દાવત : નાસ્તા માટે ચટપટી વાનગી .
ચોકલેટ ટોપિંગ બોલ્સ
સામગ્રી
૨ લીટર જાડું દૂધ, ૨ મોટા ચમચા ઝીણા ખમણેલા કાજુ, ૨ મોટા ચમચા નાળિયેરનું ખમણ.૪૦ ગ્રામ કેડબરી મિલ્ક ચોકલેટ, ૨ ચમચા પીસેલી ખાંડ, ૧/૨ ચમચી બેકીંગ પાવડર, ૧/૪ વેનિલા એસેન્સ, આખા કાજુ નંગ ૧૦થી ૧૨.
રીત
દૂધ ઊકળે એટલે લીંબુ નાખી દૂધ ફાડીને એનું પનીર બનાવવું, પનીર એકદમ સફેદ થઈ જાય ત્યાં સુધી મસળવું. તેમાં પીસેલી ખાંડ વેનિલા એસેન્સ, બેકિંગ પાવડર નાખીને ફરી મસળવું.
મિલ્ક ચોેકલેટને છીણી લેવી, કાજુને માખણમાં તળી લેવા. કાજુ, ચોકલેટ, નાળિયેરના છીણમાં બે ચમચા મિલ્કમેડ નાખીને એનું મિશ્રણ તૈયાર કરવું.
પનીરના ૧૦ થી ૧૨ ટુકડા કરવા દરેક ટુકડાને હાથથી થેપી તેમાં પેલું છીણેલું મિશ્રણનું પુરણ ભરી એના બોલ્સ બનાવવા તૈયાર થયેલા બોલ્સને નાળિયેરના ખમણમાં રગદોળવા અને બેકિંગ ટ્રેમાં ઘીવાળો હાથ લગાવી તેમાં ગોઠવી દેવા પછી પહેલેથી ગરમ કરેલા ઓવનમાં ૧૮૦ ડિગ્રી સે.ગ્રેડ ઉપર બેક કરવા મૂકવા.
બેકિંગ ટ્રેમાંથી કાઢ્યા બાદ પ્લેટમાં ગોઠવી બધા જ બોલ્સ ઢંકાઈ જાય એ રીતે એની ઉપર ચોકલેટ સોેસ રેડો.
પછી દરેક બોલ ઉપર એક કાજુ ઊભો મૂકી ફ્રીઝમાં ડીશ મૂકી દો. ઠંડા થયે ચોકલેટ જામી જશે.
પછી જમવામાં પીરસો. ચોકલેટ સોસની રીત : મિલ્કમેડ કોકો પાવડર અને માખણને એક તપેલીમાં ભેગા કરી ધીમા તાપે ગરમ કરો. ચમચાથી હલાવતા રહો જાડુ થાય એટલે ઉતારી લો.
બ્રેડમિનાર
સામગ્રી
૧ મોટી સાઈઝની સ્લાઈસ બ્રેડ ૧૦૦ ગ્રામ કોબીજ, ૧૦૦ ગ્રામ ફ્લાવર, ૧૦૦ ગ્રામ બટાકા, ૧૦૦ ગ્રામ ફણગાવેલા મગ, ૧૦૦ ગ્રામ મધ્યમ સાઈઝના બીટ, ૧૦૦ ગ્રામ ગાજર, આદું, મરચાં, કોથમીર, ગરમ મસાલો, લીંબુ, મીઠું સાધારણ ખારી છાશ, તેલ, રાઈ, હિંગ.
રીત : ગાજર-બીટમાંથી ગાજર-બીટ આખા રાખો. બાકીના શાકને બારીક સુધારો, વટાણા, ગાજર, બીટ, મગ વગેરેને વરાળથી અધકચરા બાફો, થોડા બાફેલા વટાણા કાઢી લો. બાકી વટાણા મગનોે છૂંદો કરો પછી એને બધાં શાકમાં ભેળવી દો. (કોબીજ, ફ્લાવર, બટાકા વગેરેને પણ બાફવાના છે)
એક પેણીમાં થોડું તેલ મૂકી એ થવા આવે એટલે રાઈ હિંગનો એ શાકમાં વઘાર કરો, બધો મસાલો, મીઠું, કોથમીર, મરચાં, ગરમ મસાલો, લીંબુ નાખી અને બરોબર હલાવો.
હવે બ્રેડની આજુબાજુની કિનારી કાઢી નાખી, મીઠાવાળી છાશમાં એક એક સ્લાઈસ બોેળી તરત જ કાઢી લઈ હથેળીમાં દબાવી વધારાની છાશ નીકળી જાય એટલે પેલું પુરણ એની ઉપર પાથરી ગોળ રોલ વાળી દો. પછી એવાં બધાં રોેલ કુકરમાં મૂકી એક જ સીટી વાગે ત્યાં સુધી વરાળથી બાફો બહાર કાઢી ઠરે એટલે બે ટુકડા કરો.
આખા બાફેલા બીટ-ગાજરના ગોળ ગોળ પાતળા પીસ કરો.
રવા- પૌંઆના ઢોકળાં
સામગ્રી
અડધો કિલો રવો, પા કિલો પૌંઆ, એક ચમચો લસણ, આદું, મરચાં, કોથમીરની પેસ્ટ, સાજીનાં ફૂલ, થાળીમાં લગાવવા માટે તેલ અને પ્રમાણસર મીઠું.
રીત
રવો અને પૌંઆને મિક્સ કરી ખીરુ બનાવવું. અડધો કલાક પલળવા દેવું. ત્યારબાદ એમાં મીઠું, આદુ, મરચાં,લસણ, કોથમીરની પેસ્ટ અને એક ચમચી સાકર તથા અડધી ચમચી સાજીના ફૂલ નાખી ખીરુ બરાબર હલાવી લેવું. થાળીમાં તેલ લગાવી ખીરુ પાથરી ઢોકળાં બાફવા મૂકવા. દસ મિનિટ પછી તૈયાર થયેલાં ઢોકળાંવાળી થાળી ઉપર રાઈનો વઘાર પાથરી તલ, કોથમીર અને કોપરાનું ખમણ છાંટવા. લીલી ચટણી અથવા ટામેટાંના સોસ સાથે સર્વ કરવાં.
સોહાગ સૂંઠ
સામગ્રી
૧/૪ કિલો ખાંડેલી સૂંઠ, ૩થી ૪ લીટર દૂધ, ૧૦૦ ગ્રામ કાટલુ ૧૦૦ ગ્રામ પીપરામૂળ ખાંડેલા, ૧/૨ તોલો કેશર, ૧ ચમચી બરાસ, ૧ ચમચી અંબર, ૧ ગ્રામ કસ્તુરી, પાંચ વાટકી સાકર, ઘી બે વાટકી, ચાંદીનો વરખ.
અડધા દૂધનો ફાસ્ટ ગેસ પર માવો બનાવવો. હલાવતાં રહેવું. માવો થઈ જાય એટલે ઉતારી લો. બીજા દૂધમાં સૂંઠ નાખી ગેસ પર મૂકો. હલાવતાં રહો, જો ચોંટે એવું લાગે તો થોડું ઘી નાખો, હલાવો, અને લચકા પડતું થવા આવે એટલે ઘી મૂકીને બન્ને માવા ગુલાબી રંગના શેકવા. પછી મોટા તવામાં સાકર નાખી સાકર ડૂબે એટલું પાણી નાખી હલાવો. દૂધ જરાક નાખી મેલ કાઢી લો. ગાળીને ફરીથી ગેસ પર મૂકી, ગોળી વળે એવી કડક ચાસણી થાય એટલે બન્ને માવા તેમાં નાખો, કાટલું પણ ઘીમાં મોહીને નાખો, અને તેમાં પીપરામૂળ પણ નાખો. હલાવો અને લચકા પડતું થાય એટલે ઠારી દો, તેને ઠારતાં પહેલાં કેશર ઓગાળીને, અંબર, કસ્તુરી, બરાસ, એલચી બધું નાખો, હલાવીને પછી ઠારજો. ઉપર રીયલ ચાંદીના વરખ લગાડવા.
બ્રેડ સ્વીટ પાતરાં
સામગ્રી
બે આખા સ્લાઈસ કાપ્યા વિનાના બ્રેડ, એક વાટકી દૂધ, ૨ વાટકી સાકર, ૧૦૦ ગ્રામ સૂકું કોપરાનું છીણ, ૫૦ ગ્રામ કાજુનો ભૂકો, ૨ ટીપાં લીલો રંગ, ચાંદીનોે વરખ, લાલ ચેરી, ૨ ગ્રામ એલચી, ૨ ચમચા આરારોટ, તળવા માટે ઘી, રોઝ અથવા કેસર એસેંસ.
આખા બ્રેડની સ્લાઈસ કરવી. એક થાળીમાં દૂધ લઈ થોડી સાકર નાખી તેમાં આ સ્લાઈસ પલાળવી (૭થી ૮) મિનિટ સુધી પલાળી રાખવી)
હવે કોપરાનુ ંખમણ, કાજુના ભૂકો, એ બંને ભેગા કરી એક પેણીમાં એક ચમચો ઘી મૂકી તેમાં શેકવા, ગુલાબી રંગ થાય ત્યારે ઉતારી ઠંડુ પડે એટલે એલચીનો ભૂકો તથા સાકર નાખવા, ત્યારબાદ ચારે તરફથી હલાવી તેમાં લીલોરંગ તથા કેસર-રોઝના એસેન્સના બબ્બે ટીપાં નાખવા.
હવે સ્લાઈસને નીતારી એમાં કોપરા-કાજુનો મસાલો પાથરવો એના ગોળ રોલ કરી. આરારોટમાં રગદોળવા અને એના નાના નાના પાતરાની જેમ પીસ કરી ઘીમાં ધીમા તાપે તળવા, ખાંડની ચાસણી કરી એમાં બોેળવા ૫થી ૭ મિનિટ રાખી એક ડીશમાં કાઢી લેવા.
તેની ઉપર ચાંદીનો વરખ લગાડી લાલ ચેરીના ટૂકડાં કરી શોભા કરવી.
આ વાનગી ૧૦ થી ૧૨ દિવસ સુધી રાખી શકાય છે. શિયાળામાં બાળકો માટે પૌષ્ટિક છે.
રાજસ્થાની પુલાવ
સામગ્રી
૨૫૦ ગ્રામ ચોખા, ૧૦ ગ્રામ બટાકા, ૫૦ ગ્રામ વટાણા, ૫૦ ગ્રામ કાંદા, ૫૦ ગ્રામ દહી, ૨ બ્રેડની સ્લાઈસ, ૫ ગ્રામ આદુ, લીલા મરચા, કોથમીર, ૨ નંગ લીંબુનો રસ, ૨ ટેે. મસાલો, ૨ નંગ બદામ, હિંગ, જીરુ, ઘી, તેલ.
રીત : ચોખાને સ્વચ્છ ધોઈને પલાળી રાખો બટાકાને બાફી તેના ગોેળ પતિકા કરો કાંદાને ગોળ સમારો, બ્રેડની સ્લાઈસની ચારેકોરની કઠણ કિનારી કાપી નાખો દરેક સ્લાઈસના ૬ ટુકડાં કરો.
બટાકા, કાંદા, વટાણા અને બ્રેડના ટુકડાને તળો. આદુ, લીલા મરચાંને વાટી નાખો. કાજુ બદામની કાતરી કરો. એક કડાઈમાં ચાર ચમચી ઘી મૂકો. ગરમ થાય એટલે હિંગ જીરુનો વઘાર કરી તેમાં આદુ-મરચાં નાખી જરા રતાશ લાવો.
દહીંને વલોવી તેમાં ધાણા, હળદર, મીઠું, મરચું નાખી ધીમા વઘારો. દહીંમાં ગરમ મસાલો નાખો. તળેલી ચીજો એમાં ઉમેરો, પાંચેક મિનિટ ગરમ કરી દો. તૈયાર થયેલા ભાતમાં લીંબુનો રસ રેડી ચોથા ભાગના ભાત એક તપેલીમાં પાથરી ઉપરનું દહીં તથા મસાલો નાખો થોડા શાક તથા બ્રેડના ટુકડા પણ પાથરો ત્યારબાદ બીજું પડ, ત્રીજું પડ એમ મસાલો નાખતા જાવ. યાદ રાખજો કે નીચે તથા ઉપર ભાત જ રહે.
- હિમાની