દાવત : ગરમીમાં ઠંડક કરતાં ખાન-પાન
રાસબરી આઈસ્ક્રીમ
સામગ્રી :
૫૦૦ મિ.લી. રાસબરીનો રસ, ૧૧/૨ કપ ખાંડ, ૧ લીંબુનો રસ, ૧ કપ દૂધ, ૨ કપ ક્રીમ, ૩ ચમચી જિલેટીન, ૧/૨ કપ રાસબરીના ટુકડા, ૧ ૧/૨ ચમચા ખાંડ, ગુલાબની પાંખડીઓ (સજાવટ માટે) ૩-૪ રાસબરી.
રીત :
એક કપ પાણીમાં ૧ ૧/૨ કપ ખાંડ નાખી ઉકાળો. ખાંડ ઓગળી જાય એટલે તેને કપડાથી ગાળી લઈ સાફ પાણીને ૧/૨ કપ જેટલું રહે ત્યાં સુધી ઉકાળો.
તેમાં રાસબરીનો રસ ઉમેરી ઉકળવા દઈ, ઘટ્ટ મિશ્રણ બનાવો. ત્યારબાદ લીંબુનો રસ ગાળીને ભેળવો તથા ફ્રીઝમાં મૂકી ઠંડો થવા દો. દૂધમાં ખાંડ ઓગાળી ફ્રીઝમાં ઠંડુ થવા મૂકો. ક્રીમને પણ ફીણીને એકદમ મુલાયમ કરી ઠંડુ થવા દો. એક કપ પાણીમાં જિલેટન ઓગાળો. એક તપેલીમાં ઠંડા દૂધમાં રાસબરીનો ઘટ્ટ રસ ભેળવી, તેમાં જિલેટીન નાખો. પછી ક્રીમ ઉમેરી એકરસ કરો. તેમા ંરાસબરીના ટુકડા નાખી આઈસ્ક્રીમ ટ્રે અથવા મોલ્ડમાં ભરી, ટીન ફોઈલથી ફ્રીઝરમાં મૂકી દો, જેથી તે જામી જાય. પીરસતી વખતે આઈસ્ક્રીમ બાઉલમાં થોડી ખાંડ ભભરાવીને આઈસ્ક્રીમ ભરો, તેના પર ગુલાબની ૧-૧ પાંખડી ગોઠવી ઉપર રાસબરીથી સજાવટ કરો.
રસગુલ્લાં ક્રીમ ડિપ
સામગ્રી : ૧ કપ પાઈનેપલ આઈસ્ક્રીમ, ૨ રસગુલ્લાં, ૧ કપ ચોકલેટ સોસ, ૧/૨ કપ ગળ્યું જામેલું ક્રીમ, ૨૫૦ મિ.લિ. કેમ્પા, ૧/૨ કોઈપણ ફળના ટુકડા, ૪-૬ જેમ્સ, ૨ ચોકલેટ બિસ્કિટ.
રીત : રસગુલ્લાંને હાથથી દબાવી તેનો બધો રસ નિતારી લઈ ચાર ટુકડા કરો. ચોકલેટ સોસ, ગળ્યું ક્રીમ અને ફળને ફ્રીઝમાં મૂકી ઠંડા થવા દો.
પીરસતી વખતે ગ્લાસમાં આઈસ્ક્રીમ ભરી તેના પર ફળ,ચોકલેટ સોસનાખો અને ઉપર ગળ્યું ક્રીમ રેડી છેલ્લે ઉપર ચોકલેટ બિસ્કિટ મૂકો.
હવે તેના પર રસગુલ્લાંનો ટુકડો મૂકી, વચમાં ૨-૩ જેમ્સ ગોઠવો. ધીમે ધીમે કેમ્પા રેડી અને તરત જ મહેમાનોને આપો. ઉપર્યુક્ત સામગ્રીમાંથી બે મોટા ગ્લાસ રસગુલ્લાં ક્રીમ ડીપ બનશે.
ઠંડાઈ કુલ્ફી
સામગ્રી :
૧ લિટર તાજું દૂધ, ૫૦ ગ્રામ માવો, ૩ ચમચા મિલ્કમેડ, ૩ ચમચા ખાંડ, ૧ પેકેટ ઠંડાઈ મિશ્રણ, ૩ ચમચી ગુલાબજળ, ૪ નાની એલચી.
ઠંડાઈ પેકેટની સામગ્રી : ૧૦ ગ્રામ ખસખસ, ૨૦ ગ્રામ બદામની કતરણ, ૨૦ ગ્રામ ટેટીનાં બી, ૪ મરી, ૫ ગ્રામ વરિયાળી, ૬ પાંખડી સૂકા ગુલાબની.
રીત :
ઠંડાઈની સામગ્રીને ૧ કપ દૂધમાં ચાર કલાક પલાળી રાખો. ત્યારબાદ તેને ખૂબ વાટીને ઝીણા ગાળી લો. બાકીના વધેલા દૂધને અડધું રહે ત્યાં સુધી ઉકાળો. પછી તેમાં માવો ભભરાવો અને ખાંડ ભેળવો. નાની એલચીને પણ વાટીને તેમાં નાખી દો.
તે ઠંડુ થાય એટલે તેમાં ગાળેલી ઠંડાઈ અને મિલ્કમેડ ઉમેરી એકરસ કરો. તેમાં ગુલાબજળ નાખો.
આ મિશ્રણને મોલ્ડમાં ભરી ફ્રીઝરમાં જામવા માટે મૂકી દો. જામી ગયા બાદ ઠંડાઇ કુલ્ફીનો સ્વાદ માણો.
તરબૂચનું શાક
સામગ્રી : ૨૦૦ ગ્રામ (ખાટું) તરબૂચ, ૧૦૦ ગ્રામ માવો, ૫૦ ગ્રામ પનીર, ૧૦૦ ગ્રામ લીલા વટાણાના દાણા, ૨ લીલાં મરચાંની લાંબી ચીરીઓ, થોડી આદુંની છીણ, ૨ ડુંગળીનાં પતીકાં, ૧ ચમચી હળદર, ૧ ચમચી ધાણાંનો પાઉડર, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૪ ચમચી લાલ મરચું, ૧ ચમચી મીઠું, ૬ લવિંગ, ૫ તમાલપત્ર, ૨ ચમચા ઘી અથવા તેલ, ૧ ચમચી જીરું, થોડી હીંગ, ૧ મોટું લીંબુ.
સજાવટ માટે : ૫૦૦ ગ્રામ પનીર
રીત : અધકચરા પાકેલાં તરબૂચના ઉપરના ગરના મોટાં મોટાં ચોરસ ટુકડા સમારો, તેમાંથી બી કાઢી લો, હાથથી સહેજ દબાવી, થોડો રસ નિતારી લો. કડાઈમાં ૧ ચમચો ઘી ગરમ કરી ટુકડાને શેકી નાખો. પનીરના પણ નાના નાના ટુકડા કરી શેકી નાખો. હવે પ્રેશરકૂકરમાં ૧ ચમચો ઘી ગરમ કરી તેમાં ડુંગળી, લીલાં મરચાં, આદુને સાંતળી, હળદર, હિંગ, જીરું નાખી દો. માવાને પણ હાથથી મસળી તેમાં ભેળવો. ધાણાનો પાઉડર, મરચું અને ગરમ મસાલો પણ નાખો. માવો શેકાઈને લાલ રંગનો ન થાય ત્યાં સુધી મિશ્રણને હલાવતાં રહો. હવે તેમાં વટાણાના દાણા, પનીર શેકેલું તરબૂચ, તમાલપત્ર, શેકેલ લવિંગ, મીઠું વગેરે નાખીને એકગ્લાસ પાણી રેડો. એક સીટી વાગે ત્યાં સુધી રહેવા દો. પછી આંચ પરથી નીચે ઊતારી લઈ તેમાં લીંબુનો રસ ભેળવો. ઘટ્ટ રસાવાળું તરબૂચનું ખાટું-મીઠું શાક તૈયાર છે.
કૂકમ્બર સૂપ
સામગ્રી :
૫૦૦ ગ્રામ તાજી કાકડી, ૧ ચમચો તાજું દહીં, ૧/૨ ચમચી સંચળ, ૧/૪ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરીનો પાઉડર, ૧ ચમચી ફૂદીનાનો પાઉડર, ૧ ચમચી આમચૂર, થોડો લીંબુનો રસ, ૧ ચમચી શેકેલું જીરું, ૧/૪ ચમચી ગરમ મસાલો.
સજાવટ માટે : થોડી કોથમીર, ૫ ગુલાબની પાંખડીઓ
રીત : તાજી કાકડીને ધોઈને સમારી, તેમાં ૧/૪ ચમચી મીઠું નાખી પ્રેશરકૂકરમાં બાફી લો. એક સીટીમાં કાકડી બફાઈ જાય ત્યારે તેને ઠંડી થવા દો. કાકડીના ટુકડાને ખૂબ દબાવી એક તપેલીમાં તેનો રસ કાઢી લઈ, ચાળણીમાં ગાળી લો.
હવે તેમાં ઉપર જણાવેલી સામગ્રી તથા દહીં ભેળવી એકરસ કરો. ઉપર જીરું ભભરાવી દો.
- હિમાની