Get The App

દાવત : અથાણા ટેસ્ટફુલ બારેમાસ રહો ચીયરફુલ

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
દાવત : અથાણા ટેસ્ટફુલ બારેમાસ રહો ચીયરફુલ 1 - image


ગાજરનું અથાણું (રાઇવાળું)

સામગ્રી: 

૧ કિલો ગાજર, ૧૦૦ ગ્રામ રાઇનાં કુરિયાં, ૫૦ ગ્રામ મીઠું, ૧ ચમચો હળદર, ૧૦૦ ગ્રામ તેલ, ૩ લીંબુ, ૦। ચમચી હિંગ.

રીત : 

ગાજરને પાણીથી ધોઇ, તેના ફાડિયા કરવા અને તેની વચ્ચેનો ભાગ કાઢી નાખવો. પછી તેના નાના, લાંબા અને પાતળા કકડા કરવા. તેમાં મીઠું અને હળદર નાખીને બરાબર ચોળવા. એક રાત બરણીમાં રાખી મૂકવા. બીજે દિવસે તેને કાઢીને કપડા ઉપર ઘરમાં જ એક દિવસ સૂકવવા.

એક તપેલીમાં રાઇના કુરિયાં મૂકી તેની વચ્ચે મૂકવી. તેલ ગરમ કરીને તેમાં રેડીને વઘાર કરવો. કુરિયા ઠરી જાય ત્યારબાદ તેમાં મીઠું, હળદર અને લીંબુનો રસ નાખી ભેળવવું. પછી તેમાં ગાજરના કકડા નાખી, બરાબર ચોળીને બરણીમાં ભરી લેવા. બીજા દિવસથી ખાવાના ઉપયોગમાં લેવા.

તમે કદી આખી મેથી-કેરીનું અથાણું, બોરનું ગળ્યું અથાણું, બોરનું વઘારેલું અથાણું કે ગાજર- ફ્લાવર વગેરે અથાણાંનો સ્વાદ ચાખ્યો છે. અહીં આવા જાતજાતના અથાણાંની રસપ્રદ માહિતી આપવામાં આવી છે.

ગાજર ફ્લાવરનું અથાણું

સામગ્રી: ૫૦૦ ગ્રામ ગાજર, ૫૦૦ ગ્રામ ફ્લાવર, ડુંગળી ૫૦ ગ્રામ, આદુ ૨૦ ગ્રામ, મીઠું ૧૧૦ ગ્રામ, મરચું ૨૦ ગ્રામ, ખાંડેલી રાઇ ૨૦ ગ્રામ, ગોળ ૧૨૫ ગ્રામ, આંબલી ૫૦ ગ્રામ, ગરમ મસાલા મરી, તજ, લવિંગ, જીરું, ઇલાયચી ૨૦ ગ્રામ, તેલ ૨૦૦ ગ્રામ.

રીત: ગાજર ફ્લાવરને બરાબર ધોઇને છોલી નાખવા. ફ્લાવરના પાન કાઢી નાખવા. બન્નેને જુદા જુદા કપડામાં લપેટી ગાજરને આઠ મિનિટ અને ફ્લાવરને પાંચ મિનિટ ગરમ પાણીમાં ઉકાળો, પછી તરત જ ઠંડા પાણીમાં નાખી ઠંડા કરી નાખો. જેથી જોઇએ તેના કરતાં વધુ ચઢી ન જાય. ગરમ મસાલાને તેલમાં શેકવો. કાંદા, આદુના ટુકડા કરી મેળવો. આ બધાને બે દિવસ સુધી બબ્બે કલાક તડકામાં રાખો. ત્રીજા દિવસે ગોળ અને આમલીનું પાણી મેળવો. આ મિશ્રણને ત્રણ દિવસ તડકામાં રાખો. બરોબર થઇ જાય પછી તેલ રેડો. આ રીતે ગાજર- ફ્લાવરનું અથાણું તૈયાર થાય છે.

બોરનું અથાણું (ગોળવાળું)

સામગ્રી: 

૫૦૦ ગ્રામ મોટા અને ખાટા બોર, ૧૦૦ ગ્રામ ગોળ, ૫૦ ગ્રામ રાઇનાં કુરિયાં, ૫૦ ગ્રામ મીઠું, એક ચમચી હળદર, એક ચમચો મરચું, ૧૦૦ ગ્રામ તેલ.

રીત : 

બોરનાં ચીરિયાં કરી, ઠળિયા કાઢી તેમાં ૨૫ ગ્રામ મીઠું નાખીને મસળવા. એક રાત બરણીમાં ભરી રાખવા. બીજે દિવસે તે બહાર કાઢીને કપડાં ઉપર કોરાં કરવાં. રાઇનાં કુરિયાને અધકચરાં ખાંડવાં. ગોળને બારીક છીણવો. બન્ને ભેગા કરી તેમાં મીઠું, હળદર, મરચું અને તેલ નાખીને ખૂબ મસળવું. આ મસાલામાં બોરનાં ચીરિયાં નાખી બરાબર હલાવીને બરણીમાં ભરી લેવું. બે દિવસ પછી આ અથાણું ખાવાના ઉપયોગમાં લેવું.

આખી મેથી-કેરીનું અથાણું

સામગ્રી:

 ૫૦૦ ગ્રામ કેરી, ૨૦૦ ગ્રામ મેથી, ૧૫૦ ગ્રામ રાઇના કુરિયા, ૫૦ ગ્રામ મેથીના કુરિયાં, ૨૦૦ ગ્રામ મીઠું, ૨૦૦ ગ્રામ તેલ, ૦। ચમચી હિંગ, ૧૦૦ ગ્રામ મરચું, એક ચમચી હળદર. 

રીત : 

કેરીના નાના કટકા કરી તેમાં હળદર અને મીઠું મેળવીને એક રાત બરણીમાં ભરી રાખવા, બીજે દિવસે સવારે કેરીના કટકાને કપડાં ઉપર કાઢીને સાંજ સુધી ઘરમાં જ સૂકવવા.

ખાટી કેરી કે ગુંદા માટેનો મસાલો તૈયાર કરીએ તે રીતે સંભાર તૈયાર કરવો. મેથીને ખાટા પાણીમાં ચારેક કલાક પલાળી રાખવી. ત્યાર પછી કપડાં પર પહોળી કરીને સૂકવી દેવી. કેરી તથા મેથી કોરી પડી જાય એટલે તેને મસાલામાં ભેળવીને બરણીમાં ભરી લેવા. ત્રીજે દિવસે અથાણું હલાવીને તેમાં કેરી ડૂબે તેટલું તેલ રેડવું. આઠ દિવસ બાદ ખાવાના ઉપયોગમાં લેવું.

કેરીનો છુંદો

સામગ્રી: અઢી કિલો કેરી, ૧।। કિલો ખાંડ, મીઠું, મરચું, જીરું, હળદર જોઇતા પ્રમાણમાં

રીત: કેરીને છોલી નાખવી અને પછીથી ખમણી નાખવી. છીણમાં મીઠું, હળદર નાખી થોડીવાર રહેવા દેવું. પછીથી થોડુંક નીચોવી નાખવું. પાણી કાઢી નાખવાથી ખટાશ ઓછી થશે. તે છીણમાં ખાંડ નાખવી. મરચા વડે ખૂબ હલાવવું. એક તપેલામાં આ તૈયાર કરેલું છીણ મૂકવું. આ છીણ આખી રાત રાખવું. સવારના તપેલા ઉપર સફેદ ઝીણો કટકો બાંધવો. પછીથી તેને તડકે મૂકી રાખવું. ચાર દિવસમાં છૂંદો તૈયાર થાય છે. છૂંદો તૈયાર થયા પછીથી તેમાં મરચું ભેળવવું. જીરૃં વાટીને નાખવું.

બોરનું અથાણું (વઘારેલું)

સામગ્રી: ૫૦૦ ગ્રામ મોટા બોર, ૨૫૦ ગ્રામ ગોળ, માફકસર તેલ, સૂકા મરચાં, થોડી રાઇ અને મેથી, હિંગ.

રીત: બોરના ફાડિયાં કરીને ઠળિયાં કાઢી નાખવા. બે ચમચા તેલ ગરમ મૂકી તેમાં સૂકા મરચાં, રાઇ, મેથી અને હિંગ નાખીને બોર વઘારવાં. તેમાં પ્રમાણસર મીઠું, હળદર અને મરચું નાખવું. પછી ગોળને છીણીને તેમાં નાખવો. બરાબર ઘટ્ટ અને એકરસ થઇ જાય એટલે ચૂલા પરતી ઉતારી લેવું.  

આમળાનો મુરબ્બો

સામગ્રી: ૨૫૦ ગ્રામ આમળા, ૫૦૦ ગ્રામ ખાંડ, કેશર, તજ, લવિંગ, ઇલાયચી પ્રમાણસર.

રીત: આમળાને સોઇથી વિંધી, ધોઇ નાખી ત્યારબાદ તેને બાફવા. વરાળથી બફાયા બાદ ચાસણી બે તારની કરવી. તેમાં આંબળા નાખવા, પાણી બધુ જ બળી જાય ત્યારે તેમાં નીચે ઉતારીને કેશર, લવિંગ, તજ, ઇલાયચી વગેરે નાખવા. 

કાકડીના ખારિયા

સામગ્રી: પાંચ કિલો કાકડી, ૫૦૦ ગ્રામ મીઠું, ૫૦૦ ગ્રામ દળેલી રાઇ, ૧ ચમચી હળદર, ૫૦૦ ગ્રામ તેલ, ગોળ ૧ કિલો.

રીત: કાકડીના ટુકડા કરી મીઠું નાખી દેવું. બે દિવસ કાકડીના કકડાને મીઠાના પાણીમાં રહેવા દઇ ત્રીજે દિવસે તડકામાં સૂકવવા. સાંજે દળેલી રાઇ, ગોળ, હળદર, તેલ એ બધાંને સારી રીતે ફીણી કાકડીને રગદોળવા અને બરણઈમાં ભરી દેવા.

બોળ ગુંદા

સામગ્રી:

 ૧ કિલો મોટાં અને તાજાં ગુંદાના ઝુમખાં, આશરે બે લીટર કેરીનું ખાટું પાણી, ૧૦૦ ગ્રામ મીઠું.

રીત: ગુંદાના ઝુમખાને કેરીના પાણીમાં નાખવા સાથે મીઠું પણ નાખવું. ગુંદા ડૂબેલાં જ રહે તેનું ધ્યાન રાખવું. પંદરેક પછી ગુંદા પર કરચલીઓ પડી જશે ત્યારે તે ખાવાના ઉપયોગમાં લેવાં. આ રીતે ગુવાર, લીલા મરચાં વગેરે પણ ખાટા પાણીમાં નાખીને તેનું અથાણું બનાવી શકાય છે. 

- હિમાની

Tags :