દાવત : અથાણાંની વૅરાયટી
કેરીનું અથાણું
સામગ્રી :
૧ કિલો એકદમ નાની નાની કુણી કેરી, ૨૫૦ ગ્રામ મીઠું, ૧૦૦ થી ૧૫૦ ગ્રામ લાલ સુકા મરચાં, હીંગ ૨૦૦ ગ્રામ રાઈના કુરિયા.
રીત :
સૌથી પહેલાં કેરી સાફ ધોઈ લેવી. પછી તેમાં કાપ મુકી મીઠું ભરીને રાખી મુકવી. મીઠું એટલું નાખવાનું કે આ મીઠાના પાણીમાં કેરી સંપૂર્ણ રીતે ડુબી જાય. મીઠાના પાણીમાં સંપૂર્ણપણે આથી જાય એટલે કેરી બહાર કાઢી લેવી.
જે મીઠાનું પાણી નીકળેલું છે તેમાં જ સુકા મરચા, હીંગ તથા રાઈના કુરિયા નાખી દેવા. આ તૈયાર મસાલામાં કોરા કરીને કેરીના કટકા નાખી દેવા. આ અથાણામાં વઘાર ન નાખીએ તો પણ બે વર્ષ સુધી ટકે છે.
પંજાબી અથાણું
સામગ્રી :
૨ નંગ મોટી કેરી, ૧ ચમચો કાળાં મરી, બે ચમચા મેથી, ૧ ચમચો ડુંગળીના બી (કલૌજી) બે ચમચાં જીરું, એક ચમચો લાલ ભૂકી, ૨ ચમચા વરિયાળી, દોઢ ચમચો મીઠું, જરૂર પ્રમાણે તેલ અને અડધી ચમચી હળદર.
રીત : કેરીના છાલ સાથે જ નાના નાના ટુકડા કરવા. પછી તેને અડધો કલાક તડકામાં રાખવા. પછી તેમાં બધો મસાલો નાખી અને તેમાં બે ચમચા તેલ નાખી રાખી દેવું. થોડું તેલ ગરમ કરી તેને ઠંડુ થવા મુકી દેવું. ઠંડુ પડે કે તેમાં એક ચમચો મરચાની ભૂકી નાખી. તેમાં બધું ભેળવવું. પછી તેને બે-ત્રણ દિવસ તાપમાં રાખી તૈયાર થયેલું બધું જ શીશામાં રાખી શીશાને તાપમાં રાખવો. કેરી તેલમાં ડૂબેલી હોવી જોઈએ. નહીં તો બગડી જાય.
અનાનસનો મુરબ્બો
સામગ્રી :
પાકા અનાનસના કટકા ૧ કિલો, ખાંડ ૧ કિલો, એલચી, લવીંગ, કેસર.
રીત : અનાનસને છોલી વચ્ચેનો કઠણ ભાગ કાઢી નાના કટકા કરી પછી ખાંડ અને અનાનસના કટકા તપેલીમાં લઈ હલાવી ૫-૭ કલાક રહેવા દેવા. ખાંડ ઓગળી જાય એટલે તેને ગરમ કરો. બેતારી ચાસણી થાય એટલે ઉતારી લેવું. પછી તેમાં ઈલાયચી લવીંગ અને કેસર નાખવું.
આદુનો મુરબ્બો
સામગ્રી :
૧ કિલો આદુ, ૧। કિલો ખાંડ, ૩૦ ગ્રામ સાઈટ્રીક એસિડ, ચૂનાનું પાણી.
રીત :
રેસા વિનાનું કૂણું આદુ સ્વચ્છપાણીથી ધોઈ લેવું. આદુના નાના નાના ટુકડા કરી ચૂનાના પાણીમાં એક દિવસ ઝબોળી રાખો. બીજે દિવસે એને સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. કુકરમાં ગરમ પાણી કરી તેમાં સાઈટ્રીક એસિડ અને આદુના ટુકડા નાંખો. ટુકડા મુલાયમ થઈ જાય પછી કુકરમાંથી બહાર કાઢો અને ઠંડા પાણીમાં ઝબોળી દો.
સાવ ઠંડા પડે પછી નિતારી થાળીમાં કે ચાસણીમાં રાખો જેથી પાણી નીતરી જાય. આદુના ટુકડાથી સવા ગણી ખાંડ લો. અડધી ખાંડ અને આદુના ટુકડા એક તપેલીમાં પડબંધ ગોઠવી દો.
બીજા દિવસે ટુકડાને બહાર કાઢીને બચેલી ખાંડનો અડધો ભાગ તેમાં ઉમેરી દો અને સાઈટ્રીક એસીડના કુલ વજનના દર કિલોગ્રામે દસ ગ્રામ મુજબ લેવા અને ખાંડમાં નાખવા. ખાંડની ચાસણી કરવી. અઢી તારની થાય અને સીરપ જેવું લાગે ત્યારે ઉતારી લેવી. ચાસણી ઠંડી પડે પછી આદુ તેમાં નાખવું. નરમ થઈ જાય તો બીજે દિવસે આદુ કાઢીને ચાસણી ફરીવાર કરવી. ઠંડી ચાસણી થાય પછી જ આદુ નાખવું. તેમાં એલચી-કેસર નાંખવા ને બરણીમાં ભરવું.
ગાજરનો મુરબ્બો
સામગ્રી : ગાજરના કટકા ૨ કિલો, ખાંડ ૧૫૦૦ ગ્રામ, સાઈટ્રીક એસિડ ૨૦ ગ્રામ, એલચીનો ભૂકો ૧૦ ગ્રામ
રીત : ગાજરની વચ્ચેનો સફેદ ભાગ કાઢીને કટકા કરો. કટકામાં સ્ટીલના કાંટા વડે કાણાં પાડો. એક તપેલીમાં ગરમ પાણી કરી તેમાં ગાજરના કટકા નાખી દેવા. સાધારણ બફાઈ જાય એટલે ઉતારી લેવા પછી કટકા કાઢી લઈ એ પાણીમાં ખાંડ અને સાઈટ્રીક એસિડ નાખો. ખાંડનું પાણી બળી જાય એટલે કટકા મિક્સ કરી બરણીમાં ભરી લો. છેલ્લે એમાં એલચીનો ભૂકો ઉમેરો.
ટામેટાનું અથાણું
સામગ્રી : ૧ કિલો પાકા ટામેટા, ૧૦-૧૨ લીલાં મરચાં, ૧૦-૧૨ લસણની કળીઓ, આદુ ૧૦૦ ગ્રામ, ૨ થી ૩ ચમચી જીરું, ૧ ૧/૨ કપ વીનેગાર અથવા લીંબુનો રસ, ૫૦૦ ગ્રામ તેલ, ૨ ચમચી હળદર, ૫ ચમચી મરચું અને સ્વાદાનુંસાર મીઠું.
રીત : સૌપ્રથમ આદુ,લસણ અને મરચાના નાના નાના ટુકડા કરી લેવા. એમાંથી અડધા ટુકડા બારીક વાટી લેવા અને અડધા ટુકડા એમને એમ રાખી દેવા. ટામેટા ધોઈને સાફ કરીને એના નાના નાના ટુકડા કરવા. પછી એક તપેલીમાં તેલ ગરમ કરી તેમાં બધો મસાલો નાખી દેવો. સરસ સુગંધ આવે એટલે એમાં લસણ, આદુ અને મરચાં નાખી સાંતળી લેવા. પછી તેમાં ટામેટાના કટકા અને વિનેગાર લીંબુનો રસ નાખી દેવો. સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધી હલાવતાં રહેવું. નીચે ચોંટી ન જાય તેની ખાસ કાળજી લેવી.
કોથમીરનું અથાણું
સામગ્રી :
૧ મોટી જુડી તાજી કોથમીર, ૪ થી ૫ લીલાં મરચાં, ૪-૫ ખારેક, આદુના ટુકડા (નાના નાના) ગોળ સ્વાદ પ્રમાણે, ૨ લીંબુ, ૧/૪ ચમચી મેથી, મીઠું, તેલ અને રાઈ.
રીત : આદુને છીણી લેવું. ખારેકમાંથી બીયાં કાઢીને ઉભા નાના નાના કટકા કરી લેવા. કોથમીર સાફ કરી ધોઈને કોરી કરી લેવી તેલ સહેજ વધારે નાખી વઘાર કરી લેવો. એમાં મેથી ગુલાબી થાય ત્યાં સુધી તળી લેવી એમાં કોથમીર નાખી સરખી રીતે બરાબર હલાવી લેવી પછી તેમાં આદુ-ખારેકના ટુકડા, ગોળ અને મરચા નાખી હલાવી પછી ગેસ ઉપરથી ઉતારવું. બધું ઠંડુ પડી જાય પછી એમાં લીંબુનો રસ નાખવો. મીઠું નાખવું પછી સ્વચ્છ બરણીમાં ભરી લેવો.
આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એનોે રંગ પણ સરસ દેખાય છે. પરંતુ આ અથાણું વધારે સમય ટકતું નથી માટે તાજુ બનાવી ત્રણ ચાર દિવસ રાખવું હિતાવહ છે. ફ્રિઝમાં થોડો લાંબો સમય રહે છે.
આમળાની છીણનો મુરબ્બો
સામગ્રી : ૧ કિલો લીલા આમળા, ૨ કિલો ખાંડ, ૮ થી ૧૦ નંગ એલચીનો ભુકો, થોડું કેસર અથવા પીળો રંગ (ખાવાનો રંગ)
રીત : આમળાને ધોઈ તેમાં સળિયાથી કાણા પાડી વરાળથી બાફી લેવા. બાફેલા આમળાને ઠંડા પડે એટલે છીણી નાંખવા. ખાંડ ડૂબે તેટલું પાણી નાખી એકતારી ચાસણી બનાવવી. ચાસણી થાય એટલે તેમાં છીણ નાખી ફરીથી ૧ થી ૧। તારની ચાસણી થવા દેવી. પછી નીચે ઉતારી ઠંડુ પડે એટલે કેસર અને એલચીનોે ભૂકો નાખવો અને બરણીમાં ભરી લેવો. બાફેલા આખા આમળા પણ ઉપયોગમાં લઈ શકાય.
ખારેકનું અથાણું
સામગ્રી : ૨ વાટકી ખારેકના નાના નાના કરેલા ટુકડા, આ ટુકડા ડુબી જાય એટલે લીંબુનો રસ, કાળી દ્રાક્ષ એક વાટકી, આદુનું છીણ ૧/૨ વાટકી સંચળ પાવડર, ૧ ચમચી , મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ ૧/૨ થી ૧ વાટકી.
રીત : કાળી દ્રાક્ષ સ્વચ્છ ધોઈ લેવી. એક બરણીમાં ખારેકના ટુકડા લીંબુના રસમાં નાખી રાખવા. પછી કાળી દ્રાક્ષ કોરી કરીને કાળી દ્રાક્ષ આદુનું છીણ, સંચળપાવડર ખાંડ અને મીઠું નાખી સરખી રીતે હલાવી લેવું. આ અથાણુ ઉપવાસમાં પણ ખાઈ શકાય છે.
- હિમાની