ ભરો. ગોળ કરો અને ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો. પાર્ટીમાં ચાની સાથે ફરસી કચોરી સર્વ કરો. તેને બંધ ડબામાં ૮-૧૦ દિવસો સુધી રાખી શકાય છે.
પાલકની ડબલડેેકર કચોરી
સામગ્રી :
૨ કપ ઘઉંનો લોટ, ૧ ચમચો ચણાનો લોટ, ૧ ચમચો મેંદો, ૧ ચમચો રવો, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે, ૨ કપ પાલક, ચપટી હિંગ, ૧ સમારેલું મરચું, ૧/૨ ચમચી જીરું, ૨ ચમચા તેલ મોણ માટે, ૧ ચમચી તેલ.
ભરવાની સામગ્રી : ૧૫૦ ગ્રામ પનીર, ૧-૧ ચમચી ડુંગળી અને લીલાં મરચાંની પેસ્ટ, ૧ ચમચી વરિયાળી દળેલી, મીઠું સ્વાદાનુસાર, ૧ ચમચી તેલ.
રીત :
પાલક ધોઈને સમારો. પેનમાં તેલ ગરમ કરો. હિંગ, લીલું મરચું અને જીરાનો વઘાર કરો. પાલક નાખીને ઢાંકીને રાંધો. મિશ્રણ ઠંડું કરીને તેની પેસ્ટ બનાવો. લોટ, મેંદો, રવો, ચણાનો લોટ, મીઠું, મોણનું તેલ મિક્સ કરો. તેનો પાલક પેસ્ટ સાથે કઠણ લોટ બાંધો અને ઢાંકીને ૧૫ મિનિટ રાખો.
પેનમાં તેલ ગરમ કરો. ડુંગળી અને લીલા મરચાંની પેસ્ટ સાંતળો. વરિયાળી અને મૈશ કરેલું પનીર નાખીને સૂકું પડે ત્યાં સુધી ચઢવા દો. પાલકના લોટમાંથી લૂઆ બનાવો. દરેક લૂઆમાં પનીરનું પૂરણ ભરી બંધ કરી દો. થોડું વણીને ગરમ તેલમાં સોનેરી રંગે તળી લો. આંબલીની ચટણી સાથે સર્વ કરો.
હોટ અડદ દાળ કચોરી
સામગ્રી :
૨૦૦ ગ્રામ મેંદો, ૧૦૦ ગ્રામ રવો, ૩ ચમચા મોણ માટે, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે.
ભરવાની સામગ્રી : ૨૦૦ ગ્રામ અડદની દાળ, ચપટી હિંગ, ૧ આદુંનો ટુકડો, ૧ ચમચી વરિયાળી દળેલી, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી આમચૂર પાઉડર, ૨ લીલાં મરચાં, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૨ ચમચો તેલ, ચપટી ખાવાનો સોડા, મીઠું સ્વાદાનુસાર.
દાળને ધોઈને બે-ત્રણ કલાક પલાળી રાખો. તેમાંથી પાણી જુદું કરો. દાળને આદુ અને મરચાંની સાથે પથ્થર પર વાટો અથવા મિક્સરમાં ગ્રાઈન્ડ કરો. તેમાં બધા મસાલા મિક્સ કરો. પેનમાં તેલ ગરમ કરો. હિંગનો વઘાર કરો. દાળ નાખીને ધીમા તાપ પર ૮-૧૦ મિનિટ સાંતળો. મેંદો, રવો, મીઠું અને મોણનું તેલ મિક્સ કરી મઠિયાના લોટ જેવો લોટ બાંધો. આ લોટમાંથી પ્રમાણસર લૂઆ બનાવો. સાંતળેલી દાળના મિશ્રણમાં ચપટી ખાવાનો સોડા મિક્સ કરો. દરેક લૂઆમાં એક-એક ચમચી દાળનો મસાલો ભરો, ગોળ કરો અને હથેળીથી દબાવીને ચપટા કરો. તેલ ગરમ કરો. તાપ ધીમો કરીને કચોરી નાખીને તળો. આ કચોરી ૧૫-૨૦ દિવસો સુધી રાખી શકાય છે. ચાની સાથે તેની મજા માણો.
બીટ અને નાળિયેરની કચોરી
સામગ્રી :
૨ મોટાં બીટ, ૧ ચમચો લીલું નાળિયેર છીણેલું, ૧ લીલું મરચું, ૧ ડુંગળી, ચપટી હિંગ, ૧ ચમચી વરિયાળી દળેલી, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી આમચૂર પાઉડર, મીઠું સ્વાદાનુસાર, ૧ ચમચો તેલ.
ભરવાની સામગ્રી : ૨ કપ ઘઉંનો લોટ, ૨ ચમચા ચણાનો લોટ, ૧ ૧/૨ ચમચા તેલ મોણ માટે, મીઠું સ્વાદાનુસાર, તળવા માટે તેલ.
લોટ, ચણાનો લોટ, મીઠું અને મોણ નાખીને બાંધો. લોટને ૧૦ મિનિટ ઢાંકીને રાખો. ડુંગળી અને લીલું મરચું સમારો. પેનમાં તેલ ગરમ કરો. હિંગનો વઘાર કરી સમારેલી ડુંગળી અને મરચાંને સાંતળો. હવે વરિયાળી, લાલ મરચું નાખો. સાથે બીટ નાખીને પાણી સુકાય ત્યાં સુધી પકાવો. નાળિયેર નાખીને એક મિનિટ શેકો. લોટના મિશ્રણમાંથી લીંબુ આકારના લૂઆ બનાવો. તેમાં એક ચમચો તૈયાર પૂરણ ભરો. ગોળા વાળો, થોડું વણી લો. ગરમ તેલમાં સોનેરી રંગે તળો. ખટમીઠી ચટણી સાથે પીરસો.
- હિમાની