દાવત : વિદેશી નાસ્તા-પકવાન મનભરીને માણો
પિયર સ્કોન
સામગ્રી :
૧ નાસપાતી, ૨ કપ મેંદો, ૧ નાની ચમચી બેકિંગ પાઉડર, ૩/૪ કપ માખણ, ૩/૪ કપ બૂરું ખાંડ, ૧/૪ કપ દૂધ, ૧/૪ નાની ચમચી મીઠું.
નાસપાતીને છોલીને ટુકડામાં કાપી લો. મેંદો, મીઠું અને બેકિંગ પાઉડર ચાળી લો. માખણ નાખો અને બૂરું ખાંડ તથા નાસપાતીના ટુકડા ભેળવીને દૂધ નાખીને સોફ્ટ લોટ ગૂંદી લો. હવે તેની આશરે ૧/૪ ઇંચ જાડી અને મોટી રોટલી વણો. તેની પર આશરે ૮ કાપા કાપવા માટે પાડો. દૂધથી બ્રશ કરો અને ઉપરથી બૂરું ખાંડ ભભરાવો. ગ્રીસ કરેલી ટ્રેમાં ૧૮૦ અંશ સેન્ટિગ્રેડ પર ૨૦-૨૫ મિનિટ બેક કરો.
ચીઝી નટ રિસોલ્સ
સામગ્રી :
૧ કપ પનીર, ૨ કપ બ્રેડ ક્રંબ્સ, ૧/૨ નાની ચમચી કાળાં મરી પાઉડર, ૧/૪ કપ મગફળીના ટુકડા, ૧/૪ કપ ચીઝ, ૧ મોટો ચમચો કિસમિસ, ૧/૪ કપ કાજુના ટુકડા, તળવા માટે તેલ, ૧/૨ નાની ચમચી મીઠું.
રીત : મગફળીને શેકીને તેના ટુકડા કરો. પનીર, બ્રેડ ક્રંબ્સ, મીઠું, કાળાં મરી, ગ્રેટ કરેલું ચીઝ, મગફળીના ટુકડા, ક્રિસમિસ અને કાજુ મિક્સ કરો. રોલ્સ બનાવીને ડીપ ફ્રાઈ કરો.
કેક આઈસ્ક્રિમ લોગ
સામગ્રી :
૧ કેક (લોગ), કોઈપણ ૨ આઈસ્ક્રિમ, ૧ મોટો ચમચો જામ, અડધા લીંબુનો રસ, ઈચ્છાનુસારનાં ફળ, ૧ નાની ચમચી કોર્નફ્લેક્સ.
રીત : જામમાં લીંબુનો રસ નાખીને તેને પાતળું ફીણી લો. કે ક લોગને લંબાઈમાં વચ્ચેથી કાપો. બંને બાજુએ જામ લગાવો. નીચેની બાજુ કોેર્નફ્લેક્સ ભભરાવો. આઈસ્ક્રિમ મૂકો. વધેલા ભાગ ઉપર મૂકો. થોડો જામ લગાવો અને ફ્રૂટથી સજાવીને સર્વ કરો.
રાઇસ ચીઝ કેક
સામગ્રી :
૩/૪ કપ ભાત, ૩/૪ કપ છીણેલું ચીઝ, ૧ મોટો ચમચો કોથમીર, ૧ બાફેલું બટાકું, ૧ ડુંગળી, ૧-૨ લીલાં મરચાં, ૧/૨ કપ બ્રેડ ક્રંબ્સ, તળવા માટે તેલ, મીઠું સ્વાદ મુજબ.
બાફેલા બટાટાને છોલીને મેશ કરો. એક બાઉલમાં બારીક સમારેલી ડુંગળી, બાફેલું બટાટા, લીલાં મરચાં, ભાત અને ચીઝ મિક્સ કરો. તેમાં મીઠુ અને કોથમીર નાખો. તેને મનપસંદ આકાર આપો. બ્રેડ ક્રંબ્સમાં લપેટો અને ડીપ ફ્રાઈ કે શેલો ફ્રાઈ કરો.
આલમંડ સુફલે
સામગ્રી : ૧ કપ દૂધ, ૩,૧/૨ નાની ચમચી આરારૂટ (એક ખાદ્ય કંદ) પાઉડર, ૧૫-૨૦ બદામની પેસ્ટ, ૧/૨ કપ ક્રીમ, ૨ મોટી ચમચી ખાંડ, ૧/૨ નાની ચમચી બદામ એસેન્સ, ચપટી કેસર.
રીત : દૂધ ગરમ કરો, તેમાં કેસર, ખાંડ, ક્રિમ, બદામની પેસ્ટ ઉમેરો. આરારૂટ પાઉડરને પાણીમાં ઘોળીને દૂધમાં નાખો. દૂધ ઘટ્ટ થયા પછી આંચ પરથી ઉતારીને ફ્રિજમાં મૂકી ઠંડું થવા દો. બદામના ટુકડાથી સજાવીને પીરસો.
ક્રિસ્પી રોલ્સ ઈન સ્પિનિજ સોસ
સામગ્રી :
૧ કપ મેંદો, ૩ મોટા ચમચા તેલ, ૧/૨ કપ ચીઝ, ૧ બાફેલું બટાટા, ૧ ડુંગળી, ૧ સિમલા મરચું, ૧ લીલું મરચું, ૧ કપ પાલક સમારેલી, ૧ ટમેટું, ૧ ડુંગળી, ૧-૨ કળી લસણ, ૧/૪ કપ ક્રીમ, તળવા માટે તેલ, મીઠું સ્વાદ મુજબ.
રીત :
મેંદો અને મીઠું ચાળીને તેલ નાખીને ગૂંદી લો. તેમાંથી ૨ ઇંચ પહોળી પટ્ટી બનાવો. કુલ્ફી મોલ્ડ પર રોલ કરીને ડીપ ફ્રાઈ કરો. એક બાઉલમાં બાફેલું બટાટાને લો. તેમાં ડુંગળી, લીલું મરચું, સિમલા મરચું અને મીઠું નાખી મિક્સ કરો. તેને રોલ્સમાં ભરીને અલગ મૂકો. પેનમાં તેલ ગરમ કરો. તેમાં લસણ અને ડુંગળી સાંતળો. ટમેટા નાખીને પકાવો. પછી પાલક નાખીને ઢાંકીને પકાવો. બરાબર થઈ જાય પછી પ્યૂરી બનાવો અને ક્રીમ મિક્સ કરો. ડિશમાં રોલ્સ સજાવો. ઉપરથી પાલકનો સોસ નાખો અને ગ્રેટ કરેલા ચીઝથી સજાવીને સર્વ કરો.
- હિમાની