દાવત : કેરીના જાતજાતનાં પ્રાંતીય અથાણાં
કાચી કેરીનું લસણવાળું અથાણું
સામગ્રી :
કાચી કેરી ૨ કિલો, તેલ ૫૦૦ મિ.લિ. મરચું સ્વાદ મુજબ, આખું એક કળીનું લસણ ૧૨૫ ગ્રામ, અજમો અને વરિયાળી અધકચરી પીસેલી, મીઠું અને હળદર જરૂરિયાત મુજબ.
લસણની કળીઓને સાફ કરીને કેરીના પાણીમાં ત્રણ રાત ડૂબાડોે ચોથા દિવસે તેને કોરી પાડો. એ દરમિયાન કેરીની છાલ કાઢી તેના પર ટુકડા પાડી બે રાત હળદર, મીઠું, લગાવી રહેવા દો. ત્રીજા દિવસે તડકે સૂકવો. અજમો અને વરિયાળી પીસેલી શેકી લો. મીઠું પણ અલગથી શેકી લો. તેલ ગરમ કરી ઠંડુ પાડો.
બધો જ મસાલો મીઠું, મરચું, હળદર, કેરી લસણ તેમાં મિક્સ કરો અને પાંચ-છ દિવસ પછી ખાવાના ઉપયોગમાં લો.
કાચી કેરીનું પંજાબી અથાણું
સામગ્રી : કાચી કેરી ૧ કિલો, તેલ ૩૦૦ ગ્રામ, રાઈ પાવડર ૨૦૦ ગ્રામ, મીઠું, હળદર, મરચું સ્વાદ મુજબ, સરકો ૧ કપ.
રીત : કેરીની છાલ કાઢી થોડું મીઠું ઉમેરીને ૩-૪ કલાક રાખો. ત્યારબાદ થોડી કોરી પાડો. તેલ ગરમ કરી તેમાં રાઈ પાવડર નાંખો અને કેરીના ટુકડા ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠું, મરચું, હળદર ઉમેરો અને કેરીના ટુકડા નરમ પડે ત્યારે તાપ પરથી નીચે ઉતારી લઈ બરાબર ઠંડુ પડયા બાદ તેમાં સરકો ઉમેરો સરસ પંજાબી અથાણું તૈયાર.
કાચી કેરીનું કોડુગ અથાણું
સામગ્રી : કેરી ૫ કિલો, મરચું, મીઠું, સ્વાદ મુજબ આખી રાઈ, મેથી ૨૦૦ ગ્રામ, તેલ ૧૧/ ૨ લીટર, હિંગ સ્વાદ મુજબ.
રીત : કેરીના ટુકડા કરો. બધો જ મસાલો મિક્સ કરો અને થોડું તેલ ગરમ કરી મસાલામાં ઉમેરો. મસાલો ઠંડો પડયે કેરીના ટુકડામાં ભેળવો. અને બીજા દિવસે બધું જ તેલ મિક્સ કરો, બે-ત્રણ દિવસે ઉથલાવતા રહો. બસ અથાણું તૈયાર!
કેરીનું કાશ્મીરી અથાણું
સામગ્રી :
કાચી કેરીનો ગર ૫૦૦ ગ્રામ, કાશ્મીરી લાલ મરચું ૧૦૦ ગ્રામ, રાઈ પાવડર ૫૦ ગ્રામ, તેલ ૧૦૦ એમએલ, હિંગ ટેસ્ટ મુજબ, મીઠું અને હળદર અલ્પ માત્રામાં.
કાચી કેરીનો ગર કાઢી તેને પાટલીમાં લઈ બાફી લો. તેલ ગરમ કરો. તેમાં હિંગ નાંખો ત્યારબાદ તેમાં રાઈપાવડર નાંખો બાફેલા ગરને ચારણીથી અથવા કિચન માસ્ટરમાંથી પસાર કરો અને ગરમ તેલમાં નાંખો. જરૂરત મુજબ મીઠું, હળદર અને મરચું નાંખો. ઠંડુ પડયે ચટાકેદાર અથાણું ખાવાના ઉપયોગમાં લો.
ગુંદાનું મલબારી અથાણું
સામગ્રી :
ગુંદા ૧ કિલો, ૧ કિલો ધાણા પાવડર, વરીયાળી ૧૦૦-૧૦૦ ગ્રામ, તેલ ૨૫૦ ગ્રામ, મીઠું, હળદર મરચું સ્વાદ મુજબ તજ લવીંગ, પાવડર સ્વાદ મુજબ.
ગુંદાના ટુકડા કરો. તેમાં હળદર મીઠું લગાવો. તેમાં થોડા કેરીના ટુકડા અને ગોટલી પણ ઉમેરો. (જેથી ખટાશ વધારે મળે) બીજા દિવસે તેને તડકે સુકવી કોરા પાડી લૂછી લો.
ધાણા પાવડર અને વરિયાળી (અધકચરી ખાંડેલી) ને મિક્સ કરો. તેમાં મીઠું, હળદર, મરચું તથા તજ લવીંગ પાવડર ભેળવો.
તેલ ગરમ કરી આ મસાલામાં નાખો અને જ્યારે મસાલો ઠંડો પડે ત્યારે તેમાં ગુંદા કેરીને બરાબર મિક્સ કરો. બસ અથાણું તૈયાર.
કેરીનું બિહારી અથાણું
સામગ્રી :
કાચી કેરી ૨ કિલો, મેથી, રાઈ, ધાણા પાવડર ૨૦૦ ગ્રામ, મંગરેલા ૫૦ ગ્રામ, શાહીજીરુ, ૧૦ ગ્રામ, તેલ અલ્પ માત્રામાં, મીઠું, હળદર, મરચું સ્વાદ મુજબ.
રીત :
કાચી કેરીને હળદર મીઠુ ંલગાવીને રાખો. બે દિવસ પછી તેને તડકે સૂકવો. ચાર-પાંચ કલાક પછી કેરીના ટુકડા ઠંડા પાડી દો. તેલ ગરમ કરી ઠંડુ પાડો.
તેમાં બધી જ સામગ્રી અને કેરીને ભેળવો. બરણીમાં નાંખો. ત્રણ-ચાર દિવસ તડકે રાખો. કેરીનોે મસાલો તેલ-છોડે એટલે અથાણું તૈયાર.
બિહારનું પિઠરી અથાણું
સામગ્રી : કાચી કેરી ૫ કિલો, મરચું ૩૦૦ ગ્રામ, વરિયાળી ૨૦૦ ગ્રામ, શાહ-જીરુ ૧૦૦ ગ્રામ ક્લોંજી (મંગરેલા) ૧૦૦ ગ્રામ, મેથી કુરિયા ૧૨૫ ગ્રામ, મીઠું ૧ કિલો, તેલ ૧ લિટર.
રીત : કેરીના ટુકડા પાડો. તેમાં બધો જ મસાલો ભરો અને તેને કાચની બરણીમાં ભરીને ત્રણ દિવસ તડકે સૂકવો. ચોેથા દિવસે તેમાં તેલ રેડો. બરાબર મિક્સ કરો. ત્યારપછી પાંચ દિવસ પછી અથાણું ખાવાના ઉપયોગમાં લો.
કેરીનું ટેસ્ટી અથાણું
સામગ્રી : નાની કાચી કેરી ૬ કિલો, મીઠું ૧ ૧/૨ કિલો, મરચું ૫૦૦ ગ્રામ, રાઈ પાવડર ૩૦૦ ગ્રામ, હળદર.
રીત : કેરના ડીંટીયા કાઢી લઈને ધોઈ ૨૦ ટકા મીઠું લઈ તેમાં નાખો. ૨-૩ દિવસ બરણીમાં ભરો. બરણીમાં ભરો. બાકીના મસાલા અને બાકીનું મીઠું નાંખો, બરણીને કપડા વડે બાંધી ૨ થી ૩ દિવસ તડકે રાખો અને હલાવતાં રહો. કેરી નરમ પડયે અથાણું તૈયાર.
- હિમાની