Get The App

દાવત : સ્વાદિષ્ટ નાસ્તા અને નોખી વાનગીઓ

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
દાવત : સ્વાદિષ્ટ નાસ્તા અને નોખી વાનગીઓ 1 - image


રસમલાઈ

સામગ્રી : 

૧/૨ લિટર ટોન્ડ મિલ્ક, ૧ ૧/૨ ચમચી લીંબુના ફુલ અથવા ૧/૨ કપ દહીંનું ખાટું પાણી.

રીત : દૂધને ગેસ પર મૂકો. ઊભરો આવી ગયા પછી ગેસ બંધ કરી દો. દૂધને લીંબુના ફૂલ અથવા દહીંના ખાટા પાણીથી ફાડી લો અને ચમચાથી હલાવતા રહો. પાણી અલગ થઈ ગયા પછી મિશ્રણ કપડામાં બાંધીને નિચોવી લો. ઠંડા પાણીમાં નાખી હથેળીથી દબાવીને બધું પાણી કાઢી લો. બીજા વાસણમાં છ કપ પાણીમાં ત્રણ કપ ખાંડ નાખી ગરમ કરો. 

પનીરને એક વાસણમાં પાંચ મિનિટ એટલે કે પનીર એકરસ ન થઈ જાય ત્યાં સુધી મસળો. આ એકરસ થયેલું મિશ્રણ ૧૨ બરાબર ભાગમાં વહેંચી પેંડા બનાવો. હથેળીથી થોડા ચપટા પેંડા બનાવી ખાંડના ઊકળતા પાણીમાં નાખો. દસ મિનિટ સુધી ઢાંકીને રંધાવા દો અને દસ મિનિટ ખુલ્લું રાખી રાંધો. પછી ઠંડુ થવા દો.

રબડીની સામગ્રી : ૧ લિટર દૂધ, ૨ ચમચી ખાંડ, ૨ બ્રેડની સ્લાઈસ, ૪ ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક, થોડું કેસર, સજાવટ માટે પિસ્તા.

રીત : જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ગરમ કરો. બ્રેડનો ભૂકો મિક્સ કરો. દૂધ ત્યાં સુધી ઉકાળો  જ્યાં સુધી એ ઘટ્ટ ન થઈ જાય. એમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને ખાંડ મિક્સ કરો. પાંચ મિનટ ઉકળવા દો પછી ઠંડુ થવા દો. રસમલાઈના તૈયાર પીસ સિરપમાંથી કાઢી રબડીમાં નાખો. કેસર અને પિસ્તાથી સજાવીને ઠંડુ થવા દો.

સૈમોલીના પોટેટો ક્રંચ મંચ

સામગ્રી : 

૧ કપ સોજી, ૧ મધ્યમ ડુંગળી સમારેલી, ૨ સમારેલાં લીલાં મરચાં, ૧ ચમચી રાઈ, ૧ ચમચો કાજુના ટુકડા, ૧ ચમચો કિસમિસ, ૨ મોટા કદનાં બાફેલાં બટાકાં, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી આમચૂર પાઉડર, ૧ ચમચી ચાટ મસાલો, ૧ ચમચો તેલ, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે પૂરતું તેલ.

પેનમાં એક ચમચો તેલ નાખી રાઈનો વઘાર કરો. સમારેલી ડુંગળી અને લીલાં મરચાં નાખી સાંતળી લો. સોજી નાખો અને ધીમા તાપે સોજી ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં દોઢ કપ પાણી રેડી ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો.

બટાકાને મસળીને એમાં બધા મસાલા મિક્સ કરી લો. સોજીના મિશ્રણમાંથી લીંબુ જેટલા આકારના લૂઆ બનાવો. તેમાં વચ્ચે ખાડો કરી બટાકાનું મિશ્રણ ભરો.

પછી સારી રીતે બંધ કરી એને કટલેટનો આકાર આપી તળી લો. આમલીની ખટમીઠી ચટણી સાથે પીરસો.

બેસનના ખાખરા

રોટલીઓને તડકામાં બરાબર સૂકવી દો. વેસણમાં સ્વાદ મુજબ મીઠું, લાલમરચું અને એક- બે ચમચી તેલ મિક્સ કરી પાણી નાખી પાતળું ખીરું બનાવી લો. આ ખીરું જે રોટલી પર સારી રીતે પાથરી શકાય એવું હોવું જોઈએ. પછી સુકાયેલી રોટલીને સ્વચ્છ કપડાં વડે લૂછી ખીરમાં બોળી ગરમ તેલમાં તળી લો. આ ખાખરા તમે અથાણું, દહીં અને સોસ સાથે પીરસી શકો છો.

 થ્રી ઈન- વન ભજિયાં સ્ટિકસ

સામગ્રી : 

મોટા કદનાં બટાકાં ૨ નંગ, ૨ મોટા કેપ્સિકમ, ૧૦૦ ગ્રામ પનીર, ૧ ચમચો ચાટ મસાલો, ૧/૨ કપ મલાઈ, ૧ કપ ચણાનો લોટ, ૧/૨ કપ ચોખાનો લોટ, ૧ ચમચી હળદર પાઉડર, ૧ ચમચી આમચૂર પાઉડર, ૧ ચમચી મરચું, ૧ ચમચી અજમો, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે પૂરતું તેલ.

 ચણાના લોટ અને ચોખાના લોટમાં બધા મસાલા નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. બટાકો, પનીર અને કેપ્સિકમના એક સરખા ટુકડા કરો. મલાઈમાં ચાટ મસાલો મિક્સ કરી લો. પહેલાં બટાકાના પીસ પર ચાટ મસાલો લગાવો. એના પર કેપ્સિકમ મૂકો. ફરી ચાટ મસાલો લગાવો. એના પર પનીરનો ટુકડો મૂકો. ઘટ્ટ ખીરામાં બોળી ધીમા તાપે કડક થાય ત્યાં સુધી તળી લો. નેપ્કિન પેપર પર કાઢી પાતળી સ્ટિક કાપીને સર્વ કરો.

સાગો કટલેટ

સામગ્રી : ૧૦૦ ગ્રામ સાબુદાણા, ૨૫૦ ગ્રામ બાફેલાં બટાકાં, ૨ બ્રેડ સ્લાઈસ, ૪ લીલાં મરચાં, ૪ ચમચા સમારેલી કોથમીર, ૧ ચમચી ઝીણું સમારેલું આદું, ૮-૧૦ ઝીણી સમારેલી કિસમિસ, ૧ લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ તળવા માટે પૂરતું તેલ.

રીત : સાબુદાણા ધોઈને થોડા પાણીમાં પતાળી રાખો. સાબુદાણા ફૂલી જાય પછી એક ગ્લાસ પાણી નાખી તેને રાંધવા મૂકો. સાબુદાણા બરાબર ચઢી ગયા પછી તેને ગેસ પરથી નીચે ઉતારી લો. બટાકાં  છોલી મસળી કાઢો. બ્રેડની સ્લાઈસ દૂધમાં પલાળી એમાં મિક્સ કરી દો. સમારેલાં લીલાં મરચાં, કોથમીર, આદુ, કિસમિસ, લીંબુનો રસ અને મીઠું સારી રીતે મિક્સ કરો.

તૈયાર મિશ્રણમાંથી ઈચ્છાનુસાર આકારની કટલેટ બનાવો. દરેક કટલેટ સાબુદાણાના ખીરામાં બોળી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. કોઈપણ ચટણી સાથે પીરસો.

ખાખરાની ભેળપુરી

આ તળેલી રોટલીઓમાંથી તમે પૌષ્ટિક ભેળપુરી પણ બનાવી શકો છો. રોટલીઓના નાના ટુકડા કરી લો. તેમાં બાફેલાં બટાકાં, ફણગાવેલા મઠ અથવા ચણા, થોડા સમારેલાં લીલાં મરચાં, સમારેલી ડુંગળી તથા સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું, લીંબુ તથા આમલીની ગળી ચટણી મિક્સ કરી ચટાકેદાર અને સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કરી શકો છો.

- હિમાની


Google NewsGoogle News