દાવત : ગરમીમાં ટાઢક પહોંચાડતાં આઈસ્ક્રીમ - કોલ્ડડ્રિંક
આ વખતે આપણે આઇસ્ક્રીમ બનાવવાની પધ્ધતિની વાતો કરીએ. સૌ પ્રથમ આઇસ્ક્રીમ રેફ્રીજરેટરમાં બનાવવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જણાવી દઇએ.
(૧) ફ્રીઝ સૌથી ઠંડા સેટીંગ ઉપર પહેલેથી રાખવું. ઓછામાં ઓછા એક કલાક પહેલાંથી ફ્રીઝ ઠંડુ કરવું.
(૨) આઇસક્રીમ હંમેશા બરફના ખાનામાં જ સેટ કરવા મૂકવો.
(૩) આઇસ્ક્રીમ એલ્યુમિનિયમના બંધ ડબ્બામાં સેટ કરવા મૂકવો.
(૪) આઇસક્રીમનો ડબ્બો ફ્રીઝરના તળીયાને બરાબર અડકવો જોઇએ. ઊંચો નીચો ન રહેવો જોઇએ. જરૂર લાગે તો થોડું પાણી રેડીને ફ્રીઝરમાં ડબ્બો મૂકવા માટે લીસ્સી સપાટી કરવી.
(૫) આઇસક્રીમ માટે આખુ દૂધ જેમાંથી ક્રીમ કાઢી લેવામાં આવ્યું ન હોય તેવું દૂધ લેવું. અમુક આઇસ્ક્રીમમાં ક્રીમ વગરનું દૂધ ચાલે. ત્યાં જે તે રેસીપીમાંથી ખાસ જણાવવામાં આવશે.
(૬) દૂધ ઉકાળીને બરાબર અડધું રહે ત્યાં સુધી ઉકાળવું.
(૭) ક્રીમ અથવા ડબલ ક્રીમ બજારમાં દૂધની ડેરી પર અથવા દુકાનમાં મળે છે. પણ ઘરના દૂધને ગરમ કરી, ઠંડુ પાડીને ઉપર જે મલાઇ થાય છે તેને જરા ફીણીને વાપરી શકાશે. (ફક્ત મલાઇ લેવાની)
(૮) બીજી વખત આઇસ્ક્રીમ મિક્સરમાં મિક્સ (લીસ્સો કરીએ) કરી પછી તપેલામાં કાઢી સારી રીતે ભેળવીને એમાં ફ્રુટ ઉમેરવા. પછી ફરીથી ફ્રીઝમાં રાખવો હિતાવહ છે.
(૯) ટુટીફ્રુટી, ડ્રાયફ્રુટ વિ. જે કોઇ આઇસ્ક્રીમમાં ઉમેરવું હોય તો બીજી વખત આઇસક્રીમ મિક્સરમાં લીસ્સો કર્યા પછી ભેળવવા.
(૧૦) જીલેટીન, ચાયનાગ્રાસ કે કોર્નફ્લોર આઇસક્રીમમાં સ્ટેબીલાઇઝરનું કામ કરે છે. જે વાપરવાથી આઇસક્રીમ જલ્દી ઓગળી જતો નથી. વેજીટેબલ જીલેટીન અને ચાયનાગ્રાસ ફરાળી આઇસ્ક્રીમમાં વાપરી શકાશે.
લાડુ સન્ડે
સામગ્રી :
૪ બારીક બુંદીના તાજા લાડુ, ૧ કપ ઘટ્ટ ક્રીમ, ૧ કપ તૈયાર સ્ટ્રોબેરી જેલી, ૧ કપ વેનીલા આઈસ્ક્રીમ, ૧/૪ કપ મધ, ૮-૧૦ કાળી અંગૂર, ૧/૨ ચમચી લીંબુનો રસ, મધ અને ૧ ચમચો બૂરું ખાંડ ભેળવી ખૂબ ઠંડુ થવા માટે મૂકી રાખો.
રીત :
એક લાડુને રહેવા દઈ બાકીના ત્રણે લાડુને હળવેથી દબાવી ચપટા કરો. તેમને ભાંગવા નહીં.
પારદર્શક કાચની પ્લેટમાં ૨ ચમચા ક્રીમ પાથરો અને તેના પર બે ચપટા લાડુ ગોઠવો. ઉપર ૧/૨ કપ આઈસ્ક્રીમનો થર કરી ૧/૨ કપ જેલી પાથરો. હવે સમારેલ અંગૂર ભભરાવી બાકીના એક લાડુને પણ ભાંગીને ભભરાવો. વધેલી જેલીને વચ્ચોવચ ગોઠવો ચારે તરફ આઈસ્ક્રીમ ભરી વચમાં લાડુથી સજાવો. હવે વધેલું ક્રીમ પણ ચારે તરફ પાથરી દોે અને વધેલી અંગૂરથી સજાવીને પીરસો
લીલા ચણા - કેળાંનો શેક
સામગ્રી :
૧ કપ લીલા ચણા, ૪ પાકાં કેળા, ૧ લીટર દૂધ, ૪ ચમચા ખાંડ, ૧ લીંબુનો રસ.
રીત :
૭૫૦ મિ.લી. દૂધને ઉકળવા મૂકો. લીલાચણાને વરાળથી બાફી નાખો, પછી તેમને ક્રશ કરીને ઉકળતા દૂધમાં નાખી ઘટ્ટ ખીર બનવા દો. ખાંડ ભેળવીને ઠંડુ થવા દો.
બાકી વધેલા દૂધમાં કેળાં નાખી મિક્સીમાં શેક બનાવો.
ચણાની ખીરને પણ મિક્સીમાં નાખી એકરસ કરી નાખો. એક મોટા ગ્લાસમાં થોડું કેળા શેક ભરી તેમાં થોટાં ટીપાં લીંબુનો રસ ભેળવો.
હવે તેમાં ચણાની ખીર રેડી તેના પર બાકી વધેલ લીંબુનો રસ છાંટો અને ફરી ઉપરથી કેળાં શેક ભરી ફ્રીઝરમાં ઠંડુ કરી પીરસો.
માવા કસ્ટર્ડ
સામગ્રી :
૧/૨ લિટર દૂધ, ૧/૪ કપ ખાંડ, ૧૦૦ ગ્રામ માવો, ૧/૪ કપ લાલ ટૂટીફ્રૂટી (કોળાની), ૪-૫ પાંખડી ગુલાબની, ૨ ચમચા કસ્ટર્ડ પાઉડર, થોડા સમારેલાં ફળ.
રીત : દૂધ ગરમ કરો. તેમાં મસળેલો માવો અને અડધી ખાંડ નાખી ખૂબ ઉકાળો. કપમાં કસ્ટર્ડ પાઉડર અને બાકીની ખાંડ લઈ, તેમાં ૧/૪ કપ પાણી રેડી ઘોળો. આંચ ધીમી કરો અને તેને દૂધમાં ધીમે ધીમે રેડી ખૂબ હલાવો તે એકરસ થઈ જાય, ત્યારે આંચ પરથી ઉતારી લઈ ઠંડુ પડવા દો. પછી તેમાં ગુલાબની ધોયેલી પાંખડીઓ ભેળવો. અડધા પ્રમાણમાં ટૂટી ફ્રૂટી નાખીને મિક્સ કરો. બાકી વધેલ ટૂટીફ્રૂટી ઉપર ભભરાવી ઠંડુ થવા દો. સમારેલાં ફળ સાથે એનો સ્વાદ માણો.
મેંગો વિથ ચોકો ચિપ્સ
સામગ્રી : ૧ લીટર દૂધ, ૧ નાની વાટકી ખાંડ, ૧ કપ પાકી કેરીનો પલ્પ મીલાક ચોકલેટ (કેડબરીના) ઝીણા-ઝીણા પીસ, ક્રીમ ૧/૨ કપ, જિલેટીન ૧/૪ ટે.સ્પૂન.
રીતઃ દૂધ ગરમ કરવું અને ઉકાળવું. લગભગ ૪૦૦ ગ્રામ બળી જાય અને ૬૦૦ ગ્રામ જેટલું રહે ત્યાં સુધી ઉકાળવું. બાદ ખાંડ નાખવી. અને ખાંડ ઓગળી જાય એટલે ઠંડા પાણીમાં જીલેટીન ઓગાળીને ઉકળતા દૂધમાં નાખવું. અને તુરત જ સતત હલાવતા રહેવું. બાદ એક ઉભરો આવે એટલે ઉતારી લેવું અને ઠંડુ થવા દેવું. ઠંડુ થયેલ દૂધ મિક્સીમાં ચર્ન કરવા માટે કેરીના પલ્પ સાથે નાખીને ચર્ન કરવું અને ક્રીમ નાખીને જરાવાર ચર્ન કરવું. બાદ મનગમતા મોલ્ડમાં કેડબરીના પીસ સાથે નાખીને સેટ કરવા મિડિયમ ટેમ્પરેચરે મૂકવું.
- હિમાની