દાવત : તહેવારોમાં તૃપ્તિપ્રદ ટેસ્ટી વાનગીઓ
બીટ સમોસા
સામગ્રી :
૧/૨ કપ મેંદો, ૧ નાની ચમચી ઘી, ૨ નાની ચમચી બીટનો ગર, ૨ નાની ચમચી ટોમેટો કેચઅપ, ૧ મીડિયમ શક્કરિયું બાફેલું અને છીણેલું, ૧/૨ ડુંગળી છીણેલી, ૩ નાની ચમચી તેલ, ૧ ચપટી જીરું, ૧/૪ નાની ચમચી ચાટ મસાલો, મીઠું સ્વાદ મુજબ.
રીત : લોટ, ઘી અને બીટના ગરને મિક્સ કરીને લૂઆ બનાવો. પેનમાં નાની ચમચી તેલ ગરમ કરીને જીરું નાખીને તતડાવો. પછી તેમાં ડુંગળી, શક્કરિયા, ચાટ મસાલો, મીઠું અને ટોમેટો કેચઅપ નાખો. સમોસાના લૂઆને ૩-૪ બોલ્સમાં વહેંચો. ગોળ પૂરી બનાવીને વચ્ચેથી કાપી લો.
આ મિશ્રણની એક નાની ચમચી વચ્ચે મૂકીને સમોસાના ત્રિકોણ બનાવો. તેની બહારની સપાટી પર તેલ લગાવીને તેને ઓટીજીમાં ૧૮૦ ડિગ્રીમાં ૧૫ મિનિટ ગોલ્ડન બ્રાઉન થવા સુધી પકાવો.
ફિફ્ટી ફિફ્ટી
સામગ્રી :
૨૫૦ ગ્રામ મેંદાનો લોટ, બે ટેબલસ્પૂન દળેલી ખાંડ, પ્રમાણસર મીઠું, બે ટેલબસ્પૂન ડાલ્ડા, બે ટેબલસ્પૂન ચોખાનો લોટ, તળવા માટે ઘી.
ખાંડ તથા મીઠાને હૂંફાળા પાણીમાં મિક્સ કરવા. મેંદામાં તે પાણી નાખી લોટ બાંધવો. ઘીને ગરમ કરી તેમાં ચોખાનો લોટ નાખી પેસ્ટ તૈયાર કરવી. હવે મેંદાનો લોટ લઈ તેની પાતળી પાતળી રોટલી વણી લેવી. હવે એક રોટલી લઈ તેના ઉપર તૈયાર પેસ્ટ લગાવવી. ફરી ત્રીજી રોટલી મૂકી પેસ્ટ લગાવી રોલ વાળવો. આવી રીતે બધા રોલ તૈયાર કરી લેવા. હવે ગોળ પતીકાને પટ્ટીની જેમ ઊભા દબાવી પટ્ટી જેવું તૈયાર કરી જરાક વેલણથી વણી પટ્ટીને થોડીં લાંબી કરવી એટલે લંબચોરસ પીસ તૈયાર થશે. પછી તેને ધીમા તાપે ઘીમાં તળી લેવા. ચાહો તો બધા પીસ ઉપર તલ અથવા ખસખસ લગાવીને પણ તળી શકાય. પણ બધા છૂટા પડશે એટલે ખાવામાં ખારી બિસ્કિટ જેવા લાગશે, પણ ખારા મીઠા.
બ્રોકલી બાઈટ્સ
સામગ્રી :
૧ કપ બ્રોકલી બાફેલી અને છીણેલી, ૧ કપ શક્કરિયા બાફેલા અને છીણેલા, ૧/૨ નાની ચમચી આદું અને લસણની પેસ્ટ, ચીઝ, ૧/૨ લીંબુનો રસ, ૧ નાની ચમચી ચિલી ફ્લેક્સ, મીઠું સ્વાદ મુજબ.
સામગ્રી કોટિંગની : ૧ કપ મખાણા રોસ્ટેડ અને ક્રશ કરેલા, ૨ મોટી ચમચી મકાઈના લોટનું ખીરું.
ચીઝ સિવાય એક વાટકામાં તમામ સામગ્રીને વ્યવસ્થિત રીતે મિક્સ કરો. હવે તેની નાની પેટીઝ બનાવો. તેમાં આંગળીથી એક કાણું કરો અને તેમાં ચીઝનો ટુકડો નાખીને તેને મિશ્રણથી કવર કરો. હવે ક્રશ કરેલા મખાણાને પ્લેટમાં ફેલાવો. કટલેટને ખીરામાં ડુબાડો અને પછી તેની પર ક્રશ્ડ મખાણાનું પડ લગાવો. હવે તેને તેલમાં ફ્રાય કરો અથવા ઓવનમાં ૨૦૦ ડિગ્રીમાં ૧૦ મિનિટ સુધી પકાવો. પછી ખજૂરની ચટણી સાથે ગરમાગરમ પીરસો.
ફ્રેશ કોકોનટ બરફી વિથ ડ્રાય ફ્રૂટ્સ
સામગ્રી :
૧/૪ કપ ફ્રેશ છીણેલું નાળિયેર, ૧/૨ કપ બદામ, પિસ્તા, કાજુ, ૧/૪ કપ સફેદ ચોકલેટ છીણેલી - ૧ ચપટી ઈલાયચી પાઉડર, ૧ નાની ચમચી બટર.
રીત :
એક વાટકામાં સફેદ ચોકલેટ અને બટરને ઓગાળી લો. ત્યાર પછી તેમાં ડ્રાય ફ્ટ્સ કોકોનટ ફ્લેક્સ અને ઈલાયચી પાઉડર પણ મિક્સ કરો. તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરો. એલ્યુમિનિયમના વર્ગાકાર ટિનમાં તેલ લગાવીને મિશ્રણને તેમાં રેડો અને લેપની મદદથી ફેલાવો, જેથી બરફી જામી જાય, તેને સેટ થવા દો. જો જલદી જમાવવા માગો છો તો તેને ફ્રિજમાં મૂકી શકો છો. હવે લંબચોરસ કે વર્ગાકાર બરફી કાપો અને ફ્રેંચી બરફીનો સ્વાદ માણો. બાકીની બરફીને તમે એરટાઈટ બોક્સમાં બંધ કરીને ફ્રિજમાં મૂકી શકો છો.
સ્વીટ પરવળ
સામગ્રી : ૬ કઠણ પરવળ, ૧૫૦ ગ્રામ માવો, ૧ ચમચો પિસ્તાં અને બદામની કતરણ, ૧૫૦ ગ્રામ ખાંડ, ૧૫ તાંતણા કેસર, ૧/૨ ચમચી એલચી પાઉડર, ચપટી લીલો ખાવાનો રંગ, ચાંદીનાં વરખ, ૧૦૦ ગ્રામ બૂરું ખાંડ.
રીત : આજકાલ પરવળ મોટી સાઈઝમાં પણ મળે છે. પરવળની પાતળી છાલ ઉતારી લો. લંબાઈમાં તેના બે પીસ કરો અને સાચવીને વચ્ચેનો બી વાળો ભાગ કાઢી લો. જો આખાં રાખવા માગતાં હો તો પરવળની વચ્ચે એક ચીરો મૂકો અને સાવચેતીથી બી કાઢી લો. પ્રેશરપેનમાં એટલું પાણી નાખો કે પરવળ ડૂબી જાય. ઊકળતાં પાણીમાં પરવળ નાખી એક સીટી વાગવા દો.
એક કઢાઈમાં ખાંડમાં થોડું પાણી નાખી એક તારની ચાસણી તૈયાર કરો. પરવળ પ્રેશરપેનમાંથી કાઢી મુલાયમ કપડા પર નાખો, જેથી પાણી શોષાઈ જાય. ચાસણીમાં ખાવાનો લીલો રંગ મિક્સ કરો. પરવળને ચાસણીમાં છ- સાત કલાક રહેવા દો. માવાને મસળી લો. એમાં બૂરું ખાંડ અને બધો સૂકા માવો મિક્સ કરો. કેસરના તાંતણાને ગુલાબજળમાં મિક્સ કરો. પરવળને ચાસણીમાંથી કાઢી એક ચારણી પર રાખો, જેથી બધી ચાસણી નીકળી જાય. બધાં પરવળમાં માવાનું મિશ્રણ ભરો અને સવગ ડિશમાં ચેરી વગેરેથી સજાવી સર્વ કરો.
ચીઝ પાસ્તા
સામગ્રી :
૪ જુકીની નૂડલ્સના શેપમાં, ૭-૮ બદામના ટુકડા, ૩ લસણની કળી, ૧ નાની ચમચી બટર, તુલસીની ડાળી, ૧ નાની ચમચી લીંબુનો રસ ૧/૨ લીંબુની છાલ, ૨ મોટી ચમચી પરમેસન ચીઝ છીણેલું, મીઠું સ્વાદ મુજબ.
રીત :
એક પેનમાં તેલ અને બટરને ગરમ કરો, લસણને ફ્રાય કરો અને તેમાંથી સુગંધ આવે ત્યારે તેમાં બદામ ઉમેરો. હવે તેમાં જુકીની નૂડલ્સ, મીઠું, કાળા મરી પાઉડર, લીંબુનો રસ અને તેની છાલ પણ નાખો. તમામ સામગ્રી મિક્સ થાય તે માટે તેને લગભગ ૧ મિનિટ સુધી ઉછાળતા રહો. તુલસીની ડાળી નાખો અને તેને તરત જ ગેસ પરથી ઉતારો. તેને છીણેલા પરમેસન ચીઝ સાથે ગરમાગરમ પીરસો.
ત્રિરંગી સત્તપડી
સામગ્રી :
૫૦૦ ગ્રામ મેંદાનો લોટ, મીઠું, લાલ કલર, ગ્રીન કલર, યલો કલર, પા વાટકી ઘી, પા વાટકી ચોખાનો લોટ તળવા માટે ઘી.
મેંદાના લોટના ત્રણ ભાગ કરવા. એકમાં લાલ, એકમા લીલો તથા એકમાં યલો કલર નાખી, મીઠું નાખી લોટ હૂંફાળા પાણીથી અલગ અલગ બાંધવો. હવે લોટમાંથી મોટી મોટી પાતળી રોટલી વણી લેવી. ઘીને ગરમ કરી તેમાં ચોખાનો લોટ નાખી પેસ્ટ જેવું બનાવવું. લાલ રોટલી લઈ તેના ઉપર પેસ્ટ લગાવી ઉપર પીળી રોટલી મૂકી તેના ઉપર પેસ્ટ લગાવી તેના ઉપર લીલી રોટલી મૂકવી તેના ઉપર પેસ્ટ લગાવીને પછી તેનો ગોળ રોલ વાળવો. આવી રીતે બધી રોટલીના રોલ વાળી તેના પાતરાની જેમ કાપા કરી જરાક દબાવીને એક એક વેલણ મારી પૂરી વણવી. ઘી કરમ કરી તેમાં તળી લેવી. ત્રિરંગી સત્તપડી દેખાવમાં જેટલી સરસ લાગશે તેટલી સરસ ખાવામાં પણ લાગશે.
- હિમાની