દાવત : મોંમાં પાણી લાવતી વાનગીઓ
સ્ટફટ તંદુરી આલુ
સામગ્રી :
બટાટા (મધ્યમ કદના) નંગ ૩, કોટેજ ચીઝ ૧૦૦ ગ્રામ, ભાંગેલા કાજુ અને સૂકી લાલ દરાખ ૧૦ ગ્રામ, પાણી કાઢી નાખેલું દહીં ૫૦ ગ્રામ, આંદુ-લસણ, વાટેલા લાલ મરચાં અને મીઠું- આ સામગ્રી બોળવા માટેનું 'મરિનેટ' બનાવવા માટે, વધુમાં જીરું, તળવા માટે તેલ.
રીત :
બટાટાને છોલો અને છોલવાના સાધન (પીલર) વડે બટાટાનો મધ્ય ભાગ કાઢી લો. બટાટાને ઊંડા તેલમાં તળો. તેમાં ભરતા માટેનું 'સ્ટફિંગ' નીચે પ્રમાણે બનાવો. કોટેજ ચીઝની પાતળી ચીરીઓ અને બટાટાનું 'સ્ટફિંગ'.
હળદર, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખીને બનાવો.
બોળવા માટે 'મરિનેટ', વાટેલાં લીલા મરચાં, પાણી કાઢેલું દહીં, વાટેલા આંદુ-લસણ, તેલ અને મીઠાનું 'મરિનેટ' બનાવો.
ઊંડા તેલમાં તળેલા બટાટાને 'સ્ટફિંગ' વડે 'સ્ટફ' કરો (ભરો), તેને 'મરિનેટ'માં બોળીને તંદૂરમાં પકાવો.
ક્રીમી પરવળ
સામગ્રી : ૮-૧૦ તાજાં પરવળ, ૧૦૦ ગ્રામ ખાંડ, સહેજ લીલો રંગ, ૮-૧૦ ગળ્યાં બિસ્કીટ, ૪ ચમચા ક્રીમ, ૩ ચમચા બૂરું ખાંડ, સહેજ રોઝ એસેન્સ.
સજાવટ માટે : રંગીન કેન્ડી અથવા ટોફી.
રીત : પરવળને છોલી, વચમાં લાંબો ચીરો મૂકી તેમાંનો ગર કાઢી નાખો. પરવળ તૂટી ન જાય તેનું ધ્યાન રાખવું. હવે તેમને વરાળમાં સહેજ પોચાં થાય, ત્યાં સુધી બાફો.
એક કડાઈમાં ખાંડની ચાસણી બનાવી તેને આંચ પરથી નીચે ઉતારી લો. ઇચ્છા હોય તો તેમાં સહેજ ખાવાનો લીલો રંગ ભેળવો. જેથી પરવળ કુદરતી લીલો રંગ ધરાવતાં લાગે. હવે પરવળને ચાસણીમાં નાખી એક લાકડાના તાવેથાથી હળવા હાથે હલાવો. આના લીધે પરવળ ચાસણીવાળાં બની જશે. તેમને ચાસણીમાં જ રહેવા દો. વચ્ચે-વચ્ચે હલાવતાં રહો.
આ દરમિયાન બિસ્કિટનો અધકચરો ભૂકો કરો. ક્રીમ અને બૂરું ખાંડને ભેગાં કરી ધીમે-ધીમે ફીણો. આમાંથી અડધું ક્રીમ બિસ્કિટના ભૂકા સાથે મિક્સ કરો અને બાકીનું સજાવટ માટે રહેવા દો. તેમાં એસેન્સ પણ નાખી દો.
તૈયાર બિસ્કિટના મિશ્રણને બધાં પરવળોમાં સરખા ભાગે ભરી દો. ત્યાર પછી તેમને ફ્રીઝમાં ઠંડા થવા મૂકો. પીરસતાં પહેલાં પરવળ પર ક્રીમ લગાવી રંગબેરંગી કેન્ડીથી સજાવટ કરો.
પોટેટો અનિયન સબ્જી
સામગ્રી :
''બેબી'' બટાટા ૧૦૦ ગ્રામ, તેલ ૨૫ ગ્રામ, મેથી ૨૫ ગ્રામ, કાંદા ૨૦ ગ્રામ, ટામેટા ૨૦ ગ્રામ, વેજિટેબલ ગ્રેવી ૨૫ મિલી. કોથમીરનાં પાન ૧૫ ગ્રામ.
રીત :
બટાટાને છોલીને ઊંડા તેલમાં તળો. કાપેલા કાંદા, વાટેલાં આદુ-લસણ, ટામેટા. આ વસ્તુઓને તળીને 'કાંદા મસાલો' બનાવો. આ મસાલો, મેથીનાં કુરિયાં, વેજિટેબલ ગ્રેવી, બટાટામાં ઉમેરો અને બરાબર થાય ત્યાં સુધી તાપ પર રહેવા દો. કાપેલાં કોથમીરનાં પાન નાખીને સજાવો.
ચોખાનાં ચટપટાં પેકેટ
સામગ્રી : ૨ કપ ચોખાનો લોટ, ૨ કપ બાફેલા ચોખા, ૧/૨ નાની ચમચી અજમો, ૨ મોટી ચમચી તેલ, ચપટી મીઠું, ૧ કપ બાફેલા મગ, ૧ મોટી ચમચી આદુ-લસણ તેમજ લીલા મરચાંની પેસ્ટ, ૨ મોટી ચમચી શેકેલા ચણાનો લોટ, ૧ સમારેલી ડુંગળી, ૧ સમારેલ ટામેટું, ૧ નાની ચમચી લાલ મરચાંનો પાઉડર, ૧ નાની ચમચી મીઠું.
રીત : ચોખાના લોટમાં તેલ, મીઠું, અજમો તેમજ બાફેલા ચોખા નાખીને ગરમ પાણીથી કઠણ લોટ બાંધી લો. નાની નાની પાતળી રોટલી વણીને તેની વચ્ચેના ભાગમાં ૧ મોટી ચમચી ભરવાનું મિશ્રણ મૂકો. ચારે બાજુથી વાળીને પેકેટ બનાવી લો, ધીમા તાપ પર તળો, સોસ નાખીને પીરસો.
ચટપટી રેવિયોલિસ
સામગ્રી : ૨ કપ મેંદો, ૨ મોટી ચમચી તેલ, ૧ કપ બાફેલી તેમજ મસળેલી મગની દાળ, ૧ નંગ સમારેલું લીલું મરચું, ૧ નંગ સમારેલી ડુંગળી, ૧/૨ નાની ચમચી મીઠું, ૧/૨ નાની ચમચી દળેલા કાળા મરી.
રીત : મેંદામાં તેલ નાખીને મુલાયમ બાંધી લો. ૨ લૂઆ બનાવીને એકસરખી રોટલી વણી લો. દાળ તેમજ બધા મસાલા મિક્સ કરી લો. એક રોટલી પર દાળના મિશ્રણને એક એક ચમચી ૨ ઈંચના અંતરે રાખો. ત્યાર બાદ બીજી રોટલીને તેની ઉપર મૂકી દો. એક ધારવાળા ચપ્પુથી ચોરસ રેવિયોલિસ કાપી લો. ત્યાર બાદ ઉકળતા પાણીમાં ૧૫-૨૦ મિનિટ સુધી રાંધીને ગરણીમાં નાખી દો. નોનસ્ટિક તવા પર રેવિયોલિસને બન્ને બાજુથી શેકીને સોસની સાથે પીરસો.
તલસેવનો દૂધપાક
સામગ્રી :
૨ મોટી ચમચી મેંદો, ૨ મોટી ચમચી લોટ, ૩ મોટી ચમચી દળેલાં તલ, ૧/૨ લીટર દૂધ, ૧/૨ કપ ખાંડ, ૧ મોટી ચમચી શેકેલા તલ, ૨ મોટી ચમચી દ્રાક્ષ, થોડા કાપેલા પિસ્તા, ચપટી કેસર.
રીત : મેંદો, લોટ તેમજ ૧ મોટી ચમચી દળેલાં તલ મિક્સ કરીને કઠણ લોટ બાંધી લો. સંચાથી તેની સેવ પાડી લો. ત્યાર બાદ સેવને થોડી તળી દૂધમાં નાખો અને ગરમ કરો. જ્યારે દૂધ ઘટ્ટ બની જાય ત્યારે ખાંડ, દળેલા તલ, દ્રાક્ષ તેમજ શેકેલા તલ તેમાં ભેળવી દો.
પિસ્તા તેમજ કેસરથી સજાવટ કરીને ઠંડો અથવા ગરમ પીરસો.
રવો તેમ જ લોટનાં મુઠિયાં
સામગ્રી : ૧ કપ રવો (સોજી), ૧ કપ લોટ, ૨ મોટા ચમચા ચોખ્ખું ઘી, ૧૧/૨ કપ દળેલી ખાંડ, ૧/૨ કપ છીણ કરેલું પનીર, ૨ મોટી ચમચી શક્કરટેટીનાં બીજ, ૧ નાની ચમચી મોટી એલચીના દાણા, ૨ મોટી ચમચી દ્રાક્ષ, ૨ મોટી ચમચી કાપેલી બદામ, તળવા માટે પૂરતું તેલ.
રીત : રવા તેમજ લોટમાં ઘી નાખીને તેને મુલાયમ બાંધી લો. લૂઆ બનાવીને ગરમ તેલમાં તળી લો. ઠંડા પડે ત્યારે તોડીને ખાંડી લો. ૧/૨ કપ તેલ ગરમ કરીને ખાંડેલ મિશ્રણ સારી રીતે શેકી લો. સોનેરી થાય ત્યારે પનીર નાખો. તાપ બંધ કરીને મેવો મિક્સ કરીને મુઠિયા બનાવી લો. ઠંડા કરીને પીોરસો.
- જ્યોત્સના