Get The App

દાવત : ઘેરબેઠાં ગરમા ગરમ નાસ્તાની લહેજત માણો

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
દાવત : ઘેરબેઠાં ગરમા ગરમ નાસ્તાની લહેજત માણો 1 - image


સાબુદાણાના વડા

સામગ્રી : 

૫૦૦ ગ્રામ બટાકા, ૨૫૦ ગ્રામ સાબુદાણા, ૨૫૦ ગ્રામ સીંગદાણા, બે બ્રેડના ટુકડા, લીલા મરચાં, લીલી કોથમીર, બે ચમચા ચાટ મસાલા, મીઠું સ્વાદ મુજબનું, તળવા માટે તેલ.

 બટાકા બાફીને છોલી નાખો. પછી મસળીને મૂકી રાખો. સાબુદાણા બે કલાક પહેલાં પાણીમાં પલાળી મૂકી રાખો. સીંગદાણા શેકીને ફોતરા ઉતારી નાખો. એને બારીક વાટી નાખો. બ્રેડ સ્લાઈસ પાણીમાં પલાળી, બહાર કાઢી બટાકામાં મિક્સ કરી દો. પછી મોટા આકારના ગોળ લુવા બનાવી ગરમ તેલમાં તળી લો. અને લીલા મરચાંની ચટણી સાથે ગરમ ગરમ ખાવ અને ખવડાવો. ખાસ કરીને ચોમાસામાં ગરમ ગરમ ખાવાની મજા આવે છે.

મકાઈનું શાક

સામગ્રી : 

એક કિલોગ્રામ મકાઈ ભુઠ્ઠા, તાજા કાચા બે મોટા ચમચા દેશી ઘી, એક ચમચો દળેલું લાલ મરચું, બે-ત્રણ કાપેલી લાલા મરચાં, દસ નંગ અથવા તો મરજી પડે તેમ લસણની કળીઓ, મીઠું સ્વાદ મુજબ, ચપટી હિંગ, અડધો ચમચો જીરું, બે-ત્રણ નંગ વાટેલા લવિંગ, અડધો ચમચો હળદર, ત્રણ ચમચા દળેલું ધાણાજીરું, ૬૦૦ ગ્રામ લીલી કોથમીરના પાન.

મકાઈ ભુઠ્ઠાને સાફ કરીને ભૂકો કરી લો અથવા તો દાણા કાઢીને મિક્ષ્ચરમાં કરકરા વાટી નાખો. પછી કડાઈમાં એક ચમચો ઘી નાખીને એ આછું બદામી થાય ત્યાં સુધી શેકો. એને અલગ કાઢી લો. કડાઈમાં વધેલું ઘી નાંખીને હીંગની ભૂકી, જીરું, લવિંગ તેમજ લીલાં મરચાં નાખો. સહેજ ભૂરું થાય એટલે બીજા મસાલા થોડું પાણી નાખી મેળવી દો. મસાલા રંધાઈ જાય એટલે એમાં બાકીનું પાણી નાખો. પાણી જ્યારે ઉકળવા લાગે ત્યારે શેકેલા મકાઈના કણો એમાં નાખો ને ધીમા તાપે લગભગ અડધો કલાક સુધી પકવો. નીચે ઉતારીને કોથમીરથી સજાવો. 

કેળાંની બરફી

સામગ્રી : 

બે નંગ પાકાં કેળાં, અડધો કપ સૂકાં કોપરાનું છીણ, બે ચમચા ખાંડ, થોડાં શેકેલા તલ, એક મોટો ચમચો ઘી.

 કેળાં છોલીને મસળી નાખો. એમાં ખાંડ તેમજ ટોપરાંની છીણ મેળવો. કડાઈમાં ઘી ગરમ કરીને એમાં પેલું મિશ્રણ નાખી ધીમા તાપે પકવો. જ્યારે મિશ્રણ ગાઢું થઈને ઘી છોડે ત્યારે એમાં તલ મેળવો. પછી આ મિશ્રણ ઘી લગાવેલ પ્લેટમાં નાખો. ઠંડું થાય એટલે બરફી આકારમાં કાપો.

શાહી ખીર

સામગ્રી :

બે કિલો દૂધ, સો ગ્રામ પનીર, ચાર ટુકડા બ્રેડ, પાંચ રત્તી કેસર, પાંચ ઈલાયચી, થોડાક કાતરેલા પિસ્તા, થોડીક કાતરેલી બદામ, ચપટીભર મગજ, બે ટુકડા ચાંદીનો વરખ.

 સહુ પહેલાં દૂધ ઉકાળીને જાડું કરી લો. ઊકળતા દૂધમાં કેસર તેમજ ઈલાયચી નાખો. પનીર તેમજ બ્રેડને છીણી નાખો. સહુ પહેલાં છીણેલી બ્રેડ નાખો. એક ઊભરો આવે એટલે ખાંડ નાખો. ગેસ પરથી ઉતાર્યા પછી સહેજ ઠંડું થાય એટલે એમાં પનીર નાંખો. ખીર ઠંડી થાય એટલે પીરસવાના વાસણમાં નાખી ઉપરથી સજાવટની સામગ્રી છાંટો. ઠંડી ઠંડી ખુશબૂદાર શાહી ખીર ખાવા માટે તૈયાર થઈ ગઈ. સજાવટ માટેના પિસ્તા, બદામની કતરણ, મગજ તેમજ ચાંદીનો વરખ.

ટામેટાની બરફી

સામગ્રી : 

એક કિલો પાકેલા લાલ ટામેટા, ૫૦૦ ગ્રામ ખાંડ, ૫૦૦ ગ્રામ માવો, એક નાની વાટકી દેશી ઘી, એક- એક મોટા ચમચા બારીક કાપેલી બદામ તેમજ પિસ્તા, ત્રણ-તાર નાની ઈલાયચીના વાટેલા દાણા, બે ચાંદીના વરખ.

માવો ગુલાબી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો. ટામેટા કાપીને એક વાટકી પાણીમાં પકવી લો. ગળી જાય એટલે છાલ ઉતારીને હલકા હાથે વાટી નાખો. ધ્યાનમાં રહે કે બિયાં સાથે ન વાટશો. પછી ચાળણી અથવા તો કપડામાં મસળીને ટામેટાનો રસ કાઢો. કડાઈમાં રસ, ઘી તેમજ ખાંડ નાખી હલાવો. મિશ્રણ જ્યારે ખૂબ રંધાઈને ઘટ્ટ બને અને કિનારી છોડવા લાગે એટલે ઈલાયચીનો ભૂકો તેમજ માવો નાખીને સારી રીતે મેળવી લો. થાળીમાં થોડુંક ઘી લગાવીને ઉપર મિશ્રણ પાથરી દો. એની પર પિસ્તા તેમજ બદામ નાખો. વરખ લગાવી દો. ઠંડું થાય એટલે બરફી કાપો.

ચટપટી ધાણી 

સામગ્રી : 

ચાર કપ ધાણી, એક ચમચો હળદર, અડધો ચમચો દળેલું લાલ મરચું, એક ચમચો ચાટ મસાલો, અડધો કપ મગફળીના દાણા, એક મોટો ચમચો તેલ, ચપટી હીંગ અને સ્વાદ મુજબ મીઠું.

એક કડાઈમાં તેલ ગરમ કરો. મગફળીના દાણા શેકીને કાઢી લો. એ તેલમાં જ હીંગનો વઘાર કરો. હળદર અને ધાણી નાખો. ધાણીનો રંગ પીળો થઈ જશે. ધીમા તાપે ત્રણ- ચાર મિનિટ સુધી શેકો. એમાં મગફળીના દાણા, મીઠું, મરચું, ચાટ મસાલો વગેરે મેળવો. આ વાનગી ચટપટી અને સ્વાદિષ્ટ લાગશે.

ખાટા બટાકા

સામગ્રી : બટાકા એક કિલો, દહીં, દોઢ કપ, વાટેલી હળદર એક ચમચો, દળેલું લાલ મરચું એક ચમચો, વાટેલી કોથમીર એક ચમચો, ધાણાજીરું એક નાનો ચમચો, તેલ બે-ત્રણ મોટા ચમચા, ૩-૪ કાપેલા લીલા મરચાં, થોડાંક કોથમીરનાં પાન, મીઠું સ્વાદ મુજબ.

રીત : બટાકાને મીઠાવાળા પાણીમાં બાફી એના બે- બે ટુકડા કરો. એક પ્યાલામાં દહીં, દોઢ કપ પાણી, હળદર, લાલ મરચું, વાટેલી કોથમીર, ધાણાજીરું અને મીઠું મેળવો. કડાઈમાં તેલ ગરમ કરો અને જીરું શેકી લો. પછી આંચ ધીમી કરીને દહીંવાળું મિક્ષ્ચર નાખો અને ત્રણ- ચાર મિનિટ પકવો. એ પછી કોથમીરના પાન, લીલા મરચાં અને બટાકા નાખો અને દસ મિનિટ પકવો. 

- હિમાની


Google NewsGoogle News