દાવત : શિયાળામાં પૌષ્ટિક પકવાનોની જ્યાફત
સંતરાનો સંદેશ
સામગ્રી :
૩ લીટર ભેંસનું દૂધ, ૩ નંગ સંતરા, દળેલી સાકર પ્રમાણસર, ૧/૨ ચમચી સાઈટ્રિક એસીડ અથવા લીંબુનો રસ, બદામ પિસ્તા, વરખ.
રીત :
દૂધને ગરમ કરવું. ઉભરો આવે એટલે અંદર સાઈટ્રિક એસિડ નાંખી દૂધને ફાડવું. લીંબુનો રસ અથવા દહીં નાંખીને પણ દૂધ ફાડી શકાય. દૂધ બરાબર ફાટી જાય એટલે ઝીણા કપડામાં નાંખી પાણી ગાળી લેવું. માવો કપડામાં રહી જશે. પછી તેને એક થાળીમાં બહાર કાઢી હાથથી ખૂબ મસળવો. દૂધ ફાડતી વખતે ખાસ ધ્યાન રાખવું કે માવો છૂટો પડી ન જાય. આ માટે લીંબુ વગેરે પ્રમાણસર નાંખવું. માવો કઠણ રહેવો જોઈએ. પછી અંદર દળેલી સાકર (ખાંડ) નાંખવી. જેટલો માવો હોય તેટલી સાકર લેવી. અંદર એક ચમચી ઓરેન્જનું એસેન્સ નાંખવું. સંતરાને ફોલી અંદરથી ચીરી કાઢી લેવી. ચીરી લાંબી જ રાખવી. માવાના મોટા લુઆ લઈ પહોળા કરી અંદર સંતરાની ચીરી ભરી એના જેવો ઘાટ હાથેથી બનાવવો, અને એક પ્લેટમાં ગોઠવી ઉપર વરખ લગાડવો. બદામ - પિસ્તા નાંખવા અને પછી ફ્રીજમાં ઠંડુ કરવા મૂકવું.
રસબુંદી
સામગ્રી : ૪ લીટર દૂધ, ૨ વાટકી ચણાનો લોટ, ૨ વાટકી ખાંડ, તળવા માટે ઘી, બદામ, પિસ્તા, ઈલાયચી, વરખ, કેસર, ચારોળી, દળેલી સાકર.
રીત : દૂધને એક તપેલીમાં મૂકી, સગડી ઉપર ધીમા તાપે ઉકાળવું. બાસુંદી જેવું જાડું થાય એટલે નીચે ઉતારી અંદર દળેલી સાકર પ્રમાણસર નાંખી ઠંડુ કરવા ફ્રીજમાં મૂકવું. બાસુંદી જરા મોળી રાખવી કારણ કે અંદર ગળી બુંદી આવશે એટલે વધારે ગળી લાગશે.
ચણાના લોટમાં પાણી નાંખી, બુંદી માટેનું ખીરું તૈયાર કરવું. અંદર બે ચમચી ગરમ ઘી નાંખવું. એક કઢાઈમાં ઘી ગરમ કરી ઝીણા ઝારાથી બુંદી પાડવી. સાકરની એક તારની ચાસણી બનાવી અંદર બુંદી નાંખી બહાર કાઢી લેવી. પીરસતી વખતે બાસુદીમાં આ બુંદી નાખી અંદર બદામ - પિસ્તા વગેરે નાંખવા. ઉપર વરખ મૂકવો. જમ્યા પછી ઠંડી રસ બુંદી ખાવી.
પંચશાહી જાંબુ
સામગ્રી : ૨ કાચા કેળા, ૫૦ ગ્રામ બટાકા,. ૧૦૦ ગ્રામ માવો, ૫૦૦ ગ્રામ ખાંડ, ૨૫૦ ગ્રામ ઘી, એલચી ૮-૧૦, ૧૦ કાજુ, બે પત્તી વરખ.
રીત : પ્રથમ કાચા કેળાં અને બટાકાને બાફી નાંખવા અને તેનો છૂંદો કરવો અને આ મિશ્રણમાં માવો નાંખી ખૂબ જ મસળવું. કાજુ અને એલચીનો બારીક ભૂકો કરી ઉપરના મિશ્રણમાં ભેળવી દો. ત્યાર બાદ તેના લંબગોળ ગોળા બનાવી ધીમા ધીમા તાપે તળવા. આ શાહી જાંબુનો રંગ સહેજ કાળાશ પડતો થાય ત્યારે કાઢી લેવા. આ રીતે બધા જ શાહીજાંબુ ધીમા તાપે તળવા.
હવે ૫૦૦ ગ્રામ ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ચીકાશ પડતી ચાસણી બનાવવી. ચાસણી તૈયાર થઈ જાય પછી ઉકળતી ચાસણીમાં આ શાહીજાંબુ નાંખી દેવા અને બહાર કાઢી વરખ લગાવાવો.
ત્રિરંગી ઘૂઘરા
સામગ્રી : ૪૦૦ ગ્રામ મેંદો, ૨૦૦ ગ્રામ રવો, ૧૦૦ ગ્રામ કોપરાનું ખમણ, ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ, ૧/૨ ટી સ્પૂન બેકિંગ પાવડર, ૩૦૦ ગ્રામ ઘી, ૫૦ ગ્રામ ચોખાનો લોટ, ૨૫ ગ્રામ ખસખસ, ૨૫ ગ્રામ ચરોળી, ૧ ટેબલ સ્પૂન દૂધ, ૦ાા તોલો એલચી, ગુલાબી મીઠો રંગ, પ્રમાણસર તળવા માટે ઘી, લીલો રંગ.
રીત : ૧૦૦ ગ્રામ રવાને ઘીમાં ધીમા તાપે બદામી રંગનો શેકી ઉતારી લેવો. થાળીમાં કાઢી તેમાં એક ચમચો દૂધ છાંટી દળેલી ખાંડ, કોપરાનું ખમણ, ચારોળીનો ભૂકો, ખસખસ અને એલચીનો ભૂકો નાંખી સાંજો તૈયાર કરવો.
મેંદો અને ૧૦૦ ગ્રામ રવો ભેગો કરી તેમાં બેકીંગ પાવડર અને ઘીનું મોણ નાંખી, હલાવી તેના ચાર સરખા ભાગ કરવા. તેમાંથી બે ભાગ સફેદ રાખવા, એકમાં ગુલાબી રંગ નાખવો અને બીજામાં થોડોક જ પોપટી રંગ થાય તેટલો લીલો રંગ નાંખવો. બન્ને રંગ દૂધમાં પલાળીને નાખવા અથવા લિકવીડ કલર આવે છે તે નાખવા. પછી સફેદ ગુલાબી અને પોપટી રંગની જુદી - જુદી કણક બાંધવી. તેને એક કલાક રાખી મૂકી, પછી ખાંડી થોડું ઘી લઈ, કેળવી તૈયાર કરવી.
ચોખાના લોટમાં ઘી નાંખી ફીણીને સાટો બનાવવો. સફેદ કણકમાંથી પાતળી મોટી પૂરી બનાવવી. જરૂર પડે તો ચોખાનું અટામણ લેવું. તેના ઉપર સાટો લગાવવો. પછી તેના ઉપર ગુલાબી કણકમાંથી તે જ માપની પૂરી બનાવી મૂકવી. તેના ઉપર સાટો લગાડવો પછી પોપટી રંગની કણકમાંથી પૂરી બનાવી ગુલાબી પૂરી ઉપર મૂકવી અને સાટો લગાડવો. પછી સફેદ પૂરી બનાવી તેના ઉપર મૂકવી. ઉપર સાટો લગાડવો નહીં. બધીપૂરીઓ એક સરખી અને પાતળી વણવી. પછી તેનો વીંટો વાળો ઉભો કાપો એટલે લાંબો જે વીંટો છે તેના બે ભાગ એવી રીતે કાપવા કે જેથી લાંબા બે કટકા થાય. પછી તેમાંથી એક લાંબો કટકો લઈ તેની પડવાળી બાજુ નીચે રાખી તેના ૨ ૧/૨ ઈંચના કટકા કાપવા. નીચે બધા પડ રહે અને ઉપર સફેદ પુરીનો ભાગ રહે તેમ દાબી તેની પૂરી બનાવવી. પછી પૂરી હાથમાં લઈ તેમાં તૈયાર કરેલો સાંજોે મૂકી ઘૂઘરા વાળવા. કિનારે કાંગરી પાડવી ત્યાર બાદ ઘીમાં તળી લેવા. ઘૂઘરા ઉપર ગુલાબી અને પોપટી પાંદડીઓ પડશે અને ઘૂઘરાના પડ રંગીન થશે.
- હિમાની