દાવત : માઈક્રોવેવ ઓવનમાં બનાવી શકાય તેવી ચટપટી વાનગીઓ
પાંઉભાજી
સામગ્રી :
દોઢ કપ બટાકાના ચોરસ ટુકડા, દોઢ કપ ફલાવરનાં નાના ફૂલ કાપેલાં, દોઢ કપ રીંગણ-એક ઈંચના ટુકડા, એક કપ ગાજર-છોલીને ચોરસ કટકા કરેલાં, પા કપ કેપ્સીકમ-સમારેલું, પા કપ લીલા વટાણા, બે ચમચા માખણ, એક કપ ટમેટા છોલીને સુધારેલા એક ચમચી વાટેલા કાળાં મરી, એક ચમચી લાલ મરચું, બે ચમચી શેકીને વાટેલું જીરું, એક ચમચો છૂંદેલું લસણ, એક લીલું મરચું સમારેલું, પા કપ સમારેલી કોથમીર, એક ચમચો લીંબુનો રસ, અડધો કપ સમારેલી ડુંગળી, મીઠું સ્વાદ મુજબ.
રીત :
એક કેસરોલમાં બટાકા, ફલાવર, રીંગણ અને ગાજર ભેગાં કરી એમાં પા કપ પાણી નાખી વાસણ ઢાંકી માઈક્રો હાઈપર ૧૦ મિનિટ રાંધો. ત્યાર બાદ એને પાંચ મિનિટ માટે ઠંડુ પડવા દઈ છૂંદો કરવાના સાધન વડે છૂંદો કરી લો. હવે ટમેટાને માખણ સાથે જ માઇક્રો હાઈપર ૪ મિનિટ રાંધી લો. ત્યાર બાદ એમાં છૂંદો કરેલાં શાકભાજી, મરી, લાલ મરચું, જીરું, લસણ, લીલા મરચાં, કેપ્સીકમ અને વટાણા નાખી બધું સરખી રીતે મિક્સ કરી લો. ફરીથી માઇક્રો હાઈપર પાંચ મિનિટ રાંધો. હવે એમાં ડુંગળી, લીંબુનો રસ નાખી સરખી રીતે મિક્સ કરી દો. કોથમીર ઉપર સજાવી પાંઉ સાથે ગરમા-ગરમ પીરસો.
ઉપમા
સામગ્રી :
૧ કપ સોજી (રવો), બે કપ પાણી, ૨ લીલા મરચાં, ૧ ડુંગળી, ૨ ચમચા ઘી, પા ચમચી જીરું, પા ચમચી રાઈ, અડધી ચમચી સમારેલું આદુ, આઠ કાજુ. મીઠો લીમડો, મીઠું સ્વાદ મુજબ.
રીત :
રવામાં એક ચમચો ઘી નાખી મસળી લો અને માઇક્રો હાઈપર બે મિનિટ માટે શેકી લો (ગોળ કેસરોલ લઈ એમાં બાકીનું ઘી, રાઈ, જીરું, કાજુ, મીઠો લીમડો નાખી માઇક્રો હાઈપર બે મિનિટ રહેવા દો. હવે એમાં સમારેલી ડુંગળી. આદુ, સમારેલાં મરચાં નાખી માઇક્રો હાઈપર ત્રણ મિનિટ રાંધો ત્યાર બાદ એમાં શેકેલો રવો, મીઠું અને પાણી નાખી સરખી રીતે હલાવી લો એને ઢાંકીને માઇક્રો હાઈપર ૧૦ મિનિટ રાંધી લો.
ચોકલેટ સ્પોંજ કેક
સામગ્રી : ૧૭૫ ગ્રામ ખાંડ, ૯૦ ગ્રામ મેંદો, ૪૦ ગ્રામ કોકો પાઉડર, ૩૦ ગ્રામ કૂકિંગ બટર (ઓગળેલું), ૨૦ ગ્રામ કોર્ન ફલોર.
રીત : મેંદો, કોકો પાઉડર, કોર્ન ફલોર ભેગાં કરી ચાળી લો. એક વાસણમાં ખાંડ લઈ જ્યાં સુધી હલકું અને સુંવાળું મિશ્રણ ન થાય ત્યાં સુધી ખૂબ ફીણો. આ મિશ્રણમાં ચાળેલો લોટ ખૂબ ચોકસાઈથી નાખતા જાવ. માખણ પણ મિક્સ કરો. છીછરા તળિયાવાળા એક વાસણમાં ચારે બાજુ થોડું તેલ લગાવી એની પર મેંદો છાંટી દો. હવે તૈયાર થયેલું ખીરું આ વાસણમાં રેડી માઇક્રો હાઈપર ૮ મિનિટ રહેવા દો. (જે વ્યક્તિ ઈંડાં ખાતી હોય તે ખાંડ સાથે ઈંડાંને ફીણીને મિશ્રણ તૈયાર કરે તો કેક વધુ પોચી થાય છે.
કોકોનેટ રાઈસ
સામગ્રી :
૧ વાડકી બાસમતી ચોખા, ત્રણ ચમચા તેલ, એક ચમચો રાઈ, અડધો કપ ફોલેલી શિંગ, દસ પત્તાં મીઠો લીમડો, બે લીલા મરચાં કાપેલાં, એક ચમચો ઝીણું સમારેલું લસણ, બે કપ પાણી, પા ચમચી હળદર, અડધો કપ છીણેલું નારિયેળ, ૩ ચમચાં લીંબુનો રસ બે ચમચાં સમારેલી કોથમીર મીઠું સ્વાદ મુજબ.
ચોખાને ધોઈને એક કલાક પલાળી રાખો. કેસરોલમાં તેલ મૂકી એમાં રાઈ, શિંગ, લીલા મરચાં, લસણ અને મીઠો લીમડો નાખી એની પર એક પેપર ટોવેલ પાથરી માઈક્રો હાઈપર ૪ મિનિટ રાંધો. પલાળીને સરખી રીતે નીતારી લીધેલા ચોખા, હળદર અને પાણી એમાં નાખી ૧૦ મિનિટ રાંધી લો. બધું જ સરખી રીતે મિક્સ કરી ઢાંકેલું રાખી માઈક્રો ૬૦ પર પાંચ મિનિટ રાંધો. પછી એમાં છીણેલું નારિયેળ, લીંબુનો રસ, મીઠું અને કોથમીર નાખી કાંટા (ફોર્ક) વડે મિક્સ કરી લો. ઢાકેલું જ રાખી માઇક્રો ૫૦ પર બે મિનિટ રાંધો.
ટોમેટો સોર્બા
સામગ્રી :
અડધો કિલો ટામેટાં, એક ચમચી ગરમ મસાલો, બે તમાલપત્ર, અડધો ચમચો સમારેલું આદુ, અડધો ચમચો સમારેલું લસણ, પા કપ સમારેલું ગાજર, એક જૂડી કોથમીર, એક ચમચો તેલ, અડધી ચમચી જીરૂ, અડધી ચમચી ખાંડ (વૈકલ્પિક), અડધી ચમચી તેલ, મીઠું સ્વાદ મુજબ.
રીત :
એક મોટા વાસણમાં તેલ મૂકી એમાં ગરમ મસાલો, તમાલપત્ર, આદુ અને લસણ નાખી માઈક્રો હાઈપર એક મિનિટ રાંધો. હવે એમાં ગાજર, ટામેટાં અને સમારેલી કોથમીર (ડાળખી સહિત) નાખી માઇક્રો હાઈપર ૪ મિનિટ રાંધો. એમાં દોઢ કપ પાણી નાખી માઇક્રો હાઈપર ૧૦ મિનિટ રાંધો. આ મિશ્રણ ગળણીથી ગાળી લો. બીજા એક વાસણમાં અડધી ચમચી તેલ મૂકી એમાં જીરૂ નાખી માઇક્રો હાઈપર ૨૦ સેકન્ડ સાંતળી લો. હવે અગાઉ ગાળેલું મિશ્રણ અને મીઠું એમાં નાખો. સૂપ ખાટો લાગતો હોય તો તેમાં ખાંડ નાખી એને માઇક્રો હાઈપર બે મિનિટ રહેવા દો. સમારેલી કોથમીર એની પર પાથરી ગરમ-ગરમ જ પીરસો.
સ્ટફડ કેપ્સીકમ
સામગ્રી :
ચાર મોટાં ધોલર મરચાં, ત્રણ મોટાં બટાકા, એક મોટી ડુંગળી, અડધી ચમચી આખો ગરમ મસાલો, એક ચમચી કોથમીર સમારેલી, બે લીલા મરચાં, અડધું લીંબુ, એક ચમચી તેલ, એક ચપટી હળદર, મીઠું સ્વાદ મુજબ.
રીત : કેપ્સીકમનો ડીંટા સાથેનો ઉપરનો ભાગ થોડોક કાપી એની અંદરથી બી કાઢી લો. કેપ્સીકમ ધોઈને એમાં મીઠું નાખો. હવે એક વાસણમાં પાણી લઈ એમાં કેપ્સીકમ અને બટાકા માઇક્રો હાઈપર બાફવા મૂકો. ૬ મિનિટ બાદ કેપ્સીકમ કાઢી લો અને બટાકા ૧૦ મિનિટ રાખો.
ત્યાર બાદ બટાકાના એક સે.મી. માપના ચોરસ કટકા કરો. એક કેસરોલમાં તેલ મૂકી એમાં સમારેલાં લીલા મરચાં, હળદર, આખો ગરમ મસાલો અને સમારેલી ડુંગળ નાખો. માઇક્રો હાઈપર મૂકી ૪ મિનિટ રાંધો. હવે એમાં બટાકા નાખી સરખી રીતે હલાવો, કોથમીર નાખી લીંબુ નીચોવો અને ફરી બધું સરખી રીતે મિક્સ થઈ જાય એ રીતે હલાવો. આ તૈયાર થયેલા પૂરણને ડીશમાં મૂકી માઈક્રો ૫૦ પર ત્રણ મિનિટ રાંધો.
- હિમાની