દાવત : પ્રવાસમાં પીવાલાયક પૌષ્ટિક પીણાં
લીંબુનું શરબત
સામગ્રી :
૫૦૦ ગ્રામ લીંબુ, ૫૦૦ ગ્રામ ખાંડ, મરી, ઈલાયચી અથવા મીઠુને બદલે સંચળ.
મોટા સારા બહુ પાકેલાં નહિ એવા લીંબુ લાવી ધોઈ અને રસ કાઢીને એમાં ખાંડ તથા મીઠું કે સંચળ નાખી દેવા.
ખાંડ બરાબર ઓગળી જાય એટલે એને ગાળીને એક શીશામાં ભરી લેવું. પછી જ્યારે જ્યારે આ શરબત પીવું હોય ત્યારે થોડું શરબત કાઢી એમાં જોઈતા પ્રમાણમાં પાણી મીઠું, મરી નાખી હલાવીને પીવું.
આ લીંબુનું શરબત પીવાથી ભૂખ પણ લાગતી નથી અને આંખે કે માથે ગરમી ચડતી નથી. ઘણીવાર બહારનું વધુ પડતું ખાવાથી જે ડાયેરિયા થઈ જાય છે એ રોગ પણ થતો નથી અને વૃધ્ધ આબાલ સૌ કોઈને ભાવે છે.
દર બબ્બે કલાકે એવા ૩૦-૪૦ રૂપિયાની એક બોટલ વાળા પીણાં પોસાય નહિ ઉનાળો હોય ત્યારે તરસ તો લાગવાની જ અને કાંઈ ઠેર ઠેર બરફ મળવાનો નહિ, એમાંય વળી બરફ વારે વારે લેવો મોંઘો ય પડે એ બરફમાં પણ કચરો જ હોય છે જ્યારે એ પાણી સ્થિર થઈ જાય છે. ત્યારે એનોે કચરો નરી નજરે આપણે જોેઈ શકીએ છીએ.
તો આ પ્રખર ઉનાળામાં જ્યારે આપણે ટ્રેનમાં બસમાં કે ઘરની મોટરમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે ત્યારે ખટ્ટ-મીઠા ઠંડા અને ગરમ પીણા માટે શું કરવું એ પણ વિચારી લેવું
તો આજે થોડાંક ખટ્ટ-મીઠા પીણાની વાત કરીએ.
હજમાહજમ
સામગ્રી :
જીરુ, મીઠું, સંચળ, લીંબુ અથવા લીંબુના ફૂલ તથા બૂરું હિંગ, તજ, લવિંગ, મરી.
તજ, લવિંગ, જીરું આ ત્રણેય ચીજો તવીમાં શેકીને એને ખાંડીને ભૂકો કરવો ત્યારબાદ સંચળને ખાંડી નાખવું આ બધી ચીજોનો પાવડર કરવો અને એને ચારણીમાં ચાળી નાખી, પ્રમાણસર મીઠું હિંગ તથા થોડું બૂરું તેમ જ લીંબુના ફૂલ નાખવા.
એક બાટલીમાં ભરીને પ્રવાસમાં લઈ જવી. જ્યારે જ્યારે પીવાની ઈચ્છા થાય ત્યારે ઠંડા પાણીમાં એક ચમચી નાખી. હલાવીને પી જવું.હજમાહજમ સારું છે. અપચો દૂર કરે છે. પ્રવાસમાં અનેક ગામના પાણી પીધાં હોય તો તેને માટે આ પીણું બહુ સરસ છે.
પણ આ પીણું ઠંડુ સરસ લાગે, છતાં જો નયણા કોઠે સહેજ હુંફાળું પીએ તો પેટ સાફ રાખે છે.
કેરીનો બાફલો અથવા પનુ
સામગ્રી :
કાચી કેરી ખાંડ, મીઠું, જીરું, સંચળ, ઈલાયચી અને કેસર.
રીત :
કાચી કેરીને ધોઈ સારી રીતે લૂછીને, એને છોલી નાખી, ચાર આઠ મોટા કટકાં કરો એને પાણીમાં બાફી મસળીને ક્રશ કરો અથવા હાથથી ચોેળીને, મસળીને એ જ્યારે પાણી સાથે એક રસ થઈ જાય એટલે એમાં ખાંડ નાખી એક રસ કરી દો. અને પછી એમાં મીઠું અથવા જોઈતા પ્રમાણમાં સંચળ નાંખો. જીરુને તવી પર શેકી અને વાટી એક ડબ્બીમાં રહેવા દો એ જ રીતે ઈલાયચીનો ભુક્કો તથા કેસરને વાટીને બંનેને અલગ અલગ ડબ્બીમાં રાખો, એની સાથે દરેકમાં ખૂબ જ નાની ચમચીઓ મૂકી દો જેથી લેતી વખતે પ્રમાણસર લઈ શકાય.
જ્યારે જ્યારે પીવાની ઈચ્છા થાય ત્યારે આ તૈયાર કરેલા કેરીના બાફલામાં કેસર અને ઈલાયચી નાખીને મોજથી પી શકાય.
આ પીણાને કોઈ બાફલો કહે છે તો કોઈ પનુ પણ કહે છે.
આ પીણાંથી શરદી ગરમી, લૂ મટે છે.અને પેટની ગરમીને ઓછી કરે છે. વળી ખટાશને કારણે શરીર પણ નિરોગી રહે છે.
કાળી દ્રાક્ષ - ધાણા વરિયાળી
સામગ્રી :
કાળી દ્રાક્ષ, ધાણાં, વરિયાળી, મીઠું, તજ લવિંગ મરી.
રીત :
તજ, લવિંગ મરી આ ત્રણેને ખાંડી એનો પાવડર બનાવો એ પાવડર પ્લાસ્ટીકની એક ડબ્બીમાં ભરી રાખો. જ્યારે જ્યારે પ્રવાસમાં જાવ ત્યારે કાળી દ્રાક્ષ સૂકા ધાણા, વરિયાળી અને મીઠું અલગ અલગ પ્લાસ્ટિકની કોથળીમાં રાખી મૂકો.
જ્યારે પ્રવાસમાં જાવ ત્યારે રોજ રાતે જ્યાં તમારો મુકામ હોય ત્યાં પાંચ-સાત દાણા કાળી દ્રાક્ષ એનાથી ડબલ ધાણા, થોડી વરિયાળી એક માટીના અથવા સ્ટીલનાં વાસણમાં પલાળી રાખો. સવારે અને ચોળી એનું પાણી ગાળી એમાં તજ લવિંગ મરીનો અડધી ચમચી પાવડર નાખી સારી રીતે હલાવી નયણા કોઠે પી જાવ. અને વધેલા કચુંબરમાં થોેડું મીઠું નાખી એ પણ ખાઈ જાવ તમારી મુસાફરી આહલાદક જરૂર બનશે આ બધી ચીજો ગરમી દૂર કરનાર છે.
આમલીનું રસમ
આ રસમ દક્ષિણ ભારતમાં ઘેર ઘેર થાય છે. સવાર-સાંજ જમતી વખતે એમને રસમ તો જોઈએ જ.
સામગ્રી :
આમલી (લાલ અને આંખને ગમે તેવી) મીઠું , લાલ મરચું, આદુ,લસણ, દાળશાકનો મસાલો લીલા મરચાં વગેરે.
રીત :
આમલીને ધોઈ, એમાંથી બીયાં કાઢી નાખી થોડા પાણીમાં એને બાફી નાખો સરસ રીતે બફાયા પછી આમલીને સારી રીતે ચોળીને એનો એક રસ બને ત્યારે કોઈ ચોખ્ખા કપડાંથી ગાળી લો પછી એમાં મીઠું લાલ મરચું, વાટેલું આદું,લસણ, દાળ-શાકનો મસાલો અને ઝીણા વાટેલા મરચાં નાખી એને ઉકાળો.
આ ઉકાળો જરા ઠંડો પડે એટલે કાં તો એને આછો ગરમ ગરમ પીઓ, અથવા ફ્રીજમાં મૂકીને ઠંડો પીઓ અથવા એને ભાત સાથે ખાવ-પીઓ. ઘણાં લોકો એને ખાતાં પહેલાં પીએ છે કોઈ આંબોળિયા કાચી કેરી અને દાળના પાણીનું પણ રસમ બનાવે છે.
- હિમાની