Get The App

દાવત : તહેવારોની ઉજવણી ફરાળી વાનગીઓની સંગે

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
દાવત : તહેવારોની ઉજવણી ફરાળી વાનગીઓની સંગે 1 - image


શ્રાવણ મહિનો એટલે તહેવારોની ઉજવણીનો મહિનો. આ મહિનામાં નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, ગોકુળ જન્માષ્ટમી રક્ષાબંધન જેવા અનેક ધાર્મિક તહેવારો આવે છે અને ધાર્મિક તહેવારો એટલે પૂજાપાઠ અને ઉપવાસના દિવસો ખરુંને?

ઉપરાંત જૈનોના પર્યુષણના શુભ દિવસો પણ આ મહિનામાં જ આવે છે ત્યારે જૈનો પણ ઉપવાસ કરે છે અને ધાર્મિક વૃત્તિ કેળવે છે. ત્યારે ચાલો તમને થોડી ફરાળી વાનગીઓ ચખાડીએ.

કંદનો હલવો

સામગ્રી : 

૫૦૦ ગ્રામ કંદ, ૪૦૦ ગ્રામ માવો, ૪૦૦ ગ્રામ ઘી, ૪૦૦ ગ્રામ ખાંડ, એલચી- ચારોળી- વરખ, એસેન્સ તથા પીળો કલર.

 કંદને બાફીને તેનો માવો બનાવવો. પછી તેમાં માવો ભેગો કરીને ઘીમાં શેકવો. ગુલાબી રંગનો થાય ત્યારે તેમાં ખાંડ નાંખવી તે પાછું હલાવવું. ઘી છૂટું પડે ત્યારે ઉતારી તેમાં કલર તથા એસેન્સ નાખવું ને હલાવીને થાળીમાં ઠારીને બાકીનો મસાલો ઉપરથી ભભરાવી વરખ લગાડવો. માવો શેકતી વખતે તાપ ખૂબ ધીમો રાખવો.

ફરાળી ખમણ ઢોકળા

સામગ્રી :

 ૫૦૦ ગ્રામ શીંગદાણા, ૪૦૦ ગ્રામ મોરિયો, પ્રમાણસર મીઠું, ૫૦ ગ્રામ લીલાં મરચાં, ૨૫૦ ગ્રામ ખાટું દહીં, ૫૦ ગ્રામ કોપરાનું ઝીણ, ૩૦૦ ગ્રામ તેલ, મરીના થોડા દાણા, ૦। ચમચી સોડા-બાઇ કાર્બ.

 શીંગદાણા, શેકી, ફોતરાં કાઢી પાણીમાં પલાળી દેવા. બીજે દિવસે પાણી કાઢી ક્રશ કરવા. મોરિયામાં મોણ નાખી તેમાં વાટેલા શીંગદાણા, વાટેલા આદુ- મરચાં, અધ-કચરા વાટેલા મરી, મીઠું, દહીં, તથા સોડા-બાય-કાર્બ નાખી હલાવી, ૭થી ૯ કલાક રહેવા દો. આથો આવી ગયા બાદ તેનાં ઢોકળા કરવા. બધા જ ઢોકળા થઇ જાય પછી કાપા પાડી ઉપર જીરૂ તથા આખા મરચાનો વઘાર કરવો. કોપરાનું ઝીણ ભભરાવવું.

આ રીતે શીંગોડાના લોટના પણ ઢોકળાં થાય છે.

કાજુ અને કોપરાની કાતરી

સામગ્રી : 

મોટું અડધુ નાળિયેર, ૦।। કપ કાજુ, ૦।। કપ ખાંડ, એલચી ૧ ચમચો, ઘી, ૦।। કપ પાણી.

નાળિયેર અને કાજુ ઝીમાં વાટો. પછી ચાસણી બનાવો. ચાસણી બરાબર થઇ જાય એટલે તેમાં વાટેલાં નાળિયેર ને કાજુ નાખો ને પછી ધીમે તાપે થવા દો ને હલાવો. ઘટ્ટ થાય ત્યારે તેમાં ઘી નાખીને હલાવતા રહો. જ્યારે વાસણમાં મિશ્રણ ચોંટે નહિ ત્યારે એલચી નાખીને ઉતારી લો ને હલાવીને થાળીમાં પાથરી દો. પાથર્યા પહેલાં થાળીમાં ઘી લગાડો ને ઠરી જાય ત્યારે ચોસલા પાડો.

કાજુ બટન

સામગ્રી : ૨૫ ગ્રામ આખા કાજુ, અડધો કપ લોટ, અડધો કપ ખાંડ (દળેલી) એક ચમચી ખસખસ, ચપટી મીઠું અને તળવા માટે તેલ.

રીત : કાજુને શેકો, બે ચમચી તેલને ગરમ કરી લોટમાં નાખો. મીઠું અને સાકર ભેળવી લોટ બાંધો, લોટના ૨૫ નાના લૂઆ કરી દરેકમાં એક એક કાજુ મૂકી, સહેજ ચપટા ગોળા વાળો. ખસખસમાં રગદોળી બદામી રંગના થાય ત્યાં સુધી તેલમાં તળો. કાજુ બટન તૈયાર થઇ જશે.

કાજુ ભાત

સામગ્રી : બે કપ ચોખા (રાંધેલા), ૩ ચમચી શેકેલા કાજુનો ભૂકો, બે ચમચી ખમણેલું કોપરું, સ્વાદ પ્રમાણે મીઠું, વઘાર માટે ૦। ચમચી રાઇ, ૨ લાલ મરચાં, ચપટી હિંગ, હળદર, કોથમીર, બે ચમચી તેલ.

રીત : છૂટા દાણાવાળો ભાત રાંધવો. તેમાં ઉપર જણાવેલી સામગ્રી સાથે વઘાર કરવો. બાકીની સામગ્રી ઉમેરવી. કોથમીર ભભરાવવી. દહીં સાથે પીરસો.

માવાની ચોકલેટ

 સામગ્રી : 

૩ ઔંસ બદામ, ૦।। શેર માવો, ૦।। લિટર દૂધ, ૦।। શેર ખાંડ, વેનિલા એસેન્સ.

બદામને બાફીને છોલીને પીસી નાખવી. પછી એક તપેલીમાં માવો, દૂધ, ખાંડ તથા પીસેલી બદામ નાખીને ગરમ મૂકવું. તે હલાવ્યા કરવું. ગોળા વળે એવું ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમે તાપે થવા દેવું. થઇ રહે એટલે એક ચમચો વેનિલાનું એસેન્સ નાખી ઉતારી લેવું ને એક થાળીમાં માખણ લગાડી પાથરી દેવું. ઠંડુ પડે ત્યારે નાના ટુકડા કરવા.

કાજુ કરી

સામગ્રી : ૪૦૦ ગ્રામ કાજુ, બે કપ ટમેટાનો રસો. એક કપ બાફેલા બટેટાના ટુકડા, બે ચમચી ઝીણા સમારેલા કાંદા, એક ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં, ચપટી હિંગ, અડધી ચમચી જીરૂ, પા ચમચી હળદર, ગોળ અને મીઠું (સ્વાદ મુજબ), કોથમીર, ૧ ચમચી તેલ.

રીત : કાજુના દસ-બાર ટુકડા બાજુ પર રહેવા દઇને બાકીના ગરમ પાણીમાં પલાળી તેની કરકરી પેસ્ટ બનાવો. તેલ ગરમ કરી તેમાં હિંગ, જીરુ, હળદર, લીલા મરચાં અને કાજુ નાખો. 

કાજુ ગુલાબી રંગના થાય એટલે તે મિશ્રણને ટમેટાંના રસામાં ભેળવી દો. તેમાં બાફેલા બટેટાના ટુકડા, મીઠું અને ગોળ નાખી. થોડી મિનિટો મિશ્રણને ઉકાળી આંચ પરથી ઉતારી, કોથમીર ભભરાવી, ગરમાગરમ પીરસો.

મગફળીના વડા

સામગ્રી : એક કપ મગફળી, અડધો કપ ચણાદાળ, થોડાં આદુ મરચાં, કોથમીર, આદુનો નાનો ટુકડો, ચપટી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને તળવા માટે તેલ.

રીત : દાળ અને મગફળીને પાણીમાં ચાર કલાક પલાળવી. તે પછી પાણીમાં ફરી ધોઇ, તેમાંથી પાણી કાઢી નાખવું. બાકીના મસાલા સાથે કરકરુ દળવું. ખીરું હાથમાં લઇ, હથેળીમાં થપથપાવી વડા કરી તળવા. ગરમાગરમ નારિયેળની ચટની સાથે પીરસો.

- હિમાની


Google NewsGoogle News