દાવત : પૌષ્ટિક આહારની મજા લો
પાવર પેક સેલડ
સામગ્રી બોલ્સની : ૧/૨ કપ બાફેલા કોર્ન, ૨-૩ લીલી ડુંગળી, ૨-૩ ચમચી ક્રીમ તાજું, ૧૫૦ ગ્રામ પનીર, ૧-૧ લીલું, પીળું અને લાલ કેપ્સિકમ, ૧ લીલું મરચું, ૨ નાની ચમચી નાળિયેરનું છીણ, મીઠું સ્વાદ પ્રમાણે.
સામગ્રી ડ્રેસિંગની : ૨ નાની ચમચી મધ, ૧ ચપટી કાળાં મરી, ૨ નાની ચમચી લીંબુનો રસ, ૨ નાની ચમચી સફેદ તલ, મીઠું સ્વાદ મુજબ.
સામગ્રી સજાવવા માટે : ૧ કપ તરબૂચ, અનેનાસ, કાકડી, સંતરુ, નેના.
રીત :
બાફેલા કોર્નને કરકરા વાટી લો. પનીરને બરાબર મેશ કરી લો. બધાં કેપ્સિકમને બારીક સમારી લો. લીલાં મરચાં બારીક સમારી લો. લીલી ડુંગળીનાં પાન બારીક સમારી લો. આ બધો એક બાઉલમાં લઈને મીઠું નાખો. જરૂરિયાત પ્રમાણે ક્રીમ નાખો, આ મિશ્રણના નાના-નાના બોલ્સ બનાવી લો. આ તૈયાર બોલ્સને તલમાં રગદોળીને ફ્રિજમાં મૂકી દો. સર્વ કરતી વખતે બધાં ફળોને એકસરખા આકારમાં કાપી લો. ડ્રેસિંગની સામગ્રી મિક્સ કરીને બરાબર મિક્સ કરો અને ફળો પર નાખીને ઠંડું પાડી લો. એક સર્વિંગ ડિશમાં બોલ્સ મૂકો અને આજુબાજુ ફળ સજાવીને ઠંડું ઠંડું પીરસો.
સ્ટફડ પાણીપૂરી
સામગ્રી :
૧/૪ કપ વટાણા બાફેલા, ૧/૪ કપ કોર્ન બાફેલા, ૧ બટાકો બાફેલો, ૧ કપ દહીં, ૧૪-૧૫ પાણીપૂરી, ૧/૨ કપ બારીક સેવ, ૧/૪ કપ મગફળીના દાણા તળેલા, ૧/૪ કપ લીલી ચટણી, ૧/૪ કપ સૂંઠ, ૧/૪ કપ જાડી સેવ, ૧ ચમચી જીરું શેકેલું અને વાટેલું.
બાફેલા વટાણા અને કોર્નને કરકરા વાટી લો.બટાકાને બારીક સમારી લો. તેમાં તળેલા મગફળીના દાણા અને જાડી સેવ મિક્સ કરી લો. દરેક પાણીપૂરીમાં આ તૈયાર મિશ્રણ ભરો. લીલી ચટણી, સૂંઠ અને દહીં ઉપરથી નાખો. જીરું, ઝીણી સેવ નાખીને પીરસો.
જુકીની બોટ
સામગ્રી :
૧ જુકીની મોટી અને લાંબી, ૧ મોટો બટાકો બાફેલો, ૧ ગાજર છીણેલું, ૩ નાની ચમચી પીનટ બટર, ૧ નાની ચમચી ચિલી પેસ્ટ, ૩-૪ નાની ચમચી નાળિયેર દૂધ, ૧ કપ બાફેલા કોર્ન, ૧ કપ ચીઝ ચોરસ કાપેલું, ૧ કાકડી નાની સમારેલી, ૨ ઈંડાંનો સફેદ ભાગ, ૨-૩ નાની ચમચી મગફળીના દાણા શેકેલા અને વાટેલા, ૧ નાની ચમચી કાળાં મરી, ઓલિવ ઓઈલ જરૂર પ્રમાણે. મીઠું સ્વાદ મુજબ.
રીત :
જુકીનીને લંબાઈમાં કાપીને ૨ ભાગ કરી લો. ખોતરીને તેનો ગર અલગ કરી દો. તેને બોટનો આકાર મળી જશે. આ જુકીની બોટને એક ચપટા વાસણમાં મૂકીને ૨-૩ કપ પાણી રેડીને થોડીવાર સુધી રાંધો. જુકીની થોડી નરમ, થોડી સખત થવી જોઈએ. પછી તેને ગરમ પાણીમાંથી કાઢીને ચાળણીમાં મૂકો, જેથી વધારાનું પાણી નીકળી જાય. તેને ૧ કલાક એમ જ રહેવા દો.
એક બાઉલમાં બાફેલો બટાકો મસળી લો. તેમાં કોર્ન, ગાજર અને કાકડી મિક્સ કરી દો. ચીઝ અને ઈંડાંના સફેદ ભાગના નાના ચોરસ ટુકડા કરીને બટાકામાં મિક્સ કરી દો. એક બાઉલમાં નાળિયેર દૂધ, પીનટ બટર, રેડ ચિલી પેસ્ટ, મીઠું અને કાળાં મરી નાખીને બરાબર મિક્સ કરી લો. આ ડ્રેસિંગને બટાકામાં મિક્સ કરી લો અને હળવા હાથથી મિક્સ કરો.
જુકીનીમાં થોડુંક ઓલિવ ઓઈલ અને મીઠું લગાવો અને ૫ મિનિટ ગ્રિલ કરી લો. હવે તેને કાઢીને ઠંડું પાડો. પછી પૂરણ આ બોટમાં ભરો તથા વાટેલી મગફળીના દાણા અને ચીઝથી સજાવીને ઠંડું પાડીને પીરસો.
જુકીની ઈન લેયર
સામગ્રી : ૧ જુકીની મધ્યમ આકારની, ૨૦૦ ગ્રામ પનીર, ૧ કપ કોર્ન, ૧-૧ લીલું, પીળું અને લાલ કેપ્સિકમ, ૨ નાની ચમચી ઓલિવ ઓઈલ, ૨૦૦ ગ્રામ મોઝરેલા ચીઝ, ૧ નાની ચમચી ઓરિગેનો, ૧ નાની ચમચી ચિલી ફ્લેક્સ, ૧ કપ ગ્રેડ ક્રંબ્સ, મીઠું સ્વાદ મુજબ.
રીત : જુકીનીને નાના ચોરસ ટુકડામાં કાપી લો. પનીરને નાના ટુકડામાં કાપીને તળી લો. કોર્ન બાફી લો. લીલા, પીળા અને લાલ કેપ્સિકમના નાના ટુકડા કાપી લો. એક બેકિંગ ડિશમાં થોડું ઓલિવ ઓઈલ લગાવીને ગ્રીસ કરી લો. જુકીનીનું એક લેયર બનાવો. થોડુંક પનીર. કોર્ન અને કેપ્સિકમ પણ નાખો. ઓરિગેનો મીઠું અને ચિલી ફ્લેક્સ ભભરાવો. થોડું છીણેલું મોઝરેલા ચીઝ અને થોડાક બ્રેડ ક્રેંબ્સ નાખો. આ પ્રક્રિયા ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી કે બધી સામગ્રી પૂરી ન થઈ જાય. ઉપરથી થોડુંક ઓલિવ ઓઈલ નાખો અને સૌથી ઉપર થોડુંક ચીઝ નાખીને ૧૬૦ ડિગ્રી પર ગરમ ઓવનમાં ચીઝ સોનેરી થ્યા ત્યાં સુધી બેક કરીને ગરમાગરમ પીરસો.
કૂલકૂલ સેલડ
સામગ્રી :
૧૦૦ ગ્રામ પનીર, ૧-૧ લીલું, પીળું અને લાલ કેપ્સિકમ, ૧ સફરજન મધ્યમ આકારનું, ૪-૫ અનેનાસ સ્ટાઈલ્સ, ૧ કાકડી નાની, ૧ ગાજર નાનું.
ડ્રેસિંગ માટે સામગ્રી : ૧/૪ કપ ક્રીમ ચીઝ, ૨ નાની ચમચી ખાંડ, ૧ નાની ચમચી લીંબુનો રસ, ૩ નાની ચમચી ટોમેટો સોસ, ૧/૪ નાની ચમચી કાળાં મરી, ૧/૪ કપ તાજું ક્રીમ, મીઠું સ્વાદ મુજબ.
રીત :
સૌથી પહેલાં ડ્રેસિંગની તમામ સામગ્રીને મિક્સ કરીને ફ્રિજમાં મૂકી દો. પછી પનીર, બધાં કેપ્સિકમ, કાકડી, ગાજર અને સફરજનને સમાન આકારમાં કાપી લો. અનેનાસને નાના ટુકડામાં કાપી લો. હવે કાપેલી બધી સામગ્રીને એક બાઉલમાં નાખો. ડ્રેસિંગ સામગ્રીને મિક્સ કરીને ટોસ કરો. સર્વિંગ ડિશમાં નાખીને દ્રાક્ષ, અનેનાસ અને સેલડ પાનથી સજાવીને સર્વ કરો.
- હિમાની