Get The App

દાવત : સફરમાં હમસફર બને તેવા નાસ્તા

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
દાવત : સફરમાં હમસફર બને તેવા નાસ્તા 1 - image


ચટાકેદાર ભેળપૂરી 

સામગ્રી : 

૧૦૦ ગ્રામ મમરા, ૧૦૦ ગ્રામ પૌંઆ, ૫૦ ગ્રામ સીંગદાણા, ૫૦ ગ્રામ દાળિયા, ૧૦૦ ગ્રામ ઝીણી સેવ.

પાપડી માટેની સામગ્રી : ૧ કપ રવો, ૧ ચમચો મેંદો, ૧/૨ ચમચી મીઠું, ૧ ચમચો મોણ માટે રિફાઈન્ડ તેલ, ચપટી બેકિંગ પાઉડર, પાપડી તળવા માટે તેલ.

મસાલાની સામગ્રી : ૧ ચમચો રિફાઈન્ડ તેલ,૧ ચમચો ચાટ મસાલો, ૧ ચમચી રાઈ, ૮-૧૦ મીઠા લીમડાનાં પાન, ૩ સૂકાં લાલ મરચાં, ચપટી હિંગ, ૧/૨ ચમચી હળદર, મીઠું સ્વાદ મુજબ.

રીત : 

પાપડીનો લોટ બાંધીને ૧૫ મિનિટ રાખી મૂકો. પછી તેની નાની નાની પાપડી વણી તળી લો. હવે આ જ તેલમાં સીંગદાણા પણ તળી લો. તેલમાં ચપટી હળદર નાંખીને પૌંઆ પણ તળી લો. હવે એક મોટી કડાઈમાં એક ચમચો રિફાઈન્ડ તેલ ગરમ કરો. તેમાં રોઈ અને હિંગ તતડાવી લીમડાનાં પાન અને સૂકાં લાલ મરચાં નાખો. 

પછી તેમાં હળદર અને મમરા નાખીને એક મિનિટ સુધી હલાવો જેથી હળદર મમરામાં મિક્સ થઈ જાય. તેમાં પૌંઆ, સીંગદાણા, ઝીણી સેવ અને દળિયા મિક્સ કરી મીઠું અને ચાટ મસાલો નાખો. બધી વસ્તુઓ ઠંડી પડે એટલે તેમાં પાપડી મિક્સ કરીને એરટાઈટ ડબ્બામાં ભરી દો અને પ્રવાસમાં સાથે લઈ જાવ. 

આ તમે એમ ને એમ પણ ખાઈ શકો છો અથવા જો ઇચ્છા હોય તો સમારેલી ડુંગળી અને ચટણી મિક્સ કરીને ભેળપૂરી બનાવીને પણ ખાઈ શકો છો. ચટણી ઘણી દિવસ સુધી સારી રહે છે. તે સૂકી તથા ભીની બન્ને રીતે બનાવી શકાય છે.

સૂકી ચટણી : ૧ વાટકી દળેલી ખાંડમાં ૧/૨ વાટકી આમચૂર પાઉડર મિક્સ કરો. પછી તેમાં ૧ ચમચી મરી પાઉડર ૧ ચમચી મરચું મિક્સ કરીને એક ડબ્બામાં ભરી દો. જ્યારે ઇચ્છા થાય ત્યારે આ સૂકી ચટણીને પાણીમાં ધોળીને સૂકી ભેળમાં નાખી ભેળપૂરીનો આનંદ ઉઠાવો.

ભીના ચટણી માટેની સામગ્રી : ૧૦૦ ગ્રામ ઠળિયા વગરની ખજૂર, ૫૦ ગ્રામ આમલી, ૧૦૦ ગ્રામ ગોળ, ૧ ચમચી સંચળ, ૧ ચમચી સફેદ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો પાઉડર, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી મરચું.

રીત : ખજૂર તથા આમલીને સાફ કરી બે ગ્લાસ પાણીમાં પાંચ મિનિટ બાફો. મિશ્રણ ઠંડુ પડે એટલે હેન્ડ મિકસરથી ક્રશ કરી ચાળણીમાં ગાળી લો. હવે ગોળમાં થોડું પાણી નાખી ઉકાળો. 

ગાળીને ખજૂર-આમલીના મિશ્રણમાં મિક્સ કરી દો. તેને ફરી ગેસ પર મૂકી બધા મસાલા નાખો અને ઘટ્ટ થાય ત્યાં સુધી  ઉકાળો. જો ગળપણ ઓછું લાગતું હોય તો થોડી ખાંડ નાખો. આ ચટણી એક બોટલમાં ભરીને પ્રવાસમાં સાથે લઈ જાવ અને જ્યારે પણ ભેળપૂરી ખાવાની ઇચ્છા થાય ત્યારે ચટણી નાખીને ખાવ.

દૂધ-દહીંવાળા ભાત 

સામગ્રી : 

૨૦૦ ગ્રામ બાસમતી ચોખા, ૫૦ ગ્રામ તાજું દહી, ૧૦૦ ગ્રામ દૂધ, એક ચમચો ચણાની દાળ, એક ચમચો અડદની દાળ, ચાર લીલાં મરચાં લાંબા સમારેલાં, બે સૂકાં લાલ મરચાં, એક ચમચી રાઈ, ૮-૧૦ મીઠા લીમડાનાં પાન, ચપટી હિંગ, મીઠું સ્વાદ મુજબ, બે ચમચા રિફાઈન્ડ તેલ.

ચોખા સાફ કરીને ૧૫ મિનિટ પાણીમાં પલાળી દો. ચોખામાં પાણી નાખી બાફો. ભાત ચડી જાય એટલે ઓસાવી નાખો. હવે દહીં અને દૂધ મિક્સ કરી ખૂબ ફીણો. બંને દાળનું પાણી નિતારી લોત. એક નાની કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, આખા લાલ મરચાં તથા મીઠો લીમડો વધારમાં મૂકી બંને દાળ સાંતળો. તેમાં લીલાં મરચાં પણ મિક્સ કરો. ગેસ બંધ રી આ મિશ્રણ ઠંડું પડવા દો. પછી તેમાં દૂધ-દહીંનું મિશ્રણ અને મીઠું મિક્સ કરો. આ મિશ્રણને ભાતમાં મિક્સ કરો. પાંચ-છ કલાક પછી આ ભાત ખાઈ શકશો. પ્રવાસમાં જવાના એક કલાક પહેલાં આ ભાત બનાવીને મૂકી દો. 

લીલાં મરચાંનું અથાણું

સામગ્રી : 

૨૫૦ ગ્રા. નાનાં લીલાં મરચાં, એક ચમચી હળદર, એક ચમચી વરિયાળીનો પાઉડર, એક ચમચી ધાણા પાઉડર, અડધી ચમચી જીરા પાઉડર, અડધી ચમચી ક્લોંજી પાઉડર, પા ચમચી સૂકી મેથી, મીઠું સ્વાદ મુજબ, એક ચમચી આમચૂર પાઉડર, એક ચમચી આમચૂર પાઉડર, એક ચમચી સફેદ સરકો, એક ચમચો સરસિયું.

રીત : 

મરચાં ધોઈને લૂછી નાખો. તેના વચ્ચેથી લંબાઈમાં બે ભાગ કરો. એક નોનસ્ટિક પેનમાં સરસિયું ગરમ કરી તેમાં હિંગ તથા હળદર નાખી મરચાં નાખો અને એક મિનિટ સુધી હલાવો. બધા મસાલા નાખી પંદર મિનિટ પછી સરકો નાખીને ગેસ પરથી ઉતારી લો. આ મરચાં જલદી ખરાબ નથી થતાં. પૂરી, કચોરી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

સામગ્રી : 

૨૫૦ ગ્રામ બટાટા, ત્રણ સૂકાં લાલ મરચાં, એક ઝૂડી ફૂદીનો, એક ચમચી જીરું, અડધી ચમચી લાલ મરચું, ચપટી હિંગ, એક ચમચી આમચૂર પાઉડર, એક ચમચી ચાટ મસાલો, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે સરસિયું.

રીત : 

બટાટાને ધોઈને છાલ સહિત એક ઈંચના લાંબા ટુકડા સમારો. એક કડાઈમાં તેલ ગરમ કરી સમારેલાં બટાટા તળી લો. કડાઈમાં ફક્ત એક ચમચી તેલ રહેવા દઈ બાકીનું તેલ કાઢી લો. ફુદીનાનાં પાન ધોઈને ઝીણાં સમારી લો. ગરમ તેલમાં જીરું, લાલ મરચું અને હિંગ તતડાવી તેમાં ફુદીનો નાખો. એક સેકન્ડ પછી કડાઈમાં તળેલા બટાટા પણ નાખી દો. પછી તેમાં બધા મસાલા કરી બે મિનિટ હલાવો અને ગેસ પરથી ઉતારી લો. આ શાક મુસાફરીમાં ખૂબ સારું રહે છે. વળી, છાલવાળા બટાકા જલદી ખરાબ નથી થતાં અને ફુદીનો પેટ માટે ફાયદાકારક પણ છે.

વેજિટેબલ પીંક કોન

સામગ્રી: ૧૦૦ ગ્રામ બટેટા, ૧૦૦ ગ્રામ ફણસી, ૫૦ ગ્રામ ગાજર, ૫૦ ગ્રામ લીલા વટાણા (દાણા), ૫૦ ગ્રામ લીલી તુવેરના દાણા, ૧ કાચું કેળું, ૫૦ ગ્રામ કોબીજ, ૫૦ ગ્રામ ફલાવર, ૫૦ ગ્રામ સૂરણ, ૨૦૦ ગ્રામ ઝીણી સમારેલી ડુંગળી, ૧૦૦ ગ્રામ ઝીણા સમારેલા ટમેટાં, ૧ છીણેલું બીટ, ૫૦ ગ્રામ સમારેલું લીલું લસણ, ૧ કપ લીલા કોપરાનું ખમણ, ૧ ગ્રામ કિસિમસ, ૨ ટીસ્પૂન વાટેલા આદુ-મરચાં, ૨ ટીસ્પૂન સફેદ તેલ, ૨ ટીસ્પૂન વરિયાળીનો ભૂકો, ૨ ટીસ્પૂન શાકનો ગરમ મસાલો, મીઠું, લીંબુ, ખાંડ, તજ, લવિંગ, લીમડાના પાન જરૂર પૂરતાં, ૨૫ ગ્રામ સાંતળેલા કાજુના ટુકડા, ૧ ઝૂડી ઝીણી સમારેલી કોથમીર.

કણક:  ૫૦૦ ગ્રામ મેંદો, મોણ માટે તેલ, ૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર, ૧કપ મલાઇ, જરૂર મુજબ મીઠું, ગુલાબી ખાદ્યરંગ, તળવા માટે તેલ.

રીત: પ્રથમ બધા જ શાકને ઝીણા સમારવા. એક તપેલીમાં પાણી લઇ તેમાં બાફવા.  (બટેટા, ફ્લાવર) શાક બફાયા બાદ ચારણીમાં નિતારી લેવા. કડાઇમાં બે ચમચા તેલ  મૂકી તેમાં તજ, લવિંગ, લીમડાંના પાન, બીટ, ડુંગળી, લસણ, ટમેટાં ધીમા તાપે સાંતળવા. ડુંગળી, લસણ બદામી થાય ત્યારબાદ તેમાં બધા જ શાક તેમજ કિસમિસ, કોપરું, આદું મરચાં, તલ, વરિયાળી, ગરમ મસાલો, કોથમીર, કાજુના ટુકડા, મીઠું, લીંબુ, ખાંડ નાખી મિક્સ કરવું પૂરણને પહોળા વાસણમાં ઠારવું. ત્યારબાદ મેદામાં મીઠું, કોર્નફ્લોર, મોણ તેમજ મલાઇમાં ગુલાબી રંગ મિક્સ  કરી, મલાઇથી કણક બાંધવી. વધુ જરૂર જણાયતો દૂધનો ઉપયોગ કરવો મોટા કદની રોટલી વણી તેને ચપ્પુથી ચોરસ કાપવી. સામસામેના ખૂણાવાળી પાણી લગાડી પેક કરવા. હથેળીમાં કોન લઇ તેમાં પૂરણ ભરવું કોનને પેક કરવો. કડાઇમાં તળવા માટે તેલ મૂકવું ધીમા તાપે બધા કોન એકવાર તળી લેવા. પીરસતી વખતે બીજીવાર તળવા ચીઝ ગરમાગરમ કોનને ડીશમાં મૂકી તેના પર સોસ, ચીઝ પાથરવા.

- હિમાની


Google NewsGoogle News